Get The App

સ્ત્રીઓ પોતાની ઉંમર કેમ છુપાવે છે ?

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સ્ત્રીઓ પોતાની ઉંમર કેમ છુપાવે છે ? 1 - image

માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એમ કહેવામાં આવે છે. પરંતુ માનવ મન સુધી પહોંચવા કવિને પણ સફળતા મળી નથી. સપના કે અભિલાષા વગર માનવી  જીવન જ શક્ય નથી તેમાં તો નારીઓના સપનાનો અંત ક્યારે પણ આવતો નથી. નારીઓના શોણલાં કહો કે અભિલાષા કહો અનંત  છે. સુખી સ્વાસ્થ્યની અભિલાષા, સમૃદ્ધ જીવનનું  શોણલું સુખશાંતિની અપેક્ષા, કૌટુંબિક સુખની ખેવના જીજીવિષા, પરંતુ સૌથી સામાન્ય સ્વપ્નું આજીવન યુવાની ટકાવી રાખવાનું છે. રૂઢિચુસ્ત મધ્યમવર્ગની ગૃહિણી હોય કે પછી અપરિણીત, નોકરિયાત મહિલા હોય કે કારકિર્દી ઝંખતી નારી હોય દરેકને અજરામર યૌૈવન મેળવવાની એક અતૂટ આશા હોય છે. કેશમાં દેખાતા પ્રથમ ધોળાવાળને જોઈને કે પછી આંખ પાસે કરચલી દેખાવા માંડે કે તરત નારીના ચહેરા પર ચિંતાની લકીર જોવા મળશે. વૃધ્ધત્વ નજીક આવી રહ્યું છે. એ અનુભવ થતાં જ તેને કેમ ટાળવું તેના પ્રયાસમાં તેની રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. ત્યારબાદ શરૂ થઈ જાય છે. ઉંમરને છુપાવાના પ્રયાસોની લાંબી વણઝાર મધ્યમ વયમાં પ્રવેશતાં જ સ્ત્રીઓ તો ઠીક પરંતુ પુરુષો પણ પોતાની ઉંમર કહેવાનું ટાળે છે. કોઈ પણ મધ્યમ વયની સ્ત્રીને તેની ઉંમર પૂછો તો તમને ભાગ્યે જ સાચી ઉંમર જાણવા મળશે આમ પણ સ્ત્રીને તેની  ઉંમર અને પુરુષને તેની આવક પૂછવીએ અસભ્યતાની નિશાની છે. ફિલ્મ અભિનેત્રીઓની ઉમર વર્ષો વર્ષે ૧૬ વર્ષથી વધતી નથી. વર્ષો સુધી તે ''મેં સોલહ બરસ કી'' ગીત ગાય છે. પણ ખેદની વાત તો એ છે કે ઉમર ઉમરનું કામ કરે જ છે. એક દિવસે તો તેમણે ઉમરને અનુરૂપ ભૂમિકાના સંચામાં ઢળવું જ પડે છે. હાસ્યાપદ પરિસ્થિતિ તો એ છે કે આપણા પુરુષ પ્રધાન સમાજમાં પુરુષથી નાની ઉમરની સ્ત્રી તેની માતાના રૂપમાં જોવા મળે છે જ્યારે આધેડ વયનો પુરુષ એ જ ઉંમરે ફરતે દોડી પ્રણયગીતો ગાતો નજરે પડે છે.

જમાના સાથે હવે આ ટ્રેન્ડ પણ બદલાવા લાગ્યો છે. રેખા એ આસ્થા અને ખિલાડીઓ ખિલાડીમાં અને શબાનાએ બુરાદિનમાં એ સાબિત કરી આપ્યું કે અમુક વય વટાવ્યા પછી હીરોઈનોએ માત્ર મા કે દાદીના પાત્ર ભજવવા જોઈએ એ જરૂરી નથી.

આઈએએસ ઓફિસર રૂપનદેઓલ બજાજ યાદ છે? હા, એ જ રૂપેન દેઓલ બજાજ જેણે પંજાબના ભૂતપૂર્વ પોલીસવડા કે.પી.એસ.ગીલે અસભ્ય પ્રસ્તાવ મૂક્યો હોવાનો આરોપ લગાડયો હતો. આ જ રૂપન દેઓલને કોઈએ તેની વય વિશે પૂછ્યું ત્યારે તેણે મોં બગાડીને કહ્યું હતું કે તમારે મારી વય જાણવાની શું જરૂર છે? આવાજ પ્રકારનો જવાબ સુપ્રીમ કોર્ટના પ્રસિદ્ધ વકીલ રાની જેઠમલાની પાસેથી મળ્યો હતો.

''હું  લોકોને મારી વય જણાવતી નથી. મારી વય ગુપ્ત રાખવાનોે મને અધિકાર છે. ''લાઈફ બિગીન્સ એટ ૮૦'' નામની દસ્તાવેજી ફિલ્મની નિર્માત્રી અને ટી.વી.ની રજૂઆત કર્તા નલીની સિંહને પણ ઉમરને લગતા પ્રશ્નો બિનજરૂરી લાગે છે. ''મનુષ્યના કાર્યોનો તેની ઉમર સાથે શો સંબંધ હોઈ શકે તે મને સમજાતું નથી. મારો અભિપ્રાય જણાવું તો ચાર આશ્રમની કલ્પના મને મંજૂર નથી. ઉંમર કરતા મનુષ્યમાં રહેલી સારપ અને સર્જકતાનું મહત્ત્વ વધુ છે. પોતાની ખરી ઉમર ન જણાવવાનું કારણ શું હોઈ શકે? શું આ પરિસ્થિતિ નિર્માણ કરી શકવામાં સમાજ દોશી હશે ખરો? વધતી જતી વયને કારણે ઉદ્ભવતી અસલામતીની ભાવના છુપાવવા તો નારીઓ કાયાકલ્પનો આશરો નહીં લેતી હોય? લેખિકા અને ટીવી સમાચાર નિર્માત્રી મૃણાલ પાંડે કહે છે, ''ઉંમર છુપાવવા પાછળ જાતીય જીવનમાં અસલામતીની ભાવના કામ કરે છે. અમુક ઉમરે પહોંચ્યા બાદ જાતીય આવેગમાં ઓટ આવે છે. આ કારણે પુરુષનો રસ ઘટી જાય છે. પતિને બીજી સ્ત્રીના બાહુપાશમાં ધકેલવા માટે કેટલીકવાર આ કારણ અગત્યનો ભાગ ભજવે છે. બીજી બાજુ ચાલીસીમાં પુરુષની કામવાસના ખૂબ જ પ્રબળ હોય છે. ચાલીસીમાં પ્રવેશતાં જ  સ્ત્રીઓને સમાજના મેણાં-ટોણાં સહન કરવા પડે છે.'' હવે તમે નિવૃત્ત  જીવન ગાળો.'' ઘરમાં બેસી ભગવાનનું કામ લો.'' ''આ તમારું કામ નહીં,'' ''તમારી હવે ઉંમર થઈ.'' ''ઘરડાં થયાં પરંતુ લટકા મટકા જતા 

નથી.'' આવા અનેક વાક્યો સાંભળી નારીઓ માનસિક રીતે ભાંગી પડે છે. 

એક કાઉન્સિલરે વર્ણવેલો એક કિસ્સો જાણવા જેવો છે. તેમની પાસે ૫૪ વર્ષની એક ગૃહિણી સલાહ લેવા માટે આવતી હતી. આ ગૃહિણીનો ૫૮ વર્ષનો પતિ તેનાથી ૨૦ વર્ષ નાની યુવતી સાથે ભાગી ગયો હતો. આ સ્ત્રી વારંવાર એક જ વાત ઊચ્ચારતી હતી. ''મારે મારી જાતની સંભાળ રાખવી જોઈતી હતી. મારે ડોશી જેવા બનવું જોઈતું નહોતું.'' પતિના આ કાર્યમાં  તે પોતાની જાતને જ દોષી માનતી  હતી. પોતાના પતિની કામવાસના ન સંતોષી શકવા બદલ તેનો અંતરાત્મા ડંખતો હતો.

માસિકસ્ત્રાવ અને રજોનિવૃત્તિકાળ એ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ સમાજે સ્ત્રીની જિંદગીના ચાર્ટમાં તેને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને રજોેનિવૃત્તિને પ્રજનન ક્ષમતાનો અંત ગણવામાં આવે છે. ખરું જોતા આ બંનેમાંથી એક પણ વ્યાખ્યા બંધ બેસતી નથી એમ મૃણાલે પાંડેનું માનવું છે.

રાની જેઠમલાની પોતાના મંતવ્યની તરફેણમાં કહે છે, ''વય છુપાવવાનું મૂળ કારણ વ્યવસાયિક છે. અમુક પરિસ્થિતિમાં વ્યક્તિ જરા વયસ્ક થાય તો એમ માનવામાં આવે છે કે તેની વ્યવસાયિક જિંદગી ખતમ થવામાં જ છે. ખાસ કરીને સ્ત્રીઓની બાબતમાં આ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે છે, પરંતુ આ જ વયમર્યાદામાં પુરુષને અનુભવી અને પીઢ માનવામાં આવે છે.''

શાશ્વત સૌંદર્ય મેળવવાના અભરખામાં હજારો હેલ્થક્લબો પાંગરી સાથે સાથે એસ્ટ્રોજન અને વિટામીન 'ઈ'ની ખપત વધી પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હાર્યો જુગારી બમણું રમે એ કહેવત અનુસાર યુવાની ટકાવી રાખવાના પ્રયાસો પણ વધતા ગયા. દરેક વાતમાં કોઈ અપવાદ તો જરૂર હોય છે. એ પ્રમાણે સમાજમાં પ્રવર્તતી આ પરિસ્થિતિમાં પણ એવી સ્ત્રીઓ મળી આવશે જેમને તેમની વધતી જતી ઉમરનો ખેદ નથી પરંતુ વાળમાં આવેલી સફેદીનો તેમને ગર્વ છે. ખરું પૂછો તો વાળમાં આવેલા ધોળા અનુભવની નિશાની ગણાય છે.

એક સમયની મિસ વર્લ્ડ સુસ્મિતા સેનને ચાલીસીમાં પ્રવેશવાનો ગર્વ છે. '' મને સમજ નથી પડતી કે સ્ત્રીઓ શા માટે ઉમર છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. હું ચાલીસીમાં પ્રવેશી છું અને મને તો તેનો ગર્વ છે.'' ચાલીસીને જિંદગીનો શ્રેષ્ઠ તબક્કો માનનાર સ્ત્રીઓની સંખ્યા નજીવી હશે. આપણા દિવંગત વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરાગાંધીને આ શ્રેણીમાં મૂકી શકાય. તેમના વાળમાં શોભતી 'સિલ્વરલાઈન' તેમના વ્યક્તિત્વને ઓર ઉઠાવ આપતી હતી. આ ઉપરાંત લીલા નાયડુનો મોતી જેવો ચમકતો કેશકલાપ તેના સૌૈંદર્યને વધુ નિખાર આપે છે. સાગર ફિલ્મમાં મધુર જાફરીના ધોળા કેશાલાપ પર ન્યોછાવર થનાર વ્યક્તિઓની સંખ્યા ઓછી નહોતી. તેનો આ કેશાલાપ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડતો હતો. તેમાં બે મત નથી. પરંતુ આ પાછળ કદાચ તેમની સફળતા કામ કરી રહી હોય. સમાજમાં  સફળતા જ તેમની આગવી ઓળખ બનવાથી વાળમાં આવેલા ધોળા તેમને મન ગૌણ બની જાય છે, પરંતુ સામાન્ય ગૃહિણીઓને માટે તો ઉમરના અમુક તબક્કે વાળ રંગવા કે ન રંગવા એ પ્રશ્ન સતાવે છે એ એક હકીકત છે.