જેમ-જેમ જમાનામાં પરિવર્તન આવતું જાય છે તેમ-તેમ લોકોની પસંદનાપસંદમાં પણ પરિવર્તન આવે એ સ્વાભાવિક છે. વિવિધ પ્રકારનાં કપડાં અને પોશાકો પણ આમાં અપવાદ નથી. એક જમાનો એવો હતો જ્યારે જરીનાં વસ્ત્રો પરિધાન કરવામાં માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ ગૌરવ અનુભવતા પરંતુ વર્તમાન સમયે સિન્થેટિક કાપડનો પ્રભાવ એટલા પ્રમાણમાં વ્યાપક બન્યો છે કે કોઇ જરીના વસ્ત્રોનું નામ સુદ્ધા લેતું નથી તેમ છતાં સમાજના અમુક વર્ગોમાં જરી હજીય લોકપ્રિય છે અને શુભ પ્રસંગો દરમિયના તેનો ચળકાટ આજની પેઢીના યુવક-યુવતીઓને પણ આંજી દે છે.
સુરતના બેગમપુરા અને સલાબત પુરાની કચરા અને ગંદવાડથી ખદબદતી સાંકડી ગલીઓ ભારતને આખી દુનિયાથી વિખૂટા પાડી દેનાર એ મધ્યયુગી જીવલેણ રોગચાળા પ્લેગની યાદ આજે પણ તાજી કરાવી જાય છે.
માચીસના ખોખાં જેવાં ચાર-ચાર માળનાં અસ્તવ્યસ્ત મકાનોમાં જીવનગુજારતી આ વસતિ સુરતના સદીઓથી વિખ્યાત જરી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. હા, એજ જરી ઉદ્યોગ, જેના તાર ધનવાનોની શોભા છે અને જે આખી દુનિયામાં વિખ્યાત છે. રાણા સમુદાય દ્વારા જ મહદંશે ચલાવાતો આ કુટિર ઉદ્યોગ દેશનાં હસ્તકળા ઉત્પાદનોમાં અગ્રણી છે. વર્ષે ૧૫૦ કરોડ રૂપિયાના રોકાણવાળો આ ઉદ્યોગ દર વર્ષે અંદાજે બાર કરોડ રૂપિયાના માલની નિકાસ કરે છે.
દેશમાં જરીના કુલ ઉત્પાદન પૈકી લગભગ ૮૦ ટકા ઉત્પાદન સુરત શહેર કરે છે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી. વિદેશોમાં મોટા ભાગનું જરી ઉત્પાદન પશ્ચિમ અને દક્ષિણ એશિયાના મુસ્લિમ દેશો જ ખરીદે છે.
અસલી અને નકલી જરી ખરીદવામાં દેશમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય મુખ્ય છે, જ્યાં આ જરી બનારસી અને બીજી રેશમી સાડીઓ બનાવવામાં વપરાય છે.
આ કૌટુંબિક વ્યવસાય હોવાથી સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બીજા ઉદ્યોગની જેમ જરી ઉદ્યોગમાં પડેલાઓ શહેર છોડી નાસી નહોતા ગયા. 'આમ છતાં તાંબુ અને ચાંદી જેવા કાચા માલના પુરવઠા અને તૈયાર માલના વેચાણ પર ઘણી માઠી અસર પડતી હતી.' આ સિવાય કરવેરા નીતિ અને શહેરમાં ચાંદીના લિલામઘરનો અભાવ વગેરે પરિબળોએ પણ આ ઉદ્યોગના ઉજ્જવળ ભાવિ પર ફટકા મારવાનું ચાલુ જ રાખ્યું છે.
અગાઉ ભાવ પરનું નિયંત્રણ દૂર થતાં ડિનેચર્ડસ્પિરિટના ભાવ એક લિટરના સાત રૂપિયાથી ઉછળીને સીધા ચોવીસ રૂપિયા થઈ જતા જરીની પડતર કિંમતમાં સારો એવો વધારો થઇ ગયો હતો. અસલી અને નકલી બન્ને જરીના ઉત્પાદનમાં લગભગ ડઝન જેટલી આંતર પ્રક્રિયાઓ કરવી પડે છે, જે વિકેન્દ્રિત ધોરણે ચાલે છે.
અસલી જરી માટે ચાંદીની પાટોને ભઠ્ઠીમાં ૬૦૦થી ૬૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગાળીને સળિયામાં ઢાળવામાં આવે છે. પછી આ સળિયાને વીજળીક હથોડા મશીન 'પાવડા' ટીપીને હીરાની અનેક ડાઇમાંથી વારાફરતી પસાર કરવામાં આવે છે. આખરે લગભગ પાંચ મિલીમીટર વ્યાસનો ચાંદીનો પાતળો તાર તૈયાર થાય છે.
આ તારને હજી વધુ ખેંચીને માણસના માથાના વાળ કરતાંય પાતળો બનાવી તેને ટીપીને ચપટો બનાવાય છે. વાઇન્ડિંગ મશીન દ્વારા આ ચપટા તાર ફરતો રેશમનો. આર્ટ સિલ્કનો અથવા સુતરાઉ દોરો વીંટવામાં આવે છે અને આમ ચાંદીની જરીનો તાર તૈયાર થાય છે. આ તારને 'સોનેરી તાર' બનાવવા બનાવટના એકમમાં સોનાના દ્રાવણમાં ડુબાડીને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરાય છે. નકલી જરીમાં પણ પ્રક્રિયાઓ લગભગ. સરખી જ છે. પાયાનો તફાવત હોય તો એકે તેમાં મૂળભૂત ધાતુ તરીકે ચાંદીને બદલે તાંબુ વપરાય છે. યોગાનુયોગ જરૂરી તાંબા અને
**- ચાંદીનો જથ્થો સાઉદી અરેબિયા, ઝાંબિયા અને ઓસ્ટ્રેલિયાથી જ આયાત કરવામાં આવે છે.
નકલી જરીમાં બીજો દેખીતો તફાવત છે. ઇલેક્ટ્રોપ્લેટિંગનો આમાં તાંબાના તાર પર પહેલાં ચાંદીનો ઢોળ ચડાવાય છે. ત્યાર પછી આર્ટસ્લ્કિના કે સુતરાઉ દોરા વીંટળાય છે અને ફરી તેને સોનેરી દેખાવ આપવા તેના પર સોનાનો ઢોળ ચડાવાય છે કે લેકર પોલિશ કરાય છે.
જરી બનાવતા મોટા ભાગના એકમોના નાના-નાના રૂમોમાં મશીનો અને રસાયણોની વચ્ચે કામ કરતા દસથી પંદર કારીગરો માટે કામની પરિસ્થિતિ આરોગ્ય માટે હાનિકારક હોય છે.
ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્રાવણમાં વપરાતા પોટેશિયમ સાઇનાઇડ જેવાં અતિઘાતક રસાયણોને લીધે કારીગરોના આરોગ્ય પર ગંભીર ખતરો ઝળૂંબ્યા કરે છે. અચાનક જ આ રસાયણોની દુર્ગંધના વધુ પડતાં સંસર્ગમાં આવવાથી અહીં દર વર્ષે સરેરાશ બેથી ત્રણ કારીગરો મોતને ભેટે છે.
પહેલી નજરે ઉજળા લાગતા જરી ઉદ્યોગનો ઇતિહાસ મોટા ભાગે દટાયેલો જ રહ્યો. જોકે એનાં મૂળ આપણને છેક અગિયારમી સદીમાં મળી આવે છે. આમ છતાં મોગલ શાસન વખતે મળેલા રાજકીય શરણ અને ૧૬૪૧માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કારખાનું સ્થાપ્યા પછી સુરત બંદરના ઝડપી વિકાસે જરી ઉદ્યોગને પણ વિકસાવવાની તક આપી હતી.
૧૯મી સદીના આરંભે ઔદ્યોગિક ક્રાન્તિના પગલે ટેક્નોલોજીનો વિકાસ થતાં ફ્રાંસ જરી ઉદ્યોગમાં છવાઇ ગયું. વળી, ફ્રાંસની જરી સસ્તા ભાવે મળવાથી ભારતના બજારમાં તેનો વપરાશ વધી ગયો એમાં પણ સત્તાનું કેન્દ્ર મુંબઈ બનતા સુરતનું ધંધાકીય મહત્ત્વ ઘટી ગયું અને આ ગૃહઉદ્યોગની અવદશાની ઝડપ અનેક ગણી વધી ગઈ.
પશ્ચિમની ટેક્નિક આત્મસાત્ કરવાની જરી ઉત્પાદકોની સહનશક્તિ અને બ્રિટિશ સરકરે કરેલી મદદના પરિણામે એ વખતે ઘૂંટણભેર થઇ ગયેલો આ જરી ઉદ્યોગ ફરી બેઠો થવા લાગ્યો અને આઝાદી મળતાં સુધીમાં તેણે ગુમાવેલી ચમક પાછી મેળવી લીધી હતી. દેશના ભાગલા થતા આ ઉદ્યોગને જબરો ફટકો પડયો, કારણ કે જરીના મુખ્ય ઉપભોક્તા મુસ્લિમો પાકિસ્તાન ગયા અને સુરત સાથેનો તેમનો સંપર્ક કપાઇ ગયો.
૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક બનતાં દેશી રજવાડાના વિલય સાથે જરી ઉદ્યોગનો સૂરજ પણ લગભગ અસ્તાચળે પહોંચી ગયો. પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં સરકારે આ ઉદ્યોગ સામે જોયું જરી ઉદ્યોગને હસ્તકળા બોર્ડ અંતર્ગત મૂક્યો અને જરીની નિકાસ પ્રોત્સાહક યોજનાઓ ઘડી ખરે ટાણે આ મદદ મળતાં જરી ઉદ્યોગ ફરી બેઠો થયો અને અત્યારની આ ખ્યાતિ તેણે ફરી પ્રાપ્ત કરી.
પેઢી દર પેઢીથી ચલાવાતા આ ઉદ્યોગમાં પડેલા સમુદાયમાં શિક્ષણનું સ્તર ધીમે-ધીમે વધતું જાય છે, તો પણ નવી પેઢી કોઈ નવા ઝળહળતાં ક્ષેત્રોમાં જવા ખાસ ઉત્સુક નથી.
મુંબઈમાં હવે તો જાણે નવી જરીનો ધંધો ધમધોકાર ચાલતો જોવામાં આવતો નથી. પરંતુ પાયધૂની વિસ્તારમાં જૂની જરી અને કસબ ખરીદનારાઓના ઘણાં બાંકડાઓ જોવામાં આવે છે. આ લોકો આમાંથી ચાંદી કાઢી લઈ તે વેચવાનો વ્યવસાય કરે છે.
હાલમાં આ ઉદ્યોગમાં એટલી મંદી આવી ગઈ છે કે અસલ જરી જોવામાં આવતી નથી. હાલમાં ચાદી પણ એટલી મોંઘી થઇ ગઈ છેકે જરી બનાવવાનું ભલભલાને પરવડે તેમ નથી. તદ્દઉપરાંત જરીના વસ્ત્રો પહેરવાનો શોખ પણ પ્રાયઃ લોપ થઇ ગયો. આજકાલ તો જરીના પટોળાં, પારસી ગરાસ અને જરીની કિનારીઓની ઘણી માગ છે. ઘણી વાર જૂના અસલ જરીનાં પટોળાની કિંમત લાખ રૂપિયા પણ ઉપજે છે. હજી પણ ઘણાં મોટા શહેરોમાં ઘણાં ધાર્મિક, લગ્ન કે સામાજીક પ્રસંગો દરમિયાન જાજરમાન મહિલાઓ જરીનાં વસ્ત્રોમાં સુસજ્જ જોવામાં આવે છે. તદ્દઉપરાંત પ્રસિદ્ધ મંદિરોમાં પણ દેવી દેવતાઓની પ્રતિમાંઓને જરીનાં વસ્ત્રોથી સજાવટ કરવાની વિધિ પરંપરાગત બની ગઈ છે.
તેમ છતાં અસલ જરીથી સજાવટ કરવામાં આવેલા વસ્ત્રો હજી પણ ઘણાં પારસી અને ગુજરાતી પરિવારોમાં મહત્ત્વનું અને ગૌરવ ભર્યું સ્થાન ધરાવે છે.
- અમલા


