Get The App

ભાઈ-બહેનના સ્નેહ-પર્વની ઊજવણીનાં વિવિધ સ્વરૂપ

- બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડે' અને 'નેશનલ સિબલિંગ ડે' રૂપે રક્ષાબંધન ઉજવાય છે

Updated: Aug 4th, 2020

GS TEAM

Google News
Google News
ભાઈ-બહેનના સ્નેહ-પર્વની ઊજવણીનાં વિવિધ સ્વરૂપ 1 - image

અષાઢ મહિનો આવતાં જ ચાતુર્માસનો આરંભ થાય છે .અષાઢી એકાદશીએ દેવ પોઢી જાય છે અને કન્યાઓ તથા યુવતીઓના મોળાકત તથા જયાપાર્વતી વ્રત આવે છે. ત્યારબાદ અષાઢી અમાસે  પરિણીતાઓ પતિના આયુષ્ય અને આરોગ્ય માટે દિવાસાનું વ્રત કરે છે. આ વ્રતના બીજા દિવસે શરૂ થાય છે શ્રાવણ મહિનો.આ મહિનો ભગવાન  શિવની આરાધના માટે તો જાણીતો છે જ .પણ તે સાથે આ માસમાં રક્ષાબંધન ,નાગપંચમી ,રાધણ છઠ્ઠ ,સિતળા સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારો પણ આવે છે. આ બધામાં રક્ષાબંધન એક એવો તહેવાર છે જે દેશ અને ધર્મની સીમા વળોટી ગયો છે. આજે રક્ષાબંધન માત્ર હિંદુ તહેવાર ન રહેતા લગભગ તમામ ધર્મનો તહેવાર બની ગયો છે અને પાશ્ચાત્ય દેશોમાં પણ તેની ઉજવણી થાય છે. 

જયોતિષ શાસ્ત્રમાં શ્રાવણનું નામકરણ શ્રવણ નક્ષત્ર પરથી પડયું છે. જયારે શ્રવણ નક્ષત્રનું નામ માતૃ-પિતૃ ભક્ત શ્રવણ પરથી પડયું છે. શ્રવણ નક્ષત્રમાં ત્રણ તારા હોય છે અને તે ત્રણ ચરણ (વામન ભગવાનના ત્રણ પગલાં)ના પ્રતીક છે. કેટલાક વિદ્વાનોને મતે આ ત્રણ તારા માતા પિતા તથા સ્વયં શ્રવણકુમારના પ્રતિક છે. તે જ પ્રમાણે અભિજીત નક્ષત્ર રાજા દશરથનું પ્રતીક છે જે શિકારની મુદ્રામાં બેઠા છે.

ઉત્તરાષાઢા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રોની આકૃતિ મંચ જેવી છે તથા તેમાં બે જ તારા હોય છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની આકૃતિ સ્ત્રી - પુરુષના યુગલ જેવી છે જે શ્રવણકુમારના માતા -પિતા છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું મંચ રાજા દશરથનું છે જયારે પૂર્વાભાદ્રપદના મંચ પર શ્રવણ પોતાના માતા -પિતાનું સ્થાન બનાવીને બેઠો છે. 

શ્રાવણ મહિનામાં સૂર્ય કર્ક રાશિમાં હોય છે અને કર્ક રાશિ પણ જળચર છે. જે પ્રકારે રાજા દશરથે શ્રાવણી પૂનમે પ્રાયશ્ચિત કર્યું હતું તેમ  તમામ વર્ણોના લોકો પ્રાયશ્ચિત નિમિત્તે શ્રાવણ માસમાં સદ્કર્મ કરે છે.અધ્યયન તથા અધ્યાપન માટે આ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

૨૮ નક્ષત્રોમાં શ્રવણ આગવું સ્થાન ધરાવે છે. શ્રવણ નક્ષત્રમાં જેમનો જન્મ  થાય છે તે પરાક્રમી ,સ્વાભિમાની ,સહનશીલ ,સ્પષ્ટવકતા અને સેવાભાવી હોય છે. શ્રાવણ મહિનો અને શ્રવણ નક્ષત્રમાં જન્મનાર જાતક સારી પ્રગતિ કરે છે પરંતુ ગુપ્ત શત્રુઓથી ભય અનુભવતાં   અનેક યોજનાઓ અડધી છો ડે છે. આ જાતકો આયાત -નિકાસ ,અધ્યયન ,અધ્યાપન ચિકિત્સા ,ટેકનોલોજીકલ શિક્ષણ ,રસાયણ ,કલા વગેરેમાં વિશેષ રુચિ ધરાવે છે. 

 મુહૂર્તની દ્રષ્ટિએ શ્રવણ નક્ષત્ર માંગલિક કાર્યો માટે યોગ્ય ગણાય છે. ગર્ભાધાન ,કર્ણવેધ ,મુંડન ,વિદ્યારંભ ,વધૂ પ્રવેશ, કુવા - તળાવનું નિર્માણ ,કૃષિકર્મ વગેરેમાં આ નક્ષત્ર શુભ ફળ દાયક હોય છે. રક્ષા સૂત્રનો સંબંધ પણ આ નક્ષત્ર સાથે છે .કેસર ,ચંદન ,અક્ષત ,દુર્વા ,સુવર્ણ વગેરેને એક પોટલીમીં બાંધીને તે પોટલીને પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા હાથ પર બાંધવાથી રક્ષાબંધન થઇ જાય છે. શ્રવણ નક્ષત્રમાં બાંધવામાં આવેલું આ રક્ષાસૂત્ર અમરતા ,નિડરતા ,સ્વાભિમાન ,કીર્તિ ,ઉત્સાહ તથા સ્ફૂર્તિ પ્રદાન કરે છે.

પૌરાણિક કાળમાં તો પત્ની પોતાના પતિને સૌભાગ્ય માટ ે રક્ષાસૂત્ર બાંધતી હતી. જો કે પરંપરા બદલાતાં તેની સાર્થકતા ભાઇ -બહેનના સંબંધ પર આવીને અટકી ગઇ છે. ભાઇ -બહેનના સંબંધોને ગાઢ બનાવનાર અને મિઠાસથી ભરી દેનારો રક્ષા બંધનનો તહેવાર ભારતના લગભગ તમામ  પ્રાંતમાં વિવિધ નામથી અને જુદીજુદી પરંપરાથી ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. વિદ્વાનોના જણાવ્યાનુસાર ભારતમાં પ્રાચીન કાળથી રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.જો કે સમયની સાથે તેનું સ્વરૂપ બદલાતું રહ્યું છે.

પોરાણિક માન્યતા અનુસાર દેવતાઓની રક્ષા માટે ઇન્દ્ર જયારે અસૂરો સાથે યુધ્ધ કરવા જતાં હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમની રક્ષા માટે કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. દેવતાઓના ગુરુ બૃહસ્પતિના આશીર્વીદથી ઇન્દ્ર આ યુધ્ધ જીતી ગયા હતા. તે વિજયના આનંદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. વૈદિક કાળમાં ઋગ્વેદીયો શ્રાવણી પૂનમે  નદી કિનારે વેદપાઠ અને પૂજા કરીને યજ્ઞાોપવીત બદલાવતાં હતા. હજુ આજે પણ બ્રાહ્મણો આ જ રીતે શ્રાવણી પૂર્ણિમાએ યજ્ઞાોપવીત  બદલાવે છે.  પૌરાણિક કથા અનુસાર શ્રાવણી પૂનમના દિવસે જ ભગવાન વામને દાનવોના રાજા બલિ પાસેથી દાન લઇને તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

આની યાદમાંજ કુલપુરોહિત આજે પણ યજમાનને રક્ષાસૂત્ર બાંધે છે. એમ કહેવાય છે કે મધ્ય યુગમાં રક્ષા બંધનને ભાઇ -બહેન સાથે જોડવાની પરંપરાનો આરંભ થયો હશે. ચિત્તોડની રાણી કર્ણવતીએ મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી પોતાનો ભાઇ બનાવ્યો હતો અને ગુજરાતના સુલ્તાન બહાદુર શાહથી પોતાની રક્ષા કરવાનું કહેણ મોકલ્યું હતું. રાણી કર્ણવતીની રાખડી મળતાં જ હુમાયુ પોતાની સેના સાથે ચિત્તોડ પહોંચ્યો હતો. જો કે તે મોડો પડયો હતો .હુમાયુ  પહોંચ્યો તે અગાઉ જ  રાણીએ અન્ય મહિલાઓ સાથે 'જોહર' કરીને પોતાના પ્રાણ આપી દીધા હતા. 

રક્ષા બંધનને દિવસે બહેનો ભાઇના કપાળે કંકુનો ચાંદલો કરીને કાંડે રાખડી બાંધે છે અને મોઢું મીઠું કરાવે છે. ત્યારબાદ આખો પરિવાર સાથે બેસીને જમે છે. આ તહેવારની ઉજવણી માટે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. રાખડી બાંધવા પાછળ એ ભાવના હોય છે કે ભાઇ જીવનભર પોતાની રક્ષા કરે .રક્ષા બંધન આવે તેના ઘણા દિવસ અગાઉ જ બજારમાં તરેહતરેહની રંગબેરંગી રાખડી વેચાવાનું શરૂ થઇ જાય છે .આમાં રેશમી દોરાથી બનેલી સામાન્ય રાખડીથી લઇને હીરા કે રત્નો જડિત સોના કે ચાંદીની રાખડીનો પણ સમાવેશ થાય છે. સમય બદલવા સાથે રાખડીની રંગત પણ બદલાતી જાય છે .હવે તો ડિઝાઇનર રાખડીની બોલબાલા જોવા મળે છે.

તે ઉપરાંત રાજસ્થાની બહેનોના હાથમાં  જે કલાવે બાંધવામાં આવે છે તેણે હવે આધુનિક રાખડીનું સ્વરૂપ લઇ લીધું છે. કયારેક સાર્વજિક રૂપમાં પણ રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવે છે. તેમાં નેતા કે પ્રતિષ્ઠિત વ્યક્તિને રાખડી બાંધવામાં આવે છે. સરહદ પર ફરજ બજાવતાં સૈનિકોને પણ રાખડીઓ મોકલાવી તેમના દીર્ધાયુ માટે કામના કરવામાં આવે છે. આજકાલ પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોને રાખડી બાંધવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્યો ભાઇચારાને લીધે એકબીજાને ભગવા રંગની રાખડી બાંધે છે. 

નોબેલ પુરસ્કારથી સમ્માનિત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૦૫માં શાંતિનિકેતનમાં રક્ષા બંધનની ઉજવણીનો આરંભ કર્યો હતો. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી આપરંપરા આજે પણ જારી છે પરંતુ અહીં આ ભાઇ બહેનો નહિ પણ મિત્રો વચ્ચે મધુર સંબંધ બનાવવાનો આ તહેવાર છે.  એવું નથી કે માત્ર હિન્દુઓ જ રક્ષા બંધનના તહેવારને ઉજવે છે. નવાબોના શહેર લખનઉના મુસ્લમાનો પણ આ તહેવારને ઉત્સાહભેર ઉજવે છે. અહીં હોળી ,દિવાળી ,ઇદની જેમ જ રક્ષા બંધનને કોઇ ચોક્કસ ધર્મનો તહેવાર માનવામાં આવતો નથી. સદીઓથી મુસલમાનો પણ તેને ઉજવે છે. 

લખનઉના નવાબઝાદા તથા રોયલ ફેમિલિ ઓફ અવધના એડવાઇઝરી બોર્ડના ઉપાધ્યક્ષ  સૈયદ માસૂમ રઝાનું કહેવું છે કે તેમના જીવનમાં આ પર્વ અનોખું મહત્ત્વ ધરાવે છે. તેમની બે બહેનો આ તહેવારની આતુરતાથી રાહ જોતી હોય છે. તેમની બીજી બે માનેલી બહેન પણ છે જે હિન્દુ છે પરંતુ તેમની વચ્ચે ખૂબ જ પ્રેમ છે. આ ચારે બહેનો તેમને રાખડી બાંધે છે અને તેમના શુભ જીવનની કામના કરે છે. 

ભાઇ -બહેનના સંબંધોને મધુર બનાવતાં રક્ષા બંધનનો તહેવાર માત્ર ભારતમાં જ નહિ પણ વિવિધ દેશમાં ભિન્ન  ભિન્ન નામથી ઉજવવામાં આવે છે. પાશ્ચાત્ય દેશોમાં તો રક્ષા બંધન જેવો  કોઇ તહેવાર નથી. આમ છતાં ભાઇ બહેનના સંબંધ પર આધારિત 'બ્રધર્સ અનેડ સિસ્ટર્સ ડે'તથા 'નેશનલ સિબલિંગ ડે' જેવા દિવસો ઉજવવામાં આવે છે.પ્રાચીન પરંપરા ન હોવા છતાં પણ આવા દિવસોની લોકપ્રિયતા વધી રહી છે. અમેરિકા સહિત  પશ્ચિમી દેશોમાં ૧૦મી એપ્રિલે 'નેશનલ સિબલિંગ ડે' અને માર્ચ મહિનાના અંતિમ શનિવારે 'બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડે' ઉજવાવામાં આવે છે. જો કે આ બંને દિવસોનો આરંભ દિવંગત ભાઇ બહેનની યાદમાં કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેનું સ્વરૂપ બદલાઇ ગયું છે. આ બંને દિવસે ભાઇ બહેન સાથે રહે છે અને ફરવા જાય છે તથા એકમેકને ભેટ આપે છે.જે ભાઇ બહેન મળી શકતા નથી તેઓ કાર્ડ કે સંદેશ પાઠવીને પ્રેમ વ્યક્ત કરે છે.  

  પાશ્ચાત્ય સમાજમાં સંયુકત પરિવાર અને સંબંધોનું ઝાઝું મૂલ્ય હોતું નથી. આથી તે તૂટી રહ્યો હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે. આથી આવા દિવસો દ્વારા તેઓ એકબીજાની નિકટ રહેવાનો પ્રયાસ કર ેછે. 'બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડે ' તથા  'નેશનલ સિબલિંગ ડે ' જેવા માધ્યમ મારફતે માત્ર ભાઇ બહેન જ નહિ પણ સંપૂર્ણ પરિવારને નિકટ આવવાની તક મળે છે. ભારતની બહાર વસતાં ભારતીયો જે તે દેશમાં રક્ષા બંધનના તહેવારને ઉત્સાહથી ઉજવે છે.

મોરેશિયસ ,સુરીનામ અને કેરેબિયાના દેશોમાંવર્ષો અગાઉ વસેલા ભારતીયો આજે પણ રક્ષા બંધનનો પર્વ પારંપારિક રીતે ઉજવે છે.  આધુનિક ટેકનોલોજીએ પણ ભાઇ બહેન વચ્ચેના અંતરને ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે બહેન ઓનલાઇન રાખડી  તથા મીઠાઇ મોકલાવી પોતાની ભાવના  વ્યક્ત કરી શકે છે. 

- નયના