Get The App

વિદુર નીતિ : દુર્યોધનની સંગત કર્ણને પણ કમોતે જ લઈ જાય

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વિદુર નીતિ : દુર્યોધનની સંગત કર્ણને પણ કમોતે જ લઈ જાય 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- ખરેખર જીવનમાં આગળ વધવું હોય કે પ્રગતિ કરવી હોય તો શાંત, સૌમ્ય, વિવેકી, સત્ય બોલનારા લોકોને સાથે રાખીને કામ કરવું જોઈએ. તેમની સંગતમાં રહેવાથી કદાચ ફાયદો ઓછો થશે કે કદાચ નહીં પણ થાય. તેમ છતાં તમારું નુકસાન તો નહીં જ થાય. તેઓ ક્યારેય તમને કશું ગુમાવવા તો નહીં જ દે. 

ધવલ અને ભાવિન ખૂબ જ સારા મિત્રો હતા. બંને એક બિઝનેસ સમિટ દરમિયાન મળ્યા હતા અને પ્રારંભિક મિત્રતા થયા બાદ તેમનો ઘરોબો વધતો ગયો. ધીમે ધીમે બંને પારિવારિક મિત્રો થયા અને સાથે વેપાર પણ કરતા થયા. ધવલ સામાન્ય રીતે કોઈનાથી પ્રભાવિત થતો નહીં પણ તે અને તેનો પરિવાર ભાવિનથી ખૂબ જ પ્રભાવિત હતા. ભાવિન કાયમ પોઝિટિવ વાતો કરતો, ભગવત ગીતાના શ્લોકની વાતો કરતો, કર્મના સિદ્ધાંતને સમજાવતો, માનવ સેવા અને જીવમાત્રની સેવાની વાતો કરતો. તેને લગતા કાર્યો પણ કરતો. તે મોટાભાગે પાર્ટીઓમાં જવાના બદલે દેવદર્શને જવાનું વધારે પસંદ કરતો. 

તેના કારણે જ ધવલ અને ભાવિનની મિત્રતા વધારે ગાઢ બની હતી. બંનેને કોઈ વ્યસન નહોતું. બંને પરિવાર સાથે અવારનવાર ધામક યાત્રાઓ કરતા, ધામક આયોજનોમાં જોડાતા. એકબીજાના ઘરે વાર-તહેવારે જતા. એકબીજાને ભેટ સોગાદ આપવામાં પણ ધામક પ્રતિકો, ભગવાનની મૂતઓ અથવા તો પ્રેરણાદાયી પુસ્તકો અને પોઝિટિવિટી વધારતી વસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવતો. તેના કારણે બંને ખુશ જણાતા હતા. ભાવિન દેશભક્તિની વાતો કરતો, દેશના જવાનો માટે કંઈક કરી છુટવાની ભાવના દાખવતો, નિયમોનું પાલન કરવું, યુવાનોને રાજકારણમાં લાવીને દેશનો વિકાસ કરવો જેવી વાતો કરતો. વિકાસશીલ દેશોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સના ઉદાહરણ આપતો અને તેના જેવું ભારત થવું જોઈએ તેવા સપના જોતો અને જોવડાવતો.

એક વખત એવું થયું કે, ભાવિન અને ધવલે એક પ્રોજેક્ટ હાથમાં લીધો. બંનેએ સાથે કામ શરૂ કર્યું. કામ કરવા દરમિયાન શરૂઆતમાં તો ઓળખાણ અને ગોઠવણને પગલે વાંધો ન આવ્યો પણ જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધતો ગયો તેમ તેમ બંને વચ્ચે થોડી બોલાચાલી થતી. ઘણી વખત ભાવિન અકળાઈ જતો. ધવલ દરેક બાબતની ચકાસણી કરવામાં માનતો જ્યારે ભાવિન ઉતાવળીયો અને ફટાફટ કામ પૂરું કરનારો હતો. આ ઉપરાંત ધવલે નોંધ્યું કે સારી સારી વાતો કરનારો ભાવિન સાચી જિંદગીમાં સાવ જુદો જ હતો. તેને ભ્રષ્ટાચારમાં રસ હતો. તે કોઈપણ કામ પૈસા આપીને કરાવી લેતો. ધવલને તે પસંદ નહોતું.

આવા બે-ચાર પ્રસંગ બન્યા જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન ધવલને તેના એક જૂના મિત્ર તરફથી ભાવિનનો ચોંકાવનારો ઈતિહાસ જાણવા મળ્યો. ધવલને ખબર પડી કે, જે પાંચ વર્ષ પહેલાં ગુજરાતના એક પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ પકડાયું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ભાવિનની સંડોવણી હતી. તેણે પોતાના સોર્સ એક્ટિવ કરીને તપાસ કરી હતો ખબર પડી કે, કેટલાક મળતીયાઓ અને લાંચિયા અધિકારીઓ સાથે જોડાઈને તેણે કથિત રીતે રમકડાંના કન્ટેઈનર ચાઈનાથી મંગાવ્યા હતા પણ તેમાં ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનો સપ્લાય થતો હતો. આ કેસમાં તેનું કથિત રીતે નામ આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. કોઈપણ રીતે ગોઠવણ કરીને પ્રારંભિક જામીન મેળવી લીધા હતા અને ત્યારબાદ મોટી ગોઠવણ કરીને મોટી લેતીદેતી કરીને કેસમાંથી નીકળી ગયો હતો. હવે બીજા બિઝનેસમાં આવીને સુફિયાણી વાતો કરતો હતો. તેનો અતિત ગુનાખોરીથી ભરેલો હતો. 

આ વાત જ્યારે ધવલને ખબર પડી એટલે તેણે ભાવિન સાથે સંબંધ તોડી કાઢયા. ભાવિન દ્વારા ત્યારબાદ ધવલને ઘણું ખરું-ખોટું સંભળાવવામાં આવ્યું પણ તેણે જવાબ આપ્યા નહીં કે તેની સાથે વાતચીત પણ કરી નહીં. તેની સાથે શરૂ કરેલું કામ પણ અટકાવી દીધું અને પાર્ટનરશિપ તોડી કાઢી. તમામ સ્તરે તેની સાથેના સંબંધો કાપી કાઢયા. આ દરમિયાન તેને વિદુર નીતિ વિશે સમજ મળી. ત્યારે પહેલી વખત સમજાયું કે કેમ વડિલો કાયમ કહેતા હોય છે કે, તમારે કોની સંગત કરવી તે અત્યંત જરૂરી છે. તમે કોની સાથે છો તેનાથી જ તમારું વ્યક્તિત્વ નિખરે છે. મન મેલા રાખીને શ્વેત બગલા જેવા ફરતા લોકોથી આ સમાજ ઊભરાઈ રહ્યો છે અને તેથી જ તેમની સારપની પાછળ રહેલી મેલી વૃત્તિ દેખાતી નથી અને આપણને નુકસાન થાય છે. 

મહાભારત કાળના અત્યંત બુદ્ધિમાન અને પ્રભાવશાળી રણનીતિકાર વિદુરજીની વાતો આજે યુગો પછી પણ એટલી જ પ્રાસંગિક અને અસરકારક છે. તેમણે વ્યક્તિની સંગત વિશે ખૂબ જ અસરકારક વાત કરી છે. મહાભારતનો પ્રસંગ જણાવે છે કે, કર્ણ અતિશય પ્રતિભાશાળી હતો, ગુણવાન હતો કે સારો મિત્ર હતો પણ તે દુર્યોધનનો મિત્ર હતો તેથી પાપના કિચડમાં ફસાતો ગયો અને અંતે કમોતે મર્યો. સારી વ્યક્તિ તમને ઘડિકમાં રંકમાંથી રાજા બનાવી શકે છે જ્યારે ખોટી વ્યક્તિ તમને પળવારમાં શિખર ઉપરથી નીચે લાવી શકે છે. આપણી સાચી સફળતા પણ એમાં જ છે કે, જે લોકો મન, કર્મ અને વચનથી એક જેવા જ હોય અને સ્પષ્ટ હોય તેમની સાથે રહીએ. તેથી જ મહાભારતના પ્રજાગર પર્વમાં કેવા લોકોની સંગત કરવી તેના વિશે વાત કરાઈ છે.

વિદુક નીતિ કહે છે કે, લાલચ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. જે વ્યક્તિમાં લાલચ છે તે કાયમ સફળ, સંપત્તિવાન, સ્વરૂપવાન કે પછી સત્તાધારી વ્યક્તિઓ સાથે જોડાવાનું પસંદ કરતી હોય છે. જે લોકો કાયમ બીજાની સફળતા, બીજાની સંપત્તી, બીજાની સત્તા કે અન્ય બાબતો ઉપર નજર રાખીને તેની સાથે સારો કે ખોટો વ્યવહાર કરતા હોય તેવા લોકો ક્યારેય સાચા કે સારા મિત્ર બની શકતા જ નથી. આવા લોકોની સંગતથી શક્ય એટલા ઝડપથી દૂર થઈ જવું જોઈએ. તેઓ માત્ર પોતાના સ્વાર્થ અને પોતાની લાલચને કારણે જ તમારી સાથે જોડાયા હોય છે. 

તેઓ માત્ર સ્વાર્થના જ સગા હોય છે. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે તમને ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં મુકી શકે છે. તમારો લાભ લઈ શકે છે. તમારી પાસેથી જ્યાં સુધી આવી વ્યક્તિઓને લાભ થતો હોય છે, તેમની લાલચ પૂરી થતી હોય છે ત્યાં સુધી જ તેઓ તમારી સાથે જોડાયેલા રહે છે. એક વખત તેમનું કામ ન થાય કે તેમનો સ્વાર્થ પૂરો ન થાય તો તરત જ આ લોકો તમારાથી અંતર જાળવવાનું શરૂ કરીદે છે. તમારા ખરાબ સમયમાં પણ આવા લોકો સૌથી પહેલા પલાયન કરી જાય છે. તેથી સ્વાર્થીઓનો શક્ય એટલા ઝડપથી ત્યાગ કરી દેવો જોઈએ.

પોતનો સંબંધ હોય કે વ્યક્તિત્વ, કાયમ સત્ય અને વિશ્વાસના પાયા ઉપર જ તેનું નિર્માણ કરવું જોઈએ. જીવનમાં એક અસત્ય કે એક જુઠ્ઠાણું પછી હજારો જુઠ્ઠાણા બોલવા તરફ ખેંચી જતું હોય છે. તેથી ક્યારેય ખોટું બોલનારા કે પછી અર્ધ સત્ય બોલનારા લોકો સાથે પણ ખાસ વ્યવહાર ન રાખવો જોઈએ. તે કપટ કરતા હોય અને જુઠ્ઠું બોલતા હોય તે તમને ગમે ત્યારે અને ગમે ત્યાં ફસાવી દેતા હોય છે. આવા લોકો ઉપર વિશ્વાસ કરવો એટલે કુહાડીને લાત મારવા સમાન છે. આવા લોકો ગમે ત્યારે તમને ફસાવી શકે છે, ખોટા રસ્તે લઈ જઈ શકે છે અ તમારી પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી શકે છે. ખોટું બોલનારા અને કુટેવો ધરાવનારા લોકોથી તો શક્ય એટલી ઝડપથી દૂર થઈ જવું જોઈએ.

આ સિવાય ખરેખર જો કોઈનાથી અંતર જાળવવું હોય તો અવિચારી કામ કરનારા અને ઉતાવળીયા લોકોથી જાળવવું જોઈએ. કોઈપણ જાતના વિચાર કર્યા વગર ઉતાવળે કામ કરનારા લોકો પોતે પણ ડૂબે છે અને પોતાની સાથે રહેલા લોકોને પણ ડૂબાડે છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોઈપણ કામ કરે તો તેના માટે ચોક્કસ આયોજન કરે છે. તેના સંભવિત પરિણામો ચકાસે છે અને ત્યારબાદ આગળ વધે છે. બીજી તરફ આ લોકો ઉછાંછળા સ્વભાવના અને લાંબાગાળાનો વિચાર કરનારા હોતા નથી. તેમને ટૂંકો ફાયદો દેખાય એટલે ગમે તે કામ કરી નાખે છે. આવા લોકોની પાસે દુરંદેશિતા હોતી નથી, ધીરજ હોતી નથી અને તેથી ખોટા નિર્ણયો લઈને નુકસાન કરતા હોય છે. આવા લોકોની સાથે મિત્રતા ન કરવી જોઈએ કે તેમની સંગતથી દૂર રહેવું જોઈએ.

સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, ગુસ્સો કરનારા અને અહંકારી કે વિવેકહિન લોકોની સંગતથી પણ દૂર રહેવું જોઈએ. અહંકારી વ્યક્તિ ક્યારેય કોઈનું માન જાળવતી નથી અને કોઈનું અપમાન કરવામાં સંકોચ કરતી નથી. 

ગુસ્સો કરનારી વ્યક્તિ પણ આવેશમાં આવીને અવિચારી કામ બેસતી હોય છે. આવા લોકો પોતાનું તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે તેની જોડે રહેલાને પણ નુકસાન કરાવે છે. અહંકાર હેઠળ કે ગુસ્સામાં લીધેલો એકપણ નિર્ણય કે કરવામાં આવેલું એકપણ કામ આપણને સફળતા અપાવતું નથી. આવો સ્વભાવ ધરાવતી વ્યક્તિઓ તમારી પ્રગતિ સહન કરી શકતી નથી. 

તેઓ ઘણી વખત એવી મનોદશાથી પીડાય છે કે, મારા કારણે આ વ્યક્તિ આગળ વધી છતાં મને તેનો જશ આપતી નથી. મારા કારણે તેના કામ થાય છે છતાં મારી તરફ જોતો નથી કે જોતી નથી. આવા માણસો કોઈનું સારું થતું જોઈ શકતા નથી કે તેમનું ભલું કરી શકતા જ નથી. તેમની સાથે રહેવામાં નુકસાન જ છે. ખરેખર જીવનમાં આગળ વધવું હોય કે પ્રગતિ કરવી હોય તો શાંત, સૌમ્ય, વિવેકી, સત્ય બોલનારા લોકોને સાથે રાખીને કામ કરવું જોઈએ. તેમની સંગતમાં રહેવાથી ફાયદો ઓછો થશે કે કદાચ નહીં પણ થાય. તેમ છતાં તમારું નુકસાન તો નહીં જ થાય. તેઓ ક્યારેય તમને કશું ગુમાવવા તો નહીં જ દે.