Get The App

મહિલાઓના બગલના વાળની કો'કને શી પંચાત?

Updated: Feb 14th, 2022

GS TEAM

Google News
Google News
મહિલાઓના બગલના વાળની કો'કને શી પંચાત? 1 - image

'ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, એક તું હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ....' આ ગઝલમાં માનુનીના ગોરા તન સાથે તેના વાળની પણ કેટલી સરસ તારીફ કરવામાં આવી છે. સ્ત્રીઓના કાળા ક ે સોનેરી રંગના લાંબા-સુંવાળા વાળ તેના સૌંદર્યનું પ્રતિક ગણાય છે. મહિલાઓ  પોતાના કેશની સારસંભાળ લેવા કંઇકેટલાંય ઉપાય અજમાવે છે. ગુજરાતીઓ તો લાંબા ચોટલાને 'નાગણ' જેવો ચોટલો કહે છે. પરંતુ વિડંબણા એ છે કે જે રમણીઓના માથાના વાળ માટે કવિતાઓ અને શાયરીઓ લખવામાં આવે છે તેમના જ હાથ-પગ અને ખાસ કરીને બગલના વાળ પ્રત્યે સૂગ રાખવામાં આવે છે. 

જોકે  અહીં પ્રશ્ન એ છે કે લોકોને મહિલાઓના માથા સિવાયના અંગો પર આવતા વાળ સામે આટલો બધો વાંધો કે સૂગ શા માટે છે? સામાન્ય લોકોથી લઇને પ્રખ્યાત  લોકો સુધ્ધાં પામેલાઓના અંગો પર ઉગતા વાળ જોવાનું પસંદ નથી કરતાં. ચાહે તે અપરલિપ્સ હોય કે પછી હાથ-પગ પર. અને બગલના વાળ તો લોકોને સૌથી વધુ ખટકે છે. પરંતુ આધુનિક યુવતીઓને લોકોની આ માનસિકતા પ્રત્યે ખાસ્સો વાંધો છે. તેઓ કહે છે કે શરીર અમારું અને વાળ પણ અમારા. તેમાં બીજાઓને શી પંચાત? વળી શરીરના વિવિધ અંગો પર વાળ આવવા એ કુદરતી પ્રક્રિયા છે. પુરુષોને શું બગલમાં વાળ નથી આવતાં. તો પછી તેમના બગલના વાળ સામે કેમ કોઇ ચૂં કે ચાં નથી કરતું? માત્ર મહિલાઓ પર જ આવી કટકટ કેમ?

આવી માનસિકતાને કારણે જ 'મૉન્સુન વેડિંગ' અને 'સર' જેવી ફિલ્મોથી જાણીતી બનેલી અભિનેત્રી તિલોત્તમા શોમે બગલના વાળ દેખાય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. અદાકારાએ આવો ફોટો મૂકતાં જ એક નેટિઝને લખ્યું કે માફ કરજો,પણ આ બહુ સૂગ ચડે એવું લાગે છે. અન્ય એક જણે લખ્યું કે બગલના વાળ દેખાડવાની શું જરૂર છે?મઝાની વાત એ છે કે તિલોત્તમાના આ ફોટાને ઘણાં લોકોએ હિમ્મતભર્યું પગલું ગણાવ્યું તો  કેટલાંકે કહ્યું  કે  તેં મહિલાઓને  આ રીતે રહેવાની પ્રેરણા આપી છે.અભિનેત્રી કહે છે કે હું આ ફોટો મૂકીને એવું પુરવાર કરવા નહોતી માગતી કે હું બહુ બિન્ધાસ્ત કે હિમ્મતવાળી છું. બસ, મેં એ જ દર્શાવ્યું જેવી હું છું. મને ઇચ્છા થાય તો હું અંડરઆર્મ્સ ક્લીન કરું છું અને મન ન થાય તો તેને એમ જ રહેવા દઉં છું.હું મારા આવા ફોટાને સ્ટેટમેન્ટ નથી માનતી. 

સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે તિલોત્તમાની વાત સાચી છે. બગલના વાળ દેખાય તેને સ્ટેટમેન્ટ માનવાની શી જરૂર? વળી તેને ફોટામાં દેખાડવાને પણ હિમ્મતભર્યું પગલું ગણવાનું કારણ શું?એ વાત સર્વવિદિત છે કે મહિલાઓ તેમ જ  પુરુષોને બગલમાં વાળ આવે છે. પરંતુ વિડંબણા એ છે કે સ્ત્રીઓના બગલના વાળ પર જ વાતો કરવામાં આવે છે.આનું કારણ એ છે કે  પામેલાઓની ખૂબસુરતી માટે એવા ધારાધોરણો નિશ્ચિત કરવામાં આવ્યાં છે  જેમાં માથાના વાળ સિવાયના અન્ય કોઇ અંગના વાળ માટે સ્થાન જ નથી.  

જોકે કેટલીક  સેલિબ્રિટીઓ આવા વણલખ્યા નિયમો માનવા તૈયાર નથી હોતી. મલાઇકા અરોરા તેમાં મોખરે છે. તે પોતાના સૌંદર્યના હોય કે પછી જીવન જીવવાની રીતના, બધા નિયમો જાતે જ ઘડે છે. તેથી જ તેણે થોડાં વર્ષ પહેલાં જ અંડરઆર્મ્સ વાળ દેખાતાં હોય એવો ફોટો રજૂ કર્યો હતો. તે વખતે પણ ટ્રોલરો તેના ઉપર તૂટી પડયાં હતાં. તેમણે 'આંટીજી વેક્સ કરના ભૂલ ગઇ,વેક્સ તો કરા  લેતી-અંડરઆર્મ્સ મેં બાલ હૈ....' જેવી ટિપ્પણીઓ કરી હતી.જોકે મલાઇકાને તેનાથી કશો ફરક નહોતો પડયો. તે હંમેશાં એ જ કરે છે જે તેને રુચે છે. પરંતુ નેટિઝનોએ ત્યારે હદ કરી નાખી જ્યારે તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજના ટોપમાં બગલ નીચે આવેલા પરસેવાના ડાઘ પર ટિપ્પણીઓ કરી. થોડાં વર્ષ પહેલા મીતાલી રાજે ટ્વીટર પર એક ફોટો મૂક્યો હતો. તેમાં તેના સ્લીવલેસ ટોપના બગલ પાસેના ભાગમાં પસીનાના ડાઘ દેખાઇ રહ્યાં હતાં. બસ, નેટિઝનોને તો ભાવતું મળી ગયું. તેમણે તેના ટોપ પરના પરસેવાના ડાઘ પર પણ કંઇકેટલીય ટિપ્પણીઓ કરી નાખી.

આ તો થઇ જાણીતી હસ્તીઓની વાત. પરંતુ લોકો સામાન્ય યુવતીઓને સુધ્ધાં આ બાબતે નથી બક્ષતાં.ખાસ કરીને કોઇ બગલના વાળ દૂર કર્યા વિના સ્લીવલેસ ટોપ પહેરે તો તેના ઉપર ટીકાસ્ત્રોનો મારો જ  ચાલે. આવી સ્થિતિમાં તે લાજની મારી માથું નીચું ન ઘાલી દે ત્યાં સુધી તેને છોડવામાં ન આવે.

જોકે આજની તારીખમાં સૌંદર્ય નિષ્ણાતોને પણ બગલના વાળ દેખાતા હોય તેમાં કાંઇ ખોટું નથી લાગતું. તેઓ કહે છે કે તબીબી રીતે જોવા જતાં આ વાળ કેટલાંક કામ કરતી વખતે બગલની ત્વચાને ઘસાતી બચાવે છે. સાથે સાથે મલાઇકા અરોરા, તિલોત્તમા જેવી અદાકારાઓ  પણ તેને સ્વાભાવિક ગણીને બગલના વાળ પ્રત્યેની લોકોની સૂગ દૂર કરવાના પ્રયાસો કરતી રહે છે. આવી હસ્તીઓ માને છે કે જો પુરુષોના બગલના વાળ હૉટ ગણાતા હોય તો સ્ત્રીઓના બગલના વાળ પ્રત્યો સૂગ શા માટે રાખવામાં આવે છે?

વાસ્તવમાં આવી સૂગ માત્ર ભારતમાં જ રાખવામાં આવે છે એવું નથી. વિશ્વભરના લોકોની આવી માનસિકતા આજે  પણ કાયમ છે. થોડાં વર્ષ પહેલા હૉલીવૂડ સુપરસ્ટાર જૂલિયા રૉબર્ટ્સ પોતાની એક ફિલ્મના પ્રીમિયરમાં અંડરઆર્મ્સ ક્લીન કર્યા વિના જ પહોંચી ગઇ હતી ત્યારે તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી. વાસ્તવમાં તેને એ વાત ધ્યાનમાં જ ન રહી કે તે હાથ ઉપર કરશે ત્યારે તેની બગલના વાળ દેખાઇ આવશે.જ્યારે થોડાં વર્ષ પહેલાં બેલ્જિયમની ફિલોસોફીની વિદ્યાર્થીની લૉરા ડેએ ફેસબુક પર બગલના વાળ દેખાતા હોય એવો પ્રોફાઇલ ફોટો મૂક્યો ત્યારે નેટ્ઝિનોએ તેને સ્લટ, સુવર,જાનવરથી પણ બદતર કહીને ઉતારી પાડી હતી. પણ બદલાતા સમય સાથે લોકોની આવી માનસિકતા બદલવા આધુનિક હસ્તીઓ ભરપૂર પ્રયાસો કરી રહી છે. પૉપ સ્ટાર મેડોનાથી લઇને લેડી ગાગા, બિયૉન્સે, બેલા થોરન, બ્રિટની સ્પીયર્સ, માઇલી સાઇરસ જેવી સેલિબ્રિટીઓ અવારનવાર પોતાની બગલના વાળ આત્મવિશ્વાસ પૂર્વક દેખાડવાના પ્રયાસો કરે છે.એટલે સુધી કે ગયા વર્ષના મેટ ગાલામાં મેડોનાની પુત્રી લૉર્ડેસ લિયૉન પણ પોતાની માતાના પગલે ચાલી હતી. હવ ેઆવા વિશાળ મંચ પર જ્યારે આવી હિમ્મત દાખવવામાં આવે ત્યારે બગલના વાળ પ્રત્યેની સૂગાળવી માનસિકતામાં પરિવર્તન આવવાનું જ. 

- વૈશાલી ઠક્કર