Get The App

વસ્ત્રોના ડાઘ કેમ દૂર કરવા ?

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
વસ્ત્રોના ડાઘ કેમ દૂર કરવા ? 1 - image

બહેનો વસ્ત્રોની અને સાડીઓની ગમે તેટલી કાળજી લે છતાં ક્યારેક તો ડાઘ પડે જ છે.

ખાસ કરીને જમતી વખતે, રસોઈ બનાવતી વખતે, બહાર લગ્ન સમારંભમાં કે બીજા કોઈ પ્રસંગે કોઈ નાનકડી અથડામણને કારણે પણ વસ્ત્રો બગડે છે. જમણવારમાં ગયા હોઈએ અને તેલવાળું શાક, ચા-કૉફી કે દાળ ઢોળાય તો કપડાં પર તેના ડાઘ પડી જાય છે. ઘણીવાર રસ્તા પર ડામર છાંટવામાં આવતો હોય તેના ઝીણા છાંટા સાડી પર ઊડે છે. આવા જુદાં જુદાં ડાઘ વસ્ત્રો પરથી કેમ દૂર કરવા તે પણ બહેનોેએ જાણી લેવું જોઈએ.

એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ ડાઘ લાગે તે તરત જ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેની ધારી અસર જલદી થાય છે. પરંતુ, ડાઘ જેમ જૂનો બને તેમ તેને કાઢવા વધુ મુસીબત પડે છે. ડાઘ કાઢવા માટે વાપરેલી રીત જે વસ્ત્રોને ડાઘ લાગ્યો હોય તેને અનુરૂપ હોવી જોઈએ.

બજારમાં જુદી જુદી જાતના ''સ્ટેઈન રીમુવર'' (ડાઘા કાઢવા માટેનાં દ્રાવણ) શીશીમાં વેચાતા મળે છે. પરંતુ આ બધા  દ્રાવણ વિશે પૂરતી માહિતી ન હોય તો ડાઘ નીકળવાને બદલે વધુ ઘેરો બને છે. અથવા વધી જાય છે. ઘેર લાવ્યા પછી પણ ડાઘ કાઢવાના દ્રાવણને બીજાં નકામા વસ્ત્રો પર ચકાસી લેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વસ્ત્રની ઊંધી બાજુએથી ડાઘ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કાપડની સપાટી ખરબચડી ન થઈ જાય. ડાઘ કાઢતી વખતે પણ આસપાસના વિસ્તારમાં ડાઘ પ્રસરે નહીં તે રીતે દ્રાવણ લગાવવું જોઈએ.

ડાઘ કાઢવા માટે ચોક પાવડર, ટેલ્કમ પાવડર, ડીટર્જન્ટ, ડિનેચર્ડ આલ્કોહોલ, કાર્બન ટેટ્રાકલોરાઈડ, ટર્પેન્ટાઈન, કેરોસીન, વિનેગર અથવા એસેટીક એસિડ, એમોનિયા, હાઈડ્રોજન પેરોકસાઈડ અને કલોરિન જેવા પદાર્થ વાપરી શકાય. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે જ કરવો જોઈએ. કારણ કે, તે વાપરવાથી કપડાનું પોત જર્જરિત થઈ જવાનો ભય રહે છે.

અમુક દ્રાવણ વાપરતી વખતે ડાઘાની આસપાસ ગોળ કુંડાળાં પડી જાય છે. આવું ન થાય તે માટે એબ્સોર્બેન્ટ પાવડરને ડાઘાની આસપાસ પાથરીને પછી જ દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ. ડાઘાને હળવો બનાવવા તેની મધ્યમાં પહેલાં કેરોસીન લગાવવું જોઈએ.

જો વસ્ત્રને લોહીનો ડાઘ લાગ્યો હોય તો ડાઘાવાળા ભાગને ઠંડા પાણીમાં લાંબો સમય બોળી રાખવો જોઈએ. ત્યાર બાદ ડાઘને કાઢવા કપડાંને ગરમ પાણીમાં બોળીને એમોનિયા અથવા હાઈડ્રોજન પેરોકસાઈડ વાપરવું જોઈએ. જો લોહીનો ડાઘ ઘણા લાંબા સમય પહેલાં લાગ્યો હોય તો તે નીકળતો નથી.

તેલના ડાઘ કાઢવા માટે ચોકનો પાવડર અથવા ટેલ્કમ પાવડર વાપરી શકાય. જો ડાઘ તાજો હોય તો આ પાવડર લગાવીને થોડો સમય રાખી મૂક્યા પછી તેને ઘસીને ખંખેરી નાખવો જોઈએ. આવશ્યક હોય તો આ રીતનો બે-ત્રણ વાર ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર બાદ વસ્ત્રને સાબુથી ધોઈ નાંખવું જોઈએ.

કેટલાક તોફાની લોકો થિયેટરમાં, બસમાં અને ટ્રેનોમાં બેસવાની જગ્યાએ ચ્યુઇંગ ગમ લગાવે છે. આવા સ્થળ પર બેસનાર વ્યક્તિના કપડાંને ચ્યુઇંગ ગમ ચોંટી જાય છે. ચ્યુઇંગ ગમ લાગ્યા પછી જલ્દી નીકળતી નથી. માટે પહેલાં તેને બરફ લગાડીને ઠંડા પાણીમાં ભીંજવવાથી ચ્યુઇંગ ગમ કડક બની જાય છે. પછી આ કડક બનેલા ભાગ પર હળવે હાથે છરી ઘસવાથી મોટા ભાગની ચ્યુઇંગમનો ભાગ નીકળી જાય છે. બાકી રહેલો ડાઘ કાઢવા કાર્બન ટેટ્રાકલોરાઈડ વાપરી શકાય છે.

ચા, કોકો અથવા કૉફીનો ડાઘ લાગે કે તરત જ તે કાઢી નાંખવા પ્રયત્ન કરવો જોઈએ. ડાઘ લાગેલા ભાગ પર એક બાજુ કપડું ભીનું કરીને હળવા હાથે ડાઘ કાઢવાનો પ્રયત્ન કરવો. ટર્પેન્ટાઈન, કાર્બન ટેટ્રાકલોરાઈડના દ્રાવણથી ડાઘ કાઢીને પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાંખવો જોઈએ. જો ડાઘ થોડો જૂનો હોય તો તેના પર બોરેક્સ લગાવી પછીથી વસ્ત્રને ગરમ પાણીથી ધોઈ નાખવું જોઈએ.

કૉસ્મેટિકના ડાઘા લાગ્યા હોય ત્યારે વસ્ત્રને જાડા  બ્લોટિંગ કાગળ પર પાથરીને ઉપર જણાવેલા દ્રાવણ વડે તેને કાઢી નાંખવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાક ડાઘ કેરોસીનથી પણ દૂર થઈ શકે છે. નેઇલ-પોલિશના ડાઘ લાગ્યા હોય તો નેઈલ પૉલિશ રીમુવરથી તે દૂર કરી શકાય છે. પરંતુ વસ્ત્ર પર અવળી અસર થતી નથી તે જોઈ લેવું જોઈએ.

ચા-કૉફી કે ફળોના રસના ડાઘ લાગ્યા હોય અને તે કાઢ્યા વગર કપડાં ધોઈ નાંખવામાં આવે તો એ ડાઘ કાયમી રીતે જળવાઈ રહે છે. જો વસ્ત્ર બહુ મુલાયમ હોય તો ડાઘની ઉપર ત્રણ ફૂટની ઊંચાઈએથી ગરમ પાણી રેડવું જોઈએ. પાણીના વેગથી ડાઘ નીકળી જાય છે.

ઘરમાં રંગકામ ચાલતું હોય ત્યારે ઓઈલ પેઈન્ટ અને ઇનેમલના ડાઘ કપડાં પર લાગે છે. કાર્બન ટેટ્રાકલોરાઈડમાં બોળેલાં કપડાંના નાના ટુકડાથી હળવે હાથે આ ડાઘ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. ટર્પેન્ટાઈન અને કેરોસીનનો ઉપયોગ સાચવીને કરવો જોઈએ. ડ્રાયકલીન કરવાવાળા રંગના ડાઘ કાઢવા સોડિયમ હાઈડ્રોકસાઈડ વાપરે છે. પરંતુ તેનો ઉપયોગ ખૂબ કુશળતા માગી લે છે.

શાહીના ડાઘ લાગ્યા હોય તો કપડાંને ગરમ પાણીમાં બોળીને આખી રાત મૂકી રાખવાં જોઈએ. ત્યાર બાદ સાબુ વડે કપડું ધોવું જોઈએ. કેટલીક વાર મીઠું અને લીંબુનો રસ ભેગાં કરીને ડાઘ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રસ ડાઘ પર લગાવીને તડકામાં સૂકવવાથી ડાઘ ઓછો થતો જાય છે. ત્યાર બાદ સાબુથી ધોઈ નાંખવાથી ડાઘ નીકળી જાય છે. લાલ રંગની શાહીના ડાઘ કાઢવા ક્યારેક એમોનિયા વાપરવો પડે છે.

આવી જ રીતે પરસેવો અને પેશાબના ડાઘ કાઢવા બેકિંગ સોડા અને પ્રવાહી એમોનિયા વાપરી શકાય છે. પરફ્યુમના ડાઘ કાઢવા ડીનેચર્ડ આલ્કોહોલ વાપરી શકાય છે હાઈડ્રોજન પેરોકસાઈડનો ઉપયોગ પણ અકસીર હોય છે.

આમ  વસ્ત્રોની જાણકારી કરતાં પણ આવડે અને તેની પૂરતી કાળજી લઈ શકાય તો તે લાંબો સમય ચાલે છે અને પહેરવાં પણ ગમે છે.