Get The App

પશ્રી ગણેશના વિવિધ રૂપપ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
પશ્રી ગણેશના વિવિધ રૂપપ 1 - image

હિંદુ ધર્મમાં શ્રી ગણેશનો મહિમા અપરંપાર છે. કોઇપણ ધાર્મિક કે શુભ કાર્યનો આરંભ શ્રી ગણેશ પૂજનથી જ કરવામાં આવે છે. મહાકવિ તુલસીદાસે શ્રી ગણેશજીને વિદ્યા વધારનાર, બુદ્ધિવર્ધક, વિઘ્નહર્તા તથા મંગલકર્તા કહ્યા છે. ગણપતિ સમસ્ત દેવોમાં અગ્રપૂજ્ય હોવાથી તેને વિનાયક પણ કહેવામાં આવે છે. 

સાધારણ પૂજન ઉપરાંત કોઇપણ વિશેષ કાર્યની સિદ્ધિ માટે ગણપતિના વિશેષ રૂપનું ધ્યાન, જય અને પૂજન કરવામાં આવે છે. શ્રી મહાગણપતિ, ષોડશ સ્ત્રોત માળામાં આરાધકો માટે ગણપતિના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જે ભિન્ન-ભિન્ન કાર્યો માટે સાધક છે.

- બાળ ગણપતિ

આ ચર્તુભુજ ગણપતિ છે. તેના ચારે હાથોમાં કેળા, આંબા, કંટોળા, શેરડી તથા સૂંઢમાં મોદક હોય છે. આ ગણપતિની પ્રતિમા અરૂણ વર્ણીય લાલ આભાયુક્ત હોય છે. નિ: સંતાન દંપતિ એની આરાધનાથી સંતાન સુખ પ્રાપ્ત કરે છે એવી શાસ્ત્રીય માન્યતા છે.

- તરૂણ ગણપતિ

આ અષ્ટભુજા ગણપતિ છે. તેના હાથમાં પાશ, અંકુશ, કપિત્થ ફળ, જાંબુ, તૂટેલો હાથી દાંત, ચોખાના ડૂંડા, આસમાની રંગના કુમુદ તથા શેરડી હોય છે. તેની આભા રતાશ પડતી હોય છે. લગ્નોત્સુક યુવક-યુવતીઓ શીઘ્ર વિવાહ માટે એની આરાધના કરે છે.

- ઉર્ધ્વ ગણપતિ

આઠ ભૂજાવાળા આ ગણપતિના હાથમાં ફુલ, નોલોત્પલ, ચોખાના ડૂડા, કમળ, શેરડી, ધનુષ, બાણ, હાથીદાંત તથા ગદા હોય છે. તેમની જમણી બાજુ લીલા રંગથી સુશોભિત દેવી બિરાજમાન હોય છે. 

જે પણ વ્યક્તિ ત્રિકાલ સંધ્યા માં આ ગણપતિ વિગ્રહોમાંથી કોઇની પણ ભક્તિપૂર્વક ઉપાસના કરે તો તે પોતાના શુભ પ્રયત્નોમાં સર્વદા વિજયી રહેતા હોય છે.

- ભક્ત ગણપતિ

ગણપતિની આ પ્રતિમાને ચાર હાથ હોય છે. જેમાં નારીયેળ, આંબો, કેળું અને ખીરમાં કળશ સુશોભિત હોય છે. આ ગણપતિની પ્રતિમાનો વર્ણ પાનખરની પૂર્ણિમા સમાન શ્વેત હોય છે. ઇચ્છિત વસ્તુની કામના પૂરી કરવા તેની આરાધના કરવામાં આવે છે.

- વીર ગણપતિ

આ પ્રતિમા સોળભુજાઓવાળી હોય છે. એનો દેખાવ ક્રોધમય તથા ભયાનક હોય છે. શત્રુનાશ અને સંરક્ષણના ઉદ્યોગથી કરવામાં આવેલી આરાધના તરત જ લાભ પહોંચાડે છે.

- શક્તિ ગણપતિ

આ મૂર્તિની ડાબી બાજુ સુલલિત ઋષિદેવી બિરાજમાન હોય છે. જેમનો રંગ લીલો હોય છે. સંધ્યાકાળની અરૂણિમા સમાન ધૂમિળ વર્ણવાળા આ ગણપતિને ફક્ત બે જ ભુજાઓ હોય છે. સુખ, સમૃદ્ધિ, ભરપૂર ખેતી તથા અન્ય શાંતિ કાર્યો માટે એનું પૂજન અત્યંત શુભ મનાય છે.

- હેરંબ વિઘ્નેશ્વર

બાર ભુજાઓવાળા હેરંબ ગણપતિની મૂર્તિનો જમણો હાથ અભય મુદ્રા અને ડાબો હાથ વરદ મુદ્રા પ્રદર્શિત કરે છે. સિંહ પર સવાર હેરંબ ગણપતિના પાંચ સુખ છે એનો દેહનો વર્ણ ધવળ છે. સંકટમોચન તથા વિઘ્નનાશ માટે તેનું પૂજન કરવામાં આવે છે.

- લક્ષ્મી ગણપતિ

ગણપતિની આ પ્રતિમાના બન્ને પડખે રિદ્ધિ-સિદ્ધિ બિરાજમાન હોય છે. એમના આઠ હાથમાં પોપટ, દાડમ, કમળ, મણિ-જડિત કળશ, પાશ અંકુશ, કલ્પલતા અને ખડગ શોભિત હોય છે. રિદ્ધિ-સિદ્ધિના હાથમાં આસમાની રંગની કુમુદિનીના ફૂલ હોય છે. સુખ-સમૃદ્ધિની કામના પૂર્ણ કરવા લક્ષ્મી ગણપતિ પ્રસિદ્ધ છે.

- મહાગણપતિ

બાર બાહુઓવાળા મહાગણપતિ અત્યંત સુંદર, ગજબદન, ભાલ પર કલાધારી ચંદ્ર, તેજસ્વી, કૃણ નેત્રોયુક્ત તથા કમળપુષ્પ હાથમાં લઇ ક્રીડા કરતી દેવીને ગોદમાં અત્યંત પ્રસન્ન મુદ્રામાં અઘિષ્ઠિત હોય છે. એના વાન સોનેરી લાલાશ પડતો હોય છે. અમ્ન, ધન, સુખ-વિલાસ અને કીર્તિ પ્રદાન કરનાર મહાગણપતિનું આ સ્વરૂપ ભક્તોની કામના પૂર્તિ માટે પ્રસિદ્ધ છે.

- વિજય ગણપતિ

અરૂણ વર્ણ સૂર્ય કાંતિવાળા ચાર ભુજાઓવાળા વિજય ગણપતિની આ પ્રતિમાના હાથોમાં પાશ, અંકુશ, હાથીદાંત તથા આંબો હોય છે. મૂષક પર આરૂઢ આ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન હોય છે. પોતના કોઇપણ મંગલ પ્રયાસમાં વિજયની કામનાથી વિજય ગણપતિની આરાધના કરવામાં આવે છે.

- વિઘ્નરાજ અથવા ભુવનેશ ગણપતિ

બાર ભુજાઓવાળા આ ગણપતિના હાથમાં શંખ, પુષ્પ, શેરડી, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, ચક્ર, હાથીદાંત, ચોખાના કુંડા તથા ફુલોનો ગુચ્છો રહે છે એનું પૂજન કોઇપણ શુભ કાર્યના પ્રારંભમાં કરવું અત્યંત લાભદાયક નીવડે છે.