શિયાળાનું પીણું: મસાલેદાર ચહા
શરીરને હૂંફ આપતી હોવાથી ગરમ ચહા શિયાળાની સમાનાર્થી બની ગઈ છે. શિયાળાના ગરમ કપડા પહેરીને સવારની પહોરમાં ગરમા ગરમ ચહાની ચુસકી ભરવી એ પણ આ ઋતુની એક લિજ્જત છે. પણ શિયાળા દરમ્યાન આવી ચહામાં કેટલાક ઓસડીયા ઉમેરવાથી તેની લિજ્જતમાં વધારો થાય છે.
ઠંડીમાં ગરમ મસાલેદાર ચહાનો એક કપ શરીરને જોઈતી હૂંફ આપી શકે છે. તજ, લવિંગ, એલચી, જાયફળ, કેસર અને આદુ શરીરની પાચનશક્તિ તેમજ પ્રતિકારશક્તિ વધારવાની સાથે કડકડતી ઠંડીમાં જોઈતી હૂંફ પણ આપે છે.
ભારતમાં ચહામાં મસાલા ઉમેરવાનો રિવાજ ચહાના વપરાશ જેટલો જ પૌરાણિક છે. ચહામાં પસંદગી મુજબ વિવિધ પ્રકારના મસાલા ઉમેરી શકાય છે. જો કે એમાં મુખ્યત્વે ત્રણ મસાલા સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં પીવાતી મસાલા ચહા એક લોકપ્રિય પીણુ છે. એમાં એકથી વધુ મસાલા ઉમેરવામાં આવે છે. ખાસ કરીને આદુ, લવિંગ અથવા અન્ય મસાલાનું મિશ્રણ પસંદ કરી શકાય.
આદુની ચહા લગભગ દરેક ભારતીયના ઘરમાં બનતી હોય છે. ગ્રીન ટી, બ્લેક ટી અથવા કોઈપણ પ્રકારની ચહામાં માત્ર આદુ ઉમેરીને તેના સ્વાદમાં અનેરો વધારો થઈ શકે છે. આદુથી ચહામાં એક ચટપટો સ્વાદ આવે છે અને શરીરને તાત્કાલિક ગરમી મળે છે. આદુનો વપરાશ ભારતમાં અત્યંત પ્રાચીન છે અને હવે તો વિશ્વના તમામ દેશોમાં ચહામાં આદુ ઉમેરવામાં આવે છે.
તજ મોટાભાગે કાળી ચહા એટલે કે બ્લેક ટીમાં ઉમેરવામાં આવે છે. જો કે તેને ગ્રીન ટી અથવા કોઈપણ પ્રકારની ચહામાં ઉમેરી શકાય છે. તજનો સ્વાદ થોડો મીઠાશભર્યો હોય છે અને ફળના ફ્લેવરની ચહા સાથે તે વધુ સુસંગત બને છે.
સ્વાદ અને જરૂર મુજબ કોઈપણ મસાલાનું કોમ્બિનેશન કરીને ચહાને લિજ્જતદાર સાથે આરોગ્યપ્રદ પણ બનાવી શકાય છે. આવી મસાલેદાર ચહા પીવાના અનેક લાભ છે.
સૌ પ્રથમ તો આવી ચહાથી પ્રતિકારશક્તિ વધે છે. ખાસ કરી આજના કોરોનાકાળમાં પ્રતિકારશક્તિ વધે એની ખાસ જરૂર છે. કેટલાક મસાલા કફ અને ખાંસીમાં લાભ કરે છે. શરદી અને ગળાની તકલીફમાં આદુ અને ફુદીના જેવા મસાલા અવશ્ય લાભ કરે છે. ચહામાં ઉમેરાતા કેટલાક મસાલામાં સોજો ઓછો કરવાના ગુણ છે. ઉકળતી ચહામાં ચપટીભર કેસર અથવા લવિંગ ઉમેરવાથી શરીરના કોઈપણ ભાગમાં સોજો ઓછો કરીને પીડા દૂર કરવાના ગુણ છે.
આજની પેઢી માટે સૌથી મહત્વની બાબત છે વજન ઓછુ કરવું. ચહામાં ઉમેરાતા મસાલામાં વજન ઓછુ કરવાના ગુણ પણ છે. એટલું જ નહિ પણ તેની સાથે પોષક તત્વ પણ ભરપૂર છે. કાળી અથવા લીલી ચહામાં લીંબુના થોડા ટીપા નાખવાથી ભૂખ પર કાબુ રહે છે અને પરિણામે વજન ઓછુ કરવામાં સહાયતા થાય છે. ચહાના મસાલાથી લોહીના પરિભ્રમણમાં પણ લાભ થાય છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન ઓછો સમય સક્રિય રહેવાથી લોહીનું પરિભ્રમણ ઓછુ રહે છે પરિણામે સાંધા પણ જકડાઈ જાય છે. ચહામાં તજ નાખવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને બ્લડ સુગર પણ નિયંત્રણમાં રહે છે.
શિયાળામાં ભારે ખોરાક ખાવાથી તેમજ ઓછી હલનચલન થવાથી પાચન ક્રિયા પર અસર થાય છે. આદુ, ફુદીનો જેવા મસાલાવાળી ચહા પીવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. ખાસ કરીને ભોજન બાદ અથવા બે ભોજન વચ્ચે આવી ચહા પીવાથી ગેસ્ટ્રીક ગેસની સમસ્યામાં પણ લાભ થાય છે.
થાક લાગ્યો ત્યારે કેફિનયુક્ત ઠંડા પીણા પીવાથી આરોગ્ય પર વિપરીત અસર થાય છે. પણ મસાલેદાર ચહા કુદરતી રીતે જ શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. તેની કોઈ આડઅસર પણ નથી થતી કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો અને ખનિજ પુષ્કળ માત્રામાં હોય છે.
આમ ચહા માત્ર શોખ જ નહિ પણ એક આરોગ્યપ્રદ પીણુ બની શકે છે. ખાસ કરીને શિયાળાની ઠંડી સાથે ગરમાગરમ મસાલેદાર ચહાની તોલે કોઈ ન આવે.
- ઉમેશ ઠક્કર