વીન્ડ ચીટર: વરસાદ અને ઠંડી સામે શરીરનું રક્ષણ કરતું વસ્ત્ર
- સરેરાશ છત્રી રેઈનકોટ એકાદ બે વર્ષમાં નિરૂપયોગી થઈ જાય છે. જ્યારે આ જેકેટ પાંચ વર્ષ સુધી અને સાચવીને વાપરીએ તો ઘણા સમય સુધી ચાલે છે.
ચોમાસાના આગમનના પડઘમ સંભળાઈ રહ્યા છે. આકાશમાં વીજળી ઝબકવાના દિવસો ગણાઈ રહ્યા છે. શહેરની હવામાન કચેરીઓના હવામાન - સૂચક યંત્રો સાચી ખોટી આગાહી કરવા તલપાપડ બન્યા છે. વર્ષાઋતુનું આગમન થાય એટલે કોઈ સાહિત્ય-પ્રેમીને મહાકવિ કાલિદાસના 'મેઘ-દૂત'ની યાદ અચૂક આવે. પણ હવે તો વનરાજી અને પ્રકૃતિનું સિમેન્ટ - કોંક્રીટના જંગલોમાં પરિવર્તન થઈ ગયું છે.
વરસાદમાં મન-મૂકીને ભીંજવાની વાત તો હવે શહેરી માણસ માટે દંત-કથા જેવી લાગે છે. મુંબઈ જેવા મહાનગરમાં જીવતા માણસને વરસાદથી ભીંજવું પાલવે તેમ નથી. આ તો શહેર છે. શહેર, અહીં કોઈ મોરલો આષાઢી આભ સામે જોઈ આકુળ વ્યાકુળ નથી થતો. આ તો રેઈન-કોટ અને છત્રીની મોસમ!
શહેરીજનોનું આકાશ છત્રી અને રેઈનકોટમાં ગૂપચૂપ સંતાઈ જાય છે. બાર મહિનાની રોજીરોટી ચારેક માસની 'સીઝન'માં રળી લેવાની વેતરણમાં પડી ગયા છે રેઈન-કોટ છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓ. સમય બદલાય છે સાથે સાથે જીવન-ધોરણ અને રહેણી-કરણી પણ બદલાઈ જાય છે. 'મશીન-યુગ'ની ગતિશીલ જીવનધારા નિતનવા પ્રવાહો બદલતી રહે છે. આજનો યુગ છે 'જેટ યુગ'. ગતિ અને પરિવર્તન અનિવાર્ય બન્યું છે. રેઈનકોટ અને છત્રી બન્ને ચોમાસાના આધુનિક સંતાનો છે. પરંતુ હવે આ વસ્તુઓ પણ ધીમેધીમે 'આઉટ ઓફ ડેટ' થઈ જશે એવું લાગે છે.
આ યુગમાં પોશાક અને ફેશન એટલી ઝડપથી બદલાઈ જાય છે કે 'રાતની ફેશન' બીજા દિવસના સવારે જૂની થઈ જાય છે. હવે આગમન થયું છે બ્લેઝર અને વીન્ડચીટર જેકેટનું એને 'વીન્ડ બ્રેકર' પણ કહી શકાય. એનો ગુજરાતીમાં અર્થ કરીએ તો પવન સાથે છેતરપીંડી' કરનારું એવો થાય. આ 'વીન્ડ ચીટર' જેકેટ પહેરતાં યુવક-યુવતીઓ આપણને મોટેભાગે કાશ્મીર, માથેરાન, ઊટી, બેંગ્લોર જેવા ગિરી પ્રદેશો પર અચૂક જોવા મળે છે. સહેલગાહે નીકળેલા અને ઠંડીથી બચવા માટે આ 'જેકેટ'નો ઉપયોગ જાણીતી વાત છે. પરદેશની બનાવટના (ખાસ કરીને તાઈવાન અને હોંગકોંગથી આયાત કરેલ) આ જેકેટ આપણે ક્યારેક હિંદી ફિલ્મના રૂપાળા કલાકારોને પણ પરિધાન કરેલા જોઈએ છીએ.
આ 'વીન્ડ ચીટર' હકીકતમાં શું છે? 'નાયલોન ફેબ્રિક્સ (કાપડ) પર 'રબર કોટિંગ' કરીને એને 'વૉટરપ્રૂફ' બનાવવામાં આવે છે. ત્યારબાદ જાત જાતની ફેશનને અનુરૂપ 'સ્ટીચ' કરાય છે. આમ તો એની સિલાઈ 'સામાન્ય જેકેટ'ના જેવી હોય છે. આ 'જેકેટ' વોટરપ્રૂફ' હોવાથી વરસાદની મોસમમાં બહુ ઉપયોગી પૂરવાર થાય છે.
બેંગલોરની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ ૧૯૭૮માં આ જેકેટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ અગાઉ ભારતમાં કોઈએ આ પ્રકારના 'જેકેટ' બનાવવાની શરૂઆત કરી નથી. આ 'વીન્ડ-ચીટર' ચોમાસામાં ઉપયોગી છે. 'વોટર પ્રૂફ' હોવાને લીધે, શિયાળામાં પણ એટલા જ ઉપયોગી બની શકે છે. તે પવનને રોકે છે એટલે પહેરનારને ઠંડા પવનની બહુ અસર થતી નથી.
તે વજનમાં ખૂબ હલકાં હોવાથી આસાનીથી સાથે લઈ શકાય છે. સહેલાઈથી ફોલ્ડ કરી શકાય છે. રેઈન કોટ કે છત્રીના વજન કરતાં પ્રમાણમાં એનું વજન ખૂબ ઓછું હોય છે. વળી કાપડ પણ મુલાયમ હોવાથી પહેરવાનું ગમે છે. કાશ્મીર જેવા સ્થળોએ હિમવર્ષામાં લેધર કે વુલનના વીન્ડચીટર ઉપયોગી પુરવાર થાય છે.
સરેરાશ છત્રી રેઈનકોટ એકાદ બે વર્ષમાં નિરૂપયોગી થઈ જાય છે. જ્યારે આ જેકેટ પાંચ વર્ષ સુધી અને સાચવીને વાપરીએ તો ઘણા સમય સુધી ચાલે છે. આ 'વીન્ડ ચીટર' ૩૦૦ રૂ. થી માંડીને ૧૨૦૦ રૂપિયા સુધીની કિંમતના હોય છે. વધુ મોંઘા વીન્ડચીટર ૨૦૦૦ થી ૨૫૦૦ સુધીના હોય છે જેમાં પ્યોર લેધર વપરાયું હોય છે.
જેકેટ ઉપરાંત આ મટિરિયલનું ફૂલ પેન્ટ (જિન્સ ચિટર), સ્કર્ટ, લાઈટ વેઈટ બેગ (બગલ થેલો) જે મુસાફરી માટે અને 'હાઈકિંગ (પર્વતારોહણ દરમ્યાન) માટે ઉપયોગી થઈ શકે. હાઈકિંગ કીટ, સ્કૂલ બેગ, સ્લીપીંગ બેગ, ટેેન્ટ, (કપડાંના તંબુ) વગેરે પણ બનાવે છે.
આ સ્લિપીંગ બેગની વિશેષતા એ છે કે એનું વજન હોય છે માત્ર સવા કિલો. આ 'સ્લિપીંગ બેડિંગ'માં સૂઈને વ્યક્તિ બહારથી ચેન બંધ કરી શકે છે. ૪ સેન્ટીગ્રેડની ઠંડીમાં પણ એમાં સૂઈને હૂંફ મળી શકે છે. આ 'બેડિંગ' કપલ માટે (બે વ્યક્તિઓ માટે) પણ હોય છે. વોટર પ્રૂફ નાયલોન ક્લોથ અને અંદરના પડમાં કોટન ક્લોથ. બન્ને વચ્ચે 'ઈન્સ્યુલેટિંગ ફાયબર' હોય છે. આ સ્લિપીંગ 'બેડિંગ'નું વજન ખૂબ ઓછું હોય છે પણ અલગ સાઈઝ પ્રમાણે એના વજનમાં થોડોક વધારો થાય છે ખરો. આ 'બેડિંગ'ની કિંમત રૂ. ૨૦૦૦ થી ૨૫૦૦ રૂ. સુધીની હોય છે.
આ કાપડ બનાવતી વખતે ખૂબ કાળજી રાખવી પડે છે. કાપડ પર કોટિંગ કરતી વખતે જો કોટિંગ વધુ થઈ જાય તો કાપડ બગડી જાય છે. તેને પાછું રિપ્રોસ કરીને સુધારી શકાતું નથી. મોટેભાગે કારીગરની બેદરકારીને લીધે આવું બને છે.
આખા દક્ષિણ ભારતમાં અને ખાસ તો બેંગલોેરમાં સ્કૂટરનું રાઈડરોનું પ્રમાણ વિશેષ છે. એટલે 'સ્કૂટર રાઈડર્સ' માટે આ જેકેટ વધુ ઉપયોગી બને છે. સ્કૂટર ચલાવતી વખતે સામી દિશામાંથી આવતા પવનની ઠંડકથી બચવા માટે આનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. વરસાદની 'સીઝનમાં પણ યુવાનોને જેકેટ' વધુ પસંદ પડે છે. વળી તે 'સ્વેટર કરતાં વજનમાં કે કિંમતમાં હલકું અને ટકાઉ છે. કેટલાંક આધુનિક યુવકો સ્વેટરને જુનવાણી ગણે છે પણ વીન્ડચીટરને ફેશનમાં ખપાવી એ હોંશે હોેંશે પહેરે છે.
ફેશનમાં ખપી જાય એવું, રંગબેરંગી પહેરવામાં ફાવે તેવું મુલાયમ અને સ્ટાઈલિસ્ટ આ જેકેટ - 'વીન્ટ ચીટર' કે 'વીન્ડ બ્રેકર' મુંબઈના વરસાદને કેવું માફક આવે છે તે માટે થોડા સમયની રાહ જોઈએ તો કેવું?
વડોદરા, અમદાવાદ કે રાજકોટમાં તો વીન્ટચીટરનો ઉપયોગ ચોમાસા ઉપરાંત શિયાળામાં પણ થતો હોય છે. તેથી આ શહેરોમાં વીન્ટચીટરના ચારના બદલે આઠ મહિના કામ આપે છે. વરસાદ અને પવનને છેતરવા માટે કેવું નામ છે ને વીન્ડચીટર!