Get The App

દાંપત્ય જીવનનું સુકાન પતિના હાથમાં શા માટે?

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
દાંપત્ય જીવનનું સુકાન પતિના હાથમાં શા માટે? 1 - image


- શું સ્ત્રીએ પુરુષનું પ્રભુત્વ સ્વીકારી લેવું?

બાળપણથી જ છોકરીઓને તેમની ભાવિ જીવન ભૂમિકા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તૈયાર કરવામાં આવે છે એ કિશોરી બને એ પહેલાં જ એનો રસોડા સાથએનો નાતો વધારે દ્રઢ બનાવવામાં આવે છે. ઘરમાં આ રીતે કોઇકનું પ્રભુત્વ શરૂ થાય છે. દાદા, નાના, પિતા, ભાઇ, કાકા એમ પુરૂષ વર્ગના તમામ સભ્યોની આમાન્ય રાખવાનું કહેવામાં આવે છે.

સ્ત્રીને પ્રારંભથી એક મીઠુ ઝેર પણ પાવામાં આવતું હોય છે કે એણે પોતાને માટે નહીં, પણ બીજાને માટે જીવવાનું હોય છે. માટે એને સ્વાર્થ ત્યાગ, પ્રેમ, સેવા, ત્યાગ અને બલિદાનના પાઠ ભણાવવાનું બાળપણથી જ શરૂ થઇ જાય છે. આ પ્રત્યક્ષ ઉદાહરણ અને હુકમથી મોટી બહેનો પુરુષ વર્ગ કોરા હુકમોથી એને સતત ખ્યાલ આપ્યા કરે છે કે એણે સેવાત્યાગ અને બલિદાનમાં જ જીવનભર ખુશી માનવાની છે.

આગળ વધવું, કાંઇક બનવું, કાંઇક કરી બતાવવું, દુનિયામાં પોતાનું આગવુ સ્થાન મેળવવું- એ પ્રત્યેક કિશોર- કિશોરીની ઝંખના હોય છે. પુરુષ- સત્તાવાળા સમાજમાં પેલો કિશોર તો વત્તેઓછે અંશે પોતાના લક્ષ્યની દિશામાં ગતિ કરતો રહે છે, અથવા એવી ભ્રમણામાં તો એ જરૂર રાચે છે. પણ પેલી કિશોરી સત્તર વર્ષની વયે પહોંચતા સુધીમાં બાકીની બધી જ મહત્ત્વાકાંક્ષાઓને વીંટો વાળીને પ્રેમનાં સપનામાં ઉડવા લાગે છે.

એ વખતે એનું દૂરનું લક્ષ્ય હોય છે લગ્ન અને સુખી દાંપત્યજીવન. આની પ્રાપ્તિ માટે સારો વર જોઇએ, સંસ્કારી ઘર જોઇએ. પોતે જો સારી અને સંસ્કારી લાગે તો જ કોઇ પસંદ કરે, તો જ ભાવિ જીવનમાં પેલા સપનાં સિધ્ધ થાય, એવા ખ્યાલથી એ પોતાના વિચાર સ્વાતંત્ર્યને, વ્યક્તિત્ત્વને જાણે પેલી ઝંખનાને ત્યાં ગીરો મૂકે છે. અન્યના અભિપ્રાયનું મૂલ્ય એના માટે વધારાનું મહત્ત્વનું બની જાય છે. એનું લક્ષ્ય બીજાનો સદ્ભાવ ભલી લાગણી અને સારાપણાનું સર્ટિફિકેટ જીતવાનું જ રહે છે. એના તમામ વ્યવહારો ઉપર આ લક્ષ્યની છાયા ઢળેલી હોય છે. એટલે પોતાને જેની સાથે જીવન જોડવાનું છે. એ કલ્પિત ભાવિ પતિના સંદર્ભમાં જ જાણે એ પોતાના જીવનની માંડણીઓ ગોઠવવા માંડે છે.

આજે આ મનોવાતાવરણ અને સંસ્કાર છાયામાં ઘણો બધો ફેરફાર થઇ ગયો છે એમ કહેવું વિવાદાસ્પદ ગણાશે. સંતુલન જરાક આડું અવળું થયું હશે. બાકી મધ્યકાળમાં સ્ત્રી સમુદાય માટે જે વિશેષ ક્ષેત્રો હતાં એ આજે પણ ઝાઝાં બદલાયાં નથી. ધર્મના પ્રતીક જેવો દીવો અને પૂજાવિધિ એણે સંભાળવાની. વ્રતોત્સવોનું ધ્યાન એણે રાખવાનું, ભરતગુંથણ તો ઠીક પણ ગૃહ સુશોભન પણ સુવાંગ એનો જ વિષય ગણાય. પરિવારના સભઅયોના સ્વાસ્થ્યની જવાબદારી એની, સેવા માટેના ઉજાગરા એણે કરવાના, બાળકોનું શિક્ષણ બરાબર ચાલે ને એના સંસ્કાર અવળા ના થઇ જાય એની કાળજી પણ સ્ત્રીએ જ રાખવાની! રખેને પોતાની જમાના જૂની આ જવાબદારીઓએ ભૂલી ના જાય એટલા માટે સલાહ કહો કે આદેશ- એને સ્થાપિત હિતો અને પરંપરાના રક્ષકો દ્વારા અપાતો જ જાય છે.

આ તો આંધળા- લુલાના સગવડિયા કરાર જેવું થયું ગણાય. પતિપત્નીના આવા જીવનમાં ગોઠવણ જરૂર છે, પણ સંબંધની એટલી જ નોંધપાત્ર ગેરહાજરી છે. વિકાસ સાધવાને બદલે, આગળ ધપવાને બદલે, સ્વતંત્ર વ્યક્તિ તરીકેના પેલા અંકુરને પલ્લવિત કરવાને બદલે એ બન્ને જણાં એક જ બેઢંગી ઘટમાળામાં ચક્કર માર્યા કરે છે.

તમારી ચારે બાજુના પરિવારોમાંથી નોંધ લેજો. મોટાભાગની પરિણીત સ્ત્રીઓ જીવનની તાજગી અને જાગૃતિના અભાવવાળી હશે. બધા પુરુષો કાંઇ ઉત્સાહથી છલકાઇ જતા હોય છે એવું નથી. પણ એ લોકો કશીક વિશેષ પ્રવૃત્તિ માટે વત્તાઓછે અંશે પ્રયત્નશીલ હોય છે. અથવા તો એમ દેખાવાની કોશિશ તો કરતા જ હોય છે. જ્યારે સ્ત્રીઓ રોજિંદી ઘટમાળની બહાર જ નથી આવી શકતી.

સ્ત્રીઓ રસોડાની માવજત, દીવાનખાનાની સંભાળ અને વોર્ડરોબ ડ્રેસીંગ ટેબલની સમૃધ્ધિની ગણતરીમાંથી ઊંચી આવતી જ નથી. પોતાનું સત્વ, આગવું વ્યક્તિત્ત્વ એ વિશે એમનામાં ભાગ્યે જ કોઇ નિશ્ચિત ધારણા કે આગ્રહ જોવા મળે છે. પોતાના વ્યક્તિત્ત્વને કે વાતાવરણને પોતે આગવો નિખાર આપી શકે ને કોઇ વ્યક્તિને પ્રવાહના સંદર્ભ વગર પણ પોતાના અસ્તિત્ત્વનું આગવું શિલ્પ કંડારી શકે તેમ છે એવો વિચાર પણ એમને ભાગ્યે જ આવે છે. આવતો હોય તો કહી શકતી નથી. પોતાની લાગણીઓને દબાવી રાખી જેમ છે તેમ જ બધુ ચાલવા દે છે. નવો ચીલો કંડારી શકતી નથી.

વિચિત્ર વસ્તુ તો એ છે કે પત્નીના મનના સ્ટેજની પાછળ જાતજાતના ડરનાં ભૂત ભમતાં હોય છે. જીવનમાં જેનું મહત્ત્વ ગણાય છે એવી સ્થિરતા પામ્યા પછી પણ એ ભાવિ સલામતી વિશે હંમેશા ડરતી જ રહે છે.

પોતે એકલી પડી જશે તો શું થશે? એ ડર એને સતત ત્રાસ આપે છે. પરંપરા અને ચીલાચાલુ જીંદગી એને એટલી ગમે છે કે પોતાનો ઢાંચો બદલવાનો વિચાર પણ એને પથરાવી મૂકે છે. તમને અસંખ્ય સ્ત્રીઓ એવી જોવા મળશે જે છમાં પાંચ કમે જાગતી હોય, છને વીસે ન્હાઇ લેતી હોય, પચ્ચીસે દૂધ ઉકાળતી હોય, સવા સાતે પોતું કરતી હોય, સાડાસાતે કપડાં ધોતી હોય અને સાડા આઠે દાળ વઘારતી હોય. સાંજે એ શાક લેવા નીકળી હોય ત્યારે પોણા ચાર ને પાંચ થઇ જ હોય. એને આવા કંટાળાજનક ટાઇમટેબલમાં પણ જરા જેટલોય ફેરફાર કરતાં તાવ ચઢી જાય. નવું ડગ ભરવાનું જોખમ લેવાનો એ વિચાર પણ ના કરે. એ પુત્રવધૂ તરીકે સ્થિર થઇ ત્યારથી એણે પકડીને પરંપરા પોતે સાસુ થાય ત્યારે પણ ચાલુ રાખવાનો એનો આગ્રહ રહે છે.

સ્વાભાવિક છે કે નવા નવા ઉન્મેષ અને સોહામણાં પરિવર્તનોની ઝંખના રાકનારા મનના ઉલ્લાસને આ રીતે દાબી રાખવામાં આવે ને 'પતિ' નામના ખીલાની આસપાસ ફરતું રાખવામાં આવે તો પેલું ભીતરી અવચેતન મન (સબકોન્શ્યસ માઇન્ડ) બળવો કરે જ. એનાં દબાયેલાં સપના જાય ક્યાં? એ પછી નાટયાત્મક રીતે, જૂજવેરૂપે બહાર પ્રગટ થવા લાગે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ત્રીઓનો શોપિંગનો, ખરીદી કરવાનો કે આંધળો ધખારો હોય છે એમાં પણ ઉપરનું જ કારણ જવાબદાર હોય છે. બહોળા જીવનમાં અધિકારો રસોડા પુરતા મર્યાદિત થઇ ગયા હોય, અગત્યના નિર્ણયોમાં એનો અવાજ જ ના હોય, ત્યારે એને સાચી ખોટી ખરીદી કરવાની મનોવૈજ્ઞાાનિક માનસિક ચળ ઉપડે છે. દુકાનમાં એ દલીલ કરી શકે, સો સીડીઓ કઢાવીને એક પણ સાડી લીધા વગર એ પગથિયા ઉતરી જાય અને મિત્રની સાથે વાત કરતી હોય એટલી જ આત્મીયતાવાળા હાસ્ય સાથે એ દુકાનદાર સાથે પ્રલાપ કરી શકે એને એ સ્વાતંત્ર્ય માણવાની તક ગણે છે ને એનો એ બરાબર ઉપયોગ કરે છે.

સ્ત્રીઓમાં સ્વતંત્ર વિચારશક્તિ છે જ નહીં એમ કહેવામાં આવે તો દુનિયાની અર્ધી વસતિથી વધુ વિધાનના વિરોધમાં ઊભી થઇ જાય.

'આપ ભી સુંદર બન શકતી હૈ' એવા સ્લોગન સાથેનો રૂપાળી મમતા કુલકર્ણીનો ચમકતો ચહેરો જોઇ એ જાહેરખબરમાં જેના વિશે લખવામાં આવ્યું હોય એ ક્રીમ કે રૂઝ લેવા માટે મોટા ભાગની સ્ત્રીઓ કેમ પડાપડી કરતી હશે?

પોતાના સાડી ભંડારમાં અડતાલીસ બીનજરૂરી સાડીઓને વધારાનો સ્ટોક હોવા છતાં પડોશણ લાવી એવી બે હજારની સાડી લાવવાનું પૈણ પેલા બહેનબાને કેમ ઉપડતું હશે?

ચીનમાં નાની બાળકીઓના લોખંડના પગરખાં પહેરાવીને એમને પગનો વિકાસ રૃંધી નાખવામાં આવતો હતો એ જ રીતે આપણે ત્યાં સ્ત્રીઓ દિમાગને અને તેમની સ્વતંત્રતા વિચારશક્તિને કુંઠિત કરી નાખવા માટે જાણે અનેક પરિબળો કામે લાગી ગયા હોય એવું લાગે છે.

સ્ત્રીમાં સુષુપ્ત શક્તિઓના ઢગલા પડયા છે. પણ એ ઢગલા ઉપર પરંપરાના પથરાના ઢગલા પણ એટલા જ હોય છે. સામાજિક સાંસ્કૃતિક અને પારિવારિક પરિબળોને લીધે સ્ત્રીની એ શક્તિ વિકાસ પામ્યા વગર જ રહી જાય છે.

કદાચ એટલા માટે ભણેલી અને અભણ સ્ત્રીઓના માનસિક ધરાતલ અને પ્રક્રિયાઓમાં તાત્વિક તફાવત બહુ ઓછો જોવા મળે છે. માટે જ એ 'ઘેલી' થઇને ખરીદી કરે છે ને પોતાના અતૃપ્ત અહમને સંતોષ્યાની તૃપ્તિ માણે છે. શોપિંગ એ પુરૂષના પ્રભુત્વ સામે પડકાર બનતો હશે કે કેમ એ પણ એક સવાલ છે.

આવા તારણો જ્યારે પ્રત્યક્ષ ઉદાહરણો ટાંકવા સાથે એમની પાસે રજૂ કરવામાં આવે છે ત્યારે એમના સ્વભાવ પ્રમાણે એમની એક જ દલીલ હોય છેઃ 'પુરુષો પણ આવા ક્યાં નથી હોતા? એ ભૂલી જાય છે કે કુદરતે એવું આયોજન કર્યું છે કે આ બેય આંધળા લૂલાને સહયોગ કર્યા વગર ચાલે તેમ છે જ નહીં લગ્ન-જીવનનો વિરોધ કરનારી લડાયક સ્વભાવની સ્ત્રીઓ તીસ મારખાં જેવો સ્વભાવ ધરાવતી પણ જોવા મળે છે.

બન્નેએ સુખથી રહેવું હોય ને એમ રહે એમાં જ એમનું કલ્યાણ છે. તો સંઘર્ષની પરસ્પરને ઉતારી પાડવાની પેરવી છોડી દઇ એમણે સહઅસ્તિત્ત્વ જ નહીં, સહવિકાસના સિધ્ધાંતને અમલમાં મૂકવો જોઇએ.

નારી ભલે જીવન વાઘ હોય, પુરુષ ભલે એ વાઘનો બજવૈયો હોય- એમને નાના મોટાંના લેબલ આપવાનું અનિવાર્ય નથી. જિંદગીની મહેફિલમાં બન્ને જણાં સંવાદી સ્વરોની રમણા જગાવવા થોડો પણ પ્રયત્ન કરે તોય ભયો ભયો. સરગમને બદલે પાડોશીને પડઘમના સંભળાય કાફી છે. તો- દાંપત્યમાં બન્નેનું સરખું પ્રભુત્વ શોભી ઉઠશે.


Google NewsGoogle News