For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટાઢની મોસમી વ્યાધિઓમાં સપડાઓ ત્યારે....શું કરવું અને શું નહીં

Updated: Jan 23rd, 2023

Article Content Image

ટાઢની મોસમી વ્યાધિઓમાં સપડાઓ ત્યારે....શું કરવું અને શું નહીં

શિયાળામાં  વાતાવરણમાં  આવતા બદલાવને કારણે  શરદી, સુકી ખાંસી,  તાવ આવવો  સામાન્ય બાબત છે. પરંતુ આ વર્ષના  શિયાળાએ  તબીબોના  દવાખાનાઓને  દર્દીઓથી ભરી દીધાં છે. અને તેનું કારણ છે સવાર-સાંજ  આછેરી ઠંડી.  જ્યારે  બપોરના  સમયે ઊનાળા જેવી  ગરમી. ખાસ કરીને મુંબઈ  જેવા શહેરોમાં  આ પ્રકારનું   વાતાવરણ  લોકોને બીમાર પાડી રહ્યું  છે.

જો કે  નિષ્ણાતો  કહે છે કે આ પ્રકારની ઋતુમાં  ખાનપાનમાં  બદલાવ  કરવામાં આવે તો શરદી-ખાંસી-તાવ  જેવી વ્યાધિઓને આઘી  રાખી શકાય છે.  અને જો તેના સપાટામાં  આવી ગયા  હો તોય ઝટ  સાજા થઈ   શકાય  છે. તેઓ  ઠંડીની  મોસમમાં  કેવા પ્રકારનો આહાર   લેવો જોઈએ.  તેમ જ આ ઋતુમાં  કઈ કઈ જાતના  તાવ  આવે છે તેની  પણ વિગતવાર  જાણકારી  આપતાં કહે છે.

તાવ  મુખ્યત્વે  ચાર પ્રકારના હોય છે.  ૧) વાઈરલ, ૨)  બેક્ટેરિયલ, ૩) પ્રોટોઝોઅલ, ૪) ફંગલ.  વાઈરલ તાવમાં સ્વાઈલ  ફ્લૂ,  કોવિડ-૧૯, સામાન્ય ફ્લુનો  સમાવેશ થાય છે.  બેક્ટેરિયલ  તાવમાં ટાઈફોઈડ, ન્યુમોનિયા, યુરિન ઈન્ફેક્શન ઈત્યાદિનો  સમાવેશ થાય છે.

ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, સ્ક્રબ  ટાયફસ  જેવા તાવોની ગણના  પ્રોટોઝોઅલમાં થાય છે. જ્યારે ફંગલ  તાવની ગણના  ફંગલમાં  થાય છે.

બાળકોથી લઈને   વયસ્કો સુધી કોઈને પણ તાવ આવે  તો ગભરાઈ  જવાની જરૂર નથી.  સૌથી પહેલાં  થર્મોમીટર  વડે તાવ માપી લો.  જો શરીરનું  ઉષ્ણતામાન ૧૦૦ ડિગ્રી  ફેરનહીટથી વધુ  હોય તો તાવ આવ્યો લેખાય.  જો તાવ ૧૦૩ ડિગ્રી  કે તેનાથી વધુ હોય તો ઘરેલુ  ઉપાયો  કરવાને બદલે  તુરંત  તબીબનો સંપર્ક કરવો.   સામાન્ય રીતે કોઈપણ  તાવ ઓછામાં ઓછો ત્રણ દિવસ રહે છે. પરંતુ કેટલીક વખત તે વધારે  પણ ચાલે છે.  નિષ્ણાત  તબીબો  તાવના પ્રકાર અનુસાર  તેના લક્ષણો, તેને માટે  કરાવવા પડતા ટેસ્ટ  વિશે જાણકારી આપતાં છે.

વાઈરલ તાવ :  આ  તાવમાં ૧૦૧ થી લઈને  ૧૦૩  ડિગ્રી ફેરનહીટ  જેટલો તાવ આવે છે. સાથે સાથે ખાંસી, શરદી,  ગળામાં ખરાશ,  શરીર તૂટવું, કપાળ અતિશય  તપી જવું જેવા લક્ષણો  જોવા મળે છે.

આ  પ્રકારનો  તાવ જો ત્રણથી ચાર  દિવસમાં ઉતરી જાય તો કોઈ ટેસ્ટ  કરાવવાની આવશ્યક્તા નથી રહેતી. પરંતુ જો તાવ તેનાથી વધારે દિવસ રહે  તો તબીબો સીબીસી ટેસ્ટ  કરાવવાની ભલામણ કરે છે. 

ડેંગ્યુ :  ડેંગ્યુમાં  ૧૦૩થી ૧૦૪ ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ  આવે છે.  સાથે સાથે  શરીર પર લાલ  ચકામા પડવા,  શરીર  તૂટવું, ભૂખ મરી જવી અને નબળાઈ  વરતાવી  જેવા લક્ષણો  દેખાય છે. 

ડેંગ્યુ માટે  તબીબો એનએસ-૧ એંટિજન ટેસ્ટ કરાવે છે. આ તપાસને પગલે શરીરમાં ખરેખર ડેંગ્યુના  વાઈરસ છે કે કેમ તેની  ખાતરી થાય છે.  આ પ્રકારનો તાવ આવ્યાના  ચોથાથી સાતમા દિવસ દરમિયાન  એનએસ-૧  એંટિંજન ટેસ્ટ રવામાં આવે તો તેનું ચોક્કસ  પરિણામ  મળે છે. આ ટેસ્ટ પણ  બે રીતે થાય છે.

૧) એલાઈઝા ટેસ્ટ :  દર્દીને  ડેંગ્યુ  છે કે કેમ તેની ખાતરી કરવા  આ ટેસ્ટ  કરવામાં આવે છે. કેટલીક વખત  રેપિડ  ટેસ્ટમાં  કોઈ શંકા રહે તો આ ટેસ્ટ કરાવવાની  સલાહ આપવામાં આવે છે.

૨) કાર્ડ  અથવા રેપિડ  ટેસ્ટ :  આ તપાસમાં  એક પ્રકારના  કાર્ડ પર સેંપલ  લેવામાં આવતાં તેનું પરિણામ જાણવા મળે છે.  જો તેનો રિપોર્ટ  નેગેટિવ આવે તોય દર્દીમાં ડેંગ્યુના  લક્ષણો  જારી રહે તો એલાઈઝા  ટેસ્ટ કરાવવાની  નોબત આવે છે.

મલેરિયા :  મલેરિયામાં  ૧૦૨ થી ૧૦૪ ડિગ્રી ફેરનહીટ જેટલો  તાવ આવે છે.  તાવ સાથે  દર્દીમાં ધુ્રજારી  થવી,  શરીર તૂટવું,  કેટલીક  વખત એકાંતરે તાવ આવવો જેવા લક્ષણો  જોવા મળે છે.

મરીજને  મલેરિયા  છે કે  કેમ તેની  ખાતરી  કરવા રેપિડ  એન્ટિજન  ટેસ્ટ  કરાવવામાં આવે છે.

૦  ચિકનગુનિયા  :  આ તાવમાં  મરીજને  ૧૦૨ થી  ૧૦૩  ડિગ્રી  ફેરનહીટ જેટલો તાવ આવે  છે. અને  શરીર તૂટે છે.  ચિકનગુનિયા  થયાના  ચારથી  પાંચ દિવસ બાદ  મોઢું  આવી જાય છે.

ચિકનગુનિયાના  લક્ષણો  દેખાયા પછી તેની  ખાતરી કરવા માટે  પીસીઆર  ટેસ્ટ કરાવવાનું  કહેવામાં આવે છે.  સામાન્ય  રીતે તબીબો  ચિકનગુનિયાના લક્ષણો  ધરાવતો તાવ આવે તેના એક અઠવાડિયામાં  જ આ ટેસ્ટ  કરાવી લેવાની સલાહ  આપે છે.  તદુપરાંત આવો તાવ આવ્યાના બે દિવસ પછી  એન્ટિબોડીઝની  સ્થિતિ જાણવા  એલિસા ૧જીએમ નામનો ટેસ્ટ પણ  કરાવવામાં આવે છે.

ટાઈફોઈડ :  ટાઈફોઈડમાં  દર્દીને ૧૦૨ થી ૧૦૪  ડિગ્રી  ફેરનહીટ  જેટલો તાવ  આવે છે. તાવ  સાથે  શરીર તૂટવું,   ઝુલાબ થવા અને  ભૂખ મરી જવી જેવા લક્ષણો  દેખાય છે. 

ટાઈફોઈડની  શંકા હોય  ત્યારે તબીબો  તાવ આવ્યાના  એક કે બે  દિવસ પછી  ટાઈફોઈડ  ટેસ્ટ  કરાવવાની ભલામણ કરે છે.  તેના સિવાય રક્તમાં  બેક્ટેરિયાની તપાસ કરવા બ્લડ  કલ્ચર ટેસ્ટ પણ કરાવવામાં આવે છે.  જો મરીજને એક અઠવાડિયા સુધી  તાવ આવતો રહે તો વાઈડલ  ટેસ્ટની સલાહ પણ આપવામાં આવે છે.

જો કે કેટલીક વખત એવું પણ બને  કે લક્ષણોના આધારે  કરાવવામાં આવેલી ચકાસણીનો  રિપોર્ટ  સંબંધિત  વ્યાધિને  અનુરૂપ  નથી હોતો.  આવી  સ્થિતિમાં તબીબો લક્ષણોને ધ્યાનમાં લઈને  દર્દીનો ઉપચાર કરે છે.

દર્દીને  તાવ આવે કે  તરત જ પાણીમાં ભીંજવેલી કે  પાણીમાં યુડી કોલોનનાં  થોડાં  ટીપાં નાખીને તેમાં ડૂબાડેલી  પટ્ટીઓ  કપાળ પર મૂકવાની  પ્રથા ઘર ઘરમાં  જાણીતી છે. તબીબો કહે  છે કે જો તાવ ૧૦૨  ડિગ્રીથી  ઉપર જાય  તો પેરાસિટામોલ આપવા સાથે સાદા પાણીમાં  બોળેલી પટ્ટીઓ   પણ કપાળ પર રાખી શકાય.  દર બેથી ત્રણ મિનિટે  પટ્ટી  બદલતા રહેવું અને આ પ્રક્રિયા  ઓછામાં ઓછી પંદરેક  મિનિટ સુધી જારી રાખવી.  પરંતુ જો તાવ ૧૦૩  કે ૧૦૪ ડિગ્રી  સુધી પહોંચી જાય અને   મરીજને   ટાઢ ન વાતી હોય તો એક ટુવાલ સાધારણ ઠંડા પાણીમાં  ભીંજવીને  દર્દીની પીઠ, છાતી પર થોડી થોડી  મિનિટ માટે રાખવાથી પણ તાવમાં રાહત મળે છે. જ્યારે  શરદી-ખાંસીમાં રાહત મેળવવા  માટે  દેશી  ઘીમાં  બનાવેલી બેસન અથવા  બાજરાના  લોટની  રાબ પીવી.  જો ગળામાં  ખરાશ  હોય તો હુંફાળા પાણમાં  નમક નાખીને તેના કોગળા કરવા.  ગળામાં ઈન્ફેક્શન  થઈ ગયું હોય કે સોજો  આવી ગયો  હોય તો દિવસમાં  બે થી ત્રણ  વખત પાણીમાં  યોગ્ય માત્રામાં  બીટાડીન  નાખીને તેના કોગળા કરવા.

શરદી-ખાંસી  વધારે પડતાં હોય ત્યારે  સ્ટીમ કે  નેબુલાઈઝર  લેવાથી પણ  રાહત મળે છે.  જો શરદી  સાથે ગળામાં ખરાશ હોય અને કફ પણ થઈ  ગયો  હોય  તો સ્ટીમ લેવાથી  રાહત મળે છે.  દિવસમાં  બેથી ત્રણ  વખત પાંચથી  સાત મિનિટ  સુધી સ્ટીમ લેવી.

પરંતુ જો ફેફસામાં  કફ અથવા  ઈન્ફેક્શન હોય  તો તબીબો  નેબુલાઈઝર   લેવાની સલાહ આપે છે.  નેબુલાઈઝરની દવા સીધી ફેફસાં સુધી પહોંચે  છે. નેબુલાઈઝર દિવસભરમાં  એકથી બે વખત લેવાની સલાહ આપવામાં આવે છે.

ઠંડીની  મોસમમાં  શરદી-ખાંસી તાવથી દૂર રહેવા  શું શું કરવું તેની ભલામણ કરતાં  નિષ્ણાતો  કહે છે કે   સૌથી પહેલાં  તો તમારી  ખાણીપીણીમાં  બદલાવ કરો.  શિયાળામાં  ચયાપચયની  ક્રિયા ઝડપી  બનતાં શરીર માટે  જરૂરી તત્ત્વો  ઝડપથી  ખર્ચ થવા  લાગે છે.  આવી  સ્થિતિમાં  પૌષ્ટિક  આહાર લેવા પર ભાર મૂકો.  આને માટે ચોક્કસ સમયપત્રક બનાવો.  જેમ કે.....

સવારના બદામ,  અખરોટ, પિસ્તા  જેવા સુકા  મેવા લો.  બદામને આખી રાત પાણીમાં  પલાળી રાખ્યા પછી સવારના તેની છાલ  ઉતારીને તે પત્થર પર ઘસો.  હવે આ પેસ્ટ  દેશી ઘીમાં  સાંતળીને દૂધમાં  ભેળવીને પીઓ.  આ રીતનું બદામવાળું દૂધ શરીરના  ઉષ્મતામાનને  નિયંત્રણમાં  રાખે છે. 

જ્યારે  દિવસ દરમિયાન ગાજરનો હલવો,  ગાજર- મૂળાનો સલાડ, મોસમી ફળો લો. તદુપરાંત બદામ પાક, અડદિયા પણ શિયાળામાં શ્રેષ્ઠ ગણાય  છે.

ઠંડીના  દિવસોમાં એક લીટર પાણીમાં પા ચમચી  દળેલી સૂંઠ  અને પાંચથી  છ પાન તુલસી નાખીને ઉકાળો.  હવે તેને ગાળ્યા વિના જ એક થર્મોસમાં ભરી રાખો અને દિવસ દરમિયાન  થોડું  થોડું  પીતા રહો.

શાક રાંધતી વખતે  તેમાં  તજ,  લવિંગ, જાયફળ, મરી, હિંગ ઈત્યાદિનો  ઉપયોગ  કરવાથી શરીરને ગરમાવો  મળે છે.

સવારના નરણા કોઠે  આમળાનો મુરબ્બો   પણ ગુણકારી  બની રહે છે.  તમે ચાહો તો  ૧૦ મિ.ગ્રામ. પાણીમાં પાંચ  મિ.ગ્રામ આમળાનો  રસ નાખીને લઈ શકો. 

આ  ઋતુમાં  તલના લાડુ, તલની ચિક્કી  કે રેવડી, શીંગદાણા અને ગોળ પણ  ઉત્તમ ગણાય છે.  તેના સિવાય  દોઢેક  ચમચી ચ્યવનપ્રાશ  ખાઈને ઉપરથી એક ગ્લાસ નવશેકુ  દૂધ લેવાથી  પણ સ્વાસ્થ્યને  લાભ થાય છે.

જ્યારે  શિયાળામાં  આઈસ્ક્રીમ કે ઠંડા પીણાં, મેંદામાંથી  બનેલી વસ્તુઓ, રાતના  સમયે દહીં, છાશથી દૂર રહેવું.

શરીરને  હુંફાળું રાખવા આખી બાંયના વસ્ત્રો પહેરવા.  સાંજે ગરમ કપડાં પહેરી લેવા,  ખાસ કરીને ઘરથી બહાર જતી વખતે.

શિયાળામાં  અઠવાડિયામાં બેથી ત્રણ  વખત સમગ્ર શરીર પર તલ અથવા  સરસવના  તેલની માલિશ કરવી.  માલીશ કરતી વખતે  અથવા સ્નાન કર્યાં  પછી  નાભિમાં  સરસવનું  તેલ લગાવવું.

ઠંડીમાં  પરસેવો વળે એવી કસરત  કરવાથી  શરીરમાં  ગરમાટો  આવે છે.

રાત્રે  સૂતી વખતે હોઠ પર  મલાઈ  અથવા દેશી  ઘી લગાવો. 

ઘરથી  બહાર  નીકળતી વખતે નાકમાં ચાર-ચાર ટીપાં તલનું  તેલ નાખો.  જો બહાર  ઠંડો પવન  ફૂંકાતો હોય તો કાનટોપી પહેરો અથવા  કાનમાં રૂના પૂમડા  નાખી દો.

સવારના  ભાગમાં કુણોે  તડકો  ફાયદાકારક  બની રહે છે.

શરદી-ખાંસી-તાવ મટી જાય ત્યાર પછી પણ દર્દીને થોડાં દિવસ સુધી  નબળાઈ રહે છે.  આવી સ્થિતિમાં  સાજા થયા પછી  ફળો, સુકો મેવો, લીલા શાકભાજી, વિવિધ પ્રકારની દાળો જેવા પૌષ્ટિક આહાર લો. 

જો  તમે નિયમિત  રીતે જિમમાં  જતા  હો તોય તાવ મટયા પછી તરત જ જિમમાં  જવાની ઉતાવળ ન કરો. બલ્કે  કુણા તડકામાં  ચાલવા જવાનું  લાભકારક  બની રહેશે.

તાવમાંથી બેઠા થયા પછી  રોજિંદી  ઘરેડમાં  આવો ત્યારે  પણ જો થાક વરતાય તો શરીરને  આરામ  આપો  જેથી ફરીથી બીમાર પડવાની  ભીતિ ન રહે.

- વૈશાલી ઠક્કર


Gujarat