Get The App

ભાંગેલા હાડકાંને નેચરલી રિપેર કરવા શું ખાશો ?

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાંગેલા હાડકાંને નેચરલી રિપેર કરવા શું ખાશો ? 1 - image

આપણને કોઈ અકસ્માત નડે કે પડી જવાથી વાગી જાય અને હાડકુ ભાંગી જાય ત્યારે એ બહુ પીડાદાયક અનુભવ બની રહે છે. એને લીધે આપણએ રોજિંદી પ્રવૃત્તિઓ પણ નથી કરી શકતા. સૌ જાણે છે કે શરીરના અસ્થિપિંજર (હાડપિંજર)ની આસપાસ સ્નાયુઓ, અસ્થિબંધનો અને અવયવો જેવા દેહના બીજા ભાગો ગોઠવાયેલા છે. હાડપિંજર હાડકાંનું માળખું છે અને આ હાડકાં જ શરીરને શેપ (આકાર) આપે છે, અંગોને સુરક્ષિત રાખે છે અને આપણાં હલનચલનનો આધાર બને છે. એટલે જ હાડકાંને સ્વસ્થ અને મજબુત રાખવા બહુ જરૂરી છે. ક્યારેક બીજા વિવિધ કારણોસર બોન્સ (હાડકાં, અસ્થિ) નબળા પડી ગયા બાદ તૂટી જાય છે, જેના ગંભીર પરિણામો આવે છે. હાડકાં તૂટે (એમાં ફેક્ચર થાય) ત્યારે એને સાજા થતાં અને ફરી સંધાતા લાંબો સમય લાગે છે. અમુક કેસમાં તો હાડકાં ફરી જોડવા સર્જરીની પણ જરૂર પડે છે. જોકે તુટેલા હાડકાં રિપેર કરવાના કુદરતી ઉપાયો પણ છે. અમુક ચોક્કસ હેલ્ધી ફૂડ્સ ખાઈને બોન્સને રિપેર કરી શકાય છે.

મેડિકલ જારગોનમાં જેને બોન ફ્રેકચર્સ કહેવાય છે અને હાડકું ભાંગવાના કારણ પર પહેલા એક નજર કરી લઈએ :

* વાહનને અકસ્માત નડવાથી કે આઉટડોર ગેમ્સ રમતી વખતે થતી ઈજા.

* પડી જવાથી અથવા કોઈના હુમલા કરવાથી થતી ઇન્જરી.

* ઓસ્ટિયોપોરોસિસ જેવી વ્યાધિઓ, જેને કારણે બોન્સ નબળાં પડી જઈ એમાં ફ્રેક્ચર થાય છે.

* ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પર્ફેટા નામની એક બીજા બિમારીમાં પણ હાડકાં નબળા અને બટકણાં બની જાય છે.

* બોન કેન્સર થાય તો પણ હાડકાં બરડ બની સહેલાઈથી તૂટી જાય છે.

આ ઉપરાંત, અનહેલ્ધી ખોરાક (ડાયટ્સ) અને એકસરસાઇઝ કરવાનું ટાળવાથી પણ શરીરના અસ્થિ નબળા પડતા જાય છે.

અમુક લોકો હાડકાંમાં તિરાડ પડે ત્યારે એને સીરિયસલી લેતા નથી અને કુદરતી ઉપચારથી અથવા તો ઓર્થોપિડીશિયન પાસે જઈ એની સારવાર કરવાનું કરવાનું લાંબા સમય સુધી ટાળે છે. આવી બેદરકારી હેલ્થના ગંભીર પરિણામો લાવી શકે છે.

કંઈક વાગે કે પડી જઈએ એટલે તરત ડૉક્ટર પાસે દોડી જવાની પણ જરૂર નથી. હાડકાંની ઈજા ગંભીર ન હોય તો એને ઘરે પણ ઉપચાર કરી શકાય છે. અસ્થિના કુદરતી ઉપચારમાં ઉપયોગી પૂરવાર થતી ઘણી કુદરતી વસ્તુઓ છે. શરત એટલી જ કે એમનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. ભાંગેલા હાડકાંને સાંધી એને મજબુત બનાવવામાં ઘણાં બધા ખાદ્ય પદાર્થો મદદરૂપ થાય છે. એમને બસ ડાયટમાં સામેલ કરો એટલે કામ પત્યું.

કુદરતી ઉપચારનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં એલોપેથીની દવાઓની જેમ સાઇડ-ઇફેક્ટ્સનું જોખમ નથી રહેતું. અલબત્ત, એક મહત્ત્વની વાત ગાંઠે બાંધવાની જરૂર ખરી કે બોન ફેક્ચર બહુ સીરિયસ ટાઈપનું હોય તો મેડિકલ ટ્રિટમેન્ટ લેવી આવશ્યક છે ત્યાર પછી તમે હાડકાં માટે હેલ્પફુલ બનતા ફૂડ્સ ખાઈ શકો છો.

હાડકાંને નેચરલી સાંધતા ખાદ્ય પદાર્થો :

૧. ડેરી પ્રોડક્ટ્સ : દૂધ, દહીં, ચીજ અને યોગર્ટ જેવા ડેરી ઉત્પાદનોમાં ભરપૂર કેલ્સિયમ મળી રહે છે. હાડકાંને મજબુત બનાવવા અને કુદરતી રીતે જાતે સાજા થવાની એમની ક્ષમતા વધારવા માટે કેલ્સિયમ એક મુખ્ય ઘટક છે.

૨. કોળાના બીજ : આપણાં સલાડના બાઉલમાં ડોળાના થોડાક બી રોજ ઉમેરીએ તો પણ ભાંગેલા હાડકાંને કુદરતી રીતે જોડવામાં મદદ મળી રહે છે. કોળાના બીજમાંથી શરીરને મિનરલ્સ (ખનિજ તત્ત્વો) મળે છે, જે હાડકાંને બીજા સ્ત્રોતોમાંથી મળતું કેલ્સિયમ બહુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.

૩. કેપ્સિકમ (મરચાં) : ખાસ કરીને લાલ કેપ્સિકમ વિટામિન સીથી ભરપૂર હોય છે અને વિટામિન સી હાડકાંમાં કૉલેજન (મજ્જા)ના ઉત્પાદનને વેગ આપે છે. કૉલેજન તૂટેલા અસ્થિને સાજા કરી એના બંને છેડાને કુદરતી રીતે સાંધી દેવામાં  અગત્યનો ભાગ ભજવે છે.

૪. આખા અડદ : આપણાં વડિલો જાણે છે કે બ્લેક બિન્સ (અડદ) હાડકાં અને સ્નાયુઓ માટે બહુ જ હેલ્ધી ખોરાક છે. આ કઠોળમાં બહુ મોટા પ્રમાણમાં મેગ્નેસિયમ અને પ્રોટિન મળે છે, જે હાડકાંની માંસપેશિયો (ટિસ્યુઝ)ને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે.

૫. પાર્સલી : પાર્સલી એક વિદેશી વનસ્પતિ છે, જેના લીલા પાન બહુ પોષ્ટિક હોવાથી એને રોજિંદા ડાયટમાં સામેલ કરવાના ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે. પાર્સલીના પાનમાં સારી એવી માત્રામાં વિટામિન હોય છે, જે હાડકાં સુદ્રઢ બનાવી એમને ઝડપથી રિપેર થવામાં મદદરૂપ થાય છે.

૬. ફિશ : નોન-વેજ ખાતા લોકોને ફિશ અને એમાંય ખાસ કરીને ટયુના ખાવાની ભલામણ કરી શકાય. ફિશમાં ઓમેગા-૩ ફેટ્ટી એસિડસ અને વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં મળે છે. આપણાં ખોરાકમાંથી શરીર જે કેલ્સિયમ લે છે એને વધુ સારી રીતે ઉપયોગી બનાવવા વિટામિન ડી બહુ અગત્યનું છે એટલા માટે કે વિટામિન ડી જ કેલ્સિયમ ડીના ગુણધર્મો વધારે છે. જ્યારે ફિશમાંથી મળતા ઓમેગા-૩ ફેટ્ટી એસિડ્સ બોન્સને વધુ સ્ટ્રોંગ બનાવી એમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે.

૭. ઇંડા : એગ્સ એટલે કે ઇંડામાંથી વિટામિન ડી, થોડું કેલ્સિયમ, વિટામિન બી અને મોટા પ્રમાણમાં પ્રોટિન મળે છે. આ બધા ઘટકો ભેગા થઈ આપણાં હાડકાંને સુદ્રઢ બનાવી એમને ઝડપથી અને કુદરતી રીતે સાજા થવામાં મદદ કરે છે. 

- રમેશ દવે