Get The App

વાસંતી વાયરા સંગે બેફામ વિચરણ કરતો કેસુડો

Updated: Feb 19th, 2024

GS TEAM

Google News
Google News
વાસંતી વાયરા સંગે બેફામ વિચરણ કરતો કેસુડો 1 - image


- અંતર - રક્ષા શુક્લ

અંદર તો એવું અજવાળું, અજવાળું

સળવળતી હોય આંખ જેને જોવાને,

એ મીંચેલી આંખેય ભાળું.

અંદર તો એવું અજવાળું, અજવાળું 

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, 

ને તો ય લાગે કે સાવ અમે તરીએ.

મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને 

એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.

પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, 

નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું અંદર તો

એવું અજવાળું સૂરજ કે 

છીપમાં કે આપણમાં

આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,

ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને 

તેમ આપણને આપણે જ વાગીએ.

આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો 

એને જીવનભર પાછી ના વાળું.

અંદર તો એવું અજવાળું

                     - માધવ રામાનુજ

ગીરના જંગલમાં તો કેસુડો ફાગણના ફટાણાં ગાતો  બેફામ વિચરણ કરતો જોવા મળે. પ્રેમનો રંગ ઉનાળામાં ગુલમહોરી હશે પણ ઉનાળાની શરૂઆત જેવી વસંતમાં તો એનો રંગ કેસુડાની પડખે ચડીને કેસરવર્ણીકળા જ બતાવતો હશે. પ્રકૃતિના પ્રેમાલાપ સાથે પ્રિયપાત્રના શ્વાસમાંય કેસૂડાની મદીલી મહેક જાદૂ વેરતી હશે. ફાગણ આવતા જ કવિ મેઘબિંદુએ લખેલું અને પ્રિયે ઁે દ્વારા સ્વરબદ્ધ કરી તેના જ મધુર કંઠે ગવાયેલું ગીત દોડતું આવીને હોઠ પર રમવા લાગે છે. કવિ લખે છે કે... 

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, 

પછી મલક્યા વિના તે કેમ રહીયે,

કામણ કીધા અહીં કેસુડે એવા કે 

મહેક્યા વિના તે કેમ રહીયે.

વસંતનો ફાગણિયો ફાગ ગમવા પાછળ કેસુડો કારણ છે કે કેસુડાનું કામણ એનો ઉત્તર શોધવા મનની અદાલત ન બેસાડાય. એના માટે વાસંતી વાયરાને સુંઘવો પડે. ઘરનો ઉંબરો ઓળંગી કોઈ સરનામાં વગર સુગંધની આંગળી પકડી, આંખોમાં ભ્રમરની તરસ લઇ નીકળી પડીએ તો પણ કેસરિયા, પીળચટ્ટા ને રતુમડાં ફૂલો સામેથી આવી વળગી પડે 'ને જવાબ મળી જાય. જેની પાસે ઇશ્વરની અમૂલ્ય દેણગી એવી પ્રકૃતિને જોવા-માણવાની જાહોજલાલી નથી એવા દારિદ્રય માટે રમેશ પારેખ કહે છે કે, 'શોધે છે શબ્દકોષમાં જે અર્થ વૃક્ષનો, તેઓ વસંત જેવા સભર હોય તોય શું ? વળી એ અદ્ભુત સુખ પામવા માણસે કુદરતને કંઈ ચૂકવવું પડતું નથી. 

કૃષ્ણએ ભગવદ્દ્ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે કે 'તુનાં કુસુમાકરથ'- અર્થાત 'ઋતુઓમાં હું વસંત છું'. બધી તુઓમાં વસંતતુ શ્રેષ્ઠ છે કારણ કે ત્યારે આબોહવા સમશીતોષણ હોય છે. ફૂલોથી લથબથ ડાળીઓ જોઈ મન આનંદોત્સવમાં ડૂબે છે. આપણા પુરાણોમાં વસંતોત્સવનું સુંદર વર્ણન જોવા મળે છે. કેસુડાં જેવા પ્રેમીના કાળજા પર ઝોલે ચડતું પ્રેમિકાનું હૈયું કેસરિયું થઈને પલાશના ગીતો ગાય છે. એની આંખમાંથી ઊડતો ગુલાલ ગાલ પરની લાલિમા સાથે જાણે સરસાઈ કરે છે અને સ્પર્ધામાં ઉતરે છે. 

આપણા ધામક તહેવારોની ઉજવણીમાં -તુઓ પ્રમાણેના રંગો જોવા મળે છે. હોળી-ધૂળેટી પર ફૂલદોલ ઉત્સવનું મહત્વ જુદું જ હોય છે. ૬ તુઓમાં વસંતતુ શ્રેષ્ઠ છે. ગોકુલ, મથુરા ઉપરાંત સારંગપુર અને દ્વારકામાં પણ ફૂલદોલ ઉત્સવ અત્યંત ભવ્યતાથી ઉજવાય છે. કણ કણમાં કૃષ્ણની અનુભૂતિ થાય તેવી મથુરાની હોળી કોઈ વાર માણવા જેવી ખરી. આ એ જ પવિત્રભૂમિ છે જ્યા રાધા કૃષ્ણે સ્વયં આ પર્વ માણ્યો હતો. એક અઠવાડિયા અગાઉ એની તૈયારીઓ ચાલે. એમાં વિધવિધ વિધિઓ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થાય છે. ગોપીભાવથી તરબોળ બધા જ કૃષ્ણભકતો રાધા-કૃષ્ણ વેશમાં જ હોય છે. કેસરિયા પિચકારી સાથે રાધા ટીખળ કરી કૃષ્ણને મૂંઝવે છે...

રાધાજી બોલી શ્રી કૃષ્ણા સે 

એક શર્ત પે ખેલૂંગી પ્યાર કી હોલી..

જીતૂ તો તુઝે પાઉં

ઔર

હારું તો તેરી હો જાઉં...

વસંત તુમાં ધરતીમાંથી ઠેર ઠેર ફૂટી નીકળતા કેસરિયા કેસુડાનું આગમન અને અસબાબ એટલા તો દમામભર્યા હોય છે કે એ તડકાને પણ રંગી નાખે છે. ધરતી જાણે અથરી થઈને કેસુડા દ્વારા પોતાનો વાસંતી ઉમળકો અભિવ્યક્ત કરવા ઉતાવળી બને છે. સાહિત્યમાં કેસુડો ક્યાંક ગરબા ગાતો રમણે ચડે છે તો ક્યાંક  સુગમસંગીત રૂપે રૂડા ટહુકાઓ વેરે છે, ક્યાંક લેખણમાંથી ડોકિયાં કરીને કેસરિયા વાઘા પહેરીને શબ્દો લેખ રૂપે પોતાની હાજરી નોંધાવે છે. મોદીજી દેશના ઉત્તમ પ્રધાનમંત્રી તો છે જ છે પરંતુ સાથે સાથે ભારતીય પ્રજાને એક કવિ પણ સાંપડયા છે જેઓ વસંતનો મહિમા કરતા લખે છે..

અંતમાં આરંભ અને આરંભમાં અંત

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય

કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?

તો શિશિર તુમાં પાનખર પોતાનું અવતારકાર્ય ભજવી જેવો ધરતી પરથી ઉચાળા ભરે કે તરત સુષુપ્ત કળીઓને ફાગણ જાગરણની હળવી ઠેસ આપે છે. કળીઓ આળસ મરડે ને પવન જંગલ આખામાં ફરી વળે અને ડાળડાળનાં કાનમાં કહી આવે કે 'વસંત આવ્યાનો મને વ્હેમ છે'. જ્ઞાાનપીઠ પુરસ્કૃત કવિ ઉમાશંકર જોશીની કવિતામાં કેસુડો જંગલમાં લાગેલા દવની માફક ઊડીને આંખે વળગે છે. તેઓ લખે છે, 'પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ, વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ'. 

મૈત્રીનું મહત્વ જે મિત્રોથી સમૃદ્ધ છે એ જ સમજી શકે છે. મિત્ર વગરનું જીવન કોઈ સાહેદી વગરના જીવન જેવું છે. કારણ કે તમે ખરેખર કેવા હતા ને કેવું જીવ્યા એ મિત્ર જ જાણતો હોય છે. વ્યક્તિના જીવનની સારી-નરસી પળોના મિત્રો સાક્ષી હોય છે. ભાસ્કર વોરાની કવિતામાં એટલે જ સખી ઉપર વારી જતી બીજી સખી કહે છે કે...

અલી, તારું હૈયું કેસૂડાંનું ફૂલ, 

ફાગણિયાની ફેંટે દીઠું કેસૂડાંનું ફૂલ.

ઓલ્યું કેસૂડાંનું ફૂલ.

કેસૂડાની વાત આવે ને રમેશ પારેખના શબ્દો ભૂલીએ તો ગીતોનો એ રાજવી અબોલા જ લે. એ લખે છે...

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ અને 

હું રે વેરાઈ જઉં રાનમાં,

મારી હથેળીમાંય એવી રેખાઓ 

જેવી રેખા છે ખાખરાના પાનમાં.

કવિની કલ્પના તો જુઓ...ખાખરામાંથી કેસુડાનું નિતરવું, સાથે પ્રેમિકાનું વિરહની વેદનાથી વિખરાવું અને પોતાની હથેળીમાં એ જ પલાશના પાનની રેખાઓ હોવાની બાંહેધરી સાથે એના જેવા જ ભાગ્યનું ઇચ્છવું ...કેટલું અુત. 

મનમોહક કેસુડાના ફૂલની વાત કરતાં હોઈએ ત્યારે તેના અન્ય ઉપયોગ પણ જાણવા જોઈએ. કેસુડાના અઢળક ફાયદોઓની વાત જાણીએ ત્યારે લાગે કે પ્રકૃતિએ આપણા સ્વાસ્થ્ય માટે પણ કેટકેટલી વ્યવસ્થા વિચારી રાખી છે ! વસંત તુના વધામણાં આપતા મનભાવન કેસુડાના  ફૂલનો ઉપયોગ આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં કરાયો છે. બજારમાં જ્યારે કેમિકલ યુક્ત રંગો ઉપલબ્ધ નહોતા ત્યારે કેસુડોના ફૂલો પાણીમાં પલાળી એ કેસરી રંગથી ધુળેટી પર્વ મનાવવામાં આવતું હતો. કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો કલર ધુળેટીના રંગોત્સવની અસલી ઓળખ સમાન છે. વળી એ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસુડાના પાણી વડે નહાવાથી ગરમીમાં રાહત મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેસૂડાના ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ થોડાં હુંફાળા કરેલા પાણીથી નાના બાળકો સહિત મોટેરાઓમાં પણ તેનાથી સ્નાન કરવાની પરંપરા છે. 

જે વૃક્ષ ઉપર કેસુડાના ફૂલો ઊગે છે એને 'પલાશ' કે 'ખાખરા'ના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તેને ખાખરિયા, ખાકડા, ખાખડો કે ખાખર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે. ખાખરા પર આવતા ચમકીલા કેસરી, સળગતી જ્યોત જેવા ફૂલોને લીધે અંગ્રેજીમાં તેને  ‘the flame of Forest’s કહે છે. કેસુડો પોપટ પક્ષીની ચાંચ જેવા આકારનો હોવાથી તે 'પેરટ ટ્રી' તરીકે પણ ઓળખાય છે. તેનાં ફળ શીંગ રૂપે આવે છે, તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પ્રકૃતિવિદ સ્પેરોમન જગત કીનખાબવાલા કહે છે કે કાપડ પર ઓર્ગેનિક કલર કરવા કેસુડાના જ ફૂલોમાંથી કેસરી રંગ બનાવવામાં આવે છે. તેવી જ રીતે તેનાં ફૂલો ઉકાળીને તેમાં ફટકડી નાખી વધારે પાણી ઉમેરતા પીળો રંગ બને છે. આ રંગનો ઉપયોગ શ્રી કૃષ્ણ ભગવાનની બનાવવામાં આવતી વિવિધ પીછવાઈમાં કાપડ, કાગળ અને કેનવાસ ઉપર ઓર્ગેનિક રંગો રૂપે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે અને તે વરસો વરસ સુધી જળવાઈ રહે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવોએ દાનવો પર અગ્ન્યાથી પ્રહાર કર્યો ત્યારે તેમાંથી ઝરેલાં કેટલાક તણખાં પૃથ્વી પર પડયા અને એ વીખરાઈને કેસુડાં સ્વરૂપે ઊગી નીકળ્યા. 

આ સુંદર અને ગુણકારી કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં તેમજ ચંદીગઢના રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વૃક્ષ આખા ભારતવર્ષમાં જોવા મળે છે. આ વૃક્ષ બહુ લાડકું નથી કે એની ખાસ માવજત કરવી પડે. એને રોપ્યા બાદ એ આપ મેળે જ વૃદ્ધિ પામે છે. માત્ર કેસૂડાના ફૂલ માટે જ ખાખરાનું વૃક્ષ ઉપયોગી છે એવું નથી. અગાઉ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખાખરો એ એક રોજગારી અને તેમની જીવન જરૂરિયાતનું એક અંગ પણ હતો. ખાખરાના પાન જંગલમાંથી વીણી લાવી તેમાંથી પડિયા(વાટકા) અને પતરાળા(ડીશ) બનાવવામાં આવતાં હતાં અને કોઈપણ મોટા પ્રસંગોના સામુહિક ભોજન માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હાલ તેનો ઉપયોગ વિસરાતો જાય છે. કેસૂડા કેસરી ઉપરાંત સફેદ અને પીળા એમ બે અન્ય રંગના પણ હોય છે. પરંતુ આ ત્રણ જાતમાંથી સફેદ અને પીળા હવે નામશેષ થવાના આરે છે. 

કામણગારા કેસુડાને જોઇને કોઈ પણ પ્રેમિકા સુન્દરમનાં શબ્દો ઉચ્ચારી બેસે કે 'મને ફાગણનું એક ફૂલ આપો હો રાજ મોરા...'. 'જો કે અમેરિકન વનસ્પતિશાી, બાગાયત વિશેષજ્ઞા અને કૃષિ વિજ્ઞાાનના પ્રણેતા લ્યુથર બરબેંક તો કહે છે કે,  “Don’t wait for someone to bring you flowers. Plant your own garden and decorate your own soul.” કેસુડાના ઉલ્લેખ સાથે 'કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા...' રાસ યાદ આવે અને પગ ગરબાની ઠેસ લેવા ઉતાવળા બને. પાટણના પટોળાંનો રંગ યુવતીના અંગોનાં સ્પર્શથી જાણે વધુ ઘેરો બને. તુઓનો રાજા ફાગણ કેસુડાં વગર ઝાઝો ફોરમતો ન લાગે. ફાગણ અને કેસૂડાની પ્રીતિ જનમોજનમની હોવી જોઈએ કારણ કે બંને એકબીજાની સંગાથે હરખુડા ને ઘેલા બની હીંચ અને હેલ્લારો લેતા હોય છે. 

ઇતિ...

'બગીચો રોપવો એટલે કે આવતીકાલના સૂરજના ઊગવા વિશે ખાતરી હોવી, આત્મવિશ્વાસ હોવો,'.

-ઔડ્રી હેપ્બર્ન

Tags :