આ મહિનાનો સમયગાળો એવો છે, જ્યારે ઘણાં લગ્નોનાં આયોજનો થતાં હોય છે. લગ્ન ગોઠવનારાઓ માટે તો આ સમય પવિત્ર અને યોગ્ય હોય છે પણ નવવધૂને પોતાના શૃંગારનું આયોજન કરવામાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે. ક્યાં તો ગરમીને કારણે મસ્કરા પીગળવા માંડે છે કે પછી જોરદાર વરસાદ થયો તો ટશરની સાડીમાં કરચલીઓ પડી જાય છે તેને કારણે રસ્તામાં કીચડ કે કાદવ જમા થયો તો વસ્ત્રો સંભાળતા દમ નીકળી જાય છે મંડપથી માંડીને 'જસ્ટ મેરીડ' લખેલી ગાડી નક્કી કરવામાં ભલે નવવધૂએ પોતાનાથી શક્ય તેટલી મહેનત કરી હોય પણ લગ્નના સમયે ઋતુને કારણે ઊભી થતી સમસ્યા દુલ્હનનો 'મૂડ' બગાડી નાખે તે શક્ય છે. પ્રસ્તુત છે, કેટલીક હાથવગી મદદની યાદી...
એક ડિઝાઈનરનાં મતે ભારે સાડીને બદલે લહેંગા પહેરવા વધુ ફાયદાકારક રહે છે કારણ કે તે દેખાવમાં સુંદર તો લાગે જ છે, સાથે ભવિષ્યમાં અન્ય કાર્યક્રમોમાં કે પ્રસંગોમાં પણ પહેરી શકાય છે. ભારે સાડીઓ મોટેભાગે આવા એકાદ પ્રસંગો પહેરાયા પછી કબાટમાં એમ જ પડી રહે છે. લહેંગાથી હરવાફરવા કે ચાલવામાં સુવિધા રહે છે. બને ત્યાં સુધી ટોનવાળી ઈફેક્ટ ધરાવતાં રંગો પસંદ કરવા. તેમાં વધુ પડતાં એકબીજા સાથે વિરોધી રંગો હોય તેવા વસ્ત્રો પસંદ કરવા નહીં. ઉનાળાના સમયમાં ડસ્ટી રોઝ કે ગેરુ જેવા રસ્ટ રંગના વસ્ત્રો લેવા, જે દેખાવમાં ખુશનુમા અને હળવા લાગે છે. વળી, લગ્ન એ ધાર્મિક પ્રસંગ હોવાથી વધુ પડતું અંગપ્રદર્શન થાય તેવા વસ્ત્રો પહેરવાને બદલે ગળું યુ આકારનું અને વધુ ઊંડુ નહીં હોય તેવું રાખવું. સિલ્ક, ક્રેપ કે શિફોનનું કાપડ વધુ સારું રહે છે. પ્યોર સિલ્ક શ્રેષ્ઠ ગણી શકાય વસ્ત્રો ઉપરનું ભરતકામ વધુ પડતું ભારે ભરખમ ન હોય તે જોવું. બને તો ભરેલા લહેંગા ટાળવા. આછી ગોલ્ડ કે સિલ્વર એન્ટીક દેખાતી એમ્બ્રોઈડરી કરી હોય તેવા વસ્ત્રો પસંદ કરવા. માથામાં ફૂલો નાખવા અને થોડી જ્વેલરી પહેરવી. મેકઅપ પણ લાઈટ રાખવો. કોલ્હ (આંખોમાં કાળાશ) વધુ લગાડી શકાય પણ હોઠ એકદમ સોફ્ટ રંગના રાખવા.
ઘણાં ડિઝાઈનરો લગ્ન માટે ડબલ સાડી પહેરવાનો ઉપાય પણ દર્શાવે છે. ઘણાં લોકો ઘાઘરા પાછળ વધુ પૈસા ખર્ચે છે પણ ડબલ સાડી સુધ્ધાં સારો પર્યાય બની શકે છે. આ સ્ટાઈલ વધુ ગ્લેમરસ અને પાતળા દેખાડે તેવી હોતી નથી કારણ કે ઘેર વધારે હોય છે પણ આ બંને સાડીઓ પછીથી જુદી જુદી પહેરી શકાતી હોવાથી કામ લાગે છે. ૧૨ યાર્ડની શિફોન કે જ્યોર્જેટની સાડીને વીંટાળવામાં તેની ખૂબી રહેલી છે. જો તેને બરાબર સીવી હોય તો તે નીકળી જવાનો ડર રહેતો નથી. બે સાડી પસંદ કરીએ ત્યારે તેમાં સરખાપણું હોવું જોઈએ. તેની ડિઝાઈન અને ભરતકામમાં એકરૂપતા દેખાવી જોઈએ. જો તમે થોડા સ્થૂળ હો તો બાંધણી અને બનારસી સાડીને જોડી શકાય. રંગો વિરોધી અથવા એકબીજાને પૂરક હોય તેવા પસંદ કરવા. ઓરેન્જ અને ટર્કોઈસ અથવા ઓનિયન પીંક અને મરૂન, કોરલ અને રેડ, ઓરેન્જ અને યેલો, ફુશિયા અને રેડ, એકવા શેડ્સમાં સીગ્રીન સાથે સ્કાય બ્લ્યુ અથવા પીગ્રીન સાથે ટર્કોઈસ રંગ ઉનાળાના સમયમાં ખૂબ જ સુંદર લાગે છે. સાડી સાથે બ્લાઉઝનું પણ એટલું જ મહત્ત્વ છે. બ્લાઉઝ ઉપર સ્ટોન, થ્રી ડી સીકવન્સ, રોઝેટ કે ફૂલોની એમ્બ્રોઈડરી હોવી જ જોઈએ. પરંપરાગત ચોલીને લો કટ (આઠ થી નવ ઈંચ ઊંડી) પહોળી ખુલ્લી નેકલાઈન કે ક્રિસક્રોસ પીઠ વાળી લઈ શકાય. ફેશનેબલ તરીકે આજે કોર્સેટ કે હોલ્ટર સ્ટાઈલ પણ પ્રખ્યાત છે. શૂઝ પણ એટલાં જ મહત્ત્વના હોય છે. સાદા સેન્ડલ, જેમાં એમ્બ્રોઈડરી કરેલા પટ્ટા હોય તે સાડીની ડિઝાઈન સાથે મેચ થઈ શકે છે. વાળ અને મેકઅપનું પણ ટ્રાયલ પહેલાં જ કરાવી લેવું જરૂરી હોય છે.
જો વરસાદની સિઝન હોય તો એક વધારાના જોડી ચંપલ રાખો, જે તમને રસ્તા ઉપરથી તૈયાર થઈને ચાલવું હોય તો કામ લાગે જેથી મંડપમાં તમે એકદમ ફ્રેશ ચંપલ પહેરી શકો. વાળની સ્ટાઈલ એવી કરવી કે વરસાદની ભીનાશ કે ભેજ હોવા છતાં તેની ડિઝાઈન બગડે નહીં વરસાદ પડે તો તેનાથી બચવા માટે વોટરપ્રૂફ મેકઅપ કરવો. જોે તમારો ચણિયો ઘેરદાર હોય તો એક સહેલીને સાથે રાખો, જે તેને બગડે નહીં તે માટે ઊંચકીને ચાલવામાં મદદ કરે.
જો ગરમી હોય તો સુગંધી સ્પ્રે અને બોડી સ્પલેશ સાથે જ રાખો. લગ્નમાં ગંદી વાસથી ખરાબ બીજું કાંઈ હોઈ શકે નહીં. ગરમીમાં સ્ટાઈલીસ્ટ ફ્રેંચ ટ્વીસ્ટ અથવા કેટલીક વાંકડિયા લટ છૂટી રહેવા દઈ તેને કુંદન કે સ્વરોવસ્કી હીરાથી સજાવી શકાય, જે તમને લગ્નના પ્રસંગે ક્લાસિક દેખાડશે. તમારી જ્વેલરી હળવી અને ઓછી રાખો. જો દિવસના અંતે પહેરીને થાકી જ જવાના હો તો વધુ પડતા વજનદાર સોના કે પ્લેટીનમના દાગીના ખરીદવાનાં કોઈ જ અર્થ નથી. તમારી સહેલીને ટીશ્યુનું પેક હાથવગું રાખવા કહો, જેથી પરસેવો કે નીતરતો મેકઅપ તરત જ લૂછી શકાય.


