Get The App

જોજો, ઉનાળામાં શેરડીનો આરોગ્યપ્રદ ઠંડો રસ મીઠું ઝેર ન બની જાય

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
જોજો, ઉનાળામાં શેરડીનો આરોગ્યપ્રદ ઠંડો રસ મીઠું ઝેર ન બની જાય 1 - image


- તબીબી નિષ્ણાતો અને આયુર્વેદાચાર્યો કહે છે, ગરમીના દિવસોમાં શેરડીનો તાજો -- શુદ્ધ રસ પીવાના ઘણા ફાયદા છે : શેરડીના મધમીઠા રસમાં ઝાઝાબધા કુદરતી ગુણ છે: આમ છતાં ગંદા વાતાવરણમાં બનેલો રસ પીવાથી ઘણી સમસ્યા પણ થઇ શકે 

ઉનાળામાં શેરડીનો રસ પીવાથી આરોગ્યને કેટલા ફાયદા થાય અને કેટલા ગેરફાયદા થાય તેની કાળજી પણ રાખવાની જરૂર છે. શેરડીનો રસ ક્યારે -કયા સમયે પીવો, કઇ વ્યક્તિએ પીવો અને કોણે ન પીવો ,  દરરોજ કે એકાંતરાં પીવો, તાજા - સ્વચ્છ વાતાવરણમાં તૈયાર થયેલો પીવો કે રસ્તા પરના કે ગંદા નાળા નજીક રેંકડીમાં બનેલો પીવો વગેરે બાબતોની પૂરતી કાળજી રાખવી પણ જરૂરી છે. 

ભારતભરમાં ધોમધખતો ઉનાળો ઉકળી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં તો ગરમીનો પારો ૪૪.૦ થી ૪૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ચામડી દાઝી જાય એટલો ઉનો ઉનો નોંધાઇ રહ્યો છે. બળબળતા બપોરમાં પણ ખુલ્લા વાતાવરણમાં  મહેનત --મજૂરી કરતાં ખેડૂતો,  કામદારો સહિત બાળકો અને વૃદ્ધજનો  વગેેરે બીમાર પડી જતાં હોવાના, ચક્કર આવી જઇને પડી જતાં હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ  થઇ રહ્યા છે.સાથોસાથ પક્ષીઓ અને પ્રાણીઓ પણ માંદાં પડી જતાં હોય છે.

આવી ઉકળતી ગરમીમાંથી રાહત મેળવવા મોટાભાગનાં લોકો આઇસક્રીમ, ઠંડાં પીણાં, નાળિયેર પાણી વગેરેનો આનંદ માણે . તો વળી, ઘણાં લોકો ઠંડો-મીઠો શેરડીનો રસ પીવાનું પણ પસંદ કરે છે.ખાસ કરીને અમુક લોકો તો શેરડીના રસમાં બરફ નાખીને પીવાનો આગ્રહ પણ રાખતાં હોય છે.કેટલીક વ્યક્તિઓ તો ઉનાળામાં દરરોજ  પોતાના પરિવાર સાથે  મનપસંદ સ્થળે જઇને શેરડીનો બરફ અને મસાલાવાળો  રસ પીવાનો આગ્રહ રાખતી હોય છે. શેરડીનો ઠંડોગાર અને મીઠો મધુરો રસ પી ને બેઘડી રાજીના રેડ થઇ જાય. એમ કહે કે હાશ, પેટમાં ટાઢક વળી. 

 બીજીબાજુ ઉનાળામાં શેરડીનો રસ પીવાથી આરોગ્યને કેટલા ફાયદા થાય અને કેટલા ગેરફાયદા થાય તેની કાળજી પણ રાખવાની જરૂર છે. શેરડીનો રસ ક્યારે -કયા સમયે પીવો, કઇ વ્યક્તિએ પીવો અને કોણે ન પીવો ,  દરરોજ કે એકાંતરાં પીવો, તાજા -- સ્વચ્છ વાતાવરણમાં તૈયાર થયેલો પીવો કે રસ્તા પરના કે ગંદા નાળા નજીક રેંકડીમાં બનેલો પીવો વગેરે બાબતોની પૂરતી કાળજી રાખવી પણ જરૂરી છે. 

 શેરડીના રસમાં કયા કયા આરોગ્યપ્રદ ગુણ હોય છે તે વિશે તબીબી નિષ્ણાતો અને આયુર્વેદાચાર્યો શું કહે છે ? તેની રસપ્રદ વિગતો પણ જાણવા -સમજવા જેવી છે.  

- ઉનાળામાં   શેરડીનો  રસ  કેટલો  આરોગ્યપ્રદ ?  તેમાં  કયા  કયા કુદરતી  ગુણ છે?   

       ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય આયુર્વેદનો બહોળો પ્રચાર કરતા અને મહારાષ્ટ્રના ગ્રામ વિસ્તારોમાં વિવિધ બીમારી -રોગનો આયુર્વેદ પદ્ધતિથી નિ:શુલ્ક ઉપચાર કરતા ડો. મહેશ સંઘવી કહે છે,  ગરમીના દિવસોમાં શેરડીનો ટાઢો અને મીઠો રસ પીવાથી આનંદ થાય. શરીરમાં તાજગીનો અનુભવ થાય.ખાસ કરીને  શરીર ગરમીથી તપી ગયું હોય.શરીર આખું પરસે રેબઝેબ થઇ ગયું હોય. ગરમીથી માથું ફાટફાટ થતું હોય  ત્યારે શેરડીનો તાજો, ઠંડો,મીઠો રસ પીવાથી  ઘણી રાહત રહે. તાજગીનો અને ચેતનોનો સંચાર થાય. શરીરમાં ઠંડક રહે. 

 * શેરડીનો તાજો રસ પ્રાકૃતિક હોવાથી આરોગ્યપ્રદ પણ ગણાય. શેરડીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ,  ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝ  જેવી કુદરતી સાકર હોવાથી શરીરને તરત જ શક્તિ અને તાજગી મળે છે. એટલે જ તો શેરડીને નેચરલ એનર્જી ડ્રીંક કહેવાય છે. આવાં કુદરતી તત્વો હોવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી જળવાઇ રહે. ચક્કર ન આવે. કે બ્લડપ્રેશર પણ ઘટી  ન જાય.  

* શેરડીના તાજા -મીઠા રસમાં ફાઇબર અને એન્ઝાઇમ્સ હોવાથી આહારનું પાચન સારું થાય.આંતરડાં સાફ રહે.

*  શેરડીના રસમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોવાથી શરીરમાંનાં સુક્ષ્મ ઝેરી -હાનીકારક તત્વોનો નાશ થાય. શરીરની શુદ્ધિ થાય. શરીર શુદ્ધ હોય તો તંદુરસ્તી પણ લીલીછમ રહે. તન-મન તરોતાજાં રહે. કાર્યશક્તિ વધે. સાથોસાથ ચામડી પણ ચમકીલી અને સુંવાળી રહે. આ જ  કુદરતી ગુણથી કમળો થયો હોય ત્યારે  ડોક્ટર કે વૈદ્યરાજ દરદીને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. 

* શેરડીના રસમાં અન શેરડીના સાંઠામાંથી બનતાં નાનાં નાનાં ટુકડામાં ભરપૂર   કેલ્શિયમ હોય છે. કેલ્શિયમનો ગુણ હોવાથી હાડકાં મજબૂત રહે. શરીરનો બાંધો શક્તિશાળી રહે. ખાસ કરીને હાડકાં મજબૂત હોવાથી વ્યક્તિના હાથ- પગના સ્નાયુઓ પણ શક્તિશાળી રહેતા હોવાથી વૃદ્ધ ઉંમરે પણ યુવાનની જેમ ચાલી -દોડી શકાય. 

*  શેરડીના તાજા -મીઠા રસમાં વિટામીન સી પણ  હોવાથી રોગપ્રતિકાર શક્તિ વધે. ખાસ કરીને અમુક ગંભીર બીમારીનાં જંતુઓથી અને તેના ચેપથી શરીરનું અખંડ રક્ષણ થાય છે. 

  ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની જીવલેણ બીમારી ફેલાઇ ગઇ હતી ત્યારે જે જે વ્યક્તિઓની રોગપ્રતિકારશક્તિ મજબૂત હતી તેઓની રક્ષા થઇ હતી. 

* શેરડીમાં આયર્ન(લોહ તત્વ)નું પ્રમાણ પણ ભરપૂર હોવાથી શરીરમાં રક્તની વૃદ્ધિ થાય. શરીરમાં લોહીનું પ્રમાણ સમતુલ હોય તો તંદુરસ્તી પણ અખંડ રહે.  ચહેરા પર તેજ હોય. 

 ઘણી વ્યક્તિઓનાં શરીરમાં રક્તનું પ્રમાણ ઓછું હોય તો તેમનું શરીર ફીક્કું --આછું પીળું હોય. પરિણામે કાર્યશક્તિ ઘટી જાય.સતત થાક લાગે. જુદા જુદા રોગ - બીમારી થાય. 

*  શેરડીના રસમાં તાજા લીંબુનો રસ,આદુ, ફુદીનો, બરફ મેળવીને પીવાથી શરીરમાં તાજગી અને ચેતનાનો અહેસાસ થાય. શરીરમાંનાં સુક્ષ્મ ઝેરી તત્વોનો નાશ થાય.શરીર શુદ્ધિ થાય. આંતરડાં સાફ થાય.

* ખાસ વાત. શેરડીના રસમાં ફોસ્ફરસનું તત્વ હોવાથી મૂત્ર માર્ગ(યુરિનરી સિસ્ટમ) સાફ રહે છે. સાથોસાથ કીડનીની કુદરતી ગતિવિધિ વ્યવસ્થિત રહેતી હોવાથી રક્તમાંના ફોસ્ફેટનું પ્રમાણ સમતોલ રાખે છે. પરિણામે કીડનીના રોગ કે બીમારી નથી થતાં.

-  ઉનાળામાં  શેરડીનો રસ ક્યારે --કેટલા પ્રમાણમાં પીવો ? કયાં જોખમ રહે ? 

    તબીબી નિષ્ણાતોના અને આયુર્વેદાચાર્યોના કહેવા મુજબ ઉનાળામાં  શેરડીનો રસ દરરોજ અને વધુ પ્રમાણમાં પીવાથી શરીરમાં કુદરતી સાકરનું પ્રમાણ પણ વધે.  શર્કરાની માત્રા વધવાથી શરીરનું વજન  વધે.શરીર  જાડુંપાડું અને કોથળા જેવું થઇ જાય. પરીણામે ડાયાબિટીસ(મધુમેહ) ની અસર થવાની શક્યતા રહે.ડાયાબિટીસ થાય તો તેની સાથોસાથ લીવર,ફેફસાં,હૃદય વગેરેની કુદરતી ગતિવિધિ પર પણ અવળી અસર થવાનું જોખમ રહે. 

* સગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ વગર શેરડીનો રસ  ન પીવો. સાથોસાથ કોઇપણ વ્યક્તિઓએ ભોજન બાદ પણ શેરડીનો રસ ન પીવો.ભોજન બાદ શેરડીનો રસ પીવાથી મંદાગ્નિની અસર થવાથી આહારનું વ્યવસ્થિત રીતે પાચન ન થાય.

-  ગંંદું પાણી, કચરાવાળો બરફ, મશીનમાં ગંદકી : ઘણાં સ્થળોએ કે રસ્તા પરની રેંકડીમાં  ગંદકી હોવા છતાં શેરડીનો રસ વેચાતો હોય છે.શેરડીનો રસ કાઢવા માટેના મશીન પર માખીઓ અને જંતુઓ હોય છે. ઉપરાંત, શેરડીના રસમાં દુર્ગંધવાળું પાણી અને કચરાવાળો બરફ પણ ઉમેરવામાં આવે છે.

શેરડીનો આવો બીનઆરોગ્યપ્રદ રસ પીવાથી શરીરમાં રોગાણુનો પ્રવેશ થાય. પરિણામે તાવ, ઉલટી, ઝાડા,ટાયફોઇડ, પેટમાં અતિશય દુ:ખાવો અને ઝેરી અસર વગેરે જેવી ગંભીર સમસ્યા પણ સર્જાય. દરદીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે.  આ તો થઇ ચેતવણી. પૂરતી કાળજી રાખવાનું માર્ગદર્શન. કહેવાનો અર્થ એ  છે કે ઉનાળામાં શેરડીનો રસ પીવા આરોગ્યપ્રદ છે. તન-મન બંને માટે શાતારૂપ છે. થોડીક ક્ષણના સ્વાદનો આનંદ ક્યારેક  જોખમી પણ બની શકે. છેવટે તો માનવીની તંદુરસ્તી તેની સાચુકલી મૂડી છે. 

- જગદીશચંદ્ર  ભટ્ટ 

Tags :