જ્યારે લેધરની બેગ ખરીદતા હોઈએ ત્યારે આપણે મટીરિયલ પર થોડું એક્સ્ટ્રા ધ્યાન આપીએ છીએ, પરંતુ વધુ ખબર ન પડતાં જે સૌથી સારી દેખાય એ ખરીદી લઈએ છીએ, પરંતુ જો સારી ક્વોલિટીની ચીજો વાપરવાનું પ્રિફર કરતા હો તો કોઈ ચીજના ફક્ત દેખાવ નહીં, પણ ગુણવત્તા પર પણ ધ્યાન આપવું જોઈએ.
લેધર જેટલું વધુ સોફ્ટ હશે એટલું જ મોંઘું હશે. મોંઘી કિંમત આપતા હો ત્યારે બેગનું ફિનિશિંગ ચેક કરવું જરૂરી છે. ચેક કરી લો કે એમાં જરાય ઇમ્પરફેક્શન ન હોય. લેધર સોફ્ટ અને સુંવાળું હોવું જોઈએ. આ સિવાય બેગની સાચવણી માટે શું કરવું પડશે એ પણ દુકાનદાર પાસેથી જાણી લો. કેટલીક બેગની સંભાળ આસાન હોય છે, જ્યારે કેટલાક ફેબ્રિકને વાપરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.
બેગનું સ્ટિચિંગ મજબૂત હોવું જોઈએ. ખાસ કરીને હેન્ડલ પાસેનું જેથી એ બેગની અંદર ભરેલી ચીજોનો ભાર ઝીલી શકે. સારી ક્વોલિટીની બેગ યોગ્ય રીતે સીવેલી હશે અને એમાંથી એકેય દોરો બહાર લટકતો જોવા નહીં મળે. સ્ટિચિંગ જ્યારે બરાબર ન હોય ત્યારે તમે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો એવું સમજવું. બેકની અંદરની બાજું એટલે કે ઈનિંગ પણ બહારના દેખાવ જેટલી જ મહત્ત્વની છે. બેગ ખરીદો ત્યારે એને ખોલીને એનું અસ્તર બરાબર સીવેલું અને સારા ફેબ્રિકનું છે કે નહીં એ ખાસ ચેક કરો. લાઈનિંગ સારી ક્વોલિટીનું હશે તો એ ફાટશે નહીં. આ સિવાય સ્ટિચિંગ કર્યું હો તો એનો દરેક ટાંકો સરખા અંતરે અને એક સાઈઝનો લીધેલો હોય એ જરૂરી છે.
હેન્ડલ, પટ્ટા, એકસ્ટ્રા પોકેટ તેમ જ ઝિપર પર ખાસ ધ્યાન આપો, કારણ કે બેગ સારી રહે એ માટે આ ચીજો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધી ચીજો સારી અને ટકાઉ હશે તો જ બેગ લાંબો સમય ટકશે. બેગ ખરીદો ત્યારે ઝિપને બે-ત્રણ વાર બંધ-ચાલુ કરીને જોવી, જેથી એ બરાબર ચાલે છે કે નહીં એ ખબર પડે. જો કોઈ બીજી રીતનું લોક હોય તો એ પણ ચેક કરીને જુઓ. જ્યારે બેગ લઈને ઓફિસ માટે નીકળો અને રસ્તામાં હેન્ડલ કે પોકેટ તૂટી જાય એવી ઇચ્છા તો કોઈની નહીં હોય.
રિયલ લેધરની ચીજોની એક જુદી જ સ્મેલ હોય છે. આ સિવાય લેધર પર વાપરવામાં આવતા કેમિકલ અને ડાઈને લીધે પણ એની સ્મેલ વધુ વિચિત્ર બની જાય છે, જે સૂંઘીને ઘણા લોકોના નાકનું ટીચકું ચઢી જતું હોય છે. ભલે થોડું ઓકવર્ડ લાગે, પણ લેધરની બેગ ખરીદતા પહેલાં સૂંઘીને જુઓ. એની સ્મેલ નેચરલ હોવી જોઈએ. ખૂબ સારી ક્વોલિટીનું લેધર હોય એની સ્મેલ સારી હોય છે.
ડિઝાઈનર લેધરની ચીજો હોય એની ક્વોલિટી સારી હોય છે અને માટે જ એ ખિસ્સામાં ખૂબ મોટું કાણું પાડે છે. માટે જ લેધરની ચીજો ખરીદો ત્યારે એ બ્રેન્ડ કે દુકાનની રિટર્ન પોલિસી વિશે જાણી લો તેમ જ બેગ પર કેટલા સમયની વોરન્ટી છે એ પણ જાણવું જરૂરી છે જેથી કંઈ પ્રોબ્લેમ થાય તો રિટર્ન મેળવી શકાય અને નુકસાન ઓછામાં ઓછું થાય.
લેઘર બેગને કબાટમાં ડાર્ક અને ઠંડી જગ્યા પર રાખો અને એ પણ ખુલ્લી. લેધરની બેગને ક્યારેય પ્લાસ્ટિક કે કોઈ બીજા મટિરિયલમાં વીંટાળવી નહીં. આ સિવાય બેગને ડાયરેક્ટ હીટ અને સૂર્યપ્રકાશ પણ ન લાગવો જોઈએ. બેગ વાપરતા ન હોય ત્યારે એમાં ટિશ્યુ પેપર ભરી દો, જેથી લેધર નરમ ન પડી જાય. આ રીતે બેગનો ઓરિજિનલ શેપ પણ જળવાઈ રહેશે.


