ગુજરાતણ એટલે ગરબો. ગુજરાતણ નવરાત્રીના નવ દિવસ મન મૂકીને શક્તિની ભક્તિ કરે છે. કદાચ એટલે જ ગુજરાત આખાય ભારતમાં અલગ તરી આવે છે. ગરબાને ગુજરાતના ઘરેઘરમાં ગાતો અને રમતો કર્યો કવિ અને સંગીતકાર અવિનાશ વ્યાસે. તેમના શબ્દો સરળ અને ગરબે ઘૂમતી ગોરીની જીભે સહેલાઈથી સરી જઈ શકે એવા હતા દા.ત.
''રંગલો જામ્યો કાલિંદીને ઘાટ
ઓ રે છોગાળા તારા, ઓરે છબીલા તારા
ઓ રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ.''
પરંતુ કવિની કલ્પના આનાથી પણ કેટલી ઊંચેરી છે તે અહીં જુઓ :
''નોરતાના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.''
જેમ આગળ વધે તેમ તેમ ગોરી વધુને વધુ સમય ગરબો રમવામાં ગાળે. સવાર પડે અને માનું કંકુ ખરે એટલે કે પ્હો ફાટતાં પહેલા પૂર્વનું આકાશ લાલ રંગે રંગાય, ત્યાર સુધી ગરબા રમાય છે એવું કવિ કહે છે.
આવો ગરબો માની શક્તિની ભક્તિ માટે, શેરીએ શેરીએ, ચૌટે ચૌટે, પોળે પોળે ગવાતો ધીરે ધીરે બદલાતો ગયો. શેરીનો ગરબો તખ્તા પર બંધિયાર બન્યો. ત્યારે ગરબાએ ચોક્કસ ગૂંગળામણ અનુભવી હશે. એમાંય મન વિનાના માનવીએ ગરબાને સ્પર્ધામાં મૂક્યો ત્યાર પછીથી એનું ધીરે ધીરે વ્યવસાયિકરણ થવા લાગ્યું. ગરબાના નામે કેટલાંક ભેજાબાજો નવા નવા શણગાર સજાવી નાણાં રળી લેવા નીકળી પડયા.
હવે ગરબાના બે સ્વરૂપ કરાયાં. પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો. પ્રાચીન ગરબો શેરી અને પોળોમાંથી અદ્રશ્ય થઈને ચાલ્યો ગયો છે. તેમાં જે ભક્તિની ભાવના હતી હવે તેને વટાવી લેવાના પ્રયાસો થાય છે. એમાંથી જ ગરબાને વધુ એક ધક્કો મારી પાર્ટી પ્લોટ સુધી લઈ જવાયો.
કારણ કે જો ગરબા મહોત્સવમાં નવીનતા ન લાવી શકાય તો તે તરફ લોકોનું આકર્ષણ રહે નહીં.
ગરબો પાર્ટી પ્લોટમાં ગયો અને સાથે સાથે મોંઘો બન્યો. ગરબો ગાવાના બદલે જોવાનો બની ગયો. શરૂશરૂમાં ટીવી કેબલ જેવા પ્રચારનાં માધ્યમો હતાં નહીં એટલે ચીજવસ્તુના ઉત્પાદકો પોતાની બનાવેલી વસ્તુના પ્રચાર માટે પાર્ટી પ્લોટના ગરબાને સ્પોેન્સર કરતા. ઠંડા પીણા, ગુટકા અને ચા વગેરેના ઉત્પાદકો આમાં મોખરે હતા. વળી જ્વેલર્સ તરફથી પણ ઈનામો અપાતા. ક્યારેક અંદર રમાતા ગરબાને બહારની મેદની જોઈ શકે તે માટે ટીવી મુકાતા. પહેલાં શેરીના કે પોળોના ગરબામાં માઈક સિસ્ટમ નહોતી. રોજ રાતે શેરી કે પોળની બહેનો જમી-પરવારી એકત્ર થઈ ગરબા ગાતી. એક ગવડાવે અને સૌ ઝીલે. તાળીઓનો સથવારો ગરબાને તાલમાંથી સરવા ન દે. ત્યાર પછી દાંડિયા આવ્યા. સાડીની જગાએ પાયજામા-કુરતા આવ્યા. ગરબો જેવો પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યો કે રંગબેરંગી ચિત્રવિચિત્ર પહેરવેશ દાખલ થયો. ઈલેક્ટ્રિક દાંડિયા આવ્યા. બોલ-બેરિંગવાળા દાંડિયા આવ્યા.
પાર્ટી પ્લોટ પર ગયેલા દાંડિયામાં દૂષણ ભળ્યું. અસામાજિક તત્વો પણ ગરબો રમવાના બહાને અંદર ઘૂસવા લાગ્યા. શક્તિની પૂજાને બદલે રૂપની પૂજા અને પ્રેમની પૂજા માટે યુવાન હૈયા ત્યાં આવવા લાગ્યા.
આજના પ્રદૂષણભર્યા વાતાવરણમાં ત્રીસીએ પહોંચેલા જુવાનિયા પણ ઝાઝો સમય ગરબો રમી નથી શકતા. બસ એકાદ બે ચક્કર મારે અને પછી પાર્ટી પ્લોટના સ્ટોલ પર જઈ ખાણી-પીણી કરી ઘેર પાછા ફરે.
આજે પાર્ટી પ્લોટના ભાડાં પણ ખૂબ વધી ગયાં છે. મ્યુઝિકલ પાર્ટી, સાઉન્ડ સિસ્ટમ, ઈલેક્ટ્રિક સિસ્ટમ અને પાર્ટી પ્લોટની અન્ય સજાવટ મોંઘીદાટ બની ગઈ છે. વળી હવે સ્પોન્સર શોધ્યા છતાં મળતા નથી. એટલે ગરબો ફરી શેરી, ચૌટા અને પોેળો તરફ પાછો ફરશે એની આશા બંધાય છે ખરી.
હવે તો ગરબામાં અસામાજિક તત્ત્વો પેસી જતાં યુવતીઓની છેડતી અને કનડગડતનાં કિસ્સા વધવા લાગ્યા. તેથી છેલ્લાં બે-એક વર્ષથી કમિશનર તરફથી ગરબાનો સમય રાતના ૧૧ વાગ્યા સુધી સીમિત રખાતાં ગરબા આયજકોને લાગ્યું કે તેમનું સાલિયાણું સરકાર ઝૂંટવી રહી છે.
પહેલાં ગરબો ગવાતો, બહેનો સૌ સાથે મળીને ગાતી. ગરબામાં માઈક, સ્ટેજ અને લાઈટ પ્રવેશતાં મ્યુઝિક પાર્ટી આવી, ગાનારા આવ્યા સાથે ભાડે રમનારા પણ આવ્યા. ગરબાનું આકર્ષણ ગુજરાતના સીમાડા છોડી દેશનો કિનારો છોડી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પહોંચ્યું . કહેવત છે ને કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત.' અમેરિકા અને લંડન તથા આફ્રિકામાં પુષ્કળ ગુજરાતીઓ વસે છે. ગરબો ત્યાં પણ રમાય છે. ગુજરાત અને મુંબઈમાંથી અનેક ગરબાગુ્રપ પરદેશ પહોંચી જઈ સારા પૈસા રળી લાવે છે. ગુજરાત કરતાં અમેરિકાના ગુજરાતીઓ વધુ ભક્તિ અને તન્મયતાથી નવરાત્રી ઊજવે છે એવું ત્યાં જનારા કહે છે.
હવે તો ગરબામાં ફેશન સાથે પાશ્ચાત્ય સંગીત અને ફિલ્મી ગીતોના ઢાળવાળા ગરબા ઘૂસી જતાં તમને શક્તિની ઉપાસના માટેનો સાચો ગરબો શોધ્યો પણ નહીં જડે. વરસાદ વરસે, ખેતીની વાવણી થાય, શ્રાવણ-ભાદરવામાં વાવેલા દાણા ઊગીને મોટા થાય, ખેડૂ નારીને સમય મળે એટલે ગામની ભાગોળે ભેગી થઈ ગરબો રમે, એ સાચો ગરબો. એ ગરબા ગાનારના કંઠની નરવાઈ અને બુલંદતા સાથે બે તાળી, ત્રણ તાળી પર રમાતા ગરબા અને પગથી ઊડતી ધૂળ એક અનેરું વાતાવરણ સર્જે એવો ગરબો હવે ખોવાઈ ગયો છે.
એક રચના છે કે 'ગીત' અમે શોધ્યું શોધ્યું ને ક્યાંય ના જડયું તેમ 'ગરબો અમે ગોત્યો ગોત્યો ને ક્યાંય ના મળ્યો' જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે.


