''ડૉક્ટર મને કોઇ ગંભીર સમસ્યા હોય તેવું લાગે છે. મારી સેક્સ લાઇફ સાવ નિરસ બની ગઇ છે. એવું પણ નથી કે હું નપુંસક છું, પરંતુ મારી કામેચ્છા જ લુપ્ત થઇ ગઇ છે. યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.''
''મારી વય ૪૦ વર્ષની છે. અત્યાર સુધી અમારી સેક્સ લાઇફ ખૂબ જ રંગીન હતી. છેલ્લા કેટલાંક મહિનાથી સમાગમ યંત્રવત્ કાર્ય બની ગયું છે. સહચર્ય માણવું તો છે, પરંતુ એ અંગેની ઇચ્છા મરી પરવારી છે. આમ કેમ થતું હશે?''
આવા પ્રકારની અનેક સમસ્યાઓ લઇને દરદીઓ ડૉક્ટરો, ખાસ કરીને સેક્સ થેરાપિસ્ટો પાસે આવે છે. સેક્સ થેરાપિસ્ટો આ સમસ્યાને ''લિબીડો લિમ્બો'' કહે છે. સંભોગ કરવો તો છે, પરંતુ ઇચ્છા નથી અથવા તો ઇચ્છા તો છે, પરંતુ કરી શકતા નથી. ક્યાંક કશુંક ખૂટે છે પરંતુ શું ખૂટે છે તે સમજ પડતી નથી. આ સમજવા માટે ઝાઝી લમણાંઝીંક કરવાની જરૂર નથી કારણ કે આ પ્રશ્નનો ઉત્તર સાવ સાદો છે. ખૂટે છે માત્ર બે જ વસ્તુ અને તે છે પોષક આહાર અને વ્યાયામ માન્યમાં નથી આવતું ને? માનવું ન માનવું એ વ્યક્તિગત બાબત છે, પરંતુ હકીકત એ છે કે મનુષ્યની શરીર ભૂખ સાથે આ બંને બાબત ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારી જીવનશૈલીમાં કેટલાંક નાના અમથા ફેરફાર કરવાથી આ વાતનો સ્વ- અનુભવ મળતા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
નિયમિત વ્યાયામની આદત પાડવાથી સેક્સ માટેની ઇચ્છા પણ જાગૃત થશે અને સમાગમનો આનંદ પણ બેવડાઇ જશે તે નફામાં સપ્તાહમાં ત્રણથી પાંચ દિવસ નિયમિત વ્યાયામ કરવાથી શરીરમાં જોમ અને ઉત્સાહનો સંચાર તો થશે જ સાથે સાથે માનસિક તાણ હળવી થશે, ડિપ્રેશન દૂર થશે આનું કારણ વ્યાયામ દરમિયાન દર્દનાશક એન્ડોર્ફીન નામના હાર્મોનનો સ્રાવ થાય છે જેને કારણે કુદરતી શક્તિ મળે છે અને ઓર્ગેઝમની સંખ્યા પણ વધે છે. આનો અર્થ શું છે એ સમજાવવાની જરૂર જણાતી નથી.
નિયમિત વ્યાયામ એ પિયુષિકા ગ્રંથિ માટે એક પ્રકારનો વેક-અપ કોલ છે. આને કારણે હ્યુમન ગ્રોથ હાર્મોન (એચજીએચ)નો સ્રાવ વધે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે આ હાર્મોનને કારણે શરીર સુખ ભોગવવાની ઇચ્છા બળવાન બને છે. લિંગનાં ઉત્થાનમાં પણ ફેર પડે છે. તેમજ સાથીને અને પોતાની જાતને સંતોષ પ્રાપ્ત થાય એવું શૈયાસુખ માણી શકાય છે.
બીજી બાજુ આ હાર્મોનને કારણે પુરુષની વ્યાયામ કરવાની તાકાતમાં પણ વધારો થાય છે. પગ અને જાંઘને રક્ત પહોંચાડતી નલીકાઓ જનનેન્દ્રીયની રક્તવાહિની સુધી પહોંચે છે વ્યાયામને કારણે રક્તસંચાર ઝડપથી થતો હોવાથી આ અંગોમાં રક્તપ્રવાહ વધે છે. રક્ત સંચાર વધવાને કારણે શિશ્નોત્થાનમાં તકલીફ પડતી નથી. સંભોગ દરમિયાન વપરાતા સ્નાયુઓના વ્યાયામ સાથે સાથે એરોબિક્સ, રેઝિસ્ટન્ટ ટ્રેઇનિંગ અને સ્ટ્રેચિંગની સલાહ સેક્સ થેરાપિસ્ટ આપે છે.
પોતાના જીવનમાં વ્યાયામને સ્થાન આપનારા દંપતીઓના જાતીય જીવનની ગુણવત્તા અને જથ્થામાં વધારો થયો હોવાનું એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે. એરોબિક્સ, વોકિંગ, સ્વિમિંગ, જોગિંગ, રનિંગ ઉપરાંત યોગ કરવાથી સર્વાંગી વિકાસ થાય છે અને શરીરના રસોનો સ્રાવ વધે છે. હાર્મોન્સની સમપ્રમાણતા, શારીરિક સ્વસ્થતા અને હકારાત્મક વલણને કારણે વધુને વધુ સારી રીતે શરીર સંબંધ માણવાની ઇચ્છા જાગૃત થાય છે.
એમ પણ માની લેવાની જરૂર નથી કે સેક્સની ઇચ્છા માત્ર પુરુષોમાં જ ઘટી જાય છે અને વ્યાયામ અને સમતોલ આહારની જરૂર માત્ર પુરુષોને જ છે. પરંતુ સ્ત્રીઓને પણ આ સમસ્યા સતાવે છે. કેલિફોર્નિયામાં ૧૮થી ૫૦ વર્ષની ૮૦૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક સર્વેક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ સાપ્તાહમાં ત્રણ વખત નિયમિત રીતે એરોબિક્સ વ્યાયામ કરતી હતી તેમનું જાતીય જીવન વ્યાયામ ન કરતી મહિલાઓની સરખામણીમાં વધુ સંતોષ જનક હતું. આમાની ૪૦ ટકા મહિલાઓએ કબૂલ કર્યું હતું કે તેઓ ખૂબ જ ઝડપથી આવેશમાં આવી જતી હતી. ૩૩ ટકા સ્ત્રીઓનો સેક્સમાં રસ વધ્યો હતો અને ૨૭ ટકા મહિલાઓને સહેલાઇથી પરાકાષ્ઠાનો અનુભવ થતો હતો આનું કારણ એ છે કે વ્યાયામ કરવાથી રક્ત પ્રવાહ વધે છે અને ઓક્સિજનનો પૂરવઠો વધતા ઉત્તેજીત થવાની તેમજ ઓર્ગેઝમ અનુભવવાની ક્ષમતા પણ વધે છે.
તમારી કામેચ્છા જાગૃત કરવામાં અહમ અને આત્મવિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યાયામને કારણે દેખાવ અને વલણ સુધરે છે જેને કારણે એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
છેલ્લાં દાયકાથી થતાં સર્વેક્ષણ દરમિયાન વ્યાયામ અને ઉત્તેજીત જાતીય જીવન વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વખતો વખતના આ સર્વેક્ષણો દ્વારા સાબિત થયું છે કે સેક્સ લાઇફ વધુ રંગીન બનાવવી હોય તો જીવનમાં વ્યાયામને નિયમિત સ્થાન આપવું જ રહ્યું.
વ્યાયામને કારણે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે, પરંતુ નિયમિત વ્યાયામ ન કરવામાં આવે તો આ અસર કામચલાઉ સાબિત થાય છે. બીજી બાજુ વધુ પડતા વ્યાયામને કારણે આ હાર્મોનનું સ્તર નીચું જાય છે. ઉપરાંત થાક લાગે છે અને ઊઘનું પ્રમાણ વધી જાય છે, એટલું જ નહીં, પરંતુ શુક્રાણુઓની સંખ્યા પણ ઘટી જાય છે.
આમ પણ સેક્સ એક શ્રેષ્ઠ વ્યાયામ છે આને કારણે એડ્રેનલ ગ્રંથિ ઉત્તેજીત થાય છે હૃદય અને શ્વાસોચ્છવાસની ગતિમાં વધારો થાય છે. આ ઉપરાંત સહચર્ય દરમિયાન માનસિક તાણ દૂર થાય છે તેમજ એક પ્રકારની તૃપ્તિ મળે છે તમે કદાચ જાણતા નહીં હો, પરંતુ એક કલાક સહવાસ માણવાથી ૨૫૦ કેલેરી બળે છે! એવું પણ નથી કે ઉંમર વધતા સેક્સ લાઇફ ઘટે છે. ૭૦ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જાતીય જીવન માણી શકાય છે, પરંતુ આ માટેનો માર્ગ તમારે પસંદ કરવાનો છે.
કેગલ એક્સરસાઇઝ
ઘણી સ્ત્રીઓ કેગલ એક્સરસાઇઝ દ્વારા પોતાનો સેક્સ પાવર ટકાવી રાખે છે. આ વ્યાયામમાં પેલ્વિક ફ્લોરના સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ કરવામાં આવે છે. આ વ્યાયામને કારણે નારીઓની જાતીય ઇચ્છા સંતોષાય છે અને તે પોતાના સાથીને સંપૂર્ણ સંતોષ આપી શકે છે.
પુરુષો પણ સેક્સ સાથે સંકળાયેલા સ્નાયુઓના વ્યાયામ દ્વારા પોતાની કામેચ્છા વધારી શકે છે.
કેગલ એક્સરસાઇઝ કેવી રીતે કરવી?
* મૂત્ર પ્રવાહ રોકવાનો પ્રયત્ન કરી સેક્સ સ્નાયુનું સ્થાન જાણી લો. આ જ સ્નાયુ વિર્યસંખલનના નિયંત્રણ સાથે સંકળાયેલો છે. આ સ્નાયુને નિયમિત વ્યાયામ આપવામાં ન આવે તો તે શિથિલ બની જાય છે. પાંચ મિનિટ સુધી અને દિવસમાં બે-ત્રણ વાર આ વ્યાયામ કરવાથી લાભ થાય છે. આ કારણે શિશ્નોત્થાનમાં સુધારો થાય છે અને ઓર્ગેઝમની સંખ્યામાં પણ વધારો થાય છે.
* એકવાર સ્નાયુની ઓળખ મળી ગયા પછી પેટમાંથી શ્વાસ લેતા હો એ રીતે તેને સંકોચો. સ્નાયુ સ્થિર રાખો. ત્રણથી પાંચ સેકંડ સુધી સ્નાયુને સંકોચી રાખો. ઉચ્છવાસ કાઢતા સમયે શિથિલ બનો. પેશાબ કરતી વખતે આ વ્યાયામ કરી શકાય છે. પેશાબ કરવાની તેમજ રોકવાની પ્રક્રિયા શક્ય હોય એટલીવાર કરો. આ વ્યાયામ પથારીમાં સૂતા સૂતા, ગાડી ચલાવતી વખતે કે ઑફિસમાં બેઠા બેઠા પણ થઇ શકે છે.
* થોડા સપ્તાહ બાદ પેલ્વિક ફ્લોરના સ્નાયુને વધુ સમય સુધી સંકોચવાનો પ્રયત્ન કરો, પરંતુ વધુ સમય શ્વાસ રોકવાનો તેમજ વધારે પડતો વ્યાયામ કરવો નહીં.


