નવરાત્રિમાં પહેરો ઘરમાં પડેલા બાંધણી-ફૂલકારી-લહેરિયાના દુપટ્ટા કે સાડી
નોરતાંના આગમન સાથે રમણીઓ રાસ રમવાની તૈયારી કરવા લાગે. અને આ તૈયારીમાં તેમનો પોશાક સૌથી પહેલા આવે. આ પરંપરાગત પર્વમાં ગાગરા-ચોળીનું સૌથી વધુ મહત્વ છે એ વાત સાચી. પરંતુ નવેનવ રાત ગરબે ઘૂમવા જતી યુવતીઓ પાસે આભલા, કોડી કે આરી ભરતકામ કરેલા આટલા બધા ચણિયા-ચોળી ન હોય તે સમજી શકાય એવી વાત છે. વળી દરરોજ આટલાં વજનદાર વસ્ત્રો પહેરીને રાસે રમવા કરતાં વચ્ચે વચ્ચે હળવો પોશાક પહેરવું વધુ સગવડદાયક બની રહે.અલબત્ત, તે નવરાત્રિને અનુરૂપ હોવું જોઇએ. પરંતુ આવા પરિધાન લાવવા ક્યાંથી? આનો જવાબ ફેશન ડિઝાઇનરો આપે છે. તેઓ કહે છે.....,
આ તહેવારમાં ફૂલકારી અને બાંધણીના દુપટ્ટા કે સાડીનો સરસ ઉપયોગ કરી શકાય. ચાહે તે તમારી મમ્મીના હોય કે પછી દાદીમાના. તમે તેને તમારા અન્ય કોઇ લહંગા પર પહેરી શકો. અથવા તેમાંથી લહંગા-ઓઢણી બનાવડાવી શકો.
આ પ્રકારનો હળવા લહંગા પહેરવાની તરફેણ કરતી એક યુવતી કહે છે કે રાસ રમતી વખતો વસ્ત્રોનું વજન ઓછું હોય તો ઘણી હળવાશ અનુભવાય. તેથી હું આભલા કે કોડીવાળા વજનદાર ગાગરા-ચોળીના સ્થાને સિલ્કના લહંગા-ચોલી સાથે બાંધણીની ઓઢણી પહેરવાનું પસંદ કરું છું. તે વધુમાં કહે છે કે આ પોશાક સાથે જ્વેલરી પણ હળવી જ પહેરવી, પરંતુ મેકઅપ ઘેરો કરવો.તમારી ઓઢણી જેવા રંગની હોય ે તે મુજબ આઇશેડો અને લિપસ્ટિક લગાવવા. તેવી જ રીતે ખુલ્લી પીઠ પર રંગીન ટેટૂ ચીતરાવી લેવું. આટલું કરો તોય તમે નવરાત્રિ માટે તૈયાર થઇ જાઓ.
અન્ય એક કોલેજ કન્યાએ તો ખાસ નવરાત્રિ માટે જ બ્રોકેડની બોર્ડરવાળા સોફ્ટ સિલ્કના ચણિયા-ચોળી બનાવડાવ્યાં છે. તે કહે છે કે મેં આઇવરી કલરના ઘેરદાર ચણિયા અને એ મટિરિયલમાંથી જ ટૂંકી બાંયની ચોળી બનાવડાવી લીધી છે. એક જ ગાગરા-ચોળી પર મેં બે પ્રકારની ભારે ઓઢણી બનાવડાવી છે. એક નવરંગી બાંધણીની અને બીજી ફૂલકારી. બંને ઓઢણી ભારે હોવાથી મારા ચણિયા-ચોળી રીપિટ થશે તોય વાંધો નહીં આવે. તેની સાથે પહેરવાની જ્વેલરી પણ મેં હળવી જ રાખી છે જેથી હું કોઇપણ જાતનો ભાર ખમ્યા વિના રાસે રમવાનો આનંદ માણી શકું.તે વધુમાં કહે છે કે એકલી મેં જ નહીં, મારા ગુ્રપની બધી છોકરીઓએ આમ જ કર્યું છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે નવરાત્રિમાં પહેરાતા પરંપરાગત ચણિયા-ચોળી પછીથી નથી પહેરી શકાતા. પરંતુ આ પ્રકારના વસ્ત્રો અન્ય કોઇ પ્રસંગોએ પણ પહેરી શકાય. જેમ કે કોઇના લગ્નની સંગીત સંધ્યા હોય ,નવા ઘરનું વાસ્તુ હોય કે પછી ઘરમાં પૂજા ઇત્યાદિ હોય તો આ ચણિયા-ચોળી પહેરી શકાય. વળી બાંધણીની ઓઢણી તો ગમે ત્યારે સરસ જ લાગે. તમે અમસ્તા પણ નાટક ઇત્યાદિ જોવા જતાં હો ત્યારે પંજાબી સુટ સાથે બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો પહેરી શકો. તેઓ વધુમાં કહે છે કે જરૂરી નથી કે તમે દર વર્ષની નવરાત્રિમાં નવા ચણિયા-ચોળી જ ખરીદો. જો તમારી મમ્મીની કોઇ બાંધણી પડી હોય તો તેમાંથી પણ ગાગરા-ચોળી, કુરતી, ધોતી પેન્ટ,શરારા ઇત્યાદિ બનાવડાવી શકાય. મોટાભાગે જોવામાં આવ્યું છે કે મહિલાઓ એક સાડી કે બાંધણી એકાદ-બે પ્રસંગે પહેરી લે ત્યાર પછી તેમને એમ લાગે કે હવે તે ફરીથી નથી પહેરવી. અને આમ થવું સ્વાભાવિક છે. કોઇપણ પારિવારિક કાર્યક્રમમાં સંબંધીઓ તો એ જ હોવાના. આવી સ્થિતિમાં દરેક મહિલાને કાંઇક નવું પહેરવાની ઇચ્છા થાય જ. જો તમારી મમ્મી કે દાદીમાની કોઇ બાંધણી કે લહેરિયા સાડી આવી રીતે પડી રહી હોય તો તેમાંથી તમારો નવરાત્રિનો પોશાક તૈયાર કરાવી લો. આમ કરવાથી તમે મોટા ખર્ચમાંથી પણ બચી જશો. અને ઘરમાં પડેલી બાંધણી કે અન્ય પરંપરાગત સાડીનો ઉપયોગ પણ થઇ જશે.