Get The App

નમ્રતા, ધાર્મિકતા અને માનવસેવાની જીવનભર સાધના કરનાર સ્વ. શ્રી વિમળાબહેન શાંતિલાલ શાહ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
નમ્રતા, ધાર્મિકતા અને માનવસેવાની જીવનભર સાધના કરનાર સ્વ. શ્રી વિમળાબહેન શાંતિલાલ શાહ 1 - image

- એમનાં પગલાં પડે, ત્યાં બધું સારું જ થાય ! ધર્મમાં દૃઢ નિષ્ઠા અને માનવધર્મની ઉપાસના

નમ્રતા, ધાર્મિકતા અને માનવસેવાની જીવનભર સાધના કરનાર સ્વ. શ્રી વિમળાબહેન શાંતિલાલ શાહ 2 - image

નમ્રતા, ધાર્મિકતા અને માનવસેવાની જીવનભર સાધના કરનાર સ્વ. શ્રી વિમળાબહેન શાંતિલાલ શાહ 3 - image

જીવનમાં કેટલીક તસવીરો અવિસ્મરણીય બની જતી હોય છે. સ્વ. વિમળાબહેનનાં જીવનની આ તસવીરમાં શાહ પરિવારના વડીલો કેમેરામાં કેદ થયા છે. તસવીરમાં (ડાબેથી) વિમળાબહેનના જીવનસાથી શાંતિલાલભાઈ શાહ, વિમળાબહેન, નણંદ મહાલક્ષ્મીબહેન, જેઠાણી સુભદ્રાબહેન અને જયેષ્ઠ શ્રી કાંતિભાઈ નજરે પડે છે. બીજી તસવીર લાંબા અને સુખદ દાંપત્યજીવનની મધુર ક્ષણની સાક્ષી પુરે છે.

કોઈ આત્મા એવો હોય છે કે જે આ ધરતી પર આવીને પોતાના જીવનની ક્ષણે ક્ષણે પ્રેમ, વાત્સલ્ય અને ધર્મની સુવાસ પથરાવતો હોય છે. એમના જીવનની પ્રત્યેક પળ એ લાગણી અને પવિત્રતાની સુવાસથી મહેકતી હોય છે. 'ગુજરાત સમાચાર'ના પ્રણેતા અને અધિાપક તંત્રી શ્રી શાંતિલાલ શાહના ધર્મપત્ની વિમળાબહેનનું આવું પરોપકાર-પરાયણ જીવન હતું.

એમના વ્યક્તિત્વનો એવો આગવો પ્રભાવ હતો કે તેઓ જ્યાં જાય ત્યાં એમના સૌજન્ય અને સદ્ભાવથી છવાઈ જતાં હતાં. 'ગુજરાત સમાચાર' અખબારે ગુજરાતીભાષી પ્રજામાં આગવું સ્થાન મેળવ્યું. એ સ્થાન મેળવવા માટે મુરબ્બી શાંતિલાલ શાહને અનેક ઝંઝાવાતોનો સામનો કરવો પડયો. આ સઘળા ઝંઝાવાતો સમયે વિમળાબહેન એમની પડખે શાંતિથી ઊભા રહ્યાં અને મૌન રહીને એમનાં કાર્યોમાં એક પ્રકારનું બળ પૂર્યું. એમની ધામકતાએ પરિસ્થિતિમાં સાત્વિક ભાવના આણી. એક અર્થમાં કહીએ તો એમના જેવી શાંત મૂતને કારણે જ ગમે તેવી અશાંત પરિસ્થિતિમાં પણ માત્ર મુરબ્બી શ્રી શાંતિલાલ શાહને જ નહીં, બલ્કે એમના સંપર્કમાં આવનાર સહુ કોઈને અપૂર્વ શાંતિ અને સાતાનો અનુભવ થતો. 

૧૯૨૬ની ૧૫મી જૂને આણંદ નજીકના બેડવા ગામમાં જન્મેલા વિમળાબહેનના જીવનમાં અને પરિવારમાં દૃઢપણે ધામક સંસ્કારોનું સિંચન થયું હતું. એમના મોટા ભાઈએ દીક્ષા લીધી હતી અને પૂજ્ય ભદ્રસાગરજી મહારાજને નામે તેઓ શાસનમાં જાણીતા હતા. આમ ઘરમાં ચોતરફ ધર્મસંસ્કારોનું વાતાવરણ હતું. વિશેષ તો વિમળાબહેનની રગેરગમાં આ ધર્મસંસ્કારો એવા વ્યાપેલા હતા કે જેથી ખ્યાલ આવે કે ધામક વ્યક્તિનું જીવન કેવું ઉચ્ચ અને સાત્વિક હોઈ શકે. પોતાના પરિવારની ખૂબ સંભાળ લેતા અને વિશેષ તો એમનાં ત્રણ પુત્રો શ્રી શ્રેયાંસભાઈ શાહ, શ્રી બાહુબલિભાઈ શાહ અને શ્રી શાલિભદ્રભાઈ શાહમાં ધર્મ પ્રત્યેની આસ્થા કેળવાય તે માટે હંમેશાં પ્રયત્ન કરતાં. એમના પુત્રી વર્ષાબહેન પણ એ જ રીતે માતાને પગલે ચાલીને ઉમદા ધર્મભાવનાઓ પામ્યાં.

વિમળાબહેન નમ્રતાની સાક્ષાત મૂત હતાં. કોઈને કલ્પના પણ ન આવે કે અત્યંત સમૃદ્ધ પરિવારની વસતી વ્યક્તિ આવું સાદાઈભર્યું જીવન જીવતી હોય ! એમનો ચહેરો હંમેશા સૌમ્યભાવોથી ઉભરાતો હોય, કપાળની વચ્ચે ચાંલ્લો સુશોભિત હોય, ચશ્માની પાછળ રહેલી એમની આંખોમાં દયા અને કરુણાની ઝલક જોવા મળતી હતી. એમની દયા તો એવી કે પોતાની આસપાસનાં લોકોનું સતત ધ્યાન રાખતાં. ઘરમાં કામ કરતા નોકરને ત્યાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો એ પ્રસંગ પાર પાડવામાં મદદ કરતાં, ડ્રાઈવરની જરૂરિયાતો જાણીને એને પણ સહાય કરતા અને એથીયે વિશેષ તો અખબારી કચેરીનો પટાવાળો મળવા આવે તો પણ વિમળાબહેન પાસેથી કશીક મદદ મેળવીને જ પાછો ફરતો.

એમને જીવનમાં આપવામાં આનંદ હતો. પોતે અત્યંત સુખી હોવા છતાં સામાન્ય માણસોની સૌથી વધુ દરકાર લેતા હતા. ધોબી કપડાં લઈને આવ્યો હોય તો એને થોડી વાર બેસવાનું કહે અને પછી પોતે રસોઈમાંથી કશુંક લાવીને એને આપે. એમની દયાની અને મમતાની ભાવના એવી કે કોઈ એમની પાસેથી મદદ મેળવ્યા વિના પાછું જતું નહીં. 

એવો જ એમનો વાણીસંયમ હતો. બહુ ઓછું બોલે, જરૂર પૂરતું બોલે, પણ એ જે બોલે એમાં એમના હૃદયની શુભ લાગણીઓ સતત પ્રગટ થતી. એમનાં પરિવારમાંથી પ્રાપ્ત થયેલાં ધર્મસંસ્કારોને તેઓ સતત ઉજાળતા રહ્યા. એમને ઘેર કોઈ મહાત્મા ગોચરી માટે પધારે ત્યારે એમના ચહેરા પર સતત ઉલ્લાસ તરવરવા લાગતો. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે એ સદાય તત્પર રહેતાં. જીવનનાં અંતિમ શ્વાસ સુધી તેઓ સામાયિક અને પ્રતિક્રમણ કરતા રહ્યા.

એક અર્થમાં કહીએ તો એમના જીવન-વ્યવહારમાં સાચા અર્થમાં ધામકતા પ્રગટ થતી હતી. તેઓ અજાતશત્રુ હતા તેમ કહેવાને બદલે એમ કહેવું જોઈએ કે આવી વ્યક્તિને કદી કોઈ શત્રુ  હોઈ શકે જ નહીં. જેણે સહુને પ્રેમ અને આદર આપ્યો હોય, સમતાભર્યું જીવન જીવતા હોય એને ક્યાંથી કોઈ શત્રુ હોય ? એમની ધર્મમાંથી પ્રાપ્ત થયેલી સમતા વ્યવહારજીવનમાં જોવા મળતી. 

ધર્મ આરાધનાની સાથે માનવધર્મમાં પણ તેઓ ક્યારેય પાછા પડયા નથી. ક્યારેક તો એવું બનતું કે કોઈ મદદ માંગે ત્યારે પોતાની પાસે જેટલાં પૈસા હોય તે આપી દે. 

પોતે રોજ પોતાના પુત્રોને મળે અથવા તો ફોનથી એમના ખબરઅંતર પૂછે. આમ એક માતા તરીકે અને સાસુ તરીકે પણ એમણે એમનું કર્તવ્ય અદ્રુત રીતે નિભાવ્યું. એમાં પણ સ્મૃતિબહેન પ્રત્યે એમને અથાગ લાગણી હતી. વળી રોજ બપોરે એ સમયે મુરબ્બી શાંતિકાકા 'ગુજરાત સમાચાર'ની આફિસમાં ઉપરના નામેથી જુદી જુદી વ્યક્તિઓ માટે ભોજન મંગાવતા. એ જેટલાં ભાણાં મંગાવે તેટલા મોકલતાં, એમાં એમણે ક્યારેય ના પાડી નથી. એ જ રીતે મુરબ્બી શાંતિભાઈને એમની રસોઈ ખૂબ પસંદ પડતી. રાત્રે નવ કે દસ વાગે મુરબ્બી શાંતિભાઈ આવે, ત્યારે એ રસોઈ ગરમ કરીને એમને બરાબર લાગણી પૂર્વક જમાડતા.

ધામક દૃષ્ટિએ જોઈએ તો એ સતત જુદી જુદી ધર્મક્રિયાઓ કરતાં. એમને એમના કુળદેવી ઓશિયા માતા પર અગાધ શ્રદ્ધા હતી અને પદ્માવતીદેવીનાં પણ ઉપાસક હતાં. એમણે ચાર વાર ચાતુર્માસ, બે વાર અઠ્ઠાઈ, ચાર વાર વર્ષીતપ અને ઉપવાસની કેટલીય તપશ્ચર્યાઓ કરી હતી. એમનું જીવન જ એવું હતું કે સહુ કોઈ સ્વીકારતા કે વિમળાબહેનનાં જ્યાં પગલાં પડે છે, ત્યાં સઘળું વિમળ અને શુભ બને છે અને હકીકતમાં તેઓ લગ્ન કરીને આવ્યા બાદ સતત પરિવારની પ્રગતિ થતી રહી. 

એમના પોતાના નિવાસસ્થાને ઘર-દેરાસર થાય તે માટે ઘણો આગ્રહ હતો અને આથી શ્રી શાલિભદ્ર શાહના નિવાસસ્થાને એક સુંદર ઘર-દેરાસર નિમત કર્યું હતું. તેઓ નજીકનાં વાસુપૂજ્ય દેરાસરમાં પ્રાતઃકાળે દર્શન કરવા જવાનાં હતાં અને એ સ્મરણમાં જ એમણે ૨૦૧૧ની ચોથી નવેમ્બરે આ જગતની વિદાય લીધી. જેની નસેનસમાં આવી સાત્વિક ભાવના હોય એનું મૃત્યુ પણ કેવું શાંત અને સ્વસ્થ હોય.

દેહ તો મૃત્યુનાં હોય છે, અમરપંથ છે આત્માનો.

- ડો. કુમારપાળ દેસાઈ