Get The App

શિયાળામાં સાંધાનો દુખાવો ટાળવા શું કરશો?

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
શિયાળામાં સાંધાનો દુખાવો ટાળવા શું કરશો? 1 - image

શિયાળો જામી ગયો છે. એ મસ્તીની, મોજમજા કરવાની અને હરવાફરવાની મોસમ છે. જો કે વરિષ્ઠ નાગરિકો માટે શિયાળો તકલીફ પણ લાવી શકે છે. ખાસ કરીને એમને ઠંડીમાં સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે. કોઈએ જો તાજેતરમાં ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હોય તો એણે શિયાળાના મહિનાઓમાં વધુ સાવચેત રહેવું જોઈએ. તાપમાન ઘટી જતા હાડકાં અક્કડ થઈ જાય છે અને વ્યક્તિ પોતે અસ્વસ્થ હોવાનું અનુભવે છે. એટલે શિયાળા દરમિયાન સાંધાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું યાદ રાખવા જેવું છે.

વિન્ટર (શિયાળો) એક આહલાદક ઋતુ છે પણ એ વડિલો અને ની કે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય એમનો સાંધાનો દુખાવો વકરાવી શકે છે. ઠંડીની મોસમમાં આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘટી જવી સહજ છે અને એમાંય શરીરમાં ઋતુગત ફેરફારો આવવાથી આપણા હલનચલન પર એની અસર થાય છે. અમુક લોકો માટે વિન્ટર સિઝનમાં મોબાઈલ (ફિજીકલી એક્ટિવ) રહેવું એક પડકાર બની જતો હોય છે. એમાં ની અને હિપ રિપ્લેસમેંટના દર્દીઓને આ કુલકુલ મહિનાઓમાં વધુ અક્કડ અને ભારે ભારે લાગે છે અને એનો દુખાવો વધી જાય છે. ઠંડા હવામાનમાં આર્ટિફિશલ જોઈન્ટ્સ (કૃત્રિમ ગોઠણ)ને નુકસાન નથી થતું એ ભાચુ પણ એની આસપાસના સ્નાયુઓ (મસલ્સ) લિગમેન્ટ્સ (અસ્થિબંધનો) અને સોફ્ટ ટિસ્યુઝ (માંસપેશિયો) ટ્રાઈટ અને ઓછી ફ્લેક્સિબલ થઈ જાય છે. એમાં વળી, ઘટી ગયેલું તાપમાન લોહીના ભ્રમણને ધીમુ પાડી દે છે અને વ્યક્તિના સાંધા વધુ ભારે થઈ જતા એનો દુખાવો વકરે છે.

શિયાળામાં ખાસ કરીને વહેલી સવારે અને રાતે સાંધા વધુ દુખે છે. શિયાળામાં લોકો બહાર જવાનું ઓછુ કરી ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. એને કારણે રૂટીન એકસરસાઇઝ ન થવાથી સાંધા નબળા અને અક્કડ થઈ જાય છે અને અસહ્ય દુખાવો ઉપડે છે. વિન્ટરમાં એર પ્રેશર ઓછુ થઈ જવાથી સાંધાની આસપાસના ટિસ્યુઝ થોડાક ફુલે છે, જેને લીધે માણસ અસુખ અનુભવે છે. ની કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ પણ ટિસ્યુઝ સેન્સિટીવ (આળા) રહી જઈ શકે છે. ઠંડુ હવામાન સાંધામાં સોજા લાવે છે અને એમાં પીડા થાય છે. પરિણામે વ્યક્તિ માટે રોજિંદી પ્રવૃત્તિઓ કરવી પડકાર સમાન બની જાય છે. જો કે એ સંજોગોમાં ગભરાઈ જવાને બદલે એનો ઉપાય કરવો જોઈએ.

યાદ રાખવા જેવી ટિપ્સ : ઠંડી હોય ઘરે બેસીને આળસુ થઈ જવાને બદલે શરીરને બને એટલું હરતુફરતુ રાખવું આપણાં હિતમાં છે. ઘરમાં જ ચાલવા અને થોડા સ્ટ્રેચિંગ જેવી હળવી એકસરસાઇઝ કરો. વડિલો અને રિપ્લેસમેન્ટના દર્દીઓએ દાદરા ચડવાનું કે બીજી કોઈ શારીરિક શ્રમ માગી લેતી પ્રવૃત્તિ કરવાનું ટાળવું.

દેહને ઉષ્માભર્યો રાખવા સ્વેટર કે ગરમ જેકેટ પહેરવા અને ની કે હિપ વોર્મર્સ અથવા હિટીંગ પેડસનો ઉપયોગ કરવો. અતિશય ઠંડી પડતી હોય ત્યારે ઘરની બહાર નીકળવામાં શાણપણ નથી. ઘરમાં પણ ટેમ્પરેચર જાળળવવા હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો. બોડીનું વેઇટ વધવા ન દઈ નોર્મલ રાખવું, જેને કારમએ સાંધા પરનું પ્રેશર ઓછું થશે. દિવસમાં કમસેકમ ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવાનું રાખો. અને તરસ ન લાગે તોય પાણી પીતા રહો, જેને લીધે સાંધા લુબ્રિકેટ રહેશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ટાઢથી બીને બેઠાડુ જીવનશૈલી ન અપનાવાં અને એકધારા કલાકો સુધી બેસી કે ઊભા રહેવાનું ટાળો. મસલ્સને રિલેક્સ રાખવા ગરમ પાણીથી સ્નાન કરો અને સૌથી છેલ્લી પણ મહત્ત્વની વાત એ કે સાંધા પર પ્રેશર આવે એવી કોઈ હેવી એક્ટિવિટી કે એકસરસાઇઝ કરવાની ભૂલ ન કરો. યાદ રાખો કે સ્વાસ્થ્ય માટે આપણાં સાંધાને સાજાનરવા રાખવા જરૂરી છે.