મારા લગ્ન નક્કી થયા ત્યારથી જ મારે શું ખરીદવું છે એની યાદી મેં તૈયાર કરવા માંડી હતી. મમ્મીને સૌ પ્રથમ મેં કહી રાખ્યું હતું કે મમ્મી મારે ઘરચોળું તો જોઈએ જ છે. ઘરચોળુ પસંદ કરવા હું ક્યાં ક્યાં રખડી નહોતી મુંબઈના રસ્તે રસ્તા ખૂંદી વળી હતી અને છેવટે તે મેળવીને જ જપી. મારો જ અનુભવ કરું તો લગ્નના અવસરમાં ખરીદી કરવાનો ઉત્સાહ અનેરો છે. 'આ લઉ કે પેલું લઉ'ની મીઠી મુંઝવણ હૃદયના સ્પંદનો વધારે છે. દરેક નારીના જીવનમાં આ એક જ અવસર એવો છે જેમાં મન મૂકીને ખરીદી થઈ શકે છે. ખરીદી કરવાનો કંટાળો આવતો નથી કે નથી ગરમી કે ઠંડીની શરીર પર અસર થતી બસ મારે આ ખરીદવું જ છે. એ આગ્રહ સાથે દિવભર રખડવાનો ઉત્સાહ જ ઓર હોય છે. ઉપરાંત આટલું મોઘું કેમ લાવી? એ પ્રશ્નનો જવાબ કોઈ માંગતું નથી.
તેમ જ મસમોટા બિલ જોઈને ચશ્માની આડશમાંથી પાપાની ગુસ્સાભરી નજરનો સામનો કરવો પડતો નથી ખરીદવાનો જ આગ્રહ જોવા મળે છે. પછી ભલે એ વસ્ત્રો હોય, અલંકારો હોય કે એસેસરીઝ હોય.
જો કે આજકાલ લગ્નના પરિધાનો તૈયાર કરતા ડિઝાઈનરોનો રાફડો ફાટયો છે. આથી આ સમસ્યા થોડી ઘણી હળવી જરૂર બની ગઈ છે. પરંતુ સૌ કોઈને મોટા લેબલો માટે મોટા મોટા બિલો ચૂકવવાનું પરવડે નહીં એ સ્વાભાવિક છે. તેમ મોટી મોટી દુકાનોમાં પણ પરિધાનોની કિંમત પરસેવો આણી દે એવી હોય છે. આથી ચાર-પાંચ ઠેકાણે ફરી જે કોઈ કારખાનામાંથી જ તૈયાર થતો માલ લેવાનો આગ્રહ રાખવો. કેટલાંક કિસ્સાઓમાં તો કારખાનામાંથી જ આ વસ્ત્રો દુકાનોમાં જાય છે અને મોટી કિંમતના લેબલો લગાડી વેચવા મૂકાય છે.
તમારી પાસે પૈસા હોય અને તમારે માટે સૌથી શ્રેષ્ઠ જ વસ્તુઓ જોઈતી હોય અને તમારી પાસે સમયનો અભાવ છે. આથી મુંબઈના ખૂણે ખૂણે ફરી ખરીદી કરવાની વાત તમારે માટે અશક્ય છે. તો તમારે ગભરાવવાની જરા પણ જરૂર નથી બસ એક પ્રોફેશનલનો સંપર્ક સાધો. તેની જોડે થોડી બેઠકો કરી તમારી પસંદગીના પસંદગી, શું જોઈએ છે અને અફકોર્સ તમારું બજેટ જણાવી દો એટલું પત્યું. તમારા વતી બધી જ ખરીદી કરી તે તમને ઘર પહોંચતી કરી દેશે. સાડી, સલવાર કુરતાથી માંડીને પર્સ, જોડા અને કેટલાંક સંજોગોમાં તો આભૂષણો પણ તમારા પસંદગીના રંગ, ટાઈપ અને કદના ઘરબેઠા મળી જશે. આભૂષણોની પસંદગી કરતી વખતે ઘરેણા અને કપડાં મેલ ખાય છે કે નહીં એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. અન્ય પ્રકારના વસ્ત્રો આવે છે જાય છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં આજે પણ સાડી મોખરાને સ્થાને બિરાજે છે. નવોઢાના વોર્ડ રોલમાં છથી સાત ભારે સાડી હોવી જરૂરી છે. પારંપારિક જરી ભરેલી કાંજીવરમ કે જામેવાર, કાંથા, બનારસી સેલા, બારુ ચારી ઓરિસ્સા બામકાઈ, ચંદેરી, પાનેતર, ઘરચોળું જેવી વેરાઈટીઓ પસંદગી કરવાના ઘણા વિકલ્પો પૂરા પાડે છે. આ ઉપરાંત પૈઠણી, પારસીગારા, ગુજરાતમાં આંતરિયાળ વિસ્તારમાં બનતી આશાવલ્લી, પાટણના પટોળા અને રંગબેરંગી બાંધણી તો સદાબહાર જ છે. એ વાતમાં કોઈ બે-મત નથી અને સામાન્ય આવક ધરાવતા લોકોની આ સાડીઓની કિંમત સાંભળી કદાચ આંખોફાટી જ જશે. કારણ કે આ સાડીઓ એક લાખથી ઉપરની કિંમતમાં પણ મળી શકે છે. અને આટલી વસ્તુઓ કંઈ વસ્ત્રોની ખરીદી પણ પૂર્ણવિરામ મૂકતી નથી. હજી પાર્ટી વેર અને કેઝ્યુઅલ વેર ખરીદવાના તો બાકી જ રહે છે. પાર્ટીમાં પહેરવાના પહેરવેશમાં સલવાર-કુરતા, અંગરખા, ચુડીદાર આવે છે. આ પોશાકો મટકા અથવા ટસર અથવા ખાદી સિલ્કમાંથી બનાવી શકાય છે. અથવા એપ્સિક પેનલ અથવા હાથેથી રંગેલા યોકવાળા સુતરાઉ વસ્ત્રો પણ પાર્ટીમાં શોભી ઉઠશે. સાડીનો શોખ હોય તો શિફોન, સાટિનની સાડીઓ ખરીદી શકાય છે.
કેઝ્યુઅલ વેર માટે મુંબઈ તેમજ અમદાવાદ, વડોદરા, સુરત જેવા સ્થળો પર ઘણા બજારો છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ અને લિકિંગ રોડ માનુનીઓનું મનગમતું સ્થળ છે.
કપડાંની જેમ જ અલંકારો પણ ભારે અને હલકા પ્રકારના જોવા મળે છે. વેડિંગ સેટ હેવી ગોલ્ડ અથવા કુંદનનો હોય છે. જેમાં નાભી સુધી પહોંચતો લાંબો નેકલેસ અથવા નાજુક ગરદન પર ફીટ બેસતા ચોકરની ફેશન વધુ પ્રમાણમાં જોવા મળે છે.
અફકોર્સ હીરાના દાગીના પહેરતા પણ તમને કોઈ રોકી શકતું નથી. પરંતુ લગ્નની સાડી મોટે ભાગે જરીની તેમજ મરુન, લાલ, જાંબુડી જેવા રંગની હોય છે. આથી તેના પર સોનાના આભુષણો વધુ દિપી ઉઠે છે. આ ઉપરાંત કેટલીક નવવધુએ મોતીના નવરત્ન અને મીના કારીના દાગીના તેમજ નીલમ, પોખરાજ જેવા રત્નોમાંથી બનાવેલ નાજુક દાગીના પણ બનાવે છે. વીંટીની વાત આવે છે ત્યારે નાજુક આંગળીઓ પર હીરા અને પ્લેટિનમની વીંટી જેટલી શોભે છે. એટલી અન્ય ધાતુ કે રત્નોની શોભતી નથી.
સાસરે લઈ જવાની ચીજ વસ્તુઓમાં લીંગરીનું મહત્વ ઓછું આંકવાની ભૂલ કદી કરવી નહીં. હવે તો આપણા દેશમાં જ વિદેશની પ્રતિસ્પર્ધામાં ઉતરે એવી નાઇટીસ મળે છે. અને વિદેશી નાઇટીનો મોહ હોય તો પણ દાણચોરીથી મેળવવાની જરૂર નથી. અહીં જ વિદેશી લીગરી પણ મળી રહે છે. જો કે આ માટે ગજવાનો ભાર જરા વધુ હળવો થવાનો ડર જરૂર રહે છે.
આ બધી ખરીદી કર્યા પછી બિલોના આંકડાની સરવાળો થશે તો તમારા મમ્મી જરૂર કહેશે કે અમારા લગ્નમાં તો આનાથી પા ભાગનો ખર્ચ થયો હતો. બલ્કે આનાથી પા ભાગ જેટલા પૈસામાં તો લગ્નનો બધો જ ખર્ચ નીકળી ગયો હતો. પરંતુ મે સાસરે જતી મા-બાપની લાડવાથી કોડિલી ન્યાની એક જ હઠ છે કે મારે સૌથી શ્રેષ્ઠ અને તે પણ બધાથી અલગ જ જોઈએ છે.
અને આ એક જ હઠ તેની સાથે લાંબા લચક-આંકડો લઈને આવે છે.
- અનિતા
શોપિંગ કરવા માટેની કેટલીક ટીપ્સ
- શોપિંગ કરતાં પૂર્વે પેટ ભરીને ખાઈ લો. બટાટા અને ભાત જેવા કાંજીયુક્ત પદાર્થો તમને શોપિંગ કરવાની તાકાત આપશે અને રસ્તા પર વેચાતા આચાર કુચર પદાર્થો ખાવાની ઇચ્છા પણ નહીં થાય.
- ખરીદી કરતી વખતે સિન્થેટીક વસ્ત્રો પહેરો નહીં. તેમ જ એડી વાળી ચંપલ કરતા સાદી ચંપલ પહેરવાનું રાખો.
- કેરી બેગોનું વજન શરીર પર એક સરખું વહેંચાય એ વાતનું ધ્યાન રાખો.
- એક જ દિવસમાં ખરીદી કરવાનો આગ્રહ રાખવો નહીં રોજ થોડું થોડું શોપિંગ કરવાનું રાખો.
- અલંકારો ખરીદતી વખતે પહેરીને જોવાનો આગ્રહ રાખો. કારણ કે શોકેસમાં ડલા લાગતા આભુષણો તમારા શરીર પર શોભી શકે છે.
- આ ડિઝાઈન તમારી ઉપર વિશે તેમ સારી લાગશે કે નહીં એ વાતનો વિચાર જરૂર કરો.
- મનપસંદ ડિઝાઈન-આભૂષણો સોને પાસે તૈયાર બનાવી શકાય છે.
- તમારી ફ્રેન્ડ પાસે છે એટલે સેન્ટ ખરીદવું જ જોઈએ એવો આગ્રહ રાખો નહીં. પરફ્યુમની પસંદગી કરતા પૂર્વે તમારા કાંડા પર છાંટી જુઓ એની ગંધ તમને ગમે તો જ ખરીદો.


