પારંપરિક રાજસ્થાની મોજડીઓ સૌ કોઈને આકર્ષે છે. હજી ગઈ કાલ સુધી રાજા-મહારાજાઓ અને નવાબો દ્વારા પહેરવામાં આવતી મોજડીઓ આજકાલ યુવાનોને ઘણી પસંદ પડે છે. અવનવી ફેશનના આ સમયમાં તેને પસંદ કરનારાઓની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
ભારતીય યુવાનો સિવાય વિદેશી પર્યટકોની પણ તે મનપસંદ છે. રાજસ્થાની મોજડીનું મુખ્ય આકર્ષણ તેની પર કરવામાં આવેલું પારંપરિક ભરતગુંથણ હોય છે. રાજસ્થાની કારીગરો રંગબેરંગી મોજડીઓ પર હાથથી ચમકતા દોરા વડે ભરતકામ કરતા હોય છે. સુંદર ભરતકામ, ચમકતાં મોતીઓ તેમજ તારલાઓની કારીગરીથી શોભિત આ મોજડીઓને જોઈને કોને તે ખરીદવાની ઈચ્છા ન થાય?
ફક્ત મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ તે લોકપ્રિય છે. કુર્તા-પાયજામા અથવા શેરવાની સાથે નવયુવાનોના પગમાં જો મોજડી હોય તો તેની શોભામાં અભિવૃદ્ધિ થાય છે! આજે ઘણા પ્રખ્યાત ફૅશન ડિઝાઈનરો પણ મોજડીને સાડી તેમજ કુર્તા-પાયજામા સાથે ડિઝાઈન કરી રહ્યા છે.
બજારમાં આ મોજડીઓ ૧૫૦ રૂપિયાથી લઈને ૨,૦૦૦ રૂપિયા સુધી વેચાય છે. તેમાં દરેક રંગ અને ડિઝાઈનની મોજડીઓનો સમાવેશ થાય છે. તમે તમારા ડ્રેસના રંગને અનુરૂપ મોજડીઓ ખરીદી ફૅશનેબલ લુક મેળવી શકો! લગ્નપ્રસંગ કે પાર્ટીમાં સૌથી અલગ દેખાવા માટે મોજડીનો ઉપયોગ ખૂબ જાણીતો છે. ઊંચા લોકો માટે મોજડી પોતાની ઊંચાઈ છુપાવવાનો અને ફૅશનેબલ દેખાવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. યુવતો જો કુર્તા-પાયજામા તથા શેરવાની સાથે અને યુવતીઓ તેને ચૂડીદાર, સલવાર અને ચૂડીદાર-જિન્સની સાથે મોજડી પહેરે તો પરિધાનમાં પૂર્ણતા આવી જાય. ઊંચા લોકો પર મોજડી સૌથી વધારે શોભે છે. કેટલીક જરૂરી વાતો :
* મોજડી ખરીદતી વખતે એટલું ખાસ ધ્યાન રાખો કે મોજડી તમારા પગમાં ચપોચપ ન બેસતી હોય. તેના માટે થોડી ઢીલી મોજડી જ ખરીદવી.
* નવીસવી મોજડીમાં શરૂઆતના થોડા દિવસો પગ છોલાયા છે. જ્યાં છોલાતું હોય ત્યાં મોજડીમાં થોડા દિવસો મીણ કે તેલ ઘસવું જોઈએ.
* સફેદ કુર્તા-પાયજામા પર બ્રાઉન કે ક્રીમ રંગની મોજડી ટ્રાય કરજો.
* ચૂડીદાર સલવાર સાથે મોજડી પહેરવાનું ભૂલશો નહીં.
* મોજડી ખરીદતી વખતે મોજડી પહેરીને થોડું ચાલી જોવું, જેથી તેના ફિટિંગનો અંદાજ આવી જાય.


