એ વાતમાં બે મત ન હોઈ શકે કે કાયદાઓ સામાન્ય નાગરિકોની સલામતી અને મદદ માટે બનાવવામાં આવે છે. આમ છતાં તેઓ કોઈ અપરાધ કે દુર્ઘટનાના શિકાર બને ત્યારે શું કરવું એ બાબતે મૂંઝવણ અનુભવે છે. કેટલીક વખત તેમને કાયદાની જાણકારી હોય તોય 'પોલીસ અને અદાલતના ચક્કરમાં શાને પડવું?' એમ વિચારીને ચૂપ રહે છે. જ્યારે કેટલાંક લોકો ખાખી વરદી અને કાળા કોટના નામથી જ ગભરાઈ જાય છે. પરંતુ જો તેઓ કાયદાને સારી રીતે સમજીને જરૂર પડયે તેની મદદ લે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે. જેમ કે જો તેમનું કોઈ વાહન, મોબાઈલ ચોરાઈ જાય. તેમની સાથે ચેન સ્નેચિંગનો બનાવ બને કે પછી અન્ય ઘરેણાં ચોરાઈ જાય તો શું કરવું જોઈએ? આના જવાબમાં કાનૂની નિષ્ણાતો કહે છે..,
જો તમારું કોઈ વાહન ચોરાઈ જાય તો
- ચોરીની જાણ થતાં જ સૌથી પહેલા ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને તેની જાણ કરો.
- ગાડી પાર્ક કરવાની જગ્યા અને તમે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વાહનથી દૂર હતાં તેની જાણકારી આપો.
- જો આ સમય દરમિયાન જો કોઈએ તમારી ગાડીનો ઉપયોગ કરીને કોઈ ગુનો આચર્યો હશે તો તમે સફળતાથી તમારો બચાવ કરી શકશો.
- ૧૧૨ પર જાણ કર્યા પછી નિકટના પોલીસ થાણામાં જઈને ફરિયાદ નોંધાવો જેથી કેસ નોંધાઈ જાય.
- કેટલીક વખત પોલીસ એફઆઈઆર નોંધવામાં વધુ સમય લગાડે છે. આવી સ્થિતિમાં અગાઉથી ૧૧૨ પર જાણ કરી દીધી હશે તો તમારો કેસ મજબૂત બનશે અને તમને એફઆઈઆર નોંધાવવામાં પણ મુશ્કેલી નહીં નડે.
- ૧૧૨ નંબર પર આવતા ફોન પોલીસ રેકોર્ડ કરે છે અને તેની નોંધ લોગ બુકમાં રાખે છે.
- પોલીસ જે દસ્તાવેજમાં ફરિયાદીનું નિવેદન રેકોર્ડ કરે છે તેને લોગ બુક કહેવામાં આવે છે જે રેકોર્ડમાં રહે છે. આવા રેકોર્ડ્સ પર ઉચ્ચ અધિકારીઓની નજર રહે છે. કાનૂની કાર્યવાહી માટે પણ તે મહત્વનો દસ્તાવેજ ગણાય છે.
જો કોઈ તમારું મોબાઈલ કે ઘરેણાં છીનવી લે
- જો ચેન સ્નેચિંગ કે મોબાઈલ ફોન છીનવાય તો તરત જ ૧૧૨ નંબર પર ફોન કરો.
- ૧૧૨ નંબર પરથી સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવે છે અને ઘટના બાબતે સઘળી જાણકારી મેળવે છે.
- આટલી પ્રક્રિયા કર્યા પછી પોલીસ નિકટના પોલીસ થાણામાં ઘટનાની જાણકારી આપે છે.
- કોગ્નિઝિબલ ઓફેન્સ (એવો ગંભીર અપરાધ જેમાં પોલીસ કથિત અપરાધીની વોરંટ વિના કે મેજિસ્ટ્રેટની પરવાનગી વગર ધરપકડ કરીને પૂછપરછ કરી શકે)માં પોલીસ ઘણી વખત એફઆઈઆર નથી નોંધતી. આવી સ્થિતિમાં ૧૧૨ પર કરવામાં આવેલો ફોન કામ આવે છે.
- જો પોલીસ ત્રણ-ચાર દિવસ પછી પણ એફઆઈઆર નોંધે તોય ૧૧૨ પર કરવામાં આવેલા ફોનનો રેકોર્ડ કાર્યવાહીમાં કામ આવે છે.
- વૈશાલી ઠક્કર


