Get The App

આ વર્ષે ફેશનમાં શું રહેશે? .

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
આ વર્ષે ફેશનમાં શું રહેશે?                                  . 1 - image

આપણા દેશમાં હિન્દી ફિલ્મો તેમ જ ટીવી સીરિયલોની અભિનેત્રીઓ જે પહેરે તે ફેશન ટ્રેન્ડ બની જાય છે. અને દર વર્ષે આ અદાકારાઓ મોસમ અનુસાર નવા નવા ફેશન ટ્રેન્ડ રજૂ કરતી રહે છે. ખરેખર તો તેમને નિતનવા આઇડિયા આપવામાં ફેશન ડિઝાઈનરોનો જ સૌથી મોટો હાથ હોય છે. આવી સ્થિતિમાં આ વર્ષે કઈ ફેશન ટ્રેન્ડી છે અને આગામી સમયમાં પણ બનવાની છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

જોકે આ વર્ષે ફેશન ડિઝાઈનરોએ ઈઝી ટુ વેઅર અને કમ્ફર્ટેબલ પોશાક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે એવા ફેબ્રિક પર પસંદગી ઉતારી છે જે આરામદાયક લાગે. તેઓ તેના વિશે જાણકારી આપતાં કહે છે...,

આ વર્ષે વૈશ્વિક સ્તરે હાઇપર ફેમિનિન પાવર ડ્રેસિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા ડ્રેસમાં શિમર, રફલ્સ, બોલ્ડ નેકલાઈન્સ, ફિગર હગિંગ ફિટિંગ જેવી ડિટેલ્સ હોય છે જે તમને આકર્ષક લુક આપે છે. ફેશન ડિઝાઈનરો વધુમાં કહે છે કે આ વર્ષે કેપ્સુલ ડ્રેસિંગ હિટ છે. તેમાં અલગ અલગ જાતના વસ્ત્રોનું એવું કલેક્શન હોય છે જે તમે એકબીજા સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો. કેપ્સુલ ડ્રેસિંગમાં ન્યુટ્રલ કલર્સ ટ્રેન્ડી છે. સાથે સાથે મોનોક્રોમની બોલબાલા પણ વધી રહી છે.

જોકે આજની તારીખમાં લોકો આરામદાયક પોશાક ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. આવા વસ્ત્રોમાં ફેબ્રિક સાથે કલરને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. વર્તમાન સમયમાં દરેક જાતના ફેબ્રિકમાં પેન્ટ સૂટ પહેરવાની ફેશન પૂરબહારમાં ખિલી છે. ચાહે તે બ્રોકેડ કે કલમકારી કેમ ન હોય. આ પ્રકારના પેન્ટ સૂટ સાથે હેવી જ્વેલરી સુંદર દેખાય છે. તેવી જ રીતે જમ્પ સૂટના સ્થાને બૉઈલર સૂટ તેમ જ બેગી જીન્સની ડિમાન્ડ વધી છે. તેમાં સંખ્યાબંધ કલર પણ મળી રહ્યાં છે, ચાહે તે પ્લેન હોય કે પછી પ્રિન્ટેડ. જ્યારે એક્સેસરીમાં મિનિએચર, એટલે કે મિની બેગની બોલબાલા છે.

ફેશન ડિઝાઈનરો કહે છે કે હવે સસ્ટેનેબલ, એટલે કે સદાબહાર ફેશનનો ટ્રેન્ડ ફૂલીફાલી રહ્યો છે. આવા ટકાઉ વસ્ત્રોમાં નેચરલ ફાઇબર, ફેબ્રિક, જરી, ભરતકામ, લેસ, ડાઈ અથવા ધાગાનો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા સમય સુધી ચાલે છે. બૉલીવૂડની ઘણી સેલિબ્રિટીઓએ નિ:સંકોચપણે આવી ફેશનને સપોર્ટ કર્યો હોવાથી સામાન્ય લોકોને સુધ્ધાં એક જ વસ્ત્રો બીજી-ત્રીજી વખત પહેરતાં સંકોચ નહીં થાય.

તેઓ વધુમાં કહે છે કે આ વર્ષે નેચરલ, એટલે કે અર્થી કલર ફેશન જગતમાં મોખરે છે. ગરમીના દિવસોમાં ટેરાકોટા લાઈટ કલર, ઑરેન્જ પીચ અને સ્કાય બ્લુ કલરની બોલબાલા રહેશે. તેવી જ રીતે રસ્ટ રેડ કલર પણ આ વર્ષે રંગ જમાવશે. આ કલર ત્વચાના લગભગ દરેક વર્ણને શોભે છે. 

તદુપરાંત સમગ્ર પરિવાર માટે એક જ રંગના વસ્ત્રો પહેરવાની પરંપરા પણ ડિમાન્ડમાં છે. આવા થીમ આધારિત વસ્ત્રોમાં બ્લુ-ગોલ્ડન અને રેડ-ગોલ્ડનનું કોમ્બિનેશન ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

 આ વર્ષે આટલી ફેશન અચૂક ડિમાન્ડમાં રહેશે

* આ ઊનાળામાં ફૂલોની ડિઝાઈનવાળા ડ્રેસ ખૂબ પહેરાશે ચાહે તે પ્રિન્ટેડ હોય કે ભરતકામ કરેલા.

* સાડીમાં બ્લોક પ્રિન્ટ અને નેરો બોર્ડરની માગ વધી પડી છે. આવી સાડીઓ વિરોધાભાસી રંગના બ્લાઉઝ અને ઑક્સિડાઈસ જ્વેલરી સાથે મસ્ત લાગે છે.

* સાડીમાં નોખા તરી આવવું હોય તો કોલ્ડ શોલ્ડર કે ઑફ-શોલ્ડર બ્લાઉઝનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

* આ વર્ષે શોર્ટ સૂટની ડીમાન્ડ પણ ભરપૂર રહેશે. પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે શોર્ટ સૂટ અચ્છો વિકલ્પ ગણી શકાય. અને જો તેની સાથે ઊંચી એડીના પગરખાં પહેરવામાં આવે તો વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી લાગે.

* બ્લિંગ એટલે કે ચળકતી કુરતી, ચુડીદાર અને તેની સાથે બાંધણીનો દુપટ્ટો વેગળો જ લુક આપશે. આ પોશાક સાથે કાનમાં મોટા ઝૂમખા પહેરીને તમારા આકર્ષણમાં ઉમેરો કરી શકાય.