- માત્ર રૂપાળી, સ્માર્ટ કન્યા કે સામાન્ય દેખાવ ધરાવતી સુશીલ, સંસ્કારી કન્યા?
સુમનબહેન, તમારી વહુ કેટલી સુંદર છે! લાખોમાં એક છે. નજર સામે બેસાડીને જોતાં જ રહીએ એવું એનું રૂપ છે!'' સુમનબહેનના પુત્ર હીરેનની વહુનું મોં અને આણું જોવા આવેલાં ગીતાબહેને કહ્યું! આણું જોવા આવેલી બીજી બધી સ્ત્રીઓએ પણ ગીતાબહેનના શબ્દોમાં સંમતિનો સૂર પુરાવ્યો.
''બહેન, અમારા હીરેને તો વહુનું રૂપ જ જોયું હતું. લગ્નમાં અમારી બીજી કોઈ શરત તો હતી નહીં. મારા છોકરાએ કેટલીય છોકરીઓ જોઈ, પણ રૂપાળી નહોતી એટલે નાપસંદ કરી. લાખો રૂપિયાના દહેજની લાલચમાંય અમે નહોતાં આવ્યાં.'' સુમનબહેનના ચહેરા પર ગર્વમિશ્રિત હાસ્ય હતું.
આજે જ્યારે શિક્ષિત કે નોકરી કરતી છોકરીઓને પસંદ કરતી વખતે પણ વધારે દહેજની માગણી કરવામાં આવે છે, ત્યારે કેટલાક યુવકો એવા પણ હોય છે, ઇચ્છતા હોય છે કે એમની પત્ની ભલે વધુ ભણેલી હોય કે દહેજ ન લાવે, પરંતુ સ્વરૂપવાન તો હોવી જ જોઈએ. આવા યુવાનોએ ભાવાવેશમાં એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ કે જેથી એમને પાછળથી પસ્તાવું પડે કે પત્ની સુંદર તો છે પણ વ્યવહારકુશળ નથી. જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય બહુ સમજી વિચારીને લેવો જોઈએ. કારણ કે પત્ની કોઈ ચીજવસ્તુ નથી કે જેને તમારી સગવડ કે ગમાઅણગમા પ્રમાણે બદલી શકો.
ચેતન ખૂબ દેખાવડો યુવાન. તેની ઇચ્છા હતી કે, તેની પત્ની તેના બધા મિત્રોની પત્નીઓ કરતાં વધુ સુંદર હોય અને બંનેની જોડી ખૂબ જામે. તેણે લગ્ન માટે એક અતિ સુંદર છોકરી પસંદ કરી. લગ્ન વખતે નવોઢાને જોઈને ચેતનના બધા મિત્રો અને સગાંસંબંધી તેની સુંદરતાનાં મોંફાટ વખાણ કરવા લાગ્યા.
લગ્ન પછીના એક-બે મહિના તો ચેતન પત્ની રૂપાના રૂપલાવણ્યના સાગરમાં ડૂબેલો રહ્યો, પરંતુ ત્યારબાદ ધીરે-ધીરે તેને લાગવા લાગ્યું કે રૂપા પાસે સુંદરતા સિવાય બીજો કોઈ જ ગુણ નહોતો. આખો દિવસ સાજશણગારમાંથી જ તેને ફુરસદ નહોતી મળતી.
એક બાજુ ચેતન ઓફિસે જવાની તૈયારી કરતો હોય, તો બીજી બાજુ રૂપા સવારના પહોરમાં જ ટાપટીપમાં લાગી જતી. નાસ્તા, રસોઈ અને રોજિંદા કામો માટે ચેતને નોકરાણી પર જ આધાર રાખવો પડતો. ચેતન ગૃહિણીઓની જવાબદારીઓ અંગે રૂપાને કહેવા જાય, એટલે તેનો એક જ જવાબ હોય, ''તમે તો એવું જ ઇચ્છો છો કે હું ચૂલાચક્કીમાં પડીને મારું 'ફિગર' બગાડી નાખું. તમે લગ્ન વખતે તો તમારા મિત્રો આગળ આપણા 'ગૂ્રપ'માં બધા મિત્રોની પત્નીઓમાં હું જ સૌથી સુંદર છું, એમ કહેતા' તા, તે ભૂલી ગયા? પાડ માનો કે મારા જેવી સુંદર પત્ની તમને મળી.''
સુંદર હોવું એ સારી બાબત છે, પણ સુંદર પત્ની ખાવા, પહેરવા જેવી દૈનિક આવશ્યક્તાઓનો વિકલ્પ તો ન જ હોઈ શકે. બિચારો ચેતન મૂગે મોંએ બેસી રહેતો, કારણ કે લગ્ન કરતી વખતે તેણે સુંદરતાને જ પ્રાધાન્ય આપ્યું હતું.
નયનામાં રૂપ છલોછલ ભર્યું છે, પરંતુ રૂપની સાથોસાથ તેનામાં અહંકાર પણ ઠાંસીઠાંસીને ભર્યો છે. તેનો પતિ અશોક તેને લગ્નસમારંભ કે કોઈ પાર્ટીમાં લઈ જાય, તો નયના જ આકર્ષણનું કેન્દ્ર બની જતી. બીજી બાજુ તેના અહંકાર અને તુંડમિજાજને લીધે અન્ય સ્ત્રીઓ તેનાથી ત્રણ ગજ દૂર રહેતી. નયનાના સૌંદર્યની પ્રશંસા કરતી વખતે પુરુષોની આંખોમાં પણ કંઈક બીજો જ ભાવ દેખાતો. આ બધું જોઈને અશોકમાં લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ અને નયના સાથેનું સહજીવન એક બોજ બની ગયું. દેખાવડી, વાતોડિયણ નયનાની સાથે વાતો કરવા આડોશપાડોશના યુવકો, પુરુષો ગમે તે બહાના શોધી ઘરમાં આવ-જા કરતાં રહેતા. અશોકને આ ગમતું નહોતું પણ મૂગે મોઢે સહન કર્યા કરતો.
જો પતિ દેખાવમાં સાધારણ હોય અને પત્ની ખૂબ સુંદર હોય, તો સમય વીતતાં બંનેએ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. પોતાની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે હસીહસીને વાતો કરતી હોય તોપણ પતિના મનમાં શંકાનો કીડો સળવળે છે. અને ધીરે-ધીરે તેમના સંબંધોમાં કડવાશ આવી જાય છે. કેટલીકવાર તો પુરુષ પોતાના સારા મિત્રોને પણ ઘરે આવતાં ટાળે છે. આ રીતે એ હાથે કરીને પોતાનું મિત્રવર્તુળ ઘટાડે છે. અતડો રહે છે.
મધ્યમ વર્ગનો જતીન- માનસીની સુંદરતા પર મોહી પડયો અને તેની સાથે લગ્ન કરી લીધાં. માનસીએ માંડમાંડ બી.એ.ની ડિગ્રી મેળવી. સુખી પરિવારની હોવાથી દહેજ લાવી હતી. પણ સાથે મુક્ત વાતાવરણમાં ઉછરી હોવાથી સ્વભાવે ઉદ્ધત હતી. લગ્ન પછીના થોડા સમયમાં જ માનસીનો અન્ય પુરુષો સાથેનો ઉન્મુક્ત વ્યવહાર જતીનને ખટકવા લાગ્યો. તેણે માનસીને આવું ન કરવા માટે ટોકી, તો માનસીએ તેને જૂનવાણી વિચારોવાળો કહીને તેની વાત કાન સોંસરવી કાઢી નાખી. ધીરે-ધીરે માનસીના ચારિત્ર્ય માટે જતીનના મનમાં શંકા ઉદ્ભવવા લાગી. આજે એ બંને વચ્ચે બિલકુલ મનમેળ નથી અને બંનેના સંસારની ગાડી ધક્કા મારી મારીને ચલાવવી પડે છે. તેમ છતાં બંને એક જ ઘરમાં સાથે જીવન વિતાવે છે, તેનું મુખ્ય કારણ જતીનનો સંયમ જ છે. બાકી માનસી પોતાનું વર્તન કે આદતો બદલવા જરાય તૈયાર નથી.
આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી-પુરુષની સમાનતાના બણગાં ભલે ફૂંકાતા હોય, પરંતુ હકીકત એ છે કે હજી પણ પુરુષ પોતાની જાતને શ્રેષ્ઠ માને છે. સમાજમાં સ્ત્રીને પોતાનાથી વધારે સન્માન મળે, તે તેનાથી ક્યારેય સહન થતું નથી.
ઓછી સુંદર કે સાધારણ દેખાતી પત્ની પોતાની કાર્યકુશળતા અને વ્યવહારથી થોડા સમય પછી પતિ, સાસરી તથા સમાજમાં માન મેળવી શકે છે. પણ અહંકારમાં ડૂબેલી સુંદર પત્ની જો કામકાજમાં વ્યવહાર કુશળ ન હોય તો પતિ, સાસુ-સસરા કે નણંદ- દિયરોનો પ્રેમ જીતી શકાતી નથી. તેને સમાજમાં પણ માન-પાન મળતાં નથી. એ બસ, રૂપાળી પૂતળી થઈને મહાલવામાં જ માને છે.
આથી લગ્ન કરતી વખતે માત્ર સુંદરતાને જ મહત્ત્વ આપવામાં ડહાપણ નથી. આ જીવનભરના સામાજિક બંધનમાં બંધાતાં પહેલાં છોકરીનું શૈક્ષણિક સ્તર, કુટુંબની કુલીનતા, સ્વભાવ, કાર્યકુશળતા વગેરે જેવાં બધાં પાસાં પર ઊંડો વિચાર કરવો જોઈએ. લગ્ન માટે રૂપ, ગુણ અને છોકરા- છોકરીની યોગ્યતામાં સમતોલન હોવું જોઈએ. દરેક બાબતે લાંબુ વિચારીને હોંશિયારીપૂર્વક ચમકથી અંજાઇને નિર્ણય તો લેવાઈ ગયો, પણ ક્યાંક પાછળથી તમારે લોકોનાં મહેણાં ન સાંભળવાં પડે કે, ''જોયું ને, રૂપાળી વહુના તેજમાં અંજાઈને ભાઈ '' ઢીલાઢસ થઈ ગયા છે. બૈરીઘેલા થઈ ગયા છે. આવા પતિને ક્યારેક 'હેનપેક' હસબન્ડનું બિરુદ મળે છે.
- ઇશિતા


