FOLLOW US

શું છે દક્ષિણ ભારતની લોકપ્રિય અદાકારા સામંથા રુથ પ્રભુને થયેલી વ્યાધિ માયોસાઇટિસ

Updated: Nov 21st, 2022


દક્ષિણ ભારતની ફિલ્મોમાં લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી બોલીવૂડમાં પણ જાણીતી બનેલી  અભિનેત્રી સામંથા રથ પ્રભુ છેલ્લા થોડા સમયથી તેની ફિલ્મોના સ્થાને તેને થયેલી બીમારી માયોસાઇટિસને કારણે ચર્ચામાં  છે. આ વ્યાધિને કારણે સાવ પડી ભાંગવા જેવી સ્થિતિએ પહોંચી ગયેલી સામંથાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તે એટલી બધી નબળી પડી ગઇ હતી કે  જાતે ચાલી પણ માંડ શક્તી.તેની સ્થિતિથી તેનો પૂર્વપતિ નાગા ચૈતન્ય પણ ચિંતામાં પડી ગયો હતો.શું છે આ માયોસાઇટિસ?અગાઉ આ વ્યાધિનું નામ ભાગ્યે જ સાંભળવા મળ્યું છે. આના જવાબમાં નિષ્ણાત તબીબો કહે છે....,

માયોસાઇટિસ  માંસપેશીઓની બીમારી છે. તેમાં સ્નાયુઓ નબળા પડી જાય છે,તે સોજી જાય છે. પરિણામે શરીર તૂટવા લાગે છે. આ એક પ્રકારનુી ઑટો ઇમ્યુન ડિસૉર્ડર છે. કહેવાનો અર્થ એ છે કે તેમાં જે તે વ્યક્તિની રોગ પ્રતિકાર શક્તિ જ શરીરની વિરૂધ્ધ કામ કરવા લાગે છે. પરિણામે શરીર તૂટ ે છે.તબીબો કહે છે ક ે જો તમને ૧૫-૨૦ દિવસ સુધી અતિશય નબળાઇ લાગે, તમને જાતે ઉઠવા-બેસવા-વસ્ત્રો પહેરવા સુધ્ધાંમાં તકલીફ થવા લાગે,શરીર પર ઉઝરડા પડતાં દેખાય તો શક્ય છે કે તમે માયોસાઇટિસના સપાટામાં આવ્યા છો.

વાસ્તવમાં આ ભાગ્યે જ જોવા મળતી બીમારી સ્વસ્થ વ્યક્તિને લાગૂ પડે એવું ખાસ બનતું નથી. પરંતુ મલેરિયા, વાઇરલ  કે ડેંગી જેવી બીમારીમાં માયોસાઇટિસ થઇ શકે છે. આ વ્યાધિ ત્રણ રીતે થાય છે.૧)તે ઇન્ફેક્શનને કારણે, એટલે કે  વાઇરલ-મલેરિયા જેવી બીમારીને પગલે થાય છે. ૨)ં જ્યારે  મરીજ રોગપ્રિતકારક શક્તિને લગતી આર્થરાઇટિસ કે અન્ય કોઇ બીમારીથી ગ્રસ્ત હોય.૩)મેડિએટેડ, એટલે કે કોઇ ઑટો ઇમ્યુન પ્રક્રિયાને કારણે શરીરમાં માંસપેશીઓ સોજી જવી.

માયોસાઇટિસમાં જે તે વ્યક્તિની એન્ટિબૉડી તેના સ્નાયુઓને સતત હાનિ પહોંચાડતી હોવાથી માંસપેશીઓ નબળી પડી જાય છે. મલેરિયા અને ડેંગી જેવા વાઇરસ પછી આવું થવું સામાન્ય છે. વાસ્તવમાં આ બંને બીમારીમાં દર્દીના સ્નાયુઓ સોજી જવાથી તેને ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે. કેટલાંક કેસમાં મરીજની ત્વચા પર ફોલ્લીઓ આવવા લાગે છે.મોટાભાગે લોકો એમ માની બેસે છે કે તેમાં બહુ પીડા થાય છે. હકીકતમાં સ્નાયુઓ સાવ જ નબળા પડી જવાને કારણે દર્દીને કળતર  થાય છે.કેટલીક વખત તો જે તે દર્દી પોતાનો હાથ સુધ્ધાં નથી હલાવી-ઊંચો કરી શક્તો. તેને  પથારીમાંથી  ઉઠવામાં પણ ત્રાસ થાય છે.મરીજના ખભા અને હાથ વધારે દુખે છે. તબીબો તેના ઇલાજ વિશે કહે છે કે ભાગ્યે જ થતી આ વ્યાધિનો ઇલાજ છે. પરંતુ જો તેનો ઉપચાર અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે ફરીથી થવાની ભીતિ રહે છે. સારવારના આરંભ પછી ચારથી છ અઠવાડિયામાં તેની અસર જોવા મળે છે.સામાન્ય રીતે તેનો ઇલાજ છ મહિના સુધી ચાલે છે. આમ છતાં તે બીજી વખત થવાની શક્યતા નકારી શકાય નહીં. તે ફરીથી ગમે ત્યારે દેખાઇ શકે છે. બહેતર છે કે તેની જાણ થતાંવેંત સારવાર શરૂ કરી દેવામાં આવે. અને તે અધવચ્ચે છોડવામાં ન આવે. તેઓ વધુમાં કહે છે કે  આ વ્યાધિ અન્ય બીમારીઓને કારણે થતી હોવાથી તેના ઇલાજ દરમિયાન સૌથી પહેલા અન્ય બીમારીઓ, ખાસ કરીને કેન્સરની તપાસ પણ કરવામાં આવે છે.તેની તપાસ પ્રક્રિયા દરમિયાન જો  એમ જણાય કે તે કોઇ ચેપ લાગવાને કારણે થઇ છે  તો સંબંધિત ઇન્ફેક્શનમાંથી રાહત મળતાં જ  દર્દી ધીમે ધીમે સાજો થવા લાગે છે. તબીબો ઉમેરે છે કે  જે વિસ્તારમાં મલેરિયા જેવા રોગો વધુ ફેલાતા હોય ત્યાં  માયોસાઇટિસ થવાની ભીતિ વધુ રહે છે. માયોસાઇટિસ થવામાં ધૂમ્રપાન પણ આડકતરી ભૂમિકા ભજવે છે.તેના ઇલાજમાં સ્ટેરૉઇડનો ઉપયોગ કરવામાં આવે છે.

- વૈશાલી ઠક્કર

Gujarat
English
Magazines