Get The App

લગ્ન માટેની યોગ્ય ઉંમર કઈ? ષોડસી કન્યા કે એકવીસ વર્ષની યુવતી

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
લગ્ન માટેની યોગ્ય ઉંમર કઈ? ષોડસી કન્યા કે એકવીસ વર્ષની યુવતી 1 - image

19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં મનુ ભગવાનની આજ્ઞા ચડાવીને માતા-પિતા પોતાની પુત્રીને ૧૦-૧૨ વર્ષની થતાં  જ પીઠી ચોળીને પાનેતર પહેરાવીને, ચાર મંગળફેરા ફરાવીને અને સષ્તદીનાં સાત પગલાં દ્વારા એને કોઈની પત્ની તરીકેની ફરજો સમજાવીને શ્વસુરપક્ષે ધકેલી દેવામાં આવતી હતી. કોઈ-કોઈ માતાપિતા તો પોતાની બાળકીને ઘોડિયામાં સુતી હોય એ ઉંમરે પરણાવી દેતાં હતાં. કદાચ એમના લગ્ન પણ આજ રીતે થયાં હશે એટલે તેઓ પણ આ રીતે પોતાના બાળકોને ખોળામાં બેસાડી કે કેડે તેડીને લગ્નવિધિ પતાવતાં હોય છે. તેઓ શું કરી રહ્યા છે એ અંગે સભાન છે કે અભાન એ કહેવું આ તબક્કે મુશ્કેલ છે, પણ અબુધ જરૂર હતા. પોતે જે કરી રહ્યાં છે તેનું પરિણામ શું આવશે એ બાબતમાં એ અઘોર અજ્ઞાની હતા જ હતા.

સામાજિક ઇતિહાસકારો નોંધે છે તે મુજબ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ફૂલમણદેવી નામની કન્યાને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવી દેવામાં આવી. એના પતિએ શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કર્યો તેથી બિચારી ફૂલમણીદેવી મૃત્યુ પામી-ફૂલ ખીલે તે પહેલાં ચૂંથાયું ને કરમાયું. ત્યારબાદ આપણા સામાજિક સુધારક બહેરામજી મલબારીએ સંમતિ વય ખરડો જેમાં શરીર સંબંધ માટે છોકરીની વય અમુક ગણાવી જોઈએ એવી મતલબી ઝુંબેશ ચલાવી. બાર વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે શરીર સંબંધ કન્યાની સંમતિ હોય તો પણ ગેરકાયદે ગણાય એવી જોગવાઈ કરવાની માગણી કરી.

બહુ જ સ્વભાવિક છે કે સનાતનીઓએ મલબારીનો સજ્જડ વિરોધ કર્યો અને આશ્ચર્ય તો એ વાતનું થાય એમ છે કે લોકમાન્ય ટિળક જેવા રાષ્ટ્રીય નેતાએ પણ મલબારીનો વિરોધ કર્યો હતો. આ હકીકત સૂચવે છે કે ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાંનો સમાજ કેટલો પછાત, જૂનવાણી અને જંગલી સ્વરૂપનો હતો. મલબારીએ આ ખરડા માટે ગવર્નર અને વાઈસરોયને કરેલી અરજીઓ પણ સમાનતનીઓના ઉગ્ર વિરોધને કારણે બંને અંગ્રેજ અમલદારોએ ફાડી નાંખી હતી, પણ મલબારી એમ થાકે તેવા સુધારક ન હતા. એ છેક લંડન પહોંચ્યા અને આમની સભાના દરેકે દરેક સભ્યને રાખવાનું સૂચવ્યું હોત તો સમાજના પ્રતિક્રિયાવાદઓ  અને  સનાતનીઓએ એમને જાનથી મારી નાખ્યા હોત. એ વખતે આપણી પ્રજા પાસે હથિયાર નહોતાં, પણ ગદાનો ઉપયોગ કરતા એ લોકો અચકાતા નહીં. છેવટે ભારતની સાચી પરિસ્થિતિની જાણ કરવા રાણી વિક્ટોરિયાને પણ મલબારી મળ્યા. છેવટે બ્રિટિશ સરકારે ભારતના વાઈસરોયને હુકમ કર્યો કે સંમતિવય બાર વર્ષની રાખીને ખરડો પસાર કરવો. એ કાયદામાં થોડા સુધારા વધારા કરીને ૧૬ વર્ષની ઉંમરને બાળલગ્ન પ્રતિબંધક ધારો હરવિલાસ શારડાએ રજૂ કર્યો. આમ એક રીતે જોઈએ તો આ ખરડાના જનક મલબારી જ ગણાય, પણ ૬૦ વર્ષ બાદ મલબારીનું સ્વપ્ન પરિપૂર્ણ થયું ગણાય. એવું કહેવાય છે કે જો મલબારીએ ૧૮૭૦માં સંમતિ વય ૧૬ વર્ષની કરી નાંખી હોત અને તેને માન્યતા મળી હોત તો તે જ વખતે પરિસ્થિતિ ઘણી સુધરી ગઈ હોત. અત્યારે ઇન્ડિયન પીનલ કોડમાં એવી જોગવાઈ છે કે ૧૬ વર્ષની નાની વયના કન્યાની સંમતિથી શરીર સંબંધ બંધાય તો પણ એ બળાત્કાર જ ગણાય.

વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે? આજે આપણે એકવીસમી સદીના ત્રીજા દશક સુધી પહોંચ્યા છે ત્યારે પણ ઘોડિયા લગ્નો આપણી સરકાર અટકાવી શકતી નથી. ઘડિયાળ આગળ ચાલે છે કે પાછળ? રાજસ્થાન સમસ્ત ભારતમાં આ બાબતમાં એટલું બધું અગ્રેસર છે કે ન પૂછો વાત.

થોડા વર્ષ પૂર્વે અખાત્રીજને દિવસે એકલા અજમેર શહેરમાં જ ૧૦,૦૦૦ બાલિકાવધુઓનું સર્જન થયું હતું. ૧૯૭૮માં એટલે કે આ બન્યું એના એક વર્ષ પહેલાં જ સંસદમાં વ્યાપક ચર્ચા બાદ બાળલગ્ન પ્રતિબંધક ધારામાં સુધારો આણતો એક કાયદો પસાર થઈ ચુક્યો હતો જેમાં છોકરીની વયમર્યાદા ૧૬થી વધારીને ૧૮ અને છોકરાની વયમર્યાદા ૧૮થી વધારીને ૨૧ની કરવામાં આવી હતી. હરવિલાસના જમાનામાં વસતિ વધારાની સમસ્યા જ હતી નહીં. આજે એ પ્રશ્ન ભારતનો પ્રાણપ્રશ્ન છે અને એના નિરાકરણ માટેના અનેક ઉપાયો હાથ ધરવામાં આવ્યા હોવા છતાં વધુ ને વધુ વિકરાળ સ્વરૂપ આ સમસ્યા ધારણ કરતી જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં શહેરોમાં ઉચ્ચ શિક્ષણ લેતી કન્યાની સંખ્યા વધતી જાય છે એ સારી નિશાની છે, પણ ત્યારે તો સ્ત્રી સંસ્થાઓએ કન્યાની સંમતિ વય ૧૮થી વધારીને ૨૧ કરવાની અને છોકરાઓ માટે ૨૫ કરવાની ઝુંબેશ ચલાવીને રાષ્ટ્ર ઘડતરમાં કાંઈક રચનાત્મક ફાળો આપવાની તાતી જરૂર છે. સ્ત્રી સંસ્થાઓએ  સમાજ સુધારા આણવામાં જે કરવા જેવું છે તેના તરફ બહુ ઓછું ધ્યાન આપીને સ્ત્રીઓની સ્થિતિ સુધારવામાં નહિવત્ કાર્ય કર્યું છે.

લગ્નો સ્વર્ગમાં રચાય છે એ માન્યતાને આપણો દેશ ખોટી પાડવા સમર્થ છે. લગ્નો આજે પણ ઘોડિયામાં જ થાય છે એવું કહેવું પડે એવી પરિસ્થિતિ છે. મોટા શહેરોમાં કન્યાને વળાવવાની સરેરાશ વય સાડા અઢાર વર્ષ છે, બે વર્ષ બાદ એ માતૃત્વ સંપાદિત કરે છે અને પછી ઘરેડમાં પડી જાય છે. ગામડાંની ગોરીને સાત વર્ષથી નાની ઉંમરમાં સાસરે વળાવી દેવામાં આવે છે અને ૧૪-૧૫ વર્ષની સરેરાશ ઉંમરે આ કન્યાઓ પ્રથમવાર માતા બને છે. દુઃખદ આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આપણી પ્રજાનું ધ્યાન આ બાબત તરફ ગયું નથી કે કાચી વયે લગ્નને કાચી વયે મા બનવાને કારણે સ્ત્રી ઉપર કેટલો બધો બોજો આવી પડે છે જેને ઉપાડવાનું એનું ગજું જ હોતું નથી. હજુ તો એ સ્વયં બાળક જેવી છે અને બાળપણ માણવાના દિવસો માતા-પિતા લૂંટી લે છે. કન્યા પાસે પુખ્ત વ્યક્તિની ભૂમિકાની અપેક્ષા રાખવામાં આવે છે.

આપણો સમાજ એટલો વિચક્ષણ છે કે કન્યાના લગ્ન થાય અને એ ઝટ સગર્ભા બને અને માતા બને તો એના પર અભિનંદનનો વરસાદ વરસાવે છે, પણ નાની ઉંમરે મા બનતી કન્યામાંથી ૨૦ ટકા તો પ્રથમ પ્રસૂતિમાં જ રામશરણ થાય છે. આ આંકડો અહીં એટલા માટે રજૂ કર્યો છે કે આ પ્રશ્નને ગંભીરતાથી લેવાનું કોઈના દિલમાં વસે.

કન્યા માસિક ધર્મમાં બેસતી થાય એટલે એનું શરીર હવસખોર પતિ દ્વારા ચૂંથાયા કરે અને એ કસમયે માતા બને. આ બધા શારીરિક ફેરફારો અને ભારણો  સહેવાની પ્રતિકારક શક્તિ ૭૦ ટકા સ્ત્રીઓમાં છે જ નહીં કારણ કે ૧૦૦માં ૭૦ સ્ત્રી આ દેશમાં લોહીના પાણી-એનિમિયાના રોગથી પીડાય છે. ઘણી બધી સ્ત્રીઓ અપૂરતા પોષને કામના સખત બોજને કારણે ક્ષયથી રિબાતી હોય છે. એના શારીરિક સ્વાસ્થ્યની દરકાર કેમ લેવી એ સમાજની મોટાભાગની પ્રજાને આવડતું નથી. સ્ત્રીને ઘરની લક્ષ્મી ગણવાની ફેશન છે, પણ આ લક્ષ્મી મોટાભાગના ઘરમાં દાસીની ભૂમિકા ભજવે છે, એ બધાની કાળજી લે છે, એની કાળજી લેનારું કોઈ નથી.