ચોમાસામાં ભીડ વિનાના પર્યટનની મોજ માણવી છે?
- તો પહોંચી જાઓ નવી મુંબઈના આ સ્થળોએ
- કર્નાલા પક્ષી અભયારણ્ય
- ગવલીદેવ ધોધ
- મિની સીશોર
વર્ષા ઋતુમાં શનિ-રવિની રજાઓ દરમિયાન વનમાં ફરવા જવાની કે ધોધમાં નાહવાની મોજ લેનારાઓની સંખ્યા નાનીસુની નથી હોતી. પરંતુ આ સમય દરમિયાન જાણીતા સ્થળોએ પુષ્કળ ભીડ જામે છે. વળી લોકપ્રિય સ્થળોએ જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે તે વધારાની ઊપાધિ. બહેતર છે કે તમે સહેલાઈથી પહોંચી શકાય એવા ઓછા જાણીતા સ્થળોએ શાંતિથી ચોમાસુ માણો. આવા ઓછા જાણીતા સ્થળોએ જવું હોય તો નવી મુંબઈ પહોંચી જાઓ. અહીં આવેલા ઓછી ભીડવાળા સ્થળોમાં કર્નાલા બર્ડ સેન્કચરી, ગવલીદેવ ધોધ, જ્વેલ ઓફ નવી મુંબઈ, પારસિક હિલ્સ અને મિની સીશોર ઈત્યાદિનો સમાવેશ થાય છે.
જી કર્નાલા પક્ષી અભયારણ્ય : જો તમને પક્ષીઓ જોવાનો શોખ હોય તો પનવેલ પાસે આવેલા કર્નાલા બર્ડ સેન્કચરીથી રૂડું શું? અહીં તમને યાયાવર પક્ષીઓ સહિત ૨૦૦ જેટલા પંખીઓ નિહાળવાનો સોનેરી અવસર સાંપડશે. અહીં અલભ્ય ગણાતા એશી મિનિવેટ, થ્રી-ટોડેડ કિંગફિશર અને મલબાર ટ્રોંગોન જોવાની તક પણ મળશે.
મુંબઈ-ગોવા હાઈવે પર પનવેલથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે આવેલા આ સ્થળે તમે ૧૧મી સદીના એક જાણીતા કિલ્લાની મુલાકાત પણ લઈ શકો છો. વળી અહીં તમને મહારાષ્ટ્રીયન ભોજન પીરસતી સંખ્યાબંધ રેસ્ટોરાં પણ મળી રહેશે. આથી જ ચોમાસા દરમિયાન મુંબઈ અને રાયગઢમાં રહેતા સેંકડો લોકો કર્નાલા બર્ડ સેન્કચરીની મુલાકાત લે છે. સાંજે છ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ અભયારણ્યમાં સંખ્યાબંધ ઔષધીય છોડો પણ જોવા મળે છે.
મહત્ત્વની વાત એ છે અહીં પહોંચવું ખાસ મુશ્કેલ નથી. પનવેલ એસટી ડેપોમાંથી દર ૧૫ મિનિટે કર્નાલા જવા બસ મળી રહે છે. તમે ચાહો તો ઓટોરિક્ષા દ્વારા પણ જઈ શકો છો.
જી ગવલીદેવ ધોધ : ત્રણ વર્ષ અગાઉ ભાગ્યે જ કોઈ આ ધોધ વિશે જાણતું હતું. પરંતુ ઘણસોલીમાં આવેલો ગવલીદેવ ધોધ હવે ખાસ્સો લોકપ્રિય બન્યો છે. વળી તે શહેરની અંદર જ હોવાથી લોકોએ બહાર પ્રવાસ કરવાની જરૂર નથી પડતી. ૧૦૪ હેક્ટરમાં ફેલાયેલા આ સ્થળે પાંચ લાખ જેટલાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. રાયગઢમાં આવેલા મોટાભાગના ધોધ હાઈવેની નિકટ છે. જ્યારે આ વોટરફોલ વનરાજીથી ઘેરાયેલું છે.
અહીં આવવા માટે તમે ઘણસોલી સ્ટેશનથી રિક્ષા પકડો અને ૨૦ મિનિટમાં ધોધ-વનરાજીની મોજ માણો.
જી પારસિક હિલ્સ : જો તમે શાંતિથી વીક-એન્ડ માણવા માગતા હો તો સીબીડી બેલાપુર ખાતે આવેલી પારસિક હિલ્સની મુલાકાત લો. પારસિક ટેકરીઓની તળેટીમાં બનાવેલા બોગદાઓમાંથી હાર્બર ટ્રેનો પસાર થાય છે. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય કેટલીક ફિલ્મોમાં પણ કંડારાયું છે. અહીંની લિસ્સી-સુઘડ સડકો, સંખ્યાબંધ પવિત્ર સ્થાનકો, પક્ષીઓ, પ્રાણીઓ, અલભ્ય વૃક્ષો, જોગર્સ પાર્ક ઈત્યાદિ પર્યટકોને આકર્ષે છે.
પારસિક ટેકરીઓ સુધી જવા માટે તમને બેલાપુર અથવા સીવૂડ્સ સ્ટેશનેથી ઓટોરિક્ષા મળી રહે છે.
જી મિની સીશોર : વાશીમાં આવેલું નવી મુંબઈ સ્થિત આ એકમાત્ર સીશોર પર્યટકોના મનને મોહી લે છે. અહીં એક તરફ ગાઢ મેન્ગ્રોવ્ઝ અને બીજી તરફ તળાવના નિર્મળ નીરમાં તરતી હજારો માછલીઓ સહેલાણીઓનું મન ન મોહે તો જ નવાઈ. તમે આ તળાવમાં નૌકાવિહાર પણ કરી શકો છો. તેવી જ રીતે અહીં બાળકોને રમવા માટે સાધનસજ્જ મેદાન પણ છે.
પર્યટકો વાશી સ્ટેશનથી ઓટોરિક્ષા અથવા ત્યાંથી મળતી બસમાં બેસીને ૧૦ મિનિટમાં મિની સીશોર પહોંચી શકે છે.
જી જ્વેલ ઓફ નવી મુંબઈ : આ સેટેલાઈટ સિટીમાં ચોમાસામાં ફરવા માટે તળાવ કિનારે સુંદર રીતે ડિઝાઈન કરેલું પાંચ કિ.મી.માં ફેલાયેલું જ્વેલ ઓફ નવી મુંબઈ ખાસ્સું લોકપ્રિય છે. મહત્ત્વની વાત એ છે કે નેરૂળ અને સીવૂડ્સ વચ્ચે પામ બીચ રોડ પર આવેલું જ્વેલ ઓફ નવી મુંબઈ મુંબઈના 'ક્વીન્સ નેકલેસ'ની તરાહ પર વિકસાવવામાં આવ્યું છે. સાનપાડામાં આવેલા આ નયનરમ્ય સ્થળે ખરેખર એક વિશાળ ડાયમંડ બેસાડવામાં આવ્યું છે.
અહીં આવેલા વિશાળ ઉદ્યાનના ટ્રેક્સ પર મૂકવામાં આવેલા બાંકડાઓ પર પર્યટકો નિરાંતે બેસીને હળવા થઈ શકે છે. જ્યારે વ્યાયામના શોખીનો માટે અહીંના તળાવ પાસે એક જીમ પણ બનાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૬માં નવી મુંબઈ મહાનગર પાલિકાએ વિકસાવેલું આ સ્થળ આમ તો ચોવીસે કલાક ખુલ્લું રહે છે પરંતુ રાત્રે નવ વાગ્યા પછી અહીં બત્તીઓ બુઝાવી દેવામાં આવે છે.
આ સ્થળે પહોંચવા પર્યટકો વાશીથી સીધું વાહન મેળવી શકે છે અથવા નેરૂળ સ્ટેશનથી ઓટોરિક્ષામાં પણ આવી શકે છે.