- રૂપના આધારે મેળવાતી નોકરીમાં ટેલેન્ટના અભાવે પ્રગતિ કરી શકતી નથી
- રૂપાળા ચહેરાનો 'વટ' અને 'સંકટ' સુંદરતાની 'ફેસવેલ્યુ' બોલીવુડ કે મોડેલિંગ જેવાં ક્ષેત્રોમાં ઘણી અંકાય છે અને બીજી નોકરીઓમાં પગાર-પ્રમોશન તરત મળે છે. પરંતુ તેની સાથે 'ટેલન્ટ' ન હોય, તો મળેલી સફળતા કાયમ ટકતી નથી. ખાસ કરીને સ્ત્રીઓને શોષણના શિકાર થવું પડે છે.
વ્યક્તિની બાહ્ય સુંદરતાનું મૂલ્યાંકન તેના ચહેરા પરથી કરવામાં આવે છે. ચહેરા પરથી જે તે વ્યક્તિમાં રહેલી ક્ષમતાનો અંદાજ લગાડવામાં આવે છે. આ જ કારણે વર્ષોથી સુંદર રૂપની બોલબાલા સાંભળવા મળે છે. આ વિષય પર હજારો લેખ લખાઇ ગયા છે અને ભવિષ્યમાં લખાશે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આકર્ષક સ્ત્રી-પુરુષો માત્ર ખ્યાતનામ અને સફળ હોતા નથી પણ તેમની કમાણી પણવધારે હોય છે. સુંદર અને કુરૂપ દેખાતાં લોકોના પગારમાં ૧૫ ટકાનો તફાવત હોવાનો પણ આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રી જેમ્સ એન્ડ્રેઓની અને રેગન પેટ્રી જણાવે છે કે 'સુંદર વ્યક્તિઓ સરેરાશ કામગીરી જ કરતી હોય છે છતાં તેમના સૌંદર્ય પર ભાર મૂકવામાં આવે છે. અનાકર્ષક કે ઓછા આકર્ષક લોકો કરતાં આકર્ષક લોકો વધુ નાણાં રળે છે. જોકે આનું કારણ એકદમ છીછરું છે. સુંદર વ્યક્તિ વધુ સહયોગી અને મદદકર્તા હોવાની માન્યતા આપણા મનમાં ઘર કરી ગઇ છે. સૌંદર્યવાન વ્યક્તિ વધુ કામ કરે છે એવું નથી પણ તેમની પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવામાં આવે છે.'
વિશ્વના અન્ય દેશની જેમ ભારત દેશ પણ સૌંદર્યનો પૂજારી છે. અહીં સુધ્ધાં બાહ્ય દેખાવને જ વધુ મહત્વ આપવામાં આવે છે. બૉલીવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાયથી લઇને ઘરકામ માટે આવતી નોકરાણીના ચહેરાને આપણે પહેલાં ધ્યાનમાં લઇએ છીએ. આજે સુંદર દેખાવને કારણે ઐશ્વર્યા રાય દેશની સૌથી વધુ વળતર મેળવતી અભિનેત્રી છે. આ અભિનેત્રી ફિલ્મ દીઠ ત્રણ કરોડ રૂપિયા લે છે અને તેના કામણગારા રૂપને લીધે તેની ફિલ્મમાં રહેલી અન્ય અભિનેત્રીની ટેલેન્ટ ઢંકાઇ જાય છે. જેમ કે 'પ્રોવોક્ડ' ફિલ્મમાં ઐશ્વર્યા સાથે નંદિતા દાસ હતી. નંદિતાએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો. પણ ઐશ્વર્યાની હાજરીએ નંદિતાની અભિનય ક્ષમતાને ઝાંખી પાડી દીધી હતી. ઐશ્વર્યાની અભિનય ક્ષમતા વિશે ઝાઝી ચર્ચા થતી જ નથી. કાન્સ ફિલ્મોત્સવથી લઇને હિન્દી ફિલ્મોદ્યોગ સુધી સર્વત્ર તેના રૂપની જ ચર્ચા સાંભળવા મળે છે.
બૉલીવૂડમાં આ વાત માત્ર ઐશ્વર્યા રાયને જ લાગૂ પડતી નથી. દીપિકા પદુકોણ, કેટરીના કૈફ, લારા દત્તા જેવી અભિનેત્રીઓ માત્ર સુંદર દેખાવને આધારે જ ફિલ્મોદ્યોગમાં ટકી ગઇ છે. અભિનય જગતમાં ટેલેન્ટ કરતાં દેખાવનું જ પલડું ભારે જોવા મળે છે. જો કે, બૉલીવૂડ ઉપરાંત હોટેલ ઉદ્યોગ, એરલાઇન, મીડિયા જેવા તમામ ક્ષેત્રમાં બાહ્ય સૌંદર્ય પર જ વધુ ભાર મૂકવામાં આવે છે. આકર્ષક દેખાવ ધરાવનારાને નોકરી જલ્દી મળી જાય છે તે વાત અનેકવેળા પુરવાર થતી આવી છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે.
દેખાવની બાબતમાં બૉલીવૂડના અભિનેતાઓ પણ પાછળ નથી. અભિનેતા જ્હોન અબ્રાહમ આનું ઉત્તમ ઉદાહરણ છે. જ્હોન સરેરાશ અભિનયક્ષમતા જ ધરાવે છે. છતાં મૅચો લુકને કારણે ખૂબ ઓછા સમયમાં જ્હોન જાણીતો અભિનેતા બની ગયો છે. આજે વિશ્વભરમાં તેના ચાહકો વસે છે તેનું કારણ જ્હોનની અભિનય પ્રતિભા નહિ પણ દેખાવ છે. જ્હોનને જોઇને મુઝ્ઝમીલ ઇબ્રાહિમ પણ બૉલીવૂડમાં પ્રવેશ્યો હતો. મુઝ્ઝમીલને પણ સારા દેખાવને કારણે પૂજા ભટ્ટની 'ધોકા' ફિલ્મ મળી હતી. પરંતુ તેને જ્હોન જેટલી સફળતા મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
એક અગ્રણી લાઇફસ્ટાઇલ થેરેપીસ્ટના જણાવ્યા પ્રમાણે સુંદર દેખાવ ધરાવતી વ્યક્તિને ઉજળી તકો મળે છે. પણ માત્ર રૂપના આધારે સફળતા મેળવી શકાતી નથી. જેમ કે બે વ્યક્તિ એક નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે સુંદર દેખાતી વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે. પણ નોકરીમાં પ્રગતિ તો ટેલેન્ટના આધારે જ કરી શકાય છે. ત્યાં રૂપનું કામણ ચાલતું નથી. ફિલ્મ, મોડેલિંગ, રિસેપ્શનીસ્ટ જેવા આકર્ષક દેખાવની જરૂરિયાત ધરાવતાં ક્ષેત્રમાં તો વ્યક્તિની આવડતને તેના લુક દ્વારા મુલવવામાં આવે છે. જે ક્યારેક ખોટનો સોદો સાબિત થાય છે. કારણ કે માત્ર દેખાવને આધારે જીવનમાં પ્રગતિ કરી શકતી નથી. સુંદર દેખાવ સાથે આત્મવિશ્વાસ અને આવડત હોવી અત્યંત જરૂરી છે. દેખાવના આધારે કદાચ સફળતાની સીડીના પ્રથમ પગથિયે પહોંચી જવાય છે. પણ ત્યારબાદ તો ક્ષમતા જ કારકિર્દી કંડારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિનો દેખાવ કારકિર્દી ઘડવામાં કેટલો મહત્ત્વનો ગણાય તે વિશે એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સૌંદર્યની સામાજીક વ્યાખ્યા અનુસાર ભાગ લેનારાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ૩૮ ટકા આકર્ષક સ્ત્રી-પુરુષોને તેમના રૂપના આધારે મુલવવામાં આવ્યા હતા. જ્યારે ૧૮ ટકા સામાન્ય દેખાવ ધરાવનારા અને પાંચ ટકા કુરૂપોની ક્ષમતાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ક્યારેક દેખાવડાઓ આરંભે શૂરા સાબિત થાય છે. તેઓ પોતાના રૂપને કારણે સામેની વ્યક્તિને પ્રભાવિત કરે છે પણ પછી જ્યારે કૌવત દર્શાવવાનો સમય આવે છે ત્યારે તેમની પોલ ખુલી જાય છે અને છેવટે અનાકર્ષક લોકો બાજી મારી જતાં જોવા મળે છે એમ સંશોધકોએ જણાવ્યું હતું.
ટીવી અભિનેત્રી રેશમી ઘોષ માને છે કે સુંદર ચહેરો કે આકર્ષક વ્યક્તિત્વ ધરાવનારને જીવનમાં ઉજળી તકો સાંપડે છે. રેશમી વર્ષ ૨૦૦૨માં સૌંદર્ય સામ્રાજ્ઞાી બની હતી અને છેલ્લા નવ વર્ષથી અભિનય ક્ષેત્રમાં છે. રેશમીના મતે જીવનમાં સફળતા મેળવવામાં આવડતની સાથે ભાગ્ય પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો માત્ર સુંદર દેખાવને કારણે જ સફળતા પ્રાપ્ત થતી હોત તો જગતમાં રહેલા તમામ સુંદર સ્ત્રી-પુરુષો શ્રીમંત અને સફળ હોત. અહીં અભિનેતા શાહરૂખ ખાનનું ઉદાહરણ ધ્યાનમાં રાખવા જેવું છે. શાહરૂખ પારંપરિક આગવો દેખાવ ધરાવતો નથી. તેમ છતાં આજે તે ભારતનો નંબર વન અભિનેતા છે. આનું કારણ તેનું ભાગ્ય છે.
મનોચિકિત્સકો જણાવે છે કે લોકો મોટેભાગે સારા દેખાવના આધારે નોકરી મેળવી તો લે છે પણ પછી તે પ્રોફેશનમાં રહેલી જરૂરિયાત પૂરી કરવા જેટલી આવડત ન હોય તો સફળતા મેળવી શકતા નથી. પોતાની જાતને અન્યો સમક્ષ આકર્ષક રીતે રજૂ કરવાની આવડત હોય તો નોકરી મેળવવી સરળ બને છે. કોઇપણ સ્માર્ટ વ્યક્તિ આ કરી શકે છે. પણ એક વખત ઇન્ટરવ્યુમાં પાસ થઇ ગયા પછી જ્યારે ક્ષમતાની કસોટી કરવામાં આવે છે ત્યારે રૂપની રોનક ઝંખવાઇ જાય છે. ગ્લેમર સાથે સંકળાયેલા ક્ષેત્રમાં સૌંદર્ય અને ફિટનેસની બોલબાલા જોવા મળે છે. મોડેલ, વીજે, ટીવી કલાકારો કે ફિલ્મ કલાકારોની કારકિર્દી દેખાવ પર આધારીત હોવાથી તેઓ પોતાના બાહ્ય સૌંદર્ય બાબતે ખૂબ જ સતર્ક રહે છે.
પરંતુ આજે તો નોન-ગ્લેમરસ ક્ષેત્રમાં પણ આકર્ષક દેખાવ ધરાવતી વ્યક્તિને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે ઘણી યુવતીઓ નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જતાં પૂર્વે બ્યુટીપાર્લરમાં જાય છે. એરલાઇન ઉદ્યોગમાં એરહોસ્ટેસ પોતાના વજન બાબતે સતત ચિંતીત જોવા મળે છે. છતાં હકીકત એ છે કે માત્ર સારો દેખાવ હોવો પૂરતું નથી. સુંદર દેખાવ સાથે બુધ્ધિપ્રતિભા અને જે તે ક્ષેત્રનું જ્ઞાાન હોવું જરૂરી છે. કારણ કે છેવટે તો કોઇને માત્ર રૂડી-રૂપાળી ઢીંગલી નથી જોઇતી હોતી. દેખાવ બાબતે કરવામાં આવતાં અભ્યાસનું પરિણામ ભલે જે આવ્યું હોય તે પણ સુંદરતા સાથે ગુણ, કૌવત અને હોંશિયારીનો ત્રિવેણી સંગમ હોવો જરૂરી છે.


