બાળકને ગાયનું દૂધ આપવાનું ક્યારથી શરૂ કરવું?
શિશુના જન્મ પછી તરત જ તેને માતાના દૂધ પર રાખવામાં આવે છે. માતાનું દૂધ નવજાત શિશુને દરેક જાતના પોષક તત્ત્વો પૂરાં પાડવા સાથે તેની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે. સ્વાભાવિક રીતે જ તેની બીમાર પડવાની પડવાની સંભાવના નહીંવત્ બને છે અને તેનો શારીરિક- માનસિક વિકાસ યોગ્ય રીતે થાય છે. પરંતુ જેમ જેમ બાળક મોટું તતું જાય તેમ તેમ માતાને એ વાતની ચિંતા સતાવવા લાગે છે કે તેના શિશુને ગાયનું દૂધ આપવાનું ક્યારથી શરૂ કરી શકાય?
આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) અનુસાર શિશુના જન્મ પછી છ મહિના સુધી તેને માત્ર અને માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ. ત્યાર પછીના દોઢ વર્ષ દરમિયાન તેને માતાના દૂધ ઉપરાંત અન્ય પોષક આહાર આપવો જોઈએ. પરંતુ બાળક એક વર્ષનું ન થાય ત્યાં સુધી તેને ગાયનું દૂધ ન આપવું.
એક અભ્યાસ અનુસાર ગાયના દૂધમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન હોવાથી બાળકને આ દૂધ પચાવવામાં ભારે પડે છે. એટલું જ નહીં તેમાં વિટામીન-સી, ઈ, ઝિંક અને નિયાસીન (વિટામીન બી-૩) નહીંવત્ પ્રમાણમાં હોય છે. વાસ્તવમાં નિયાસીનનો ઉપયોગ કરીને જ આપણું શરીર આપણે ખાધેલા આહારને ઊર્જામાં પરિવર્તિત કરે છે. તે પાચનતંત્ર અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગાયના દૂધમાં લિનોલિક એસિડની માત્રા પણ ફક્ત ૧.૮ ટકા જેટલી જ હોય છે. જ્યારે ત્વચાના સ્વાસ્થ્ય, ચયાપચયની ક્રિયા તેમ જ અન્ય જરૂરી ફેટી એસિડ બનાવવા માટે દૂધમાં લિનોલિક એટલે કે ઓમેગા-૬ પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઓછામાં ઓછું ત્રણ ટકા જેટલું હોવું જોઈએ. અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે બાળક છ મહિનાનું થાય કે તરત જ તેને ગાયનું દૂધ આપવાનું શરૂ કરી દેવાથી તે એક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના શરીરમાં લોહ તત્ત્વની ઊણપ સર્જાય છે. જે તેને માટે રક્તાલ્પતાનું કારણ બને છે. બાળકના જન્મ પછીના બે વર્ષ સુધીમાં તેને પૂરતા પ્રમાણમાં આયર્ન (લોહ તત્ત્વ) ન મળે તો તેનો માનસિક વિકાસ રુંધાય છે. વાત અહીં નથી અટકતી. ગાયના દૂધમાં ઊંચા પ્રમાણમાં રહેલા પ્રોટીન, સોડિયમ, પોટેશ્યિમ , ક્લોરાઈડ અને ફોસ્ફરસ બાળકની કિડની પર વધારાનો ભાર નાખે છે.
અન્ય એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ગાયના દૂધને કારણે બાળકને એલર્જી થવાની તેમ જ તેના આંતરડામાં રક્તસ્ત્રાવ થવાની ભીતી પણ રહે છે. બહેતર છે કે ભૂલકું એક વર્ષનું થાય ત્યાર પછી જ તેને ગાયનું દૂધ આપવામાં આવે. અને તે પણ ચોક્કસ પધ્ધતિથી આપવામાં આવે તો બાળક માટે તે ઉત્તમ પુરવાર થાય છે. જેમ કે.....
* પ્રારંભિક તબક્કે શિશુને ગાયનું દૂધ માતાના દૂધમાં સરખા ભાગે ભેળવીને આપવાથી ધીમે ધીમે ગાયના દૂધના સ્વાદથી ટેવાય છે.
* બાળકને આપવામાં આવતું ગાયનું દૂધ પેશ્ચરાઈઝ, સ્ટરિલાઈઝ અને નવશેકુ હોવું જોઈએ.
* ભૂલકાને ગાયનું દૂધ કપમાં નાખીને પીવડાવવાનું શરૂ કરવાથી તેને કપમાં પ્રવાહી લેવાની ટેવ પડવા લાગે છે.
* અમેરિકની એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ' અનુસાર બાળકને દિવસભરમાં બે વખત જ ગાયનું દૂધ આપવું જોઈએ. જ્યારે બેથી ત્રણ વર્ષની વચ્ચેના બાળકને ગાયનું દૂધ ત્રણેક વખત આપી શકાય.
જો કે બાળકને ગાયનું દૂધ આપવાનું ક્યારથી શરૂ કરવું જોઈએ એ બાબતે અલગ અલગ દેશોમાં મતમતાંતર પ્રવર્તે છે. જેમ કે અમેરિકા અને યુકેમાં બાળક એક વર્ષનું થાય ત્યાર પછી જ ગાયનું દૂધ આપવાનો આગ્રહ સેવવામાં આવે છે. જ્યારે ડેનમાર્ક અને સ્વીડનમાં ભૂલકું નવથી ૧૦ માસનું થાય ત્યાર પછી તેને તબક્કાવાર ગાયનું દૂધ આપવામાં આવે છે. અલબત્ત, મોટાભાગના દેશોમાં ભૂલકું એક વર્ષનું થઈ જાય ત્યાર પચી જ તેને ગાયનું દૂધ આપવાનું શરૂ કરવામાં આવે છે.
- વૈશાલી ઠક્કર