કઇ રાશિના યુવકોને કઇ રાશિની યુવતીઓ ફળે?
આપણાં વડવાઓના મોઢેથી આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે જોડીઓ તો સ્વર્ગમાંથી બનીને આવેે. તેમનો કહેવાનો અર્થ એ હોય છે કે લગ્ન નક્કી કરાવનાર તો નિમિત્ત માત્ર હોય છે. ખરેખર તો ઇશ્વર પહેલેથી જ છોકરા-છોકરીઓને તેમના વિવાહ સુનિશ્ચિત કરીને પૃથ્વી પર મોકલે છે.આમ છતાં એ જ લોકો વિવાહની વાત આવે ત્યારે જ્યોતિષની સલાહ અચૂક લે છે. આ વાત તર્કસંગત ન લાગતી હોવા છતાં એમ માનવામાં આવે છે કે કોઇપણ યુવક કે યુવતી માટે યોગ્ય જીવનસાથી શોધવામાં જ્યોતિષ વિદ્યા મદદગાર બને છે.જ્યોતિષ વિજ્ઞાાનમાં રાશિઓ મુજબ આપેલા માર્ગદર્શનને અનુસરવામાં આવે તો શક્ય એટલી વધુ સારી જોડીઓ બનાવી શકાય છે અને તેમનું વિવાહિત જીવન આનંદપૂર્વક વિતે છે. આજે આપણે કઇ રાશિના પરસ્પર સંયોગો કેવો લાભ આપે તેના વિશે વાત કરીએ.
જ મેષ: મેષ રાશિ ધરાવતા લોકોનો સ્વભાવ ચંચળ અને વિચારસરણી સકારાત્મક હોય છે. તેઓ આકર્ષક અને પ્રેરણાદાયી હોય છે. અને તેમનામાં નેતૃત્વના ગુણો પણ હોય છે. તેથી જો આ રાશિ ધરાવતાં પુરુષો મીન રાશિની યુવતી સાથે લગ્ન કરે તો તેમનું સાંસારિક જીવન એકદમ સફળ રહે છે. તદુપરાંત મેષ અને વૃષ રાશિની કન્યાઓ પણ તેમને ફળે છે.જ્યારે મકર અથવા સિંહ રાશિની કન્યા સાથેનું તેમનું વૈવાહિક જીવન સામાન્ય રહે છે. પરંતુ તેના સિવાયની રાશિ ધરાવતી યુવતીઆ ે સાથેનો તેમનો સંસાર ખાસ સફળ નથી રહેતો.
જવૃષભ:વૃષભ રાશિના લોકોને હંમેશાં સુખ-સુવિધાની ચાહત રહે છે. તેઓ સૌંદર્યપ્રેમી અને કળારસિક હોય છે. તેમની પ્રકૃતિ રહસ્યમય હોય છે. જ્યોતિષીઓના મતે આ રાશિ ધરાવતાં પુરુષો માટે મેેષ,મિથુન અને મીન રાશિ ધરાવતી સ્ત્રીઓ શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે કર્ક,સિંહ,તુલા રાશિવાળી યુવતીઓ તેમના માટે સામાન્ય જીવનસાથી બની રહે છે. જ્યારે તેના સિવાયની રાશિ ધરાવતી કન્યાઓ તેમને નથી ફળતી. આ મહિલાઓ સાથે તેમને સતત વિચારભેદ રહે છે જે છેવટે વાદવિવાદમાં પરિણમે છે.
જમિથુન: આ રાશિ ધરાવતા લોકોની વિચારસરણી સકારાત્મક હોય છે. તેઓ વાતોડિયા અને વિચારવંત ગણાય છે. મિથુન રાશિ ધરાવતાં પુરુષો માટે મેષ, તુલા,વૃષભ રાશિની યુવતીઓ ઉત્તમ જીવનસાથી બની રહે છે. જ્યારે મિથુન,ધનુ અને મીન રાશિ ધરાવતી કન્યાઓ તેમના માટે સામાન્ય પુરવાર થાય છે. જોક ે તેઓ કર્ક, સિંહ,કન્યા,વૃશ્ચિક, મકર ,કુંભ રાશિવાળી મહિલાઓ સાથે સુખી વિવાહિત જીવન નથી વિતાવી શક્તાં.
જકર્ક : કર્ક રાશિ ધરાવતાં લોકો સંવેદનશીલ, ભાવુક,મહત્વકાંક્ષી અને નકારાત્મક વિચારસરણીવાળા હોય છે. આ રાશિના યુવકો માટે જીવનસાથી તરીકે મેષ, વૃષભ,વૃશ્ચિક રાશિની યુવતીઓ સારી ગણાય છે. જ્યારે સિંહ,કન્યા,તુલા રાશિની કન્યાઓ સાથે તેમને પ્રેમ અને તકરાર, બંને રહે છે. જોક ે તેઓ સફળ વિવાહિત જીવન વિતાવી શકે છે. પરંતુ કર્ક,મિથુન, ધનુ, મકર, કુંભ, મીન રાશિની યુવતીઓ સાથેનું તેમનું લગ્નજીવન સફળ નથી રહેતું.
જસિંહ: સિંહ રાશિના લોકો હંમેશાં સકારાત્મક રીતે જ વિચારે છે. તેઓ મહત્વકાંક્ષી,ચંચળ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેમને માટે પ્રેમ જીવનનો આવશ્યક ભાગ ગણાય છે.તેમને મિથુન,સિંહ,તુલા રાશિની યુવતીઓ ફળે છે. જ્યારે વૃષભ,વૃશ્ચિક,કુંભ રાશિની કન્યાઓ સાથે તેમનું વિવાહિત જીવન ઠીક ઠીક રહે છે.પરંતુ તેના સિવાયની રાશિ ધરાવતી સ્ત્રીઓ સાથે તેમની જોડી ખાસ સફળ નથી રહેતી.
જકન્યા: આ રાશિ ધરાવતાં લોકોને દુન્યવી સુખ-સુવિધાઓ વિના નથી ગોઠતું. તેમનો સ્વભાવ રહસ્યમય હોય છે. તેઓ બોલે કાંઇક અને કરે કાંઇક.પરંતુ તેમને પ્રેમ વિનાનું જીવન અધૂરું લાગે છે.આ રાશિવાળા પુરુષો મિથુન,કર્ક,કન્યા,વૃશ્ચિક, ધનુ અને મીન રાશિની યુવતીઓ સાથે સુખી વિવાહિત જીવન વિતાવી શકે છે.જ્યારે તેના સિવાયની રાશિ ધરાવતી કન્યાઓ તેમને નથી ફળતી.
જતુલા: તુલા રાશિના લોકો જીવનમાં ન્યાય અને આદર્શને સૌથી વધુ મહત્વ આપે છે. તેઓ વિચારવંત, ભોતિકતાવાદી, મહત્વકાંક્ષી, આકર્ષક અને સૌંદર્યપ્રેમી હોય છે. તેમના માટે મેષ, સિંહ,ધનુ રાશિની યુવતીઓ જીવનસાથી તરીકે ઉત્તમ ગણાય છે. જ્યારે કર્ક, તુલા,મકર રાશિ ધરાવતી મહિલાઓ સાથે તેમની જોડી સામાન્ય રહે છે. તેના સિવાયની ર ાશિ ધરાવતી સ્ત્રીઓ સાથે તેમને સતત વૈચારિક મતભેદ રહે છે. એટલે સુધી કે તેમના વિવાહિત જીવનમાં શંકા અને કંકાસ એટલી હદે વધી જાય છે કે તેમને છૂટાં પડવાની નોબત પણ આવી શકે.
જવૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો સંવેદનશીલ, ભાવુક,પ્રતિક્રિયા આપવામાં ઉતાવળા,ઇર્ષ્યાળુ,ઝગડાખોર અને બદલો લેવાની ભાવનાવાળા હોય છે. તેમની નજરમાં પ્રેમ એટલ ે સમર્પણ. આ રાશિ ધરાવતાં પુરુષોનું લગ્નજીવન વૃષભ, કન્યા,કુંભ રાશિની યુવતીઓ સાથે વિવાદિત છતાં સફળ રહે છે.જોકે આ રાશિ સિવાયની અન્ય રાશિ ધરાવતી કન્યાઓ સાથેનાં તેમના લગ્નજીવનમાં હંમેશાં કોઇને કોઇ વિવાદ ચાલતો જ રહે છે.
જધનુ: ધનુ રાશિવાળા લોકો બહુ કામઢાં હોય છે.તેમની ચુસ્તી-સ્ફૂર્તિ કાબિલે તારીફ હોય છે. તેઓ કુશળતાપૂર્વક પોતાના લક્ષ્ય તરફ આગળ વધતાં રહે છે.તેમના પ્રેમમાં ઇમાનદારી અને સ્વામીભકિત જોવા મળે છે. આ રાશિ ધરાવતાં પુરુષો માટે મિથુન, તુલા, મીન રાશિની યુવતીઓ પરફેક્ટ જીવનસાથી પુરવાર થાય છે. જ્યારે કન્યા અને કુંભ રાશિવાળી કન્યાઓ સાથે તેમનું વિવાહિત જીવન ઠીક ઠીક રહે. જોકે તેના સિવાયની રાશિ ધરાવતી મહિલાઓના અને તેમના સ્વભાવમાં આભ-જમીનનું છેટું જોવા મળે.
જમકર: મકર રાશિ ધરાવતાં લોકો રહસ્યમય હોય છે. તેમનો ઝોક ગોપનીયતા પ્રત્યે રહે છે. તેમનામાં સહાનુભૂતિ અને આત્મવિશ્વાસ ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે.તેમની માન્યતા મુજબ પ્રેમમાં સ્વાર્થ નહીં,બલ્કે સમજદારીથી કામ લેવું જોઇએ. આ જાતકના લોકો મેષ,તુલા,મકર રાશિ ધરાવતી સ્ત્રીઓ સાથે સુખ-શાંતિપૂર્વક જીવન વિતાવી શકે છે. જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિની મહિલાઓ સાથે ક્વચિત ખટરાગ થાય ખરો. પરંતુ તેના સિવાયની મહિલાઓ સાથેનું તેમનું જીવન સફળ ન રહે.
જકુંભ: કુંભ રાશિના લોકો સ્નેહાળ હોય છે. તેઓ શાલીન, દાર્શનિક,સકારાત્મક વિચારસરણીવાળા, મિષ્ટભાષી, મહત્વકાંક્ષી,ગંભીર અને સંવેદનશીલ હોય છે.તેઓ એમ માનતા હોય છે કે પ્રેમ ધૈર્યપૂર્વક થાય.આ જાતકના જીવનમાં આવેલી વૃષભ,સિંહ,ધનુ રાશિ ધરાવતી યુવતીઓ તેમના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેવી જ રીતે મેષ, વૃશ્ચિક,કુંભ રાશિવાળી મહિલાઓ પણ તેમને ફળે છે ખરી,પણ તેમની વચ્ચે ક્યારેક તણાવની સ્થિતિ પણ પેદા થાય ખરી. જ્યારે તેના સિવાયની રાશિ ધરાવતી કન્યાઓ તેમને સુખી ન કરી શકે.
જમીન: મીન રાશિ ધરાવતાં જાતકો આકર્ષક અને પોતાના કામમાં પારંગત હોય છે. તેમને પણ પોતાની વાતો ગોપનીય રાખવાનું પસંદ હોય છે. તેમના મતે જીવનમાં પ્રેમ જ સર્વસ્વ ગણાય.આ રાશિના પુરુષોને સફળ લગ્નજીવન માટે મિથુન,ધનુ,મીન રાશિની કન્યાઓ કામ આવે.જ્યારે વૃષભ,કન્યા, મકર રાશિની યુવતીઓ સાથેના તેમના જીવનમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાય. તેના સિવાયની રાશિના મહિલાઓ તેમને ફળે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.
- વૈશાલી ઠક્કર