Get The App

સ્વાસ્થ્ય સુધારવા કરાંતાં એકટાણાં-ઉપવાસ ક્યાંક આરોગ્ય ન બગાડે

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
સ્વાસ્થ્ય સુધારવા કરાંતાં એકટાણાં-ઉપવાસ ક્યાંક આરોગ્ય ન બગાડે 1 - image


- થોડાં થોડાં કલાકે થોડું થોડું ખાઓ : કેટલાંક લોકો આખો દિવસ સાવ ભૂખ્યા રહીને સાંજે ભરપેટ ખાય છે. ચાહે તે ફળો હોય કે ફરાળ. આ રીતે ખાવાથી સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડે છે. વાસ્તવમાં લાંબા કલાકો સુધી ભૂખ્યા રહ્યા પછી ખાવા બેસો ત્યારે જરૂર કરતાં થોડું વધુ ખવાઈ જવાય છે જે છેવટે પાચનક્રિયા બગાડે છે.

હિન્દુ ધર્મમાં વારે-તહેવારે એકટાણાં કે ઉપવાસ કરવાની પરંપરા સેંકડો વર્ષથી ચાલી આવે છે. વાસ્તવમાં આ પ્રથા આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક હોવાથી હમેશાંથી તેનું કડક પાલન કરવામાં આવતું હતું. પરંતુ બદલાતા સમય સાથે બદલાયેલાં ખાનપાન અને જીવનશૈલીમાં કરવામાં આવતાં ઉપવાસ-એકટાણાં કેટલીક વખત સ્વાસ્થ્ય સુધારવાના સ્થાને બગાડે છે. ખાસ કરીને જ્યારે એકીવખતે એક કરતાં વધારે દિવસ સુધી ઉપવાસ કરવાનાં હોય.

આહાર નિષ્ણાતો કહે છે કે એકટાણાં અને ઉપવાસ દરમિયાન કોઈક માત્ર પ્રવાહી પર રહે છે તો કેટલાંક ફળો પર. ખરી વિડંબણા ત્યારે આવે છે જ્યારે લોકો ફરાળના નામે વિવિધ જાતની તળેલી અને મસાલેદાર વાનગીઓ આરોગે છે. તેને કારણે ગેસ, એસિડિટીની સમસ્યા સર્જાય છે. જોકે નકોરડા કે પ્રવાહી પર ઉપવાસ કરનારાઓને કબજિયાત થવાની શક્યતા પણ રહે છે. બહેતર છે કે સ્વાસ્થ્ય ન બગડે તેના માટે કેટલીક કાળજી લેવામાં આવે. જેમ કે..,

એસિડિટી થાય ત્યારે : નાળિયેર પાણી લો. તેના સિવાય દહીં, ફુદીનાની ચા, વરિયાળીવાળું પાણી પણ એસિડિટીમાં રાહત આપે છે.

થોડાં થોડાં કલાકે થોડું થોડું ખાઓ : કેટલાંક લોકો આખો દિવસ સાવ ભૂખ્યા રહીને સાંજે ભરપેટ ખાય છે. ચાહે તે ફળો હોય કે ફરાળ. આ રીતે ખાવાથી સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડે છે. વાસ્તવમાં લાંબા કલાકો સુધી ભૂખ્યા રહ્યા પછી ખાવા બેસો ત્યારે જરૂર કરતાં થોડું વધુ ખવાઈ જવાય છે જે છેવટે પાચનક્રિયા બગાડે છે. વળી આખો દિવસ કાંઈ જ ન ખાવાથી થાક, નબળાઈ અને અકળામણ પણ થાય છે. તેમાંય જો એકીસાથે એકથી વધુ દિવસ સુધી આ રીતે એકટાણાં-ઉપવાસ કરવાના હોય ત્યારે આરોગ્યને વધારે હાનિ પહોંચે છે. બહેતર છે કે દર થોડાં કલાક પછી થોડું થોડું ખાઈ લેવામાં આવે. તમે ચાહો તો લીંબુ શરબત, નાળિયેર પાણી, હર્બલ ચા પણ લઈ શકો. આ રીતે તમારા શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહેશે.

તળેલાં પદાર્થો કે વધારે પડતાં ડેરી પ્રોડક્ટ ન લો : ફરાળના નામે સાબુદાણાના વડાં, બટેટાંની ચિપ્સ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. તેના સ્થાને શીંગદાણા કે સુકો મેવો મર્યાદિત પ્રમાણમાં લઈ શકાય. તેવી જ રીતે ઉકાળેલું દૂધ, શ્રીખંડ કે દૂધમાંથી બનાવેલી અન્ય વાનગીઓ પણ પ્રમાણસર જ લેવી.

આહાર નિષ્ણાતો વધુમાં કહે છે કે એકટાણાં-ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવા વરિયાળીવાળું પાણી અચ્છો વિકલ્પ ગણાય. રાત્રે એક ગ્લાસ પાણીમાં બે ચમચી વરિયાળી નાખીને મૂકી દો. સવારના ઉઠીને આ પાણી ગાળીને પી લો. તેનાથી પેટમાં દાહ-બળતરા થવાની ભીતિ નહીં રહે.

- વૈશાલી ઠક્કર

Tags :