Get The App

વાસ્તુ દોષ : ઘરમાં રજવાડી વૈભવ હોય છતાં કુટુંબમાં અશાંતિના પડઘા પડતા હોય

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
વાસ્તુ દોષ : ઘરમાં રજવાડી વૈભવ હોય છતાં કુટુંબમાં અશાંતિના પડઘા પડતા હોય 1 - image

- વાસ્તુશાસ્ત્રમાં  મુખ્ય દ્વાર દોષ, શયનકક્ષ દોષ, રસાઇ ઘર દોષ, બ્રહ્મસ્થાન દોષનો ઉલ્લેખ  છે  :   ઘરમાં સૃષ્ટિનાં પંચ તત્વો( પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ)નું સમતુલન હોવું જરૂરી છે :  પંચ તત્વનો સુમેળ ન હોય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પણ  ન હોય : આવું સમસ્યાગ્રસ્ત વાતાવરણ એટલે જ વાસ્તુ દોષ

ઘર એટલે પરિવાર, પ્રેમ, સુખ, શાંતિ, સલામતી. નિરાંત અને હાશકારો.  દાદા-દાદી, માતાપિતાની છત્રછાયા તળેનો લીલોછમ માળો. દરેક માનવી પોતાનું ઘર ઇચ્છે છે. સાથોસાથ પોતાના પંખીના  માળા  જેવા  નાનકડા  ઘરમાં આનંદ , ઉત્સાહ, ઉલ્લાસનો મજેદાર માહોલ હોય એવી ઇચ્છા પણ રાખે તે સ્વાભાવિક છે. 

બીજીબાજુ અમુક ઘરમાં સતત અશાંતિ, કજીયા-કંકાસ, બીમારી,  આર્થિક સમસ્યા હોય છે.એમ કહો કે  એક સાંધે ત્યાં તેર તૂટે જેવું વાતાવરણ હોય. અમુક ઘરમાં તો રાજા જેવો વૈભવ હોવા છતાં કુટુંબનાં સભ્યોમાં જરાય મનમેળ ન હોય. 

વાસ્તુશાસ્ત્ર કહે છે, ઘર કાંઇ ઇંટ,પથ્થર, સિમેન્ટનું માળખું નહીં. ચાર દિવાલોમાં નર્યો અમીરી વૈભવ નહીં. ઘર એટલે પરિવારનાં તમામ સભ્યોનાં હૃદયમાંથી ખળખળ વહેતું પ્રેમનું ઝરણું. ઘરમાં સતત એક પછી એક  સમસ્યા આવતી હોય ત્યારે કંઇક વાસ્તુ દોષ હોવાની શક્યતા રહે. 

વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ ઘરમાં સૃષ્ટિનાં પંચ તત્વો( પૃથ્વી,જળ, વાયુ,તેજ, આકાશ)નું સમતુલન હોવું જરૂરી છે. પંચ તત્વનો સુમેળ ન હોય તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પણ ન હોય. આવું સમસ્યાગ્રસ્ત વાતાવરણ એટલે જ વાસ્તુ દોષ. 

ઘરના  મુખ્ય દરવાજાનો દોષ  : વાસ્તુશાસ્ત્ર કહે છે,  ઘરનો મુખ્ય દરવાજો એટલે ફક્ત પ્રવેશદ્વાર નહીં. પ્રકૃતિની ઉર્જાનો સ્રોત. પૂર્વ દિશામાંથી   ભગવાન આદિત્યનારાયણનું  પહેલું તેજસ્વી કિરણ ઘરમાંપ્રવેશ કરે અને ઘર આખું ઉજાસથી ભરાઇ જાય એ  સ્રોત.  આ જ રીતે ઘરના મુખ્ય પ્રવેશદ્વારમાંથી  આવતી  કુદરતી ઉર્જા આખા ઘરને સુખ,શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. 

આમ છતા ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર અશુભ દિશામાં હોય અથવા તો તે તૂટેલું કે  તિરાડવાળું હોય ત્યારે  પેલી પ્રાકૃતિક ઉર્જાના પ્રવાહમાં અવરોધ સર્જાય  છે.  સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા,આનંદ, ઉત્સાહના માર્ગમાં વિઘ્ન આવે છે. પરિવારમાં વિના કારણ ગેરસમજ, વાદ-વિવાદ, ક્રોધનું વાતાવરણ સર્જાય. આખું કુટુંબ સાથે બેસીને ન  ભોજન કરી શકે કે ન સાથે મળીને પ્રવાસ -પર્યટને જઇ શકે. આ પરિસ્થિતિ ખરેખર અસહ્ય બની રહે. 

શયનકક્ષનો દોષ : શયનકક્ષ એટલે નિરાંતે નિદ્રા સુખ માણવાની જગ્યા. આખા દિવસના શારીરિક-માનસિક  થાકમાંથી  શાંતિ પ્રાપ્ત કરવાનો કક્ષ.  બેડરૂમ ખોટી દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં  હોય અથવા તો રાતે નિદ્રા ન  આવે. બેચેની લાગે. ઉપરાંત, વિના કારણ  પતિ -પત્ની વચ્ચે પણ મતભેદ થાય. નાની અને અર્થહીન બાબતોમાં વાદ -વિવાદ થાય. 

ઉપરાંત, બેડરૂમમાં દર્પણ હોય તો પણ વાસ્તુ દોષ થાય.  નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. 

રસોઇ ઘરનો દોષ : રસોઇ ઘર એટલે કે રસોડું તો આખા પરિવાર માટે અન્ન દેવતાના આશીર્વાદની જગ્યા છે. દાદીમા કે માતા રસોઇ ઘરમાં  આખા ઘર માટે ભોજન બનાવે છે. ભોજન સાથે આખા કુટુંબનું આરોગ્ય પણ જોડાયેલું છે.  આખો પરિવાર સાથે બેસીને ભોજનનો  સ્વાદ માણે ત્યારે ઘરમાં આનંદ અને સંતોષનું વાતાવરણ સર્જાય. આમ છતાં રસોઇ ઘર ઉત્તર -પૂર્વ(ઇશાન)માં હોય ત્યારે બે વિરુદ્ધ તત્વો વચ્ચે ટક્કર થાય છે. પરિણામે ઘરનાં  વચ્ચે નાની અને અર્થહીન બાબતોમાં ગેરસમજ અને  વિવાદ થાય છે.

બ્રહ્મસ્થાન દોષ : બ્રહ્મસ્થાન એટલે ઘરનો મધ્ય હિસ્સો. આ સ્થાન આકાશ તત્વનું પ્રતીક ગણાય છે.  ગગન હંમેશા વિશાળ, ખુલ્લું, સ્વચ્છ હોય છે.  આકાશમાંથી જ અનંત અંતરિક્ષમાંથી સાત્વિક ઉર્જા વહે  છે. આ જ રીતે ઘરનું  બ્રહ્મસ્થાન પણ વિશાળ, ખુલ્લું હોવું જોઇએ. આ જ બ્રહ્મસ્થાનમાં અલમારી, કે  થાંભલો બનાવવામાં આવે   ત્યારે   પેલી    કુદરતી ઉર્જાના    પ્રવાહમાં અવરોધ સર્જાય છે.પરિણામે પરિવારનાં સભ્યોનાં શિક્ષણ, નોકરી, બિઝનેસ,  આવક,લગ્ન વગેરે બાબતોમાં પણ  વિઘ્ન આવે છે. 

અદ્રશ્ય વાસ્તુ  દોષ : અમુક વાસ્તુ દોષ અદ્રશ્ય એટલે કે જોઇ ન શકાય તેવા પણ હોય છે. ઉદાહરણરૂપે ઘરમાં  સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં ન  આવતો હોય. પવન પણ  ઓછો આવતો હોય.ઘરમાં તૂટેલી, ફૂટેલી વસ્તુઓ, જૂની વસ્તુઓ અથવા સામાન હોય તો નકારાત્મક  ઉર્જાની અસર થાય. પરિણામે ઘરમાં અશાંતિ, બીમારી,  સંબંધોમાં તિરાડ વગેરેનો અનુભવ થાય છે. 

વાસ્તુ દોષ કઇ રીતે દૂર કરવા ? વાસ્તુશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે વાસ્તુ દોષ દૂર કરવા ઘરની મૂળ રચનામાં ફેરફાર કરવાની જરૂર નથી. ફક્ત અમુક ઉપાય કરવાથી  લાભ થાય છે.

* ઉદાહરણરૂપે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન રાખવું. મુખ્ય દરવાજો સાફ રાખવો. 

* ઘરનો ઇશાન ખૂણો સદાય સ્વચ્છ રાખવો. ઇશાન ખૂણામાં તુલસીનો છોડ અને પાણી ભરેલો નાનો ઘડો રાખવો.

 * રસોઇ ઘરમાં અગ્નિ અને જળને જુદાં જુદાં રાખવાં

 * શૌચાલયમાં   વાસ્તુ નમક(મીઠું) રાખવું અને તેને નિયમિત રીતે બદલવું. વાસ્તુ નમક ઘરમાં કદાચ પણ નકારાત્મક ઉર્જાને પોતાનામાં ખેંચી લે   છે. 

 *  ઘરના તમામ ખૂણામાં અજવાળું રહે તેવી વ્યવસ્થા કરવી. 

 * ઘરમાં  હંમેશા ભગવાનના  પૂજન -અર્ચન વખતે  ગાયના શુદ્ધ ઘીનો   દીપક પ્રગટાવવો.  આરતી સાથે મંત્રોચ્ચાર કરવો.  ઘંટડી વગાડવી. શંખનાદ કરવો.  

- જગદીશચંદ્ર  ભટ્ટ