Get The App

ભારતીય રસોડાઓમાં ઇન્ડકશન કુકિંગનું આગમન સફળ થશે ખરૂં?

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય રસોડાઓમાં ઇન્ડકશન કુકિંગનું આગમન સફળ થશે ખરૂં? 1 - image

- ગોળ કઢાઇમાં ભજીયા-પુરી તળનારી ભારતીય નારી ઇન્ડકશન કુકિંગને અજમાવશે ખરી? 

- આવો,સમજીએ ઇન્ડકશન કુકિંગના લાભ-ગેેરલાભ

ભારતના રસોડાઓમાં વિવિધ પ્રકારની ટેકનોલોજીઓ સક્રિય છે જ પણ એક નવી જ તરાહની રાંધવાની રીતનું ભારતીય રસોડાઓમાં આગમન થઇ રહ્યું છે. હાલ ચાલી રહેલાં ઇરાન-યુએસ-ઇઝરાયેલ યુદ્ધને કારણે પરંપરાગત ગેસના ચૂલા પર રસોઇ કરવાનું મુશ્કેલ બનવાને પગલે શહેરોમાં લોકો ઇન્ડકશન કુકિંગ ભણી વળ્યા છે. પણ આ ઇન્ડકશન કુકિંગ છે શું અને તે વાપરવામાં શું લાભ અને શું ગેરલાભ રહેલાં છે?  

ઇન્ડકશનનો અર્થ સરળ ભાષામાં વીજયુક્ત વસ્તુના સાનિધ્યમાં વીજ વિનાની વસ્તુને લાવી તેને વીજયુક્ત કરવી. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ડકશન એટલે કોઇ ચીજને કોઇક રીતે ગરમ કરવાની રીત. આર્થર સી. કલાર્કના શબ્દોને સહેજ ફેરવીને કહીએ તો ઇન્ડકશનને જાદુથી અલગ પાડી શકાય તેમ નથી. પણ ખરા અર્થમાં તે જાદુ નહીં પણ વસ્તુને ગરમ કરવાની પ્રમાણમાં સલામત રીત છે. ઇન્ડકશન શબ્દનો અર્થ સમજો એટલે બાકીના શબ્દો આપમેળે સમજાવા માંડે છે. થર્મલ ઇન્ડકશન એટલે આપણે આગની આંચ પર કોઇ વસ્તુને ગરમ કરીએ તે. એ જ રીતે ઇલેક્ટ્રિકલ  કે ઇલેકટ્રોમેગ્નેટિક ઇન્ડકશન એટલે વીજળી દ્વારા ઇલેકટ્રિક કોઇલ કે  ચુંબકમાં વીજળી પસાર કરી તેના દ્વારા મેગ્નેટિક ફિલ્ડની રચના કરી તેમાં વીજવાહક ધાતુના વાસણ દ્વારા ગરમી ઉત્પન્ન કરી તેમાં રસોઇ કરવી તે. આ રીતમાં રસોઇ કરવા માટે જે વાસણો વાપરવામાં આવે તે ફેરોમેગ્નેટિક હોવા જરૂરી છે. ફેરોમેગ્નેટિક એટલે જેમાંથી વીજવહન થઇ શકે તેવી ધાતુઓ. કાસ્ટ આર્યન અને સ્ટેઇનલેસ  સ્ટીલ એ ફેરોમેગ્નેટિક ધાતુઓ છે. તાંબા અને એલ્યુમિનિયમના  વાસણો આમાં કામ આવતાં નથી. પરંતુ જો આ વાસણોના તળિયે એક વધારાનું પડ ઉમેરી તેમને મેગ્નેટિક બનાવવામાં આવે તો તે કામમાં આવે છે. તમારા વાસણો ઇન્ડકશન પર કામ આપશે કે તે ચકાસવાનો સરળ રસ્તો એ છે કે તમારે ચુંબક તમારા વાસણના તળિયે ફેરવવું. જો ચુંબક વાસણને ચોંટી જાય તો તમારું વાસણ વીજવાહક ગણાય અને તેનો ઉપયોગ ઇન્ડક્શન પર થઇ શકે. પણ જો ચુંબક વાસણના તળિયે ન ચોંટે તો આ વાસણ ઇન્ડકશન પર રસોઇ કરવા માટે  નકામું છે તેમ સમજવું. 

સામાન્ય રીતે ઇન્ડકશન કુકિંંગમાં સિરામિકની પ્લેટની નીચે તાંબાના વાયરની કોઇલ ગોઠવવામાં આવેલી હોય છે. જ્યારે વાસણને પ્લેટ પર મુકવામાં આવે ત્યારે એસી કરન્ટ તેમાંથી પસાર થાય છે જેને પરિણામે મેગ્નેટિક ફિલ્ડ રચાય છે જેમાં ઇઇડીડીવાય એટલે કે એડી કરન્ટ પ્રતિકાર તરીકે પેદાં થાય છે. પ્લેટ પરનું વાસણ તેના કારણે ગરમ થાય છે આ રીતમાં ૮૪ ટકા ઉર્જા ટ્રાન્સફર થાય છે. ગેસ કે સિરામિક ઇલેક્ટ્રિક પ્લેટમાં આ પ્રમાણ ૭૪ ટકા હોય છે. આમ, ઉર્જામાં દસ ટકાની બચત થાય છે. બીજી મહત્વની બાબત સુરક્ષા છે. આ રીતમાં કોઇ અગનઝાળ કે જ્યોત ન હોઇ આગ લાગવાની કોઇ શક્યતા રહેતી નથી. સામાન્ય ગેસના ચૂલા પર પાણી ગરમ કરવામાં જેટલો સમય લાગે તેનાથી અડધાં સમયમાં ઇન્ડકશન પર પાણી ગરમ થઇ જાય છે. બીજી મહત્વની બાબત એ છે કે આ રીતમાં આખા વાસણમાં કરન્ટ પસાર થતો હોઇ એકસમાન ગરમીથી રસોઇ થાય છે. ગેસના ચૂલા પર વાસણ ગરમ થવાથી  તે એક જગ્યાએથીકાળાં પડી જવાની કે દાઝી જવાની સંભાવના આ રીતમાં રહેતી નથી. 

સૌથી રસપ્રદ બાબત ઇન્ડકશન કુકિંગમાં એ છે કે તેમાં તમારે બળવાથી પેદાં થતી ગરમી કે ધુમાડાની સમસ્યા રહેતી નથી. ધૂમાડો ન થાય તો તમારે તેને દૂર કરવા એકઝોસ્ટ ફેન કે ચીમની બેસાડવાની જરૂર રહેતી નથી. બીજી મહત્વની બાબત સુરક્ષા છે. ગેસના બર્નર ચાલુ રહી જવાની  ઘટનામાં ગૂંગળામણ થવાનું અને તણખો પડે તો આગ લાગવાનું જોખમ રહે છે. એ જ રીતે ગેસ બળતો હોય અને તેને બંધ કરવાનું ભૂલી જાવ તો આગ લાગવાનું જોખમ રહે છે. અને ગેસના વપરાશનું બિલ વધારે આવે તે નફામાં! ઇલેકટ્રિક સ્ટવમાં પણ તમે વાસણ હટાવી લો તે પછી સ્ટવ ગરમ રહે છે. પણ ઇન્ડકશનમાં આવી કોઇ સમસ્યા રહેતી નથી. ઇન્ડકશન સ્ટવમાં તમે સ્ટવ ચાલુ રાખો અને તેના પરથી વાસણ હટાવી લો તો શું થાય? કશું નહીં. કેમ કે જ્યાં સુધી વાસણ સ્ટવ પર ન હોય ત્યાં સુધી કોઇ ઉર્જા પેદાં થતી નથી. મોટાભાગના ઇન્ડકશન  સ્ટવની રચના એવી હોય છે કે તેના પરથી વાસણ હટાવો એટલે થોડીવારમાં તે આપોઆપ બંધ થઇ જાય છે.

 ભારતમાં જો કે હજી વિવિધ કારણોસર એલપીજી અને એનપીજી ગેસ વાપરવાનું ચલણ વધારે છે. પ્રથમ તો ગેસ સામે એલપીજીનો વપરાશ વધારે હોવાનું કારણ વીજળીનો અવિરત પુરવઠો હજી દેશના ઘણાં વિસ્તારોમાં ઉપલબ્ધ નથી, જેને કારણે ઇન્ડકશનનો વપરાશ ભારતમાં વધવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે.નાના શહેરોમાં વીજકાપ કહો કે લોડશેડિંગની સમસ્યા હજી ઉકેલી શકાઇ નથી. બીજી તરફ તેની સામે એલપીજીના સિલિન્ડર ઉંંચકીને ગમે ત્યાં રસોઇ માંડી શકાય છે. તેના માટે તમારે વીજપુરવઠા પર આધારિત રહેવાની જરૂર નથી. 

બીજું મહત્વનું પરિબળ વીજદર અને ગેસના દરોમાં રહેલો ફરક છે. હાલ ગેસના દરોમાં વધારો તોળાઇ રહ્યો છે તેમ છતાં વીજ દરોની સરખામણીમાં ગેસના દરો પ્રમાણમાં ઓછાં છે. કેલેરોફિક વેલ્યુની નજરે સરખામણી કરીએ તો એલપીજી એક કિલો ગેસ સામે ૧૧૯૫૦ કેસીએએલ આપે છે તેની સામે વીજળી દર કલાકે કિલોવોટ દીઠ ૮૬૦ કેસીએએલ આપે છે. આમ, દર એકમ દીઠ વીજળી કરતાં ગેેસ વધારે ઉર્જા પુરી પાડે છે. બીજું મહત્વનું પરિબળ ભારતીય રસોઇ ખુલ્લી આંચ સાથે કરવાનુ વધારે સુગમ રહે છે. વઘાર કરવાની કે તળવાની જે મજા કઢાઇમાં આવે તે ઇન્ડકશન પર આવે તેમ નથી. ઢોકળાં કે ખમણ બનાવતી વખતે બરાબર ચઢ્યા કે કેમ તે તપાસવાનું ગેસ પર પ્રમાણમાં સરળ છે. આવી જ રીતે રોજિંદા વપરાશમાં આવતાં બટાટાને બાફવા કૂકર વાપરવાનું કામ ગેસ પર વધારે સરળ બની રહે તેમ છે. 

બીજી મહત્વની વાત ગેસ પર રાંધવા માટે તમારે કોઇ ખાસ પ્રકારના વાસણોની જરૂર પડતી નથી. સ્ટીલ, એલ્યુમિનિયમના  વાસણો તથા માટીના કલાડાં સુધીની ચીજો ગેસ પર રસોઇ કરવા માટે વાપરી શકાય છે. પરિણામે આમ, તમામ નફા-નુકશાનની ગણતરી કર્યા બાદ ભારતની કરકસરિયાળ ગૃહિણીઓ આ કારણે ઇન્ડકશનને અપનાવવામાં અચકાશે તેમાં કોઇ શંકા નથી. દરમ્યાન, સરકાર સ્વચ્છ ઇંધણ તરીકે ઇન્ડકશનના વપરાશને પ્રોત્સાહન આપવાનું શરૂ કરે  તો વાત જુદી છે. 

-વિનોદ પટેલ