Get The App

જ્યારે ગર્ભાશય,અંડાશય,પિત્તાશય કઢાવવાની નોબત આવે ત્યારે.....

Updated: Jul 3rd, 2023

GS TEAM


Google News
Google News
જ્યારે ગર્ભાશય,અંડાશય,પિત્તાશય કઢાવવાની નોબત આવે ત્યારે..... 1 - image


- ઓવરીની સમસ્યા કોઇપણ વયમાં આવી શકે છે. કેટલાંક કેસમાં રીપ્રોડક્ટિવ વયમાં જ આ સમસ્યા સર્જાય છે જેમાં ઓવરીઝમાં સિસ્ટ કે ટયુમર પેદા થાય ચે. જો બિનાઇન ટયુમર હોય તો  ઓવરી કાઢવાની જરૂર નથી પડતી. માત્ર એ ટયુમર જ દૂર કરી શકાય છે. જો ૪૫ વર્ષ વછી યુટરસ દૂર કરવામાં આવે તો તેની સાથે ઓવરીઝ પણ કાઢી નાખવામાં આવે છે. આનું કારણ એ છે કે આ વય સુધી ઓવરીઝની કામગીરી ઘણી ધીમી પડી ગઇ હોય છે. જે તે મહિલાને મોનોપૉઝ શરૂ થઇ ગયું હોય છે. 

સ્ત્રી જેટલી નાજુક હોય છે એટલી જ મજબૂત પણ હોય છે. તેથી જ મહિલાઓને વજ્રાદપિ કઠોરાની કોમલાની કુસુમાદપિ કહેવાય છે.લજામણીના છોડ જેવી મહિલા પણ શિશુને જન્મ આપતી વખતે કેટલી મજબૂત બની જાય છે. વાસ્તવમાં ઇશ્વરે તેને દરેક સ્થિતિને અનુકૂળ થઇ જાય એવી ઘડી છે. તેથી જ તેના શરીરના કેટલાંક અંગો પણ એવા છે જે નાછૂટકે કાઢી નાખવાની નોબત આવે તોય સ્ત્રી ટકી રહી શકે છે.આજે  આપણે મહિલાઓના શરીરના કેટલાંક એવા અંગોની વાત કરીશું જેને નાછૂટકે કાઢી નાખવામાં આવે તોય  તે ટકી રહે છે. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે...,

મહિલાઓના શરીરમાંથી અનિવાર્ય કારણવશ યુટરસ (ગર્ભાશય),ઓવરીઝ  (અંડાશય)કે ગૉલ બ્લેડર (પિત્તાશય) કાઢવાની નોબત આવે તોય તેમને જાનહાનિ થવાની શક્યતા નથી રહેતી.હા, તેમના શરીરમાં ચોક્કસ પ્રકારની કમી આવે છે. તેથી જો છેવટના વિકલ્પ તરીકે જ આ અંગો કાઢી નાખવાનો નિર્ણય લેવો જોઇએ. અને  તે દૂર કર્યા પછી કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી બની જાય છે. જેમ કે....,

યુટરસ ઃ મલ્ટીપલ ફાઇબ્રોઇડ્સ કે અન્ય કોઇ અનિવાર્ય કારણ પેદા થાય તો જ ગર્ભાશય કાઢવાનો નિર્ણય લેવો જોઇએ. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ગર્ભાશય દૂર કર્યા પછી સેક્સ્યુઅલ લાઇફને અસર થાય છે. પરંતુ આ વાત સાચી નથી. તેનાથી સેક્સની ઇચ્છા પર કોઇ ફરક નથી પડતો. હા, જે તે મહિલાને કાંઇક ગુમાવ્યાની માનસિક અનુભૂતિ થાય છે ખરી. પરંતુ હવે ગર્ભાશય દૂર કરતી વખતે   તબીબો વેજાઇનાની લંબાઇ ઘટી ન જાય તેની ખાસ કાળજી લે છે. હવે યુટરસ કાઢવા માટે લેપ્રોસ્કોપી  કરવામાં આવતી હોવાથી મરીજને ઓપન સર્જરી કરતાં ઘણી ઓછી તકલીફ પડે છે.આમ છતાં કોઇ કારણવશ વેજાઇનાની લંબાઇ ઓછી થઇ જાય તો સંબંધિત મહિલાની સેક્સ લાઇફને અસર પહોંચે છે. 

ઓવરીઝ ઃ  ઓવરીઝ કાઢી નાખવામાં આવે ત્યારે  અચાનક સર્જિકલ મેનોપૉઝ આવી જાય છે. ઓવરીઝમાં હોર્મોન્સ પેદા થતાં હોવાથી  જે તે મહિલામાં તાત્કાલિક મેનોપૉઝના લક્ષણો દેખાવા લાગે છે. તેને હૉટ ફ્લેશ, વેજાઇનલ ડ્રાયનેસ,યુરિનમાં ઇન્ફેક્શન ઇત્યાદિની સમસ્યા પેદા થવાની ભીતિ રહે છે. તદુપરાંત હૃદય રોગના હુમલા કે  સ્ટ્રોકની આશંકા પણ રહે છે. જ્યારે મહિલાને કુદરતી રીતે મેનોપૉઝ  આવે છે ત્યારે  શરીર ફરીથી સંતુલિત થઇ જાય છે. પરંતુ સર્જિકલ મેનોપૉઝ અચાનક આવતું  હોવાથી હોર્મોન્સનું અસંતુલન સર્જાય છે.કેટલાંક કેસમાં સેક્સની ઇચ્છા નબળી પડે છે. 

નિષ્ણાતો કહે છે કે ઓવરીની સમસ્યા કોઇપણ વયમાં આવી શકે છે. કેટલાંક કેસમાં રીપ્રોડક્ટિવ વયમાં જ આ સમસ્યા સર્જાય છે જેમાં ઓવરીઝમાં સિસ્ટ કે ટયુમર પેદા થાય ચે. જો બિનાઇન ટયુમર હોય તો  ઓવરી કાઢવાની જરૂર નથી પડતી. માત્ર એ ટયુમર જ દૂર કરી શકાય છે. જો ૪૫ વર્ષ વછી યુટરસ દૂર કરવામાં આવે તો તેની સાથે ઓવરીઝ પણ કાઢી નાખવામાં આવે છે. આનું કારણ એ છે કે આ વય સુધી ઓવરીઝની કામગીરી ઘણી ધીમી પડી ગઇ હોય છે. જે તે મહિલાને મોનોપૉઝ શરૂ થઇ ગયું હોય છે. 

જોકે ઓવરીઝ દૂર કરી દેવાથી સંબંધિત મહિલાને હૃદય રોગનો હુમલો આવવા ઉપરાંત સ્મરણ શકિતમાં  સમસ્યા સર્જાવી,પાર્કિન્સન,ડિપ્રેશન, ગ્લુકોમા અને ઑસ્ટિયોપોરોસિસનું જોખમ પણ વધે છે. હોર્મોન્સમાં આવેલી કમીને કારણે હૉટ ફ્લેશ અને ગભરામણ થવાની સમસ્યા પણ પેદા થાય છે. વાસ્તવમાં ઓવરીમાં ઉત્પન્ન થતાં હોર્મોન્સ વર્ષો સુધી હાડકાં, મસ્તિષ્ક,હૃદય,આંખોને સ્વસ્થ રાખવામાં સહાય કરે છે. તેથી જ્યારે આ હોર્મોન્સનો અભાવ પેદા થાય ત્યારે આ સમસ્યાઓ માથું ઊંચકે છે. 

જ્યારે યુટરસ અને ઓવરી, બંને દૂરકરવાની નોબત આવે ત્યારે થાક લાગવો, નબળાઇ વર્તાવી, ગેસ થવો, પેટ ફૂલી જવું,પેડુમાં દુખાવો થવો,યોનિમાં શુષ્કતા આવવી, સ્તન ઢીલાં પડી જવા,મૂડ બદલાવો,કમરમાં દુખાવો થવો જેવી ઘણી સમસ્યાઓ પેદા થાય છે. આ શારીરિક સમસ્યાઓ ઉપરાંત ઉદાસ થઇ જવું,કામેચ્છાનો અભાવ, તણાવ,ચીડિયાપણું જેવી માનસિક વ્યાધિઓ પણ દેખા દે છે.પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ મુશ્કેલીઓમાં રાહત શી રીતે મળે? 

 આના જવાબમાં નિષ્ણાતો કહે છે....., 

*  વજ્રાસન, સૂૂર્ય નમસ્કાર, પવન મુક્તાસન,હલાસન જેવા આસનો તેમ જ અનુલોમ વિલોમ,કપાલભાતિ,ભ્રામરી જેવા પ્રાણાયમ કરો.

*  નિયમિત વ્યાયામ અને પોષક આહાર પણ જે તે મહિલાને આ સમસ્યાઓમાં ઘણી રાહત આપે છે. જેમની ઓવરી દૂર કરી દેવામાં આવી હોય તેમને રોજિંદા આહારમાં પ્રાકૃતિક રીતે ઇસ્ટ્રોજન મળી રહે એવી વસ્તુઓ સામેલ કરવી. સોયાબીનનું સેવન હોર્મોન્સનું અસંંતુલન ખાળે છે.તદુપરાંત પાંદડાવાળા શાકભાજી,રાજમા, વિવિધ પ્રકારની દાળ, ખાટાં ફળો,દૂધ, લીલા શાકભાજી, કોબી, ગાજર, ચેરી, બીન્સ, વટાણા, બટાકા,ં સોયા મિલ્ક, સોયા લોટ, ટોફુ જેવી લોહ  તત્વો અને કેલ્શિયમનો ખજાનો ધરાવતી વસ્તુઓ લેવી. વિટામીન ડી મેળવવા સવારનો કુણો તડકો લેવો. 

ગૉલ બ્લેડર ઃ ખાધેલો ખોરાક પચાવવામાં ગૉલ બ્લેડરની આગવી ભૂમિકા હોય છે. નાશપતિ આકારનું આ અંગ લીવરની નીચેના ભાગમાં જમણી બાજુએ હોય છે. પિત્તાશય આંતરડામાંના ભોજનમાં રહેલી ચરબીને છૂટી પાડીને નાના આંતરડામાં મોકલે છે જેથી તેમાં રહેલા  વિટામીનો  અને પૌષ્ટિક તત્વો રક્તમાં સારી રીતે શોષાઇ જાય.પિત્તાશયમાં સોજો આવવાથી કે પથરી થવાથી અસહ્ય પીડા થાય છે. જે તે દર્દીને ઊલટી થવી, ઊબકાં આવવા, તાવ આવવો, જુલાબ થવા,કમળો થવો જેવા લક્ષણો દેખાય છે. જો આવા આકરા લક્ષણો દેખા દે તો ગૉલ બ્લેડર કઢાવી નાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે ગૉલ બ્લેડર કઢાવી નાખ્યા પછી લીવર સ્વયં તેનું કામ કરવા  લાગે છે.આમ છતાં ગૉલ બ્લેડર દૂર કર્યા પછી કેટલાંક દર્દીઓને અપચો થાય છે. તેથી જે તે મહિલાએ આ પ્રક્રિયા પછી કેટલીક બાબતોની કાળજી લેવી. જેમ કે...., 

*  તળેલાં, મસાલેદાર,પચવામાં ભારે વ્યંજનો ખાવાનું ટાળવું. તેના સ્થાને હળવો આહાર લેવો. 

*  નિયમિત રીતે કસરત કરવી જેથી શરીર સક્રિય રહે અને વજન ન વધે. 

*  સારી રીતે રાંધેલું ભોજન લેવું.કાચા કચુંબર ઇત્યાદિ લેવાનું ટાળવું. 

*  છાલવાળી દાળો તેમ જ રાજમા,ચણા, અડદ જેવા કઠોળ  પચવામાં ભારે હોવાથી હળવી દાળો લેવી. 

*  કાકડી,બીન્સ ,સકરકંદ, બ્રોકલી, ફણગાવેલા કઠોળ,બીટ, પાંદડાવાળા શાકભાજી,ફળોના રસ પૂરતા પ્રમાણમાં લેવા. 

-  વૈશાલી ઠક્કર

Tags :