ઘરનો દેખાવ અને અનુભૂતિ વધારવાની વાત આવે ત્યારે સમગ્ર ઈન્ટીરીયરનો ટોન સેટ કરવામાં દિવાલો મુખ્ય ભાગ ભજવે છે. પણ આવા સમયે લગભગ તમામ ઘર માલિકોને એક જ અવઢવ વધુ સતાવે છે, દિવાલોને રંગ કરવો કે વોલ પેપરથી સજાવવી? પ્રત્યેક વિકલ્પના પોતાના વિશિષ્ટ લાભ અને સૌંદર્યલક્ષી ફાયદા છે જેનાથી આ નિર્ણય માટે અત્યંત વિચારશીલ મંથન જરૂરી બની જાય છે. આ મુદ્દા વિશે સમજદારીપૂર્વક પસંદગી કરવા માટે અહીં નિષ્ણાંતોની સલાહ અને વ્યવહારુ આંતરદ્રષ્ટિ સાથે એક વિસ્તૃત માર્ગદર્શિકા આપી છે.
હેતુ અને જગ્યા
વોલ પેઈન્ટ કે વોલપેપરનો નિર્ણય લેવા માટે સૌ પ્રથમ તો રૂમનો હેતુ અને જગ્યાની વિશિષ્ટતા વિશે સમજણ મેળવવી જોઈએ. સ્ટાઈલની જરૂર હોય તેવા નાનકડા રૂમો અથવા વિસ્તારો માટે વોલપેપર ઉત્તમ પસંદગી સાબિત થઈ શકે. તેમાં અનેક ટેક્સચર, પેટર્ન અને શૈલી ઉપલબ્ધ હોવાથી વોલપેપર સહેલાઈથી નાનકડી જગ્યામાં ઊંડાણ ઉમેરી શકે અને વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે.
તેનાથી વિપરીત વોલ પેઈન્ટ સ્વચ્છ અને વિશાળતાનો અનુભવની જરૂર હોય તેવી મોટી રૂમ અથવા ખુલ્લી જગ્યા માટે આદર્શ છે. પેઇન્ટ એક તટસ્થ અને અનુકૂલનશીલ પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે, જે તેને એવી જગ્યાઓ માટે આદર્શ બનાવે છે જ્યાં ફનચર, કલા અથવા એસેસરીઝ જેવા અન્ય તત્વો કેન્દ્ર સ્થાને રાખવાના હોય છે. નાનકડા બેડરૂમ અથવા વિશાળ લિવિંગ રૂમની સજાવટની તૈયારી કરવાની ઈચ્છા હોય, વોલ પેઈન્ટ એક અને બહુમુખી વિકલ્પ સાબિત થાય છે.
વ્યક્તિગત સ્ટાઈલ અને ટ્રેન્ડ
વોલ પેઈન્ટ વિ. વોલપેપરનો નિર્ણય લેવા માટે તમારી અંગત સ્ટાઈલ નિર્વિવાદપણે સૌથી મહત્વનું પરિબળ છે. જો તમને સુઘડતા અને સાદગી પસંદ છે તો પછી પેઈન્ટ, ખાસ કરીને તટસ્થ અથવા નરમ ટોન ધરાવતો હોય તેવો વિશાળ રેન્જની ઈન્ટીરીયર સ્ટાઈલને આધાર આપે તેવો ક્લાસીક અને સંયમિત કેન્વાસ પ્રદાન કરે છે. એમાં પણ જે લોકોને અવારનવાર ફર્નિચર અથવા એસેસરી બદલવી પસંદ હોય તેમને વોલ પેઈન્ટથી વધુ સુગમતા રહે છે.
બીજી તરફ જો તમને બોલ્ડ અભિવ્યક્તિ અને કલાત્મક પેટર્ન પસંદ હોય તો વોલપેપર આવી રચનાત્મકતા અપનાવવાની તક આપે છે. ફૂલોની પ્રિન્ટથી લઈને અમૂર્ત ડીઝાઈન સુધી, પ્રત્યેક થીમને અનુરૂપ વોલપેપર મળે છે.
વર્તમાન ઈન્ટીરીયર ટ્રેન્ડ સાથે અપડેટ રહેવાનો વિચાર ઉત્તમ છે, પણ વધુ મહત્વનું છે તમારી પસંદગી તમારી શૈલી અને ઘરના લાંબા ગાળાની આવશ્યક્તા સાથે સુસંગત હોય.
ટકાઉપણું અને ઘસારા સામે પ્રતિકાર
લિવિંગ રૂમ તરફના પેસેજ, લિવિંગ રૂમ અને કિચન જેવી જગ્યા જ્યાં વધુ અવરજવર થતી હોય ત્યાં ટકાઉપણું મહત્વનું છે. પેઈન્ટ સારા પ્રમાણમાં ઘસારો સહન કરી શકે છે, પણ ટકાઉપણું મોટાભાગે પેઈન્ટની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. દાખલા તરીકે મેટ ફિનિશ પર લિસોટા પડવાની શક્યતા વધુ હોય છે જ્યારે સાટિન અથવા સેમી ગ્લોસ ફિનિશ બહેતર પ્રતિકાર કરી શકે છે.
બીજી તરફ વોલપેપર એક સુઘડ સૌંદર્ય પ્રદાન કરે છે પણ ભેજ અને ભૌતિક નુકસાન સામે તે અસુરક્ષિત છે. જો કે વાયનલ અથવા ધોઈ શકાય તેવા વોલપેપરમાં ડાઘ પ્રતિરોધકતા અને ટકાઉપણાની બાબતમાં ઘણા સુધારા આવ્યા છે જેનાથી સમજદારીપૂર્વક પસંદગી કરાય તો વ્યસ્ત જગ્યાઓમાં તે એક વ્યવહારુ વિકલ્પ બની રહે છે.
બજેટની ગણતરી
બજેટ એક વધારાનું પરિબળ છે. સામાન્યપણે પેઈન્ટિંગ વોલપેપરીંગની સરખામણીએ સસ્તુ છે. વોલપેપર લગાડવાનો ખર્ચ, ખાસ કરીને વ્યાવસાયિકો તરફથી જ્યારે આ કામ કરવામાં આવે છે ત્યારે વધુ હોય છે. છતાં ક્યારેક વોલપેપર પેઈન્ટ કરતા લાંબો સમય ટકે છે, જેનો અર્થ એવો થયો કે લાંબા ગાળે જો તમે ફરી સુશોભન ન કરવાના હો તો વોલપેપર કિફાયતી સાબિત થાય છે.
બજેટની ગણતરી કરતી વખતે પ્રારંભિક ખર્ચ અને લાંબા ગાળાના જાળવણી ખર્ચ બંનેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. ઉપરાંત સપાટીની તૈયારી, ઉપકરણો અને જરૂર પડે ત્યારે વ્યાવસાયિક સેવાઓની ગણતરી કરવાનું ભૂલવુ નહિ.
લગાડવાની સરળતા અને જાળવણી
પોતાના બળે કામ કરનારા માટે પેઈન્ટ મોટાભાગે પસંદગીનો વિકલ્પ છે. પેઈન્ટ લગાડવો પ્રમાણમાં આસાન છે અને તે સુકાઈ પણ જલદી જાય છે જેના કારણે વીકએન્ડમાં કામ થઈ શકે. વધુમાં યોગ્ય ફિનિશ સાથે પેઈન્ટ કરેલી દિવાલોની જાળવણી અને સફાઈ સરળતાથી થઈ શકે છે.
બીજી તરફ ખાસ કરીને બારીક પ્રિન્ટ અથવા ડીઝાઈનર પ્રકારના વોલપેપરને લગાડતી વખતે વધુ ચોકસાઈની જરૂર પડે છે અને વ્યાવસાયિકો જ તેને યોગ્ય રીતે લગાડી શકે છે. ફરી પેઈન્ટિંગ કરવાની સરખામણીએ વોલપેપર કાઢવાની અને બદલી કરવાની પ્રક્રિયા પણ સહેલી છે. જીવનશૈલી વ્યસ્ત હોય અને જાળવણીનો ખર્ચ ઓછો ઈચ્છતા હો તો પેઈન્ટ સૌથી વધુ વ્યવહારુ વિકલ્પ સાબિત થશે.
સેમ્પલની ચકાસણી
અંતિમ નિર્ણય કરવા અગાઉ જગ્યા પર હંમેશા સેમ્પલની ચકાસણી કરવી. લાઈટની સ્થિતિ, કુદરતી છે કે કૃત્રિમ તેના પર પેઈન્ટના રંગ અને વોલપેપરની પેટર્નના દેખાવનો આધાર છે. સેમ્પલ ટેસ્ટ કરવાથી તે તમારા મોજુદ ફર્નિચર, ફ્લોર અને સજાવટની વસ્તુઓ સાથે કેવો મેળ ખાય છે તેની પણ જાણકારી મળી જશે જેના કારણે તેમને વિશ્વસનીય નિર્ણય લેવામાં સહાયતા મળશે.
આખરે તો વોલ પેઈન્ટ અને વોલપેપર બંનેનો પોતાનો ચાર્મ અને ઉપયોગિતા છે. તમારા માટે કયો વિકલ્પ યોગ્ય રહે છે તે સમજવા જગ્યા, અંગત સ્ટાઈલ, જાળવણી ક્ષમતા અને બજેટનું મૂલ્યાંકન કરવું મહત્વનું છે. તમે પેઈન્ટની સુરુચિપૂર્ણ સાદગી પસંદ કરો અથવા વોલપેપરની કલાત્મક અપીલની તરફેણ કરો, યોગ્ય વોલ ફિનિશ ખરેખર તમારા ઘરને તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલીના પ્રતિબિંબમાં પરિવર્તિત કરી શકે છે.
- ઉમેશ ઠક્કર


