Get The App

લાગણીઓ દુભાય ત્યારે હૃદયને પણ તકલીફ થાય

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
લાગણીઓ દુભાય ત્યારે હૃદયને પણ તકલીફ થાય 1 - image

- હાર્ટ બ્રેક હાર્ટ અટેક તરફ દોરી જાય ખરું?

હાર્ટબ્રેક (હૃદયભંગ) એક સાર્વત્રિક અનુભવ છે. પછી તે પ્રિયજન સાથે સંબંધ તૂટવામાંથી ઉદ્ભવ્યો હોય, પ્રિયજનની વિદાયથી ઉદ્ભવ્યો હોય કે પછી વિશ્વાસઘાત અથવા હતાશામાંથી સર્જાયો હોય, તેની અસર મનથી આગળ જાય છે. મોટાભાગના લોકો હૃદયભંગને આંસુઓ, અનિદ્રા તેમજ નિરાશા જેવી ભાવનાત્મક ઉથલપાથલ સાથે સાંકળી લેતા હોય છે જ્યારે મેડિકલ નિષ્ણાંતો ચેતવણી આપે છે કે આવી સ્થિતિની શારીરિક અસર પણ પડી શકે અને ક્યારેક માનવીના સૌથી મહત્વના અવયવ હૃદયને પણ પ્રભાવિત કરી શકે. વિશ્વ હાર્ટ દિને નિષ્ણાંતો ભાવનાત્મક સ્વાસ્થ્ય અને હૃદયના આરોગ્ય એકમેકમાં ગૂંથાયેલા છે તેની યાદ અપાવે છે.

જ્યારે ભાવનાત્મક પીડા શારીરિક બને છે

જ્યારે કોઈને હૃદયભંગનો અનુભવ થાય છે ત્યારે ભાવનાત્મક પીડા મન સુધી સીમિત નથી રહેતી. શરીર ભાવનાત્મક ઉત્તેજના પ્રત્યે તીવ્ર પ્રત્યાઘાત આપે છે. માથાનો દુ:ખાવો, અરુચિ, ઉલટી, પેટમાં અસ્વસ્થતા, થાક અથવા વજનમાં અચાનક ફેરફાર ઘણીવાર ભાવનાત્મક આઘાત સાથે સંકળાયેલા હોય છે. આવા સંકેતો ઘણીવાર શરીરની તાણનો પડઘો પાડે છે જે દુ:ખદાયક પરિસ્થિતિ પ્રત્યે શરીરની સ્વાભાવિક પ્રતિક્રિયા છે.

મુંબઈના હૃદયરોગના નિષ્ણાંતો સ્પષ્ટતા કરે છે કે હૃદયભંગ થવાથી હૃદયની રક્તવાહિની યંત્રણા પર તીવ્ર તાણ સર્જાય છે. જ્યારે ભાવનાત્મક તણાવ અત્યાધિક હોય છે ત્યારે આહારની આદતો, નિદ્રાની પેટર્ન અને રોજિંદી જીવનશૈલીમાં વિક્ષેપ પડે છે. કેટલાક લોકો રાહત મેળવવા જરૂર કરતા વધુ ખાય લે છે જેનાથી વજન અને તેની સાથે બ્લડ પ્રેશર પણ વધે છે. વળી કેટલાક લોકોની ભૂખ સાવ ઓછી થઈ જતા થાક અને નબળાઈનો અનુભવ કરે છે. સમય જતા આવી અનિયમિતતા હૃદય પર ચૂપચાપ પોતાની અસર છોડે છે અને હૃદયરોગ માટેનો તખ્તો તૈયાર થાય છે.

ભારતમાં હૃદયરોગની વધતી કટોકટી

મેડિકલ નિષ્ણાંતોના મતે હાર્ટ અટેક અને સ્ટ્રોક સહિતની હૃદયની બીમારી કુલ મોતના ૩૧ ટકા સાથે ભારતમાં થતા મોતનું મુખ્ય કારણ છે. લાખો લોકો હૃદય સંબંધિત તકલીફ સામે ઝઝૂમી રહ્યા છે જ્યારે કેટલાકને તો તેના જોખમોની જાણ પણ નથી. તણાવ, પછી તે અંગત નિષ્ફળતાને કારણે હોય, વ્યાવસાયિક સંઘર્ષને કારણે હોય, સ્થૂળતા અથવા આનુવંશિક વિકૃતિને કારણે હોય, હૃદયની બીમારીમાં મોટો ફાળો આપે છે.

આ તમામ કારણોમાં ભાવનાત્મક તાણ ઘણીવાર ધ્યાન બહાર રહી જાય છે. આધુનિક સમાજમાં, જ્યાં સંબંધો વધુને વધુ જટિલ અને નાજુક બની રહ્યા છે ત્યારે ભાવનાત્મક પીડા ઘણા માટે એક વાસ્તવિકતા બની ગઈ છે. છૂટાછેડા, અલગાવ, તિરસ્કાર અથવા પાર્ટનરનો વિયોગ માનસિક સ્થિરતાને તેમજ સાથે શારીરિક  સ્વાસ્થ્યને ગાઢ રીતે પ્રભાવિત કરી શકે.

હૃદયભંગ પાછળનું વિજ્ઞાાન: તાકોત્સુબો સીન્ડ્રોમ

તબીબી સંશોધને સામાન્યપણે તાકોત્સુબો સીન્ડ્રોમ અથવા ભગ્ન હૃદય સીન્ડ્રોમ તરીકે ઓળખાતી તણાવ પ્રેરિત કાર્ડિયોમાયોપેથી નામની અભૂતપૂર્વ અને ચિંતાજનક સ્થિતિ ઓળખી કાઢી છે. આ સ્થિતિ હાર્ટ અટેક જેવા લક્ષણો તો સર્જે છે પણ તેના કારણો અને પદ્ધતિ અલગ હોય છે.

પીડાદાયક બ્રેકઅપ,અચાનક વિયોગ અથવા આઘાતજનક સમાચાર જેવી તીવ્ર ભાવનાત્મક તાણ દરમ્યાન શરીરમાં આડ્રેનેલાઈન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સનો વધુ પ્રમાણમાં ઉછાળો આવે છે. આ હોર્મોન્સ શરીરને લડવા અથવા નાસી જવાના પ્રતિસાદ માટે તૈયાર કરે છે પણ સાથે અસ્થાયી રીતે હૃદયના મુખ્ય પંપિંગ ચેમ્બર ગણાતા ડાબા હિસ્સાને નબળો બનાવે છે. હૃદયનો આકાર બદલાઈને જાપાનની ઓક્ટોપસ ટ્રેપ તાકોત્સુબો જેવો દેખાતા તેને આ નામ અપાયું છે.

પરિણામસ્વરૂપે વ્યક્તિને છાતીમાં દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને થાક જેવા લક્ષણો જણાય છે જે બિલકુલ હાર્ટ અટેકના લક્ષણો જેવા જ હોય છે. જો કે હાર્ટ અટેકથી વિપરીત આ સ્થિતિમાં ધમનીઓમાં બ્લોક નથી સર્જાતો. મોટાભાગના કિસ્સાઓમાં સ્થિતિ પાછી સામાન્ય બની જતી હોય છે, પણ ભાવનાત્મક પીડા વાસ્તવિક અને મહેસૂસ થઈ શકે તેવી હૃદયની તકલીફ આપી શકે તેની આ સ્પષ્ટ ચેતવણી છે.

કોના પર વધુ જોખમ?

કોઈપણ વ્યક્તિને તણાવ પ્રેરિત હૃદયની સમસ્યા થઈ શકે, પણ કેટલાક લોકો વધુ સંવેદનશીલ હોય છે. જેમને ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અથવા હાર્ટ અટેકનો પારિવારીક ઈતિહાસ હોય તેમના પર વધુ જોખમ રહે છે. વધુમાં મહિલાઓમાં મેનાપોઝ પછી તાકોત્સુબોના લક્ષણ વધુ દેખાય છે. હોર્મોનના ફેરફાર હૃદયને સ્ટ્રેસ હોર્મોન્સ સામે વધુ સંવેદનશીલ બનાવતા હોય તેવી પણ સંભાવના છે. અચાનક હાર્ટ બ્રેક, વિયોગ અથવા ભાવનાત્મક આઘાત આવી વ્યક્તિઓને જોખમમાં મુકી શકે. ઉપેક્ષિત રહેવા પર તે જીવને જોખમમાં મુકતી હૃદય સંબંધિત પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ શકે.

ભગ્ન હૃદયની સારવાર - એક સ્વસ્થ પદ્ધતિ

 ભાવનાત્મક હૃદયભંગ તો ટાળી નથી શકાતો, પણ તેનો શારીરિક પ્રભાવ જાગૃકતા અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. નિષ્ણાંતોએ આ બાબતે માનસિક અડગતા અને હૃદયના સ્વાસ્થ્ય બંનેને મજબૂત કરવા તંદુરસ્ત યંત્રણા અપનાવવાનું સૂચન કર્યું છે.

૧. સ્વીકાર અને અભિવ્યક્તિ

ઉપચારનું પ્રથમ પગથિયું છે હૃદય ભંગ થયાનો સ્વીકાર કરવો. લાગણીઓ દબાવી રાખવાથી  અથવા બધુ યોગ્ય છે તેવો ડોળ કરવાથી માનસિક અને શારીરિક તાણમાં વધારો જ થશે. વિશ્વસનીય મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વાત કરી, વ્યાવસાયિક સલાહ મેળવવાથી ભાવનાત્મક બોજ હળવો થઈ શકે અને લાંબા ગાળાના ત્રાસથી બચી શકાય.

૨. માનસિક અને શારીરિક સુખાકારીને પ્રાથમિકતા આપવી

ચાલવું, યોગા, પ્રાણાયામ અથવા ધ્યાન જેવી ક્રિયાઓ દૈનિક ધોરણે અપનાવીને સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે અને હૃદયના આરોગ્યને જાળવી શકાય છે. શારીરિક ક્રિયાઓ શરીરના કુદરતી મૂડ સુધારનારા એન્ડોર્ફિન્સ બનાવે છે જે હતાશા અને ઉત્તેજનાનો સામનો કરે છે.

સાથે જ સંતુલિત આહાર પણ એટલો જ મહત્વનો છે. તાજા ફળો, શાકભાજી, આખા ધાન, કઠોળ તેમજ પ્રોટીન આહારમાં સામેલ કરીને પ્રોસેસ કરેલા, તળેલા અને ખાંડયુક્ત ખોરાક ટાળવા. હાઈડ્રેશન અને પૂરતી ઊંઘ પણ હૃદયના આરોગ્યને ચુસ્ત રાખવા મહત્વના છે.

૩. વિનાશકારી આદતો ટાળવી

હૃદયભંગ અનુભવતા લોકો સામાન્યપણે ધૂમ્રપાન, નશો અથવા ડ્રગ જેવી આદતો તરફ વળતા હોય છે. એનાથી ભાવનાત્મક પીડાની ઉપેક્ષા તો થાય જ છે સાથે હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે. તેના સ્થાને સપોર્ટ ગુ્રપ અથવા ફિટનેસ વર્ગ તણાવ ઓછો કરવા વધુ સકારાત્મક સહાય આપી શકે.

૪. લખાણ દ્વારા ભાવનાત્મક ડીટોક્સ

મનની લાગણીઓ નિયમિત લખવા (જર્નલિંગ)થી મનને શાંત રહેવામાં મદદ મળે છે. જર્નલિંગથી વ્યક્તિઓને વણઉકેલી દબાયેલી લાગણીઓ વ્યક્ત કરવાની, સ્પષ્ટતા હાંસલ કરવાની તેમજ આત્મનિરીક્ષણની તક મળે છે. મનનો બોજ ઓછો કરવા અને ભાવનાત્મક સંતુલન હાંસલ કરવા માટે આ એક સાધારણ પણ શક્તિશાળી સાધન છે.

૫. આત્મસંભાળ દ્વારા પુન:સ્થાપન

ભાવનાત્મક ઉથલપાથલ પછી આત્મસંભાળ પ્રત્યે ધ્યાન આપવું એ વિલાસ નથી પણ રિકવરી છે. વાંચન, પ્રવાસ, શોખ પૂરો કરવો અથવા સ્પા જેવી ક્રિયાથી પોતાની પંપાળ કરવાથી આત્મવિશ્વાસ તેમજ ભાવનાત્મક સ્થિરતા વધે છે.

૬. કરૂણા અને ધૈર્ય

હૃદયભંગમાંથી ઉગરવામાં સમય લાગે છે. એના માટે પોતાને દોષ દેવાની અથવા રિકવરી પ્રક્રિયામાં ઉતાવળ કરવાની જરૂર નથી. આત્મકરૂણા ચિંતા ઓછી કરવામાં સહાયક નિવડવા ઉપરાંત પસ્તાવા અને આત્મ-શંકાના ચક્રાવાતમાંથી છૂટકારો પણ અપાવે છે. યાદ રહે પીડા ટૂંક સમયની છે અને સમય તેમજ સંભાળથી હૃદય અને મન બંને ફરી મજબૂત બની શકે છે.

ભાવનાત્મક સ્વાસ્થ્ય જ હૃદયની તંદુરસ્તી છે

ભાવનાત્મક તણાવ અને હૃદયના આરોગ્ય વચ્ચેની કડી સર્વગ્રાહી સુખાકારીનું મહત્વ ઉજાગર કરે છે. માનસિક આરોગ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. ભાવનાત્મક પીડાની ઉપેક્ષા કરવાથી લાંબા ગાળાના શારીરિક પરિણામ ભોગવવા પડે છે, જ્યારે ભાવનાત્મક સંતુલન સંભાળવાથી હૃદયની સુરક્ષા થઈ શકે છે. યાદ રહે કે હૃદયભંગ જીવનનો અનિવાર્ય હિસ્સો છે. તે આપણી ભાવનાત્મક શક્તિની ચકાસણી કરે છે અને ક્યારેક જખમ પણ છોડી જાય છે. પણ તે આપણને મક્કમતા શીખવે છે. મહત્વનું છે કે ભાવનાત્મક પીડામાંથી એવી રીતે પસાર થવાનું છે કે શારીરિક આરોગ્ય જોખમાય નહિ. નિષ્ણાંતો ખરુ જ કહે છે કે હૃદય અને મન અવિભાજ્ય છે તેનો સ્વીકાર કરવો સૌથી મહત્વનું છે. એના માટે નિષ્ણાંતોને એક જ મંત્ર છે  'શાંત રહો, સૌમ્ય રહો. હૃદયનું ધ્યાન રાખો, કારણ કે હૃદયની દરેક ધડકન મહત્વની છે.'

- ઉમેશ ઠક્કર