- આરોગ્ય સંજીવની
આજનાં અંકમાં કોઈ રોગ વિશે વાત ન કરતાં જુદા જુદા શાકભાજી વિશે વાત કરીશું કે જેનો ઉપયોગ દરરોજ રોજિંદા વપરાશમાં આપણે કરીએ છીએ. આ શાકભાજીનાં ગુણો માત્ર આહાર તરીકે જ સિમિત નથી. ઘણાં રોગો ઉપર પણ તે ઔષધોની ગરજ સારે છે. તો આજે તેવાં વેજીટેબલ્સ વિશે વાત કરીશું. જેમાં સૌ પ્રથમ ઉપયોગ થાય છે. ટામેટાં સખત ઠંડી સહન કરી શક્તા નથી. છતાં ઘણું ખરું બારેમાસ મળી રહે છે. ટામેટાં જેટલાં મોટાં તેટલાં ગુણમાં ઉત્તમ હોય છે. લીલા ટામેટાં રંગે લીલા, ખાટા અને પચવામાં હલકા હોય છે. પરંતુ જ્યારે તે પાકવા માંડે છે ત્યારે નેત્રપ્રિય તેજસ્વી લાલ રંગ પકડે છે. ટામેટાંનો રસ પીણા તરીકે વપરાય છે. તેનો સૂપ ભોજનની શરૂઆતમાં પાચક દ્રવ્યો તરીકે લાભદાયી બને છે. પાકા ટામેટાંનાં રસમાં ફૂદીનો, જીરું અને અન્ય મસાલા મેળવી ઉકાળીને બનાવેલ ચટણી અતિ સ્વાદિષ્ટ બને છે. ઉપરાંત તેમાંથી રહેલો પીત અને વાત ગુણ ઓછો થઇ જાય છે.
ટામેટાંનાં સેવનથી લોહીનાં રક્તકણ વધે છે. ભોજનમાં પાકા ટામેટાં લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને ઘણાં પ્રકારનાં રક્ત અને પિત્તસંબંધી રોગો દૂર થાય છે. ટામેટાંનો રસ શરીર અને મનને સ્ફૂર્તિ લાવનારો છે. આ ઉપરાંત...
(૧) ટામેટાંનો રસ સગર્ભા સ્ત્રીઓ માટે શારિરીક અને માનસિક શક્તિઓ વધારવા માટે ખૂબ ગુણદાયી છે.
(૨) સ્ત્રીઓનાં વિવિધ દર્દોમાં પણ ટામેટાં ઘણું સારું પરિણામ આપે છે.
(૩) શરીરનું વજન વધારવા માટે ભોજન સાથે નિયમિત પાકા ટામેટાં લાંબા સમય સુધી ખાવા જોઇએ.
(૪) ફિક્કા શરીરવાળા એ પણ ટામેટાંનાં ભોજનમાં છૂટથી ઉપયોગ કરવો હિતાવહ છે.
(૫) ટામેટાંમાં નારંગી જેલાં જ વિટામિનો અને સત્ત્વો રહેલાં છે. તેમજ તે ખાટા, રૂચિકર, અગ્નિદીપક, રક્તશોધક, પાચક અને સારક છે. પેટપીડા, મેદવૃદ્ધિ અને લોહી વિકારમાં તે ગુણકારી છે. હરસ, જીર્ણજવર તેમજ પાંડુરોગ ને તે મટાડે છે.
(૬) ઉલટી માટે : ટામેટાંના રસથી ચોથો ભાગ સાંકર અને બે રતી એલચી દાણાનું ચૂર્ણ, સહેજ લવીંગ અને મરીનું ચૂર્ણ મેળવી પીવાથી દર્દીને પેટમાં થતો ચૂંથારો, ઉબકા, ઉલટી બધું જ શાંત થઇ જાય છે.
(૭) ટામેટાંનાં રસમાં સાકર અને અર્જુન વૃક્ષની છાલ મેળવી અવલેહ બનાવી ખાવાથી હૃદયશૂળ અને હૃદયરોગમાં ફાયદો થાય છે.
(૮) પાકા ટામેટાંનાં તાજા રસમાં થોડું મધ અને પાણી મેળવી પીવડાવવાથી રક્તપિત્ત અને લોહી વિકાર માટે છે.
(૯) સોરાયસીસ ઉપર : સવાર સાંજ પાકા ટામેટાંનો રસ પીવડાવવો અને ભોજનમાંથી મીઠું ઓછું કરાવી દેવું તેથી ચામડી ઉપર થતાં લાલ ચાઠા, ફોડલીઓ, ખુજલી, શુષ્કતા વગેરે લોહી વિકારવાળા રોગ ઉપર ઉત્તમ પરિણામ આવે છે.
(૧૦) કાયમી કબજિયાતની ફરીયાદ હોય તો ભોજન પહેલાં અને રાત્રે સૂતી વખતે છાલ સહીત ટામેટાં ખાવાથી ઘણી જૂની ફરિયાદ પણ દૂર થાય છે.
(૧૧) પેટનાં કૃમિના દર્દીઓને ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને આપવાથી કૃમિ માટે છે.
(૧૨) રતાંધળાપણામાં : ટામેટાંનાં રસનું સેવન સવાર-સાંજ કરવાથી ઘણું સારું પરિણામ આપે છે.
(૧૩) નાનાં બાળકોને દિવસમાં બેથી ત્રણ વાર થોડો થોડો પાકા ટામેટાંનો રસ પીવડાવવાથી બાળક નીરોગી અને હૃષ્ટ પુષ્ટ બને છે.
(૧૪) બાળકોનું ગળી જવું, સુકાઈ જવું, દુબળા પડી જવું, જેને બાલશોષ પણ કહે છે તેનાં ઉપર ટામેટાંનાં રસમાં કોડી ભસ્મ મેળવી આપવાથી બાળક નીરોગી અને બળવાન બને છે.
(૧૫) ઘણાં બાળકોને દૂધની ઉલટીઓ થતી હોય છે. તેની ઉપર બે ચમચી ટામેટાંનો રસ દૂધ પીવડાવતાં પહેલાં આપવાથી આ ઉલટી મટે છે.
(૧૬) બે ભાગ કોપરેલ અને એક ભાગ ટામેટાંના રસનાં મિશ્રણથી શરીર પર માલિશ કરી થોડી વાર પછી સહેજ ગરમ પાણીએ સ્નાન કરવાથી ખસ, ખૂજલી અને માથાનો ખોડો મટે છે.
આમ, ટામેટાં મોટાભાગે ઘણાં ગુણકારી ઉપયોગી છે.
આજ રીતે પરવળ પણ સર્વોત્તમ શાક છે અને પથ્યકર છે. પરવળ પાચનશક્તિ વધારે છે. તાવ, ઉધરસ એ લોહીનાં વિકારો પણ તે મટાડે છે. પરવલનું ઘીમાં બનાવેલું શાક ખૂબ પૌષ્ટિક છે. માંદા માણસ માટે તે ખૂબ હિતકારક છે.
તેનાં અન્ય ઉપયોગો જોઇએ તો,
(૧) પિત્તજવર ઉપર : કડવાં પરવળ અને જવનો ઉકાળો મધ મેળવી પીવડાવવાથી તુરંત રાહત થાય છે. તૃષા અને દાહ પણ તેનાથી મટી જાય છે. પિત્તજવર અને દાહમાં કડવા પરવળનું મૂળનું પાણી સાકર સાથે આપવાથી પણ સારો ફાયદો થાય છે. તાવમાં કડવા પરવળનાં પાનનો રસ રોગીનાં શરીરે માલીશ કરવાથી તાવ ઉતરે છે. આ પાન અને ધાણાનો ઉકાળો પણ પિત્તપ્રધાન તાવ ને દૂર કરે છે.
(૨) કૃમિ : કડવાં પરવળનાં પાન એક તોલો અને ધાણા એક તોલો રાત્રે સો ગ્રામ પાણીમાં પલાળી સવારે ગાળી મધ મેળવી ત્રણ ભાગ કરવા અને દિવસમાં ત્રણ વખત આપવાથી કૃમિનો નાશ થાય છે.
(૩) ઉદરરોગ : કડવા પરવળનો ક્વાથ ઉદર સંબંધી બધાં રોગોને હરે છે.
(૪) ઉંદરી : માથામાં ઉંદરી થાય છે. વાળ નીકળીને લિસ્સા ચકામાં પડે છે તે રોગ ઉપર કડવા પરવળનાં રસની માલીશ કરવાથી વાળ પાછા ઉગી જાય છે અને રોગ નાબૂદ થાય છે.
(૫) વિષ : પેટમાં કોઈ પણ પ્રકારનું વિષ ગયું હોય તો કડવાં પરવળ ને ઘસીને પાવાથી ઊલટી થઇ રોગીનાં શરીરમાંથી ઝેર નીકળી જાય છે.
આમ, શાકભાજી તરીકે વપરાતાં આ વેજીટેબલ્સ ઔષધ તરીકેની ગરજ પણ બખૂબી નિભાવે છે. એ વાતમાં શંકાને સ્થાન છે ?
- જ્હાનવીબેન ભટ્ટ


