Get The App

શિયાળાનો ફેશન ફંડા .

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
શિયાળાનો ફેશન ફંડા                                          . 1 - image

- ઘેરા રંગના પરિધાન સ્લિમ અને સ્ટાઈલિશ લુક આપે છે

પ્રત્યેક ઋતુની એક આગવી ખાસિયત હોય છે.આપણે ત્યાં ઋુતુ અનુસાર પોશાક, ખાન-પાન અને રહેણીકરણીની પ્રથા પ્રવર્તે છે. આહાર વસ્ત્રો અને રહેવા-કરવાની દ્રષ્ટિએ જોઈએ તો શિયાળાને શ્રેષ્ઠ મોસમ કહી શકાય. ઠંડીની ઋતુમાં ભૂખ સારી લાગે છે અને જે કંઈ ખાઈએ છીએ તેનું સહેલાઈથી પાચન થાય છે. તે જ પ્રમાણે વિવિધ પ્રકારના ફેબ્રિકના પોશાકને ઠંડીમાં જ પહેરી શકાય છે.આજ બાબતને ધ્યાનમાં રાખીને શિયાળામાં લગ્નના સારા એવા મુહૂર્ત હોયછે.ફેશન ડિઝાઈનરો પણ વિન્ટરસીઝનને પસંદ કરે છે.ઠંડી ઋતુની ખાસિયત એ છે કે તેમાં ઘેરા રંગના અને સિલ્ક, કાશ્મીરી કે ઊનના કપડાંને પહેરી શકાયછે. આથી ફેશન ડિઝાઈનરોને પણ પોતાની ટેલેન્ટ દર્શાવાનો સારો એવો અવકાશ મળે છે.

શિયાળામાં લેધર જેકેટની ફેશન જોવા મળે છે. દરેક સાઈઝમાં મળતાં લેધર જેકેટ પહેરવાથી એકદમ સ્ટાઈલીશ લુક દેખાય છે. ફેશનેબલજીન્સ અને લેધર જેકેટ ફેશનેબલ દેખાવા સાથે ઠંડીની સામે રક્ષણ પૂરંટ પાડે છે. લેધર જેકેટ ઉપરાંત ટ્રેંચ કોટ તથા ફર કોટ પણ પહેરી શકાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શિયાળામાં એવા પરિધાન પસંદ કરવા જે ઠંડીથી બચાવે અને મોડર્ન લુક આપે.

જીન્સ પર પોલો-નેક ટીશર્ટ કે કફતાન સ્ટાઈલના ટૉપ એકદમ હોટ દેખાશે. તે જ પ્રમાણે ઊનના ટી-શર્ટ અને લેસવર્ક કરેલા શિફોનના ટૉપની ફેશન પણ આ શિયાળામાં જોવા મળશે તથા ડેનીમ જીન્સ સાથે ફૂલ બલૂન સ્લીવના ટૉપ વિન્ટરની લેટેસ્ટ ફેશન છે.

ઠંડી ન લાગે તે માટે જાડા ફેબ્રિકના કે ઘેરદાર ડ્રેસને પહેરવાનું પસંદ કરવું. મોટા કોલરના ડ્રેસથી ગળા પાસે ઠંડી નહિ લાગે તથા લોકોનું ધ્યાન પણ સીધું તમારા ચહેરા પર જશે. જોકે મિડી અથવા સ્કર્ટ પહેરો ત્યારે પગમાં ઊનના સ્ટોકિંગ્સ પહેરવાનું ભૂલવું નહીં. પગ ભરાવદાર હોય તો કાળા કે અન્ય કોેઈપણ ઘેરા રંગના સ્ટોકિંગ્સ ખરીદવા. તે જ પ્રમાણે ફૂલ સ્કર્ટ બેલરિના શૂઝ સાથે સરસ દેખાય છે.

આજકાલ ટાઈટ્સ અને લોંગ કે શોર્ટ ટોપ ટ્રેન્ડ પ્રવર્તે છે. ટાઈટ્સ ઠંડીથી પગનું રક્ષણ કરે છે. શિયાળામાં ઘેરા રંગની બોલબાલા હોવાથી ન્યુડ નહિ પણ  ઘેરા રંગના ટાઈટ્સ પહેરવા તથા અલગ દેખાવ માટે તેની નીચે બૂટ પહેરવા.

ઠંડીની ઋતુમાં ડાર્ક કલર 'ઈન' ગણાય છે. કાળા રંગના વસ્ત્રોને  શિયાળામાં મનમૂકીને પહેરી શકાય છે. બ્લકે કલર ડિઝાઈનરોનો મનપસંદ રંગ છે તથા કાળા  રંગના ડ્રેસથી શરીર પાતળું દેખાય છે. વળી કાળા રંગની ખાસિયત એ છે કે તે અન્ય તમામ રંગો સાથેના કોમ્બિનેશનમાં સુંદર દેખાય છે. શિયાળામાં બ્લેક એન્ડ વ્હાઈટ (કાળા અને સફેદ)નું કોમ્બિનેશન ખૂબ જ સરસ દેખાય છે.  કેટલાક ફેશન ડિઝાઈનરો કાળા રંગના વિકલ્પ તરીકે બ્રાઉન રંગને પસંદ કરે છે. જ્યારે ગ્રે રંગનું એકદમ સ્ટાઈલીશ માનવામાં આવે છે. ડિઝાઈનરોના મતે પ્લેન ગ્રેને બદલે પ્રિન્ટવાળું ગ્રે રંગના ફેબ્રિક વધુ સારું દેખાય છે. ફૂલોની ડિઝાઈન ધરાવતાં ગ્રે રંગના ફેબ્રિકથી સ્ત્રીત્વ નીખરી ઉઠે છે. સોફ્ટ અને સુંદર લુક માટે ગ્રે રંગના ડ્રેસ પહેરવાની સલાહ ડિઝાઈનરો આપે છે.

ઘેરા ભૂરા રંગના વિવિધ શેડ્સની ફેશન શિયાળામાં જોવા મળે છે. પાર્ટીમાં રૉયલ બ્લુ, બ્રાઈટ બ્લુ કે ઈલેક્ટ્રીક  બ્લુ રંગના ડ્રેસ ખૂબ જ આકર્ષક દેખાય છે. બ્લુ સાથે બ્લેક રંગના પરિધાનને મેક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય છે.

વાયોલેટ રંગ બધાને ગમે એવું જરૂરી નથી. ઘણાને આ રંગ ભડકીલો લાગે છે. આથી વાયોલેટ રંગ ખાસ પસંદ ન હોય તોે તે રંગના ડ્રેસને બદલે ગ્લોવ્ઝ, શૂઝ, બેગ વગેરે ખરીદવા જોઈએ.

લાલ મોટાભાગની માનુનીઓનો મનપસંદ રંગ છે. લાલ રંગનોે પોેશાક પહેરેલી યુવતી આકર્ષણનું કેન્દ્ર બને છે. કાળા કે ગ્રે રંગ સાથે લાલ રંગનું કોમ્બિનેશન સરસ લાગે છે. આનાથી લુક સોફ્ટ દેખાય છે. પણ લાલ રંગના સેન્ડલથી દેખાવ એકદમ હોટ બને છે.

કેસરીને હૂંફાળો રંગ ગણવામાં આવે છે. જો કે આ રંગ એકદમ બ્રાઈટ હોવાથી  ઈવનીંગ લુકમાં તે યોગ્ય ગણાય છે. શિયાળાની રાતે યોજાયેલી પાર્ટીમાં કેસરી રંગના ગ્લવ્ઝ, શૂઝ, સ્કાર્ફ કે હેન્ડબેગ પણ શોભી ઊઠે છે. જ્યારે પીળા રંગને બ્લેક, ગ્રીન કે રેડની સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરવો જોઈએ. આ રંગ શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુમાં ચાલે છે. લીલો એવોે રંગ છે જે સ્પ્રિંગ, સમર, મોનસૂન કે વિન્ટર એમ કોઈપણ સીઝનમાં પહેરી શકાય છે. કુદરત સાથે સંલગ્ન લીલો રંગ મોટેભાગે બધી જ માનુનીઓને ગમે છે.

શિયાળામાં ડિઝાઈનર પરિધાન ઉપર ઊની વસ્ત્રો પહેરવાને બદલે અંદરની તરફ થર્મલ વેર પહેરવા. થર્મલ વેર શરીર પર ફિટ બેસી જાય છે. એટલે ઠંડી લાગશે નહિ. અને તમે તમારા મનપસંદ આઉટફીટ પહેરી સ્લિમ-ટ્રીમ દેખાશો. તે જ પ્રમાણે ઠંડીથી બચવા સુતરાઉ કાપડને બદલે ઊનના કે સિલ્કના ડ્રેસ પહેરવા. રંગબેરંગી ડિઝાઈનર સ્વેટર જીન્સ પર પણ શોભે છે. તે જ પ્રમાણે ઊનના સ્કર્ટ, મિડી, પુલોવરને મિક્સ એન્ડ મેચ કરીને પહેરવામાં આવે તો વ્યક્તિત્વ પ્રભાવશાળી દેખાય છે. ફિગર આકર્ષક હોય તો ડિઝાઈનર કોેટ પણ સરસ લાગે છે. પશમીનાની શૉલ પણ સ્લિમર લુક આપે છે. ગુલાબી રંગની પશમીના શૉલ ઘેરા રંગના ડ્રેસ પર શોભે છે.

શિયાળો શરૂ થતાં જ અનેક ઠેકાણે સ્વેટર, શૉલ વેચતાં ફેરિયા જોવા મળે છે. પણ આવા સ્વેટર ધોેયા બાદ લાંબા થઈ જાય છે કે તેનો રંગ જાય છે. આથી બ્રાન્ડેડ વિન્ટર વેર જ ખરીદવા જોઈએ. આ ઊની વસ્ત્રો વર્ષો સુધી ચાલે છે. જો વધુ ઠંડી હોય તો હાથમોજાં, મફલર અને હેટ્સ પહેરવા. આ ઉપરાંત રંગબેરંગી સ્કાર્ફ પણ સુંદર દેખાય છે. બ્લેક જેકેટ સાથે લાલ રંગના ગ્લવ્ઝ પહેરવા જોઈએ. સફેદ અને કાળા એમ બે રંગનું મફલર તમામ રંગના ડ્રેસ સાથે મેચ થશે. જો કે હેટની ખરીદી કરતી વખતે ચોક્કસ આઉટફિટ અને ફેબ્રિકને ધ્યાનમાં રાખવા પડે છે. ઊનની ટોપી ઉપરાંત સુતરાઉ, કાશ્મીરી તથા વેલ્વેટની હેટ પણ આકર્ષક દેખાય છે.

સામાન્ય રીતે કડકડતી ઠંડીમાં શરીર આખું ઢંકાઈ જાય તેવા જ ડ્રેસ પહેરવામાં આવે છે. પણ જો ઠંડી ઓછી હોય તો ઑફ શૉલ્ડર ડ્રેસ પણ પહેરી શકાય છે. આવા ડ્રેસ પર ફરનો સ્ટૉલ કે શૉલ પહેરવાથી એકદમ સ્ટાઈલીશ દેખાશો. ડિઝાઈનરોના મતે આ શિયાળામાં કાળા અને લાલ રંગની બોલબાલા રહેશે.

- ઈશિતા