- રિલેશનના રિ-લેશન- રવિ ઇલા ભટ્ટ
- ગણેશજીની વાત કરીએ તો તેઓ પોતાના આકાર થકી આપણને પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. તેઓ વિઝન, રિઝન અને સોલ્યુશન લાવવા માટેના તમામ ગુણોના ભંડાર છે. તેઓ મોટું મુખ ધરાવે છે જે તેમની વિશાળતાનું પ્રતિક છે. મોટું મસ્તક મોટા મગજ અને વિશાળ બુદ્ધિનું પણ પ્રતિક છે.
ભગવાન ગણેશના ઉત્સવને આપણે ઉજવી રહ્યા છીએ. ચારેતરફ લોકોના ઘરમાં, સોસાયટીઓમાં, પોળમાં, ખડકીઓમાં કે પછી જાહેર સ્થળોએ ભગવાન ગણેશના મંડપો અને પંડાલો સજાવવામાં આવેલા છે. લોકો ઉત્સાહભેર ઉજવણીમાં લાગેલા છે. હવે આ ઉત્સવની પૂર્ણાહુતીના દિવસો નજીક છે. આ ઉત્સવ દરમિયાન નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી બધા જ પોતપોતાની રીતે ભક્તિ કરવામાં, આનંદ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. દસ દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન વિઘ્નહર્તા ગણેશ આગામી વર્ષે વહેલાં આવવાના વચન સાથે વિદાય લે છે. અબાલ-વૃદ્ધ સૌને આનંદ આપતા અને વિદાય સાથે વ્યાકુળ કરી દેતા ભગવાન ગણેશ આપણને ઘણું બધું શીખવી જાય છે. માત્ર તેમના જન્મ અને જીવનની કેટલીક બાબતો ઉપર નજર કરીએ તો પણ આપણા તમામ ભવ સુધરી જાય તેવા ઉપદેશ મળે છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશના નામ જ એટલા બધા છે અને તેના અર્થ એટલા બધા છે કે, તેને સમજીએ તો પણ ઘણું શીખવા મળે તેમ છે.
ભગવાન ગણેશના જન્મથી જ શરૂ કરીએ તો તેમનો જન્મ જ પોતાની વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો હતો. ભગવાન ગણેશના જન્મની કથા આપણે સૌ જાણીએ છીએ. માતા પાર્વતીએ સ્નાન કરવા દરમિયાન પોતાના શરીર પરના મેલમાંથી તેમનું સર્જન કર્યું હતું. ભગવાન શિવના કૈલાશ ઉપર રહેનારા માતા પાર્વતીને પોતાની કહી શકાય તેવી અંગત વ્યક્તિ કે કોઈ ગણ હતા નહીં. તમામ ગણો શિવને આધિન હતા. માતા પાર્વતીને પોતાના કાર્યોમાં મદદ કરે, સુરક્ષા આપે અને પોતાના એકાંતનું રક્ષણ કરે તેવી વ્યક્તિની જરૂર હતી તેથી તેમણે પોતાના અંશનું સર્જન કર્યું. ગણેશજીનો જન્મ વાર્તાઓમાં આપણને માત્ર સમજી શકાય તેવો છે પણ હકિકત કંઈક અલગ જ છે.
આપણી વેદોક્ત પરંપરા સાથે જોડાયેલી કથાઓ આવી જ વાત કરે છે. તેનો ગુઢાર્થ સાવ અલગ જ છે. આ અર્થ જ્યારે માણસ પામી જાય છે ત્યારે તે પોતે પણ નિરાકાર થઈ જાય છે. ગણેશજીના જન્મ પાછળનો તર્ક એવો પણ છે કે, આપણી બુદ્ધિ શરીરની જેમ પાંચ તત્ત્વોમાંથી બનેલી છે. શરીર જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશમાંથી બનેલું છે. તેમ આપણે બુદ્ધિ પણ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને રૂપમાંથી બનેલી છે. મહાદેવ શિવ જ્યારે હઠે ચડેલા ગણેશનો શિરચ્છેદ કરે છે ત્યારે તે પ્રાકૃતિક રીતે વિકાર પામેલી બુદ્ધિનો નાશ કરે છે. ત્યારબાદ દુનિયાને સત્ય સમજાવવા અને ઉપદેશ આપવા માટે પોતાના સંતાનના ધડ ઉપર હાથીનું મસ્તક મુકે છે. આપણું મન અને બુદ્ધિ એટલે પાર્વતીએ સર્જન કરેલા સ્થુળ ગણેશ. સાયકોલોજીમાં જેને કોન્સિયસ અને સબકોન્સિયસ માઈન્ડ કહેવાય છે. તેવી જ રીતે ભગવાન શંકરે કોન્સિયસ માઈન્ડ એવા ગણેશનો શિરચ્છેદ કર્યો અને તેમને સબકોન્સિયસ બનાવ્યા. માણસનું પણ સબકોન્સિયસ માઈન્ડ જાગ્રત થઈ જાય તો તે પણ મહાનતાની સીડીઓ ચડી શકે છે.
ગજાનન તરીકે ઓળખાતા ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવાયું તેની પાછળ પણ અનેક તર્ક રહેલા છે. તેમનું જીવન અને કવન પણ અનેક બોધપાઠ આપનારું છે. હાથીનું માથું મોટું, કાન મોટા, સુંઢ લાંબી, પેટ મોટું, આંખો ઝીણી. આ બધી જ બાબતો ગજાનન એટલે કે હાથી જેવું મુખ ધરાવનારા ભગવાન ગણપતિ પાસે પણ છે. તેઓ માત્ર પોતાના આકાર થકી આપણને જીવનના પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. તેઓ વિઝન, રિઝન અને સોલ્યુશન લાવવા માટેના તમામ ગુણોના ભંડાર છે. તેઓ મોટું મુખ ધરાવે છે જે તેમની વિશાળતાનું પ્રતિક છે. મોટું મસ્તક મોટા મગજ અને વિશાળ બુદ્ધિનું પણ પ્રતિક છે. સૌથી પહેલાં તો તેમની ઝીણી આંખો. આ આંખો સુક્ષ્મતાના ભાવને ઉજાગર કરે છે. આપણે જીવનમાં દરરોજ સામે આવતી પરિસ્થિતિઓને જોઈ ન જોઈ કરીને જવા દઈએ છીએ. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉપર ઉપરથી જોઈને નિરાશા વ્યક્ત કરીએ છીએ. જ્યારે આ એકદ્રષ્ટા ગણેશ તમામ સ્થિતિને એક જ નજરે અને આંખો ઝીણી રાખીને જૂએ છે. તે દરેક બાબતને સુક્ષ્મતાથી જોઈ, જાણી અને સમજીને આગળ વધે છે.
ગજાવક્ર એટલે કે હાથી જેવા લાંબી સુંઢ ધરાવતા ગણેશજી જણાવે છે કે, કોઈપણ બાબત હોય તેને પહેલાં ઝીણી આંખે તપાસી લેવી. ત્યારબાદ લાંબી સુંઢ એટલે કે આંતરિક સમજ થકી તેના મર્મને જાણી લેવો. કોઈપણ બાબત હોય તેની ગંધ પહેલેથી પારખી જવી પછી જ પ્રતિક્રિયા આપવી કે ક્રિયા કરવી. સામેની વ્યક્તિ કે આસપાસની વ્યક્તિઓ ગમે તેવાં ગતકડાં કરે પણ આપણી સમજશક્તિ એટલી સારી હોવી જોઈએ કે, જે નજરની સામે નથી તેને પણ પામી જઈએ અને સત્યને સમજી જઈએ. ગજકર્ણ ગણેશની જેમ મોટા કાન થકી દુનિયામાંથી જે પણ જ્ઞાાન મળે છે તેને ગ્રહણ કરી લેતા શીખવું પડે. હાથીના કાનને સુપડા જેવા કાન કહીએ છીએ. સુપડાનો મૂળ ગુણધર્મ શું છે તે જાણો છો. સુપડાનો મૂળ ગુણધર્મ છે કચરો અને ફોતરાં ઉડાડી નાખવા અને દાણાને ગ્રહણ કરવા. તેવી જ રીતે દુનિયામાં તમામ પ્રકારની બાબતો અને માહિતી મળતા હોય છે. આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને એટલું જ ગ્રહણ કરવાનું છે જે આપણને લાભદાયક કે હિતકારી હોય. આપણા જ્ઞાાનમાં વધારો કરતી બાબતોને જ આપણે ગ્રહણ કરવી જોઈએ.
લંબોદર એટલે કે વિશાળ પેટ. ગણેશજીનું પેટ વિશાળ હતું. તેમાં તમામ બાબતો પણ સમાઈ જતી હતી. કોઈપણ વ્યક્તિ કોઈપણ બાબત લઈને આવે, કંઈપણ વાત જણાવે તો તેઓ પેટમાં સમાવી લેતા. તે ક્યારેય બહાર આવતી નહીં. તેમને ક્યારેય કોઈની વાત બીજાને કે બીજાની વાત ત્રીજાને કહેવાનું પસંદ નહોતું. કોઈ પોતાનો ઉભરો ઠાલવ જાય, પોતાની પીડાને જણાવી જાય તો તેઓ શાંતિથી સાંભળી લેતા. તેનાથી સામેની વ્યક્તિને સાંત્વના મળતી. આપણે પણ આવી જ આવડત કેળવવાની છે. તેવી જ રીતે નાના પગ. તેમના પગ તેમની આવડતની નિશાની હતા. શિવ-પાર્વતીની ૬૪ પ્રદક્ષિણા તેમના નાના પગ અને બુદ્ધિ ક્ષમતાના સુપર કોમ્બિનેશનની જ કથા છે. નાના પગ હોવાથી વ્યક્તિ ખોટી દોડાદોડ કરતો નથી. તે ધીમે અને શાંતિ તથા ધિરજ સાથે કામ કરે છે. આવી વ્યક્તિઓ પગ ઉપાડતાં પહેલાં સો વખત વિચાર કરે છે. મહેનત વ્યર્થ ન જાય તેની વિશેષ કાળજી રાખે છે.
ચતુર્ભુજ ગણેશના ચાર હાથ. એક હાથમાં અંકુશ, એકમાં પાશ, ત્રીજામાં મોદક અને ચોથો સદાય આશીર્વાદ આપતો હાથ. તેઓ એક હાથમાં પોતાના જીવનનો અંકુશ રાખે છે. હાથીને કાબુ કરવા જેમ મહાવત પાસે અંકુશ હોય છે તેવો જ અંકુશ ગણપતિ પોતાના હાથમાં રાખ્યો છે. વ્યક્તિઓ પોતાની ઈન્દ્રીયો અને વાસનાઓને અંકુશમાં રાખવાની છે. વ્યક્તિએ પોતે જ એ કાર્ય કરવાનું છે તેવું ગણેશજી સ્પષ્ટ સુચવે છે. પછી આવે છે પાશ. વાસના અને ઈન્દ્રીયો કાબુમાં ન રહે તો પોતાની જાતને જ સજા કરવા માટે પોતે જ પાશ હાથમાં રાખવાની છે. સમર્થ વ્યક્તિ પોતાની જાતે આ બંને કાર્યો કરી શકે છે. અથવા તો એમ કહીએ કે આવું કરી શકવા સક્ષમ હોવો જોઈએ. મોદક એટલે કે આનંદ. પોતે આનંદ કરે અને અન્યને આનંદ કરાવે તે સ્વભાવ અત્યંત જરૂરી છે. આપણે ખુશ હોઈશું અને બીજા પણ ખુશ હશે તો બાકીની સમસ્યાઓ આપોઆપ વિસરાઈ જશે.
સૌથી છેલ્લે આવે છે ગણેશજીનું પ્રિય વાહન મૂશક. તેઓ ઉંદરની સવારી કરે છે. તે પણ ખૂબ જ સુચક છે. સૌથી પહેલી બાબત આવે છે બુદ્ધિ. વ્યક્તિની બુદ્ધિ ઉપર તર્ક જરૂરી છે. બુદ્ધિ ઉંદર જેવી ચંચળ છે. તેના ઉપર ગણેશજી જેવો ભારેભરખમ તર્ક હોય તો જ તે વિવેકપૂર્ણ રીતે અને સાચી દિશામાં ધીમે ધીમે આગળ વધે. તેવી જ રીતે ઉંદર એટલે ચોરવૃત્તિનું પ્રતિક. વ્યક્તિના મનમાં ચોરવૃત્તિ જાગે ત્યારે તેને દબાવી દેવા માટે ગણેશજી જેવો જ તર્ક રાખવો પડે.
તેમનો સૌથી મોટો બોધપાઠ છે વિસર્જન. અનંતચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, જેનો આકાર છે તેણે નિરાકાર થવાનું છે. નિરાકાર તરફ ગતી કરવા માટે આકારને વિસજત કરવો પડે છે. જ્યાં સુધી હું પણાનું વિસર્જન નથી થતું ત્યાં સુધી આપણા પણાનો ભાવ આવતો નથી. જળ તત્વમાં વિસજત થવાની સાથે જ તેઓ ચારેકોર વ્યાપ્ત થઈ જાય છે. પરમાત્મા સર્વવ્યાપક છે. તે સચરાચર જગતમાં વ્યાપ્ત છે. આપણે પણ તેવી જ ભાવના સાથે દરેક જીવ સાથે જોડાવાનું છે. માત્ર મારો આકાર ધારણ કરીને બેસી રહેવાથી તમામ બાબતોની પ્રાપ્તી નહીં થાય. તેના માટે વિસજત થઈને નિરાકાર તરફની ગતિ કરવી પડશે.


