ક્યાં અને કેવી રીતે સુરક્ષિત રહે યુવતીઓ
- એક યુવતી ક્યાંય પણ સુરક્ષિત નથી. સ્ત્રી ઘરમાં હોય કે ઘરની બહાર હોય તે એકલી હોય કે કોઈની સાથે હોય દરેક રીતે સુરક્ષિત નથી. રાજકારણ સાથે જોડાયેલી એવી વ્યક્તિની વાત અહીં યાદ આવે છે જેમાં દિલ્હીનાં એક મુખ્યમંત્રીએ નિવેદન કરેલું કે યુવતીઓએ મોડી રાત સુધી રસ્તા પર ફરવું જોઈએ નહીં.
એમ. બી. એ.ની વિદ્યાર્થિની અને તેની સાથે ભણતો મિત્ર અમિત વડોદરાના જાણીતા મોલમાં શોપિંગ કરવાં નીકળ્યા ત્યારે બંને મિત્રો ક્યાં જાણતાં હતાં કે આજે તેઓ ઘરે કઈ સ્થિતિમાં પાછા જશે. આશરે સાંજના ૫ વાગ્યે તે બંને અમિતની કારમાં બેસી ઘરે પાછાં ફરતાં હતાં. હજુ તેઓ મોલથી એકાદ માઈલ દૂર એક ગંદા નાળા પાસે પહોંચ્યાં જ હશે ત્યાં તેમની પાછળથી આવી રહેલા બાઈકસવાર યુવાનોએ તેમની કારને ઓવરટેક કરી ગાડી ઊભી રખાવી. તે બધા યુવાનો સૂરત શહેરથી ક્રિકેટ રમી પાછા આવતા હતા. ત્યારબાદ તેમાંના ૪ યુવાનોએ બંનેને પાછળની સીટ પર બાંધી દીધાં અને તેમનું અપહરણ કરી સૂમસામ જગ્યા પર લઈ ગયા. બીજા યુવાનો બાઈક પર કાર પાછળ પીછો કરતા નજીકના ગામડે પહોંચ્યા.
પહેલાં તો બંનેના મોબાઈલ ફોન, સોનાની ચેન, વીંટી અને પૈસા ઉપરાંત અન્ય કિંમતી વસ્તુઓ આંચકી લીધી. ત્યારબાદ અમિતની નજર સામે વિદ્યાર્થિની મિત્ર પર તેઓએ સામૂહિક બળાત્કાર કર્યો.
એ પછી તમામ આરોપી બાઈક પર નાસી ગયા. અમિતે પોતાનાં બંધન છોડયાં અને રાત્રે આશરે દોઢ વાગે પોલીસ સ્ટેશન પર જઈ ફરિયાદ કરી.
લોકોએ બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિની પર એવો આક્ષેપ કર્યો કે તેઓ બંને નાળાની નજીક કાર ઊભી રાખી એકબીજા સાથે અશ્લીલ વર્તન કરતાં હતાં. જ્યારે કોઈ પણ યુવતી આવી ગંદી હરકત કરે છે અને કરાવે છે ત્યારે તેની સાથે આવું જ બને છે. એ બંનેની અશ્લીલ હરકતો જોઈ યુવકોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની વાત તેઓએ ગણકારી નહોતી એટલે તેઓ બધા (આરોપી) ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ વાત ત્યારે બહાર આવી જ્યારે પેલા ૭ યુવકોની ધરપકડ કરાઈ. આમાંના એક આરોપીએ તેનો ગુનો કબૂલી લીધો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો આરોપીઓએ તેમને ખરાબ કામ કરતા જોયા હતા તો તેઓએ શા માટે પોલીસ ફરિયાદ ન કરી અને ત્યાંથી નાસી કેમ ગયા હતા?
આનો અર્થ એવો નીકળે છે કે અયોગ્યનો પ્રતિકાર કરવાને બદલે તેમણે તેનો હિસ્સો બનવાનું યોગ્ય માની લીધું. જ્યારે અમિતનું કહેવું છે કે આરોપીઓએ જબરજસ્તીથી કાર ઊભી રખાવી આ કામ કર્યું હતું.
જવાબદાર કોણ - આ ઘટના પછી એ વાત સામે આવે છે કે એક યુવતી ક્યાંય પણ સુરક્ષિત નથી. સ્ત્રી ઘરમાં હોય કે ઘરની બહાર હોય તે એકલી હોય કે કોઈની સાથે હોય દરેક રીતે સુરક્ષિત નથી. રાજકારણ સાથે જોડાયેલી એવી વ્યક્તિની વાત અહીં યાદ આવે છે જેમાં દિલ્હીનાં એક મુખ્યમંત્રીએ નિવેદન કરેલું કે યુવતીઓએ મોડી રાત સુધી રસ્તા પર ફરવું જોઈએ નહીં.
આ પહેલાં પણ દિલ્હીની એક ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ પછી રાજકીય નિવેદનમાં આ વાત સામે આવી હતી કે મોડી રાત સુધી યુવતીઓએ બહાર જવું જોઈએ નહીં, પરંતુ આ ગેંગરેપમાં ન તો યુવતી મોડી રાત સુધી બહાર હતી અને ન તો તે એકલી હતી.
હવે જો પોલીસતંત્રની વાત કરીએ તો આ ઘટનામાં પીડિતોને તેમની ફરિયાદ લખાવવા માટે ૩-૩ પોલીસ સ્ટેશન પર ચક્કર મારવાં પડેલાં. ઘટના બન્યા પછી અમિત જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે પોલીસે તેને અન્ય પોલીસ સ્ટેશનનો મામલો છે એમ કહી હાથ ખંખેરી નાખ્યા હતા.
પોલીસવાળા પીડિતો અથવા તો લોકોની મૂંઝવણ સાંભળવાને બદલે પોતાને ખુદને વિવાદિત મામલામાંથી બચાવી લેવાનો પ્રયાસ કરતા નજરે પડે છે.
એક પોલીસ અધિકારીનું કહેવું છે કે લોકો માને છે કે સામાન્ય લોકોનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની છે, જ્યારે દરેક યુવતી કે સ્ત્રી માટે પોલીસ રક્ષણની સવલત શક્ય નથી.
આ અંગે મહિલા આયોગનાં બરખાસિંહ આ બધાનું સૌથી મોટું કારણ સમાજની ખોટી વિચારસરણીને માને છે. તેઓ કહે છે કે જો કોઈ છોકરી સાથે ખોટું થાય ત્યારે લોકો તેને રોકવાને બદલે છોકરીમાં જ દોષ શોધવા લાગે છે. આ રીતે આ પ્રકારના ગુના કરનારાને ઉત્તેજન મળે છે, હંમેશાં લોકોની આ માનસિકતા રહી છે, જ્યાં સુધી આ વિચારસરણી બદલાશે નહીં ત્યાં સુધી સમસ્યા ઊભી રહેશે. આ સ્થિતિમાં યુવતીઓએ તેમના પોતાના રક્ષણ માટે પોતે જ ધ્યાન રાખવું પડશે અને એવા ઉપાય કરવા પડશે કે જેનાથી આવો ગુનો ન બને.
આટલું જાણ્યા પછી અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખો
* મોબાઈલમાં હંમેશાં ઈમર્જન્સી નંબર એવી રીતે ફીડ કરો કે સહેલાઈથી ડાયલ કરી શકાય.
* હંમેશાં સાથે કોઈ સાધન કે મરચાંનો પાઉડર કે પેપર સ્પ્રે વગેરે રાખો. ખતરાની શંકા જતાં પહેલેથી જ હાથમાં કાઢીને રાખો.
* હંમેશાં આત્મવિશ્વાસ જાળવી રાખો, કારણ કે મોટાભાગે એવું થાય છે કે ડરને કારણે આપણે પોતે જ ભૂલ કરી બેસીએ છીએ અને પછી પસ્તાઈએ છીએ.
* ઘરના લોકોને એ જાણકારી જરૂર આપો કે ક્યાં જઈ રહ્યાં છો, કોની સાથે જઈ રહ્યાં છો અને જેની સાથે જઈ રહ્યાં છો તેનો ફોન નંબર પણ આપો.
* હંમેશાં સતર્ક રહો. તમારી આજુબાજુના લોકો, માહોલ વિશે સજાગ અને જાગૃત રહો, ખાસ કરીને સાંકડા અંધારિયા રસ્તે જાઓ ત્યારે તો ખાસ.
* ક્યાંય પણ એકલા જવાનું ટાળો. જો બીજો કશો રસ્તો ન હોય તો એવા વિસ્તારમાં અને રસ્તા પર તો જશો જ નહીં, જે સૂમસામ હોય.
* ચાલતા જાવ ત્યારે ફૂટપાથનો ઉપયોગ કરો. રસ્તાની એક તરફ અથવા આજુબાજુ ઊભા રહેવાનું ટાળો, જેનાથી કોઈ પણ તમને તેમની કારમાં ખેંચી શકે નહીં.
* પૂરા આત્મવિશ્વાસ સાથે સામાન્ય ચાલથી ચાલો. આજુબાજુના લોકોથી અલગ, ચુપચાપ ચાલવાનો પ્રયાસ કરશો નહીં. સહજ બનીને ચાલો.
* રસ્તામાં અજાણ્યા કોમેંટ કરે ત્યારે જવાબ આપવા માટે ઊભા ન રહેશો. ચાલતા રહેજો.
* જો કોઈ બળજબરીપૂર્વક ગળે પડે ત્યારે બૂમાબૂમ કરી લોકો પાસે મદદ માગો. જરૂર પડે તો દોડીને પણ પીછો છોડાવજો.
* કારમાં બેસી ગયા પછી અને તેને પાર્કિંગ કર્યા પછી દરવાજો સારી રીતે લોક કરો.
* કાર એવા સ્થળે પાર્ક કરો જ્યાં ભરપૂર પ્રકાશ હોય.
* ઘણાને આદત હોય છે કે ખરીદી કર્યા પછી કારમાં બેસી સૌ પહેલાં ચીજવસ્તુ, બિલ અને પૈસા વગેરેનો હિસાબ કરવા લાગે છે. આ કામ મોલ કે દુકાનોમાં કે પછી ઘરે જઈને કરશો તો ઉત્તમ રહેશે.
* જો એવું લાગે કે કોઈ તમારો પીછો કરી રહ્યું છે ત્યારે કોઈ સાર્વજનિક સ્થળ, પોલીસ ચોકી અથવા ભીડભાડવાળા સ્થળે ઊભા રહી જજો.
* ઓટોરિક્ષા કે કોઈ બીજા વાહનમાં જઈ રહ્યાં હો ત્યારે કોઈને પણ લિફ્ટ ન આપશો અને વાહન ચલાવનારને એવા રસ્તા પરથી જવા કહેજો કે જે તમને સુરક્ષિત લાગે.
* ઓટોમાં એકલા જવાનું ટાળજો. જો ઓટોમાં જવું એ મજબૂરી હોય તો ઓટોમાં બેસતાં પહેલાં ઓટોનો નંબર ફોન દ્વારા તમારા કોઈ પરિચિતને જણાવી દેજો. અથવા વોટ્સએપ મેસેજ કરી દેજો.