- આરોગ્ય સંજીવની
માનવજીવનના વિવિધ તબક્કાઓમાં બાલ્યાવસ્થા ખૂબ અગત્યની છે. આ સમયે બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. આથી બાળકોના યોગ્ય પોષણ માટે બપોર તથા સાંજના ખાણા જેટલી જ અગત્ય સવારના નાસ્તાની પણ રહે છે. બાળ જીવનમાં છ વર્ષની ઉંમર સુધી બાળકનું મગજ વૃદ્ધિ પામે છે અને બૌદ્ધિક વિકાસ પૌષ્ટિક આહાર પર આધાર રાખે છે. ખાસ કરીને પ્રોટીન તથા અમુક પ્રકારની આવશ્યક ચરબી મળવી માનસિક તેમજ શારીરિક વિકાસને માટે ખૂબ જરૂરી છે. આમ, ટૂંકમાં દરેક માતાએ પોતાનાં બાળકની વય અનુસાર યોગ્ય પૌષ્ટિક નાસ્તા આપવા અંગે જાગૃત રહેવું જોઈએ.
વૃદ્ધિના ઝડપી તબક્કામાં સૌપ્રથમ જીવનનું પ્રથમ વર્ષ અને તે પછી ત્રણથી છ વર્ષનો ગાળો વધુ અગત્યના છે. પ્રથમ છ માસ તો બાળક માટે માતાનું દૂધ જ ઉત્તમ છે અને બીજા કોઈ આહારની જરૂરત નથી. લગભગ છ માસ પછી બાળકોને અપાતા સૂપ, શાક, ફળ વિ. ને લીધે તેમને જુદા જુદા સ્વાદ માણવાની ટેવ પડે છે. બે વર્ષની ઉંમરની આસપાસ બાળક પ્રિ-નર્સરી કે પ્લે સેન્ટરમાં જતું હોય છે. કેટલાંક બાળકો સીધા જ કે.જી.માં જતા હોય છે. મોટેભાગે નર્સરીમાં નાસ્તો લઈને જવાનું હોય છે અને કે.જી.માં નાસ્તો સ્કૂલમાં અપાય છે. વળી પ્રાથમિક શાળામાં ઘરેથી નાસ્તો મોકલવાનો હોય છે. બાળકને સવારે આપવાના નાસ્તાનો આધાર નીચેની કેટલીક બાબતો પર રહે છે.
સ્કૂલનો સમય.
સ્કૂલમાં નાસ્તો કરવાનો સમય.
કૌટુંબિક દિનચર્યા અને નાસ્તા જમણ વિ.નો સમય.
કુટુંબની દરેક વ્યક્તિએ એમાં મદદ કરવી રહી કેમકે ઘણાં કુટુંબોમાં વારાફરતી અથવા અવારનવાર ચોકલેટ કે પીપરમીંટ અપાતી હોય છે. પછી બાળક કંઈ ખાતું જ નથી. એ ફરિયાદ ચાલુ જ રહે છે.
સૌપ્રથમ એ ધ્યાન આપવું જોઈએ કે જો બાળકની સ્કૂલનો સમય વહેલો હોય તો સવારના નાસ્તાની અગત્ય વધુ રહે છે. જો બાળક સ્કૂલમાં ખાસ નાસ્તો ન કરતું હોય તો અને ક્યાં તો સવારે ભારે નાસ્તો કરાવીને મોકલવું જોઈએ ક્યાં તો જો વ્હેલાં જતું હોય પણ બરાબર જમી શકતું હોય તો વાંધો ન આવે અને જો બાળક બરોબર જમી ન શકે તો સાંજનો નાસ્તો અગત્યનો બની રહે છે. વળી, આખી રાત્રીની ઉંઘ બાદ સવારે બાળક ભૂખ્યું હોય છે. પણ ક્યાં તો ઉતાવળમાં ક્યાં તો ટેવ ન હોવાથી નાસ્તો કર્યા વિના જતંા રહે છે. તેને સ્કૂલમાં થોડો ભારે નાસ્તો આપવો જોઈએ.
નાસ્તા માટે બીજું અગત્યનું પરિબળ એ ભૂખના તબક્કા છે. કૌટુંબિક દિનચર્યા મુજબ બાળક જ્યારે નાનુ હોય ત્યારે ઊઠીને તરત નાસ્તો ન કરવા ટેવાયું હોય અથવા થોડું વ્હેલું જમી લેવા ટેવાયું હોય તો સ્કૂલમાં પણ તેને એ સમયે ભૂખ લાગે છે. કેટલીક વાર બરાબર ટાઈમે ખાવાનું ન મળતા બાળકને અશક્તિ લાગે છે. ક્યાં તો ભૂખ મરી જાય છે. આથી ભૂખના સમય અંગે વિશેષ જાગૃત રહેવું જોઈએ.
સ્કૂલના નાસ્તામાં શું આપી શકાય ?
ફળોમાં : જરા પાકું પણ કડક કેળું અથવા સફરજન, જામફળ પેર અને સાથે આથેલું આમળું આપી શકાય.
સેન્ડવીચ : સેન્ડવીચ બનાવવામાં લઈ જવામાં, ખાવામાં તથા સ્વાદમાં એમ દરેક રીતે સારી રહે છે અને તેમાં વિવિધતા લાવી શકાય છે.
નીચે મુજબની સાદી તથા ગ્રીલ્ડ સેન્ડવીચ બાળકને આપી શકાય. સેન્ડવીચમાં પણ એક જ પ્રકારની બ્રેડ ન આપતા વિવિધ પ્રકારની બ્રેડ વાપરવાથી પણ ચેન્જ રહે છે.
સાદી સેન્ડવીચ
* વેજીટેબલ ટામેટાં, કાકડી, ગાજર જેવા શાકની સાથે લેટયુસ અને કોબીજ મૂકીને.
* ચીઝ, માખણ અને છીણેલું ચીઝ કે ચીઝ સ્પ્રેડ લગાડીને.
* ચીઝ-જામ-કોઈ પણ ફળનો જામ. માખણ તથા ચીઝની.
* ચટણી-કોથમીર કે કોથમીર ફૂદીનાની ચટણી લગાવીને
* ચીઝ-ચટણી
* આલુમટર બાફેલા બટાકા, વટાણા વિ. માં મસાલો કરીને
આ ઉપરાંત ક્લબ સેન્ડવીચ પણ કરી શકાય.
ઉપર જણાવેલ સેન્ડવીચને ગ્રીલ્ડ (Grilled) પણ આપી શકાય.
સેન્ડવીચમાં પનીર પણ સારું લાગે છે. કાચા શાક સાથે અગર બાફેલા શાક સાથે.
અન્ય નાસ્તાઓ :
પ્રમાણમાં હળવો નાસ્તો :
(૧) બટાકા પૌંઆ, મકાઈ પૌંઆ, મકાઈ પૌંઆ કે વટાણા પૌંઆ
(૨) ઉપમા
(૩) ખમણ, ઢોકળા કે પાટુડા
(૪) પનોળી, ઇડલી
(૫) નાસ્તાની મસાલાવાળી પૂરી
(૬) વિવિધ ચીકીઓ
(૭) બિસ્કીટ નાનખટાઈ ઘરે બનાવેલાં
ભારે નાસ્તા :
(૧) વેજીટેબલ હાંડવો
(૨) પરોઠા શાક
(૩) ચીઝ પરોઠા અથવા શાક સ્ટફ કરેલાં પરોઠા
(૪) સુખડી
(૫) ઢેબરા (ભાજીના)
(૬) બાજરીના વડા
(૭) મગસ કે મોહનથાળ
બાળકોના નાસ્તા અંગે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી :
૧. ઢેબરાનો લોટ બાંધવામાં દહીં અચૂક વાપરવું જેથી પોષણ મળે અને ગળપણ માટે ગોળ નાખવામાં આવે તો તે પણ બાળકોને માટે સારો.
૨. બને તેટલું ઓછું તેલ મૂકીને ઢેબરા શેકી ફ્રાય કરવા.
૩. શાક તથા ભાજીનો ઉપયોગ કરી શકાય તેવી વાનગી વધુ આપવી.
૪. નાસ્તાના ટેક્સચરમાં કડક, મધ્યમ અને પોચું એમ જુદું જુદું ટેક્સચર આપવાથી બાળક દરેક પ્રકારના ટેક્ચરની વાનગી ખાતા શીખે છે.
૫. બાળક જો સ્કૂલમાં બહારનું ખાતું હોય તો તેને ફળ ખરીદીને ક્યાં તે શેકેલા મકાઈ, શીંગ, ચણા, ચીકી ખાવા કહેવું જોઈએ. જેથી હલકી ગુણવત્તાવાળા ખોરાક ઓછા લે.
નીચે કેટલાંક સવારે તેમજ સાંજે આપવાના નાસ્તા અને તેનું કોમ્બીનેશન આપ્યું છે.
સવારે :
(૧) ૧ ગ્લાસ દૂધ અથવા બટાકા પૌંઆ અથવા ઉપમા
(૨) સાદું પરોઠું ૧ સફરજન કે કેળું
(૩) ૧ ગ્લાસ દૂધ ઢોકળા કે ઢેબરા
(૪) ફળનો રસ (નારંગી, મોસંબી વિ.) ખાખરા અને મગ અથવા સ્ટફ પરોઠા
સાંજે :
(૧) ૧ ગ્લાસ દૂધ, ચીઝ જામ સેન્ડવીચ અથવા વેજીટેબલ સેન્ડવીચ
(૨) ૧ ગ્લાસ દૂધ, ઉગાડેલ મગ (શાક જેવા)
(૩) ૧ ગ્લાસ લીંબુનું શરબત, ૩ પીસ મગફળીની ચીકી
(૪) મિલ્ક શેક-ચીકુ, કેળા પેર વિ. નો હાંડવો
સ્કૂલે ન જતા બાળકનો સવાર સાંજનો નાસ્તો
આહાર: ઉંમર ૧ થી ૩ વર્ષ ૪ થી ૬ વર્ષ
અનાજ ૧૭૫ ગ્રા. ૨૭૦ ગ્રા.
કઠોળ ૩૫ ગ્રા. ૩૫ ગ્રા.
લીલાં પાંદડાવાળા શાક ૪૦ ગ્રા. ૫૦ ગ્રા.
બીજા શાક ૨૦ ગ્રા. ૩૦ ગ્રા.
કંદમૂળ ૧૦ ગ્રા. ૨૦ ગ્રા.
દૂધ ૩૦૦ મીલી. ૨૫૦ મીલી.
તેલ અને ચરબી ૧૫ ગ્રા. ૨૫ ગ્રા.
ખાંડ અને ગોળ ૩૦ ગ્રા. ૪૦ ગ્રા.
(ઉંમર વર્ષ છ મહિનાથી ૨ વર્ષ)
જ્યારે બાળક સ્કૂલે ન જતું હોય ત્યારે અમુક કિસ્સાઓમાં તેની ખાવાની ટેવો અને સમય નિશ્ચિત હોય છે. જો એવું હોય તો માતાને સારું રહે છે પણ જો બાળક ટાઈમસર ન ખાતું હોય અને દિવસમાં ફરતા ફરતા જ્યારે ઇચ્છા થઈ ત્યારે ખાતું હોય તો માતાને પણ તકલીફ પડે છે અને બાળક જ્યારે નર્સરીમાં જાય ત્યારે તેને પણ તકલીફ પડે છે.
લગભગ એક વર્ષની આસપાસના બાળકને સવારે ઊઠીને દૂધ પીધા પછી લગભગ ૩ થી ૪ કલાકના અંતરે ખાવાની ટેવ પાડવી જોઈએ.
આ ઉંમરે બાળકને બાફેલા શાક, પાકા ફળ જેવા કે પપૈયું, કેળું વિ. જરા જાડો સુપ, ઢોકળા, બિસ્કીટ (ઘરે બનાવેલાં) રવાની ખીર, જરા જાડી રાળ (પોચો) ઢીલો હલવો વિ. બાફેલું સફરજન છુંદીને પ્યુરી જેવું બનાવી આપી શકાય.
બાળક જેમ જેમ મોટું થાય તેમ તેને તે ચાલી શકે તેવા ઉપરના નાસ્તામાંથી આપવા.
- જ્હાનવીબેન ભટ્ટ


