- વાર્તા
- મારી પત્ની રીટાનો સ્વભાવ મારાથી જુદો હતો. એ નાના-મોટા દરેક પર વિશ્વાસ મૂકતી. ઘરની કામવાળીને પણ પાંચસો-હજાર રૂપિયા આપીને બજારમાં કોઇ જોઇતી વસ્તુ ખરીદવા મોકલતી. હું ક્યારેક એ વિશે એને ટકોર પણ કરતો. ત્યારે મને એનો એક જ જવાબ રહેતો કે વિશ્વાસ ઉપર તો આખી દુનિયા ચાલી રહી છે.
સીએ થયા પછી તરત હું એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ રહી ગયો. મારે એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું હતું. આવકજાવકનો હિસાબ તો રાખવાનો જ હતો. પણ સાથોસાથ વેટ,ઇન્કમ ટેકસ,સર્વિર્સ ટેક્સ અને કેપીટલ ગેઇનસ ટેક્સની આંટીઘૂંટીઓ અને એની છટકબારીઓ પણ એકદમ વ્યવહારૂ બનીને જાણવાની હતી. અમારા ચીફ એકાઉન્ટંટ પ્રકાશભાઇ પારેખ આ બધી બાબતોમાં ખૂબ અનભવી અને જાણકાર હતા. એમણે પોતાની નિવૃત્તિ નજીક હોવાથી મને લગભગ પોતાનો શિષ્ય જ ગણીને ટેકસેશનનું ઝીણામાં ઝીણું જ્ઞાાન આપવા માંડયુ. બે વરસમાં તો હું એકદમ તૈયાર થઇ ગયો. પારેખસાહેબને પણ મારા પર સારો એવો ભરોસો થઇ ગયો હતો.ટેક્સઓફિસરો સાથે 'પતાવટ'કરવા અને ટેબલ તળેની 'લેતીદેતી' પાર પાડવાની જવાબદારી પણ તેઓ મને સોંપતા. ઓફિસમાં એવી વાતો પણ વહેતી થઇ ગઇ હતી કે હું જ પારેખસાહેબનો અનુગામી ચીફ એકાઉન્ટંટ બનીશ. બહુ ટુંકા ગાળામાં મને મારી કારકિર્દીમાં આટલી બધી સફળતા મળતા મને ધીમે ધીમે અભિમાન આવતુ જતું હતું. એને કારણે ક્યારેક મારાથી ઓફિસના સિપાઇ અને ક્લાર્ક કક્ષાના સ્ટાફ સાથે તુચ્છકાર થઇ જતો. એમનાથી કોઇ ભૂલ કે બેપરવાહી થતી ત્યારે મને બહુ ગુસ્સો આવતો. એવા સમયે બધાના દેખતા હું એમને ખખડાવી નાખતો. મારા મનમાં કોઇક અગમ્ય કારણસર એવી ગ્રંથી પણ બંધાઇ ગઇ હતી કે અભણ અથવા ઓછું ભણેલા માણસોમાં સંસ્કાર નથી હોતા. એમના પર કદી વિશ્વાસ ન મૂકાય. આવી ગ્રંથીને કારણે જ હું ઓફિસના સિપાઇઓને પૈસાનો કોઇ વ્યવહાર બને ત્યાં સુધી સોંપતો નહીં. આવા કામ હું જાતે જ પતાવી દેતો.
મારી પત્ની રીટાનો સ્વભાવ મારાથી જુદો હતો. એ નાના-મોટા દરેક પર વિશ્વાસ મૂકતી. ઘરની કામવાળીને પણ પાંચસો-હજાર રૂપિયા આપીને બજારમાં કોઇ જોઇતી વસ્તુ ખરીદવા મોકલતી. હું ક્યારેક એ વિશે એને ટકોર પણ કરતો. ત્યારે મને એનો એક જ જવાબ રહેતો કે વિશ્વાસ ઉપર તો આખી દુનિયા ચાલી રહી છે. મને બરાબર યાદ છેે કે એ યર એન્ડિંગના દિવસો હતા. માર્ચ મહિનામાં મારે સરકારી અધિકારીઓ સાથે ઘણી પતાવટ કરવાની આવતી. કંપની મારા પર વિશ્વાસ મૂકીને મને સરકારી અધિકારીઓ સાથે પતાવટ કરવા મોંમાગી રોકડ આપતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી હું મારો ભાગ રાખીને જ બધી પતાવટ કરતો. ટેબલ તળેની રકમમાં હું મારો ૧૫થી ૨૦ ટકાનો ગાળો રાખતો. આ વાત મારા સિવાય કોઇ જાણતું નહિ, મારી પત્ની રીટા પણ નહિ.
મને બરાબર યાદ છે કે એ વરસે મારી કંપનીએ દર વરસની સરખામણીએ ત્રણ ગણો નફો કર્યો હતો. જનરલ મેનેજરથી લઇને મેનેજિંગ ડાયરેકટર અને ચેરમેન સુધીના બધા સાહેબો એકદમ ખુશ હતા. એટલે એમણે કંપનીની સફળતાની ઉજવણી કરવા આખા સ્ટાફ માટે એક ફાઇવ સ્ટાર હોટેલમાં ભવ્ય પાર્ટી ગોઠવી હતી. યોગાનુયોગે એ જ સાંજે મારે એક મોટા ઇન્કમટેકસ ઓફિસર સાથે મિટીંગ હતી. આ મિટીંગ મુલતવી રાખી શકાય એમ પણ નહોતી. એટલા માટે કે અઠવાડીયામાં જ પેલા ઓફિસરની ટ્રાન્સફર થવાની હતી. એમની સાથે હું પતાવટ ન કરું તો મારી કંપનીની મેટર નવા ઓફિસરના હાથમાં જાય અને એ વધુ મોટુ મોઢુ ફાડે. વળી, પતાવટમાં મારા હિસ્સામાં પચીસ હજાર રૂપિયા આવવાના હતા. એટલે મેં રીટાને સાંજે એેકલી પાર્ટીમાં પહોંચવા મનાવી લીધી. એ થોડી નારાજ થઇ પણ મેં 'બહુ ઇમ્પોર્ટન્ટ મિટીંગ છે' એમ કહ્યું એટલે ેએકલી આવવા માની ગઇ.
ઓફિસર સાથે મેં સાંજે છ વાગે મિટીંગ રાખી હતી પણ હું સાંજે પાંચ વાગે જ ઓફિસેથી રોકડ લઇને રવાના થઇ ગયો. એટલા માટે કે જે બિયર બારમાં મિટીંગ રાખી હતી એ મારી ઓફિસેથી ઘણો દૂર હતો અને હું મોડો પહોંચીને ઓફિસરને કોઇ બહાનું આપવા માગતો નહોતો. વળી,મને ફટાફટ મિટીંગ પતાવીને પત્ની સાથે કંપનીની પાર્ટીમાં જોડાવાની તાલાવેલી પણ હતી. પરંતુ મારા કમનસીબે ઇન્કમટેકસ ઓફિસર સતીશ ખન્નાને જરાય ઉતાવળ નહોતી. એક તો તેઓ આવ્યા જ છને બદલે સાડા છ વાગે અને ઉપરથી બિયરના ઘૂંટ લેતા-લેતા અમારી વચ્ચેની 'દોસ્તી'નો ઇતિહાસ ઉખેળીને બેઠા. મેં એમને કંપની આપવા બિયરનો ઓર્ડરતો આપ્યો પણ મને ખરૂં પૂછો તો ખન્નાથી બને એટલો વહેલો છુટકારો મેળવવામાં જ રસ હતો. મને એમ હતું કે તેઓ એકાદ બિયર પીને ખમૈયા કરશે પણ તેઓ દોઢ કલાકમાં બિયરની ત્રણ બોટલ ગટગટાવી ગયા. ખન્ના વચ્ચે વચ્ચે મંચિંગ માટે જાતજાતના ચાટનો પણ ઓર્ડર આપતા રહ્યા. રાત્રે આઠ વાગે અમારી મિટીંગ પતવા આવી ત્યારે તેઓ પુરેપુરા રાજા પાઠમાં આવી ગયા હતા. મેં છેલ્લે એમને પચાસ હજાર રૂપિયાની કેશ સાથેનું પેકેટ આપ્યુ ત્યારે એમણે એમાંથી સોનું એક બંડલ કાઢી પરાણે મને પકડાવતા કહ્યું, 'જા બંદે એશ કર, તૂ ભી ક્યા યાદ કરેગા.'
હવે મારી પાસે મારા ૨૫ હજાર ઉપરાંત ખન્નાએ ખુશ થઇને આપેલા ૧૦ હજાર મળીને કુલ ૩૫ હજાર રૂપિયા હતા. એથી હું વધુ સાવચેત બની ગયો હતો. બિયર બારમાંથી બહાર નીકળીને મેંં તરત ટેક્સી કરી ડ્રાઇવરને ઝડપથી પાર્ટીની હોટલ તરફ હંકારવા કહ્યું. એક જ દિવસમાં ૩૫ હજારની કમાણી થઇ હોવાથી હું જાણે હવામાં ઉડતો હતો. આખા રસ્તે હું એ વિચારતો રહ્યો કે રીટાને ખુુશ કરવા હું એને શું ગિફટ આપું. હોટલ પર પહોંચ્યો ત્યારે બધા બુફે ડિનર માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા.રીટા એક ખૂણે ધૂંધવાતી ઊભી હતી. મેં એની પાસે જઇને મોડું થવા બદલ સોરી કહ્યું પણ રીટા પર મારી સોરીની જાણે કોઇ અસર ન થઇ. 'તમને કાંઇ નહિને આજે જ મિટીંગનું સૂઝ્યું. તમારા સિવાય આખો સ્ટાફ પાર્ટીમાં હાજર હતો. હું તો તમારા સ્ટાફના ભાઇઓને તમારા વિશેની પૂછતાછનો જવાબ આપીને થાકી ગઇ. આ તે કઇ રીત છે ? આખા સ્ટાફમાં તમને એકલાને જ કામ હતું. બાકી બધા કેવા એન્જોય કરી રહ્યા છે. તમારે તો બારે મહિના અને ત્રીસે દિવસ સરખા' રીટા ફક્ત મને સંભળાય એવા ધીમા પણ મક્કમ અવાજે પોતાની ફરિયાદ કરતી રહી.
'ડાર્લિંગ, આજની મિટીંગ કોઇ રીતે પોસ્ટપોન કરી શકાય એમ નહોતી. પેલો આઇટી ઓફિસર પણ બહુ ચીટકુ અને બોર નીકળ્યો. આઇ એમ રિયલી સોરી,'મેં ખુલાસો કર્યો.
'તમને ખબર છે આજે તમારા જીવનનો કેટલો મોટો દિવસ છે ? સીએમડીએ ખુદ પોતાના ભાષણમાં તમને ચીફ એકાઉન્ટંટ તરીકે પ્રમોશન આપવાની જાહેરાત કરી. એ વખતે બધાની નજર તમને જ શોધતી હતી. એ વખતે મારી કેવી હાલત થઇ હશે એ વિચારી જુઓ!' રીટાએ રોવાનું જ બાકી રાખ્યું હતું. મેં એની સાથે વધુ દલીલમાં ઉતરવાનું ઠીક ન ગણ્યું. ચુપચાપ હું ટોમેટો સૂપના બે બાઉલ લઇ આવ્યો. એક બાઉલ રીટાને પકડાવી હું મોઢુ નીચું કરી ચૂપચાપ સૂપ પીવા માંડયો.
પાંચેક મિનિટ અમારી વચ્ચે મૌન રહ્યું. પણ રીટા જેવી પ્રેમાળ પત્ની મારું વીલું મો લાંબો વખત જોઇ શકે એમ નહોતી. 'કમસેકમ જમતી વખતે તો મોઢું હસતું રાખો. કોઇ જોશે તો કહેશે કે ભાવિન શાહની વાઇફ એને બહુ પજવતી લાગે છે...એની વે, કોંગ્રેટસ, આઇ એમ પ્રાઉડ ઓફ યુ! મેં તો આવતી કાલે હવેલીએ જઇને ભગવાનને થાળ ધરવાનું પણ નક્કી કરી લીધું છે. આટલી નાની ઉમરમાં ભગવાને તમને કેટલુ બધુ આપી દીધુ, ' રીટાએ બહુ લાગણીથી મને વધામણાં આપ્યા. મેં પણ આંખ મિચકારીને એને પોરસ ચડાવ્યો, 'ડારલિંગ,આ બધુ તારા શુકનવંતા પગલાને કારણે છે. બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન, ધેર ઇઝ અ વુમન.'
પછી તો આખા બુફે ડિનર દરમ્યાન મારા પર અભિનંદનની વર્ષા થતી રહી. આખો સ્ટાફ મને ઘેરી વળ્યો અને હસી-મજાકનો દોર શરૂ થયો.એે બધી ધમાલમાં હું અને રીટા પુરૂું જમી પણ ન શક્યા. કદાચ આનંદ અને ઉત્સાહથી જ અમારા પેટ ભરાઇ ગયા હતા. પ્રમોશનની ખુશી વચ્ચે પણ હું મારી બ્રિફકેસનું ધ્યાન રાખવાનું ભૂલ્યો નહોતો. એમાં પડેલા ૩૫ હજાર રૂપિયા સલામત રીતે ઘરે પહોંચાડવાની મને ચિંતા હતી.
રાત્રે દસ વાગ્યાની આસપાસ અમે પાર્ટીમાંથી નીકળી રિક્ષામાં ઘરે આવવા રવાના થયા. શિયાળાની મોસમ હતી અને બહાર ઠંડો પવન સૂસવાટા મારતો હતો. ઠંડીને કારણે રસ્તા પર સોપો પડી ગયો હતો. મેં અને રીટાએ સ્વેટર ચડાવી લીધા હતા. સામેથી આવતો કાતિલ પવન રંજાડતો હતો. એટલે મેં રિક્ષાવાળાને શોર્ટકટ લઇ ઝડપથી અમને ઘરે પહોંચાડી દેવા જણાવ્યું. શોર્ટકટ લેવામાં થોડું જોખમ હતું. વચ્ચે આડોડિયાવાસ આવતો હતો, જ્યાં ચોરલૂટારાની વસતિ હતી. એટલે પહેલા રિક્ષાવાળાએ આનાકાની કરી પણ પછી મેં બહુ આગ્રહ કર્યો એટલે એ માની ગયો. એણે એક પછી એક અંધારી સાંકડી ગલીઓમાંથી રિક્ષા કાઢવા માંડી. લગભગ દસેક મિનિટ રિક્ષા ચાલી હશે ત્યાં એક સાંકડી ગલીના વળાંક પાસે મોટુ પીપડું આડુ પડેલુ દેખાયુ. પીપડુ હટાવ્યા વિના આગળ વધી શકાય એમ નહોતું. એટલે રિક્ષા ઊભી રાખી રિક્ષાવાળો નીચે ઉતર્યો અને પીપડાને દૂર ધકેલવા માંડયો. એ જ ક્ષણે મફલરની બુકાની બાંધેલા બે કદાવર માણસો રિક્ષાની બંને બાજુએ આવીને ઊભા રહી ગયા. એમના હાથમાં લાંબી ધારદાર છરીઓ ચળકતી હતી. એ જોઇને બીકના માર્યા રીટાએ કચકચાવીને મારો હાથ પકડી લીધો. 'એ હિરો, ચુપચાપ તારી બેગ અને ખિસ્સામાં જે કાંઇ હોય એ બધુ આપી દે. તારી બાયડીના દાગિના તૂ ઉતારે છે કે પછી અમારે તકલીફ લેવી પડશે ? જરાય ચાલાકી કરી છે તો છરી તારા અને તારી ઘરવાળીના પેટમાં ખોશી દઇશ.' બંને બદમાશોનો હુકમ છુટયો. મને તો ડરથી પરસેવો વળી ગયો.અમારા સદનસીબે રિક્ષાવાળો જુવાન હિંમતબાજ નીકળ્યો. એણે તો બંને લૂંટારાને પડકાર્યા,'એય, ખબરદાર જો મારા પેસેંજરને હાથ લગાડયો, બંનેને ઊભા ઊભા ચીરી નાખીશ.' આટલુ કહીને એણેતો એક લૂંટારાને કોલરેથી ઝાલીને જમીન પર પછાડયો. બીજો લૂંટારો એના પર હુમલો કરે એ પહેલા ઝડપથી એણે રિક્ષામાંથી લોખંડનો પાઇપ લઇ એના હાથ પર ફટકાર્યો. લૂટારાના હાથમાંથી છરો નીચે પડી ગયો. એટલે રિક્ષાવાળાએ છરો લઇ એની સામે ધર્યો. એની હિંમત અને સ્ફુર્તિ જોઇ બંને લૂટારા પળવારમાં ભાગી છુટયા.
આ બધુ જોઇ રીટા ભાંગી પડી. એ મને વળગીને રોવા લાગી. એને રોતી જોઇને રિક્ષાવાળાએ હૈયાધારણા આપી,'બહેન, તમે મુંઝાશો નહિ. હું બેઠો છુંને આવડો મોટો, તમારો કોઇ વાળ વાંકો નહિ કરી શકે.'એણે
રિક્ષા સ્ટાર્ટ કરી ફરી મારી મૂકી. રસ્તામાં મેં એની હિંમતને બિરદાવી, 'શાબાશ,દોસ્ત આજે તૂ ન હોત તો અમે લૂંટાઇ જ ગયા હોત. મારી વાઇફના ઘરેણાં જાત અને મારી બેગમાં થોડું જોખમ છે એ પણ લૂંટાત તું ખરેખર મોટા ઇનામનો હકદાર છે. શું નામ તારું ?' આટલા વખાણ છતાં રિક્ષાવાળાએ પુરેપુરી નમ્રતા દાખવી,'સાહેબ, આ તો અમારી ફરજ કહેવાય. પેસેંજરો છે તો અમે છીએ. મારું નામ રાજુ છે.'
થોડ જ વારમાં અમે ઘરે પહોંચી ગયા. મેં રિક્ષાભાડુ ચુકવી રિક્ષાવાળા રાજુના હાથમાં ઇનામરૂપે બસ્સો રૂપિયા મૂક્યા. એ જોઇને એણે મોઢુ બગાડયુ.'સાહેબ,જીવના જોખમે મેં તમને લૂંટતા બચાવ્યા એની કદરરૂપે આટલુ નાનુ ઇનામ. જવા દો,મારે નથી જોઇતા, તમે તો મોટુ ઇનામ આપવાની વાત કરી હતી.'
આ સાંભળી મારો ઇગો ઘવાયો, 'અલ્યા તને ૨૦૦ રૂપિયા ઓછા પડે છે. તે વળી ક્યાં મોટો ખજાનો લૂંટાતા બચાવ્યો છે. અમારી પાસે કાંઇ લાખો રૂપિયા નથી. તમારી જેવા અભણ લોકો જાત પર ગયા વિના ન રહે.'
રાજુએ જમીન પર મારી સો-સોની બે નોટ મૂકી હાથ જોડયા, 'સાહેબ, મેં તો તમારી પાસે કાંઈ માંગ્યુ નહોતું. તમે જ મોટું ઇનામ આપવાની અને તમારી પાસે મોટુ જોખમ હોવાની વાત કરી હતી. ઠીક છે, તમારી જેવી મરજી.'રાજુએ આટલુ કહીને રિક્ષા મારી મૂકી. હું અને રીટા ઘરે આવ્યા. હાથ-પગ-મોઢુ ધોઇને કપડા બદલ્યા પછી મેં નિરાંતે રીટાને એક દિવસમાં ૩૫ હજારની આવક થયાની વાત કરી. ઉત્સાહમાં મેં આટલી આવક કઇ રીતે થઇ હતી એ પણ ખુલાસાવાર કહયું.એ સાંભળી રીટાનું મોઢુ પડી ગયું, 'સાચું કહું ? મને આ રૂપિયા જોઇને જરાય આનંદ નથી થયો. આ તમારા પરસેવાની કમાણી નથી. મને વધુ દુખ તો એ વાતનું થાય છે કે આટલી રકમ લૂંટાતી બચી છતાં પેલા રિક્ષાવાળાને હજાર, બે હજાર રૂપિયા આપતા પણ તમારો જીવ ન ચાલ્યો ? તમારા કરતા તો એે વધુ દિલાવર નીકળ્યો. આપણી રોકડ અને દાગિના લૂંટાતા બચાવ્યા, છતાં ઇનામમાં રાતી પાઇ લીધા વગર ચાલ્યો ગયો. તમે હમેશા અભણ માણસોને હલકા ગણો છો. પણ તમે પોતે ભણેલા થઇને ક્ય મોટુ સંસ્કારી કામ કર્યુ ? એક ગરીબ માણસને એના યોગ્ય ઇનામથી પણ વંચિત રાખ્યો. આમાં સંસ્કારી કોણ ઠર્યું? તમે કે પેલો રિક્ષાવાળો ?આટલું કહી રીટા પડખુ ફેરવી ગઇ. એની વાત પર હું આખી રાત પડખા ઘસીને વિચાર કરતો રહ્યો.


