Get The App

વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો : ભાગ-3

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો : ભાગ-3 1 - image

- આરોગ્ય સંજીવની

આજનાં અંક માં બીજા કેટલાક શાકભાજી અને તેનાં ઔષધીય ઉપયોગ વિશે જાણીશું. જેમાં, ''ગાજર'' : ગાજર નાના-મોટા સૌ કોઈ ને ભાવે છે. ગાજર માં ઘણાં સારા ઔષધીય ગુણો રહેલાં છે. ગાજર સ્વાદે મીઠાં, રુચિકર અને ઉષ્ણ છે. આફરો, હરસ, કૃમિ, સંગ્રહાગી વગેરેનો તે નાશ કરે છે.

ખરજવા ઉપર : ગાજર ને છીણી ને તેમાં મીઠું નાખીને પાણી રેડયા સિવાય બાફી લેવું ગાજરનું આ બાફેલું છીણ ખરજવા ઉપર બાંધવાથી તે ત્વરિત ગુણ આપી થોડા સમયમાં ખરજવાનો નાશ કરે છે.

બ્લડ કેન્સર ઉપર : ગાજરનો રસ સ્હેજ દર્દી ની રુચિ પ્રમાણે આપતા રહેવાથી જીવલેણ એવા આ રોગની સામે દર્દીની રોગપ્રતિકાર શક્તિ વધી જાય છે. તેમજ લોહીમાં લાલ કણો વધે છે અને દર્દીનું આયુષ્ય લંબાય છે. સસ્તો, સુલભ અને શ્રેષ્ઠ ઉપાય નિર્દોષ હોવાથી ખૂબ આવકાર્ય બન્યો છે. લોહીની વૃદ્ધિ કરતું હોવાથી ગાજરનું સેવન સામાન્ય માણસે પણ કરવું હિતાવહ છે. ગાજર સ્વભાવે ઉષ્ણ હોવાથી પિત્ત પણ કરે છે, તથા કેટલાંક નેત્રવિકારો પણ કરે છે. તેથી ગરમ પ્રકૃતિ અને અમ્લપિત્તનાં દર્દીએ ગાજરનું સેવન કરવું નહીં.

બંધ માસિક આવવા માટે ગાજરનું બી પાણીમાં વાટી પાંચ દિવસ આપવાથી બંધ થયેલું માસિક ફરી ચાલુ થાય છે.

હવે, બીજા એક વેજીટેબલ ''સરગવા'' વિશે વાત કરીએ. આ વેજીટેબલ પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે.

સરગવાની શીંગો લગભગ આંગળી જેટલી જાડી, એક થી દોઢ ફૂટ લાંબી, લીલા રંગની અને નવધારવાળી હોય છે. સરગવો બે જાત નો થાય છે. મીઠો સરગવો અને કડવો સરગવો. સરગવો ગરમ અને ગુણાકારી છે. કલરમાં સરગવો ત્રણ પ્રકારનો છે. ધોળો, કાળો અને રાતો. સફેદ ફૂલવાળો સરગવો લગભગ બધે જ ઉગે છે અને તેની શીંગોનું શાક થાય છે. સરગવાનાં કુમળાં પાન અને ફૂલનું પણ શાક થાય છે. સરગવાની શીંગોમાં ચણાનાં લોટનું મિશ્રણ વધારે જોવામાં આવે છે. આ શીંગોની કઢી પણ થાય છે. બાફેલી સરગવાની શીંગોમાં ચણાનાં લોટ સાથે બનાવેલું શાક સ્વાદિષ્ટ બને છે અને વાયુનાં રોગોને મટાડનાર થાય છે.

સરગવાનાં ઔષધીય ગુણો :- સરગવો ઉષ્ણ, તીક્ષ્ણ, રૂચિકર, અગ્નિદીપક, સારક, પાચક, ખારો, તીખો, કોપાવનાર, કફ, વાયુ, કૃમિ, આમ, મુખજાડય, વિદ્વધિ, ગુલ્મ, સોજો, બરોળ, મેદરોગ, ગંડમાળ, અપચી, ગલગંડ, ઉપદંશ, નેત્રરોગો વગેરેનો નાશ કરે છે.

સરગવાની શીંગો :- તે અગ્નિદીપક, સ્વાદુ અને મધુર છે. કફ, પિત્ત જવર, ક્ષય, શ્વાસ, શૂળ અને ગુલ્મનો નાશ કરે છે.

સરગવાનાં ફૂલ :- તે ઉષ્ણ, ચક્ષુષ્ય, તીખાં અને તીક્ષ્ણ છે. સ્નાયુરોગ, કફ, વાયુ, સોજો, કૃમિ, બરોળ અને ગુલ્મનોં નાશ કરે છે.

સરગવાના પાંદડા : રૂચિકર, અગ્નિદીપન, પાચક અને સારક છે. વાયુ, કફ તથા જવરનો નાશ કરે છે.

સોજો ઉપર :- સરગવાની છાલ વાટી સોજો ઉપર લેપ કરવાથી સોજો ઉતરે છે અને પીડા શાંત થાય છે. પછી તે સ્નાયુનો સોજો હોય કે વા ને કારણે થયેલો સોજો હોય કોઈ પણ ભાગનો સોજો હોય તેમાં સરગવો ઘણો ગુણકારી છે. કેટલીક વાર અસહ્ય પીડા સરગવાની છાલ કે પાનનાં લેપથી મટે છે.

માથાનાં દુ:ખાવામાં : સરગવાનાં બીજ ને પાણીમાં ઘસી સૂંઘવાથી માથાના દુ:ખાવામાં તુરંત જ રાહત મળે છે. સરગવાનાં પાંદડાનાં રસમાં મરી વાટી કપાળે લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

બરોળ ઉપર :- ૧. તોલો સરગવાની છાલ નોં કવાથ કરી તેમાં મરી અને લીંડીપીપરનું ચૂર્ણ બે-બે ચપટી નાખી પીવડાવવાથી ચાર-પાંચ દિવસમાં બરોળમાં ફાયદો થાય છે અને ધીરજપૂર્વક આ પ્રયોગ કરવાથી બરોળ મટી જાય છે.

ગુલ્મ ઉપર :- સરગવાનાં પાંદડાનો રસ ૧ તોલો અને થોડી સાંકર મેળવી પીવડાવવાથી ત્રણ દિવસમાં જ ગુલ્મ મટે છે.

બાળકોનાં પેટ ભાર ઉપર :- વગડાઉ સરગવા નો રસ ૧ ચમચી લઈ તેમાં ૧ ચમચી ચોખ્ખું ઘી ઉમેરી પીવડાવવાથી બાળકનાં પેટનો ભાર મટે છે. ૩ દિવસ આ મિશ્રણ બાળકને પિવડાવવું.

પથરી ઉપર :- સરગવાનાં મૂળ નોં કાઢો ધીરજપૂર્વક સવાર-સાંજ પીવાથી થોડા જ દિવસમાં પથરી નીકળી જાય છે.

માથાનાં ખોડા ઉપર : સરગવાનાં પાંદડાનો રસ ચોપડવાથી ખોડો મટે છે.

સર્વ નેત્રરોગ ઉપર : સરગવાનાં પાંદડાનાં રસમાં મધ મેળવી તેનું અંજન કરવું.

સર્વ પ્રકારનાં વાયુ ઉપર :  વગડાઉ સરગવાનાં મૂળનો રસ બે-બે ચમચી પીવો અને તેની છાલનો લેપ કરવાથી તમામ પ્રકારની વાયુની પીડા શમે છે. કમરનાં દુ:ખાવામાં પણ સરગવાની છાલ વાટી ગરમ કરી બાંધવાથી ચમત્કારિક લાભ મળે છે.

શીધ્ર પ્રસૂતિ માટે : સરગવાનાં મૂળ પાણીમાં નાખી ઉકાળી તે પાણી પગે ચોપડવાથી બહુ જલદી પ્રસૂતિ થાય છે.

કર્ણપાક ઉપર : સરગવાનાં સૂકા ફૂલનું બારીક-ચૂર્ણ કાનમાં નાખવાથી વહેતો કાન મટે છે.

સર્પદંશ ઉપર : સરગવાની છાલ, કડવાં તુરીયાના ફળ, અરીઠા અને કાળી જીરીને પાણીમાં વાટી પીવડાવવાથી સર્પનું ઝેર ઉતરી જાય છે.

આમ, સરગવો એ એક અણમોલ ઔષધ છે. ભોજનમાં લેવાથી ઘણાં દર્દોનાં ઉપદ્રવ થતાં અટકી જાય છે. તેનાથી આમાશયમાં લોહી વધે છે. તેથી પાચક દ્રવ્યો વધારે ઉત્પન્ન થાય છે  અને ભોજન પચી જાય છે. આંતરડાનેં ઉત્તેજનાં મળે છે અને મળ સાફ ઉતરી જાય છે.

- જહાનવીબેન ભટ્ટ