આજના યુગમાં ત્વચા સંભાળના ક્ષેત્રમાં વિટામીન સી સીરમની બોલબાલા છે. ત્વચા સંભાળના ક્ષેત્રમાં વિવિધ સંયોજન અને ઉત્પાદનોમાં વિટામીન સીનો ઉપયોગ કરવામાં આવે છે. મોઈશ્ચરાઈઝરથી લઈને નાઈટ ક્રીમ સુધી વિટામીન સી અનેક પ્રકારના ઉત્પાદનોમાં ઉપયોગ કરાય છે. એમાં પણ વિટામીન સી સીરમ સૌથી વધુ માનીતુ રહ્યું છે. તેનું સૌથી મહત્વનું જમા પાસુ એ છે કે તેને પહેલા લગાડીને પછી તમારા મનપસંદ ઉત્પાદનનો ઉપયોગ કરવાથી તેની અસરકારકતા વધી જાય છે. ઘણાને એવો સવાલ ઉત્પન્ન થાય છે કે વિટામીન સી સીરમ આટલા લોકપ્રિય શા માટે થયા છે? એનો જવાબ તેની સંરચનામાં છે. સીરમ સંકેન્દ્રિત સ્વરૂપમાં હોય છે અને ત્વચાની ચોક્કસ સમસ્યાનો સામનો કરવાની તેનામાં ક્ષમતા હોવાનું મનાય છે જેમાં મોટાભાગે વૃદ્ધત્વના ચિહ્નોમાં તેનો ઉપયોગ કરાય છે. સીરમ ડ્રોપર બોટલમાં મળતુ હોવાથી તેનો ઉપયોગ પણ સીમિત કરી શકાય છે. સીરમનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે.
વિટામીન સી સીરમનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તે જાણ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લેવું જોઈએ. પણ તે અગાઉ સીરમ આટલું સક્ષમ શા માટે છે તે જાણવા તેના લાભ પર પણ નજર કરવી જોઈએ.
ત્વચા માટે ઉત્તમ
વિટામીન સી ત્વચા માટે ઉત્તમ છે અને ત્વચાની અનેક સમસ્યા પર તે અક્સીર સાબિત થઈ શકે છે. ખાસ કરીને તેનો ચહેરા પર ઉપયોગ કરવામાં આવે છે.
કરચલી
આપણી ત્વચાને મજબૂતી અને સ્થિતિસ્થાપકતા આપનાર આપણા શરીરમાં રહેલું પ્રોટીન કોલેજેન ત્વચાના યુવાન દેખાવ માટે પણ કારણભૂત છે. વય, તડકાને કારણે થતુ નુકસાન અને પર્યાવરણીય પરિબળો ત્વચા પર કરચલી માટે જવાબદાર છે. વિટામીન સી શરીરમાં કોલેજેનનું ઉત્પાદન વધારીને ત્વચાને મજબૂત, સ્થિતિસ્થાપક અને યુવા રાખીને કરચલી જેવી સમસ્યા દૂર જ રાખે છે.
હાઈપર પિગમેન્ટેશન
હાઈપર પિગમેન્ટેશન તરીકે ઓળખાતી ત્વચાની સમસ્યાથી અનેક લોકો પરેશાન હોય છે. હાઈપર પિગમેન્ટેશનનો સામનો કરી શકે એવી કોઈપણ દવા હાલ ઉપલબ્ધ નથી. પણ વિટામીન સી એના માટે અક્સીર સાબિત થઈ શકે. ત્વચા અને વાળના રંગ માટે મેલાનિન પિગમેન્ટ જવાબદાર છે. મેલાનિનનું વધુ પ્રમાણ ત્વચાના રંગને વધુ ઘેરો બનાવે છે. વિટામીન સી ત્વચામાં મેલાનિનના ઉત્પાદનને ઘટાડે છે જેના કારણે હાઈપર પિગમેન્ટેશનમાં પણ ઘટાડો થાય છે.
સૂર્ય તડકાથી થતું નુકસાન
સૂર્યના અતિશય તડકાથી ગંભીર નુકસાન થાય છે અને તેનાથી આપણી પાસે બચવાના વધુ ઉપાય પણ નથી. જો કે તડકામાં બહાર નીકળવા અગાઉ સન-સ્ક્રીન લગાડી શકાય. વિટામીન સી એક શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ છે જે ત્વચાને નુકસાન કરતી સૂર્યની અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી બચાવે છે.
ત્વચાની લાલાશ ઘટાડે છે
અત્યંત અસરકારક એન્ટીઓક્સીડન્ટ હોવા ઉપરાંત વિટામીન સીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે ત્વચાને શાંત કરે છે અને ત્વચાની લાલાશ ઘટાડે છે જેથી તમને સરળ અને દોષરહિત ત્વચા મળે.
વિટામીન સી સીરમ લગાડવાની રીત
ત્વચા પર ક્રીમ લગાડવાનો સૌથી પહેલો નિયમ છે સર્વ પ્રથમ પાતળું ક્રીમ લગાડવું અને પછી જે જાડુ હોય તે લગાડવું. પણ સીરમ આ બંને વચ્ચે આવતું હોવાથી સીરમને ટોનર પછી અને મોઈશ્ચરાઈઝર પહેલા લગાડવું જોઈએ. સીરમનો પહેલી જ વાર ઉપયોગ કરી રહ્યા હોય તેમણે નીચેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવાઃ
સર્વ પ્રથમ ચહેરાને હળવા ક્લીનઝરથી સાફ કરી લેવો.
ટોનરનો ઉપયોગ કરતા હોય તેમણે પહેલા ટોનર લગાડી લેવું. પણ ટોનરને બાદ કરી શકાય અને સીધુ સીરમ પણ લગાડી શકાય.
સીરમના થોડા ટીપા લેવા અને બંને હથેળી વચ્ચે ઘસીને હળવા હાથે ચહેરા, ગરદન અને છાતી પર લગાડવું.
હવે મોઈશ્ચરાઈઝર લગાડી શકાય.
હવે અંતિમ પગલા તરીકે સનસ્ક્રીનનું સ્તર કરી શકાય.
તમારો નિયમિત મેક-અપ કરી શકો.
ખાસ ધ્યાન રાખવું કે તમે લગાડેલું ક્રીમ ત્વચામાં શોષાઈ જાય તેના માટે દરેક પગલા વચ્ચે થોડી મિનિટોની રાહ જોવી. સીરમથી ત્વચા પર સામાન્યપણે થોડી ખંજવાળની અસર થાય છે. આથી જેઓ પહેલી જ વાર તેનો ઉપયોગ કરતા હોય તેમણે ચિંતા ન કરવી. સંવેદનશીલ ત્વચા હોય તેવા લોકોએ સીરમનો ઉપયોગ કરવા અગાઉ પેચ ટેસ્ટ કરી લેવી જરૂરી છે.
વિટામીન સી ક્યારે લગાડવું?
ઘણા લોકો સીરમ સવારે એકવાર અને સાંજે એકવાર એમ દિવસમાં બે વાર લગાડે છે, પણ નિષ્ણાંતો સીરમનો ઉપયોગ દિવસમાં એક જ વાર, સવારે અથવા સાંજે કરવાની ભલામણ કરે છે.
- ઉમેશ ઠક્કર


