Get The App

વિવિધ કર્ણ રોગ અને તેના ઉપચાર .

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
વિવિધ કર્ણ રોગ અને તેના ઉપચાર                             . 1 - image

- આરોગ્ય સંજીવની

આજના લેખમાં આપણે કાનમાં થતા રોગો અને તેની સારવાર વિશે વાત કરીશું. કર્ણ એ મુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારના કર્ણ રોગનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતાં કર્ણ રોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું.

આયુર્વેદ મુજબ પાણીમાં અતિ જલક્રીડા કરવાથી, કાને ખોતરવાથી કે કાન પર આઘાત થવાથી કે વાગવાથી જુદા જુદા કર્ણ રોગો ઉત્પન્ન થાય છે. જેમાં,

૧. કાનનો દુ:ખાવો (કર્ણશૂલ) : કાનમાં થતાં દુ:ખાવાને 'કર્ણશુલ' કહે છે. જે ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફુલી જવાથી કે ઘણીવાર કાનના મેલનાં અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈક વાર મેલનાં અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે. કર્ણ શૂલ માટે નીચેનો ઉપાય સૂચવું છું : સમુદ્ર ફીણનું કાપડ છાણ કરેલું ચૂર્ણ લઈ તેના ઉપર લીંબુંના રસના બે-ત્રણ ટીપા નાખી, કાનમાં દુ:ખાવો થતો હોય તે જગ્યા પર કે કાનમાં ચાંદુ પડયું હોય તો તે જગ્યા પર લગાવવું, તેનાથી દુ:ખાવામાં રાહત જણાશે અને કાનમાંથી જો પરું આવતું હશે તો તેમાં પણ ફાયદો થશે.

૨. કર્ણનાદ : આ રોગમાં વાયુ શબ્દવહ નાડીઓમાં ગમન કરીને કાનમાં વિવિધ પ્રકારના અવાજો ઉત્પન્ન કરે છે. મોર્ડન સાયન્સમાં આ રોગને  ્ૈહૈોજ કહે છે. આ રોગમાં દર્દીને ભમરાના ગુંજન જેવો સિતાર કે શરણાઈ જેવો, નદીના ધોધ જેવો કે સર્પનાં હુંફાડા સામાન જુદા જુદા અવાજો સંભળાય છે. કર્ણનાદ રોગમાં કાનમાંથી આવતા અવાજો બંધ કરવા માટે નીચેનામાંથી કોઈપણ એક ઉપાય વૈદ્યની સલાહ મુજબ અજમાવી શકાય છે :

* કળથીને માટીના કલાડામાં શેકવી-તે ગરમ-ગરમ કડળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધનાં ટીપાં કાનમાં મૂકવા. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.

* ૧૦-૧૦ ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું. તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૂર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પાકી જાય ત્યારે થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલનાં ટીપા કાનમાં રોજ મૂકવા. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનું કર્ણનાદ મટે છે.

* બિલાનો ગર્ભ લઈ ગૌમુત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું, પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવવું. તેલ સિદ્ધિ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલના બે-બે ટીપા રોજ રાત્રે કાનમાં મૂકવા. થોડા સમયમાં કાનમાંથી આવતાં અવાજો બંધ થઈ જશે.

* કર્ણનાદ રોગમાં સારીવાદી વટી બે-બે ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો.

૩. બહેરાશ (બાધિર્ય) : અનેક કારણોથી કાનમાં બહેરાશ આવે છે. ઉંમરના કારણે જો બહેરાશ આવેલ હોય તો બિલ્વાદી તેલ આ પ્રકારની બહેરાશમાં ખૂબ ફાયદાકારક છે. સાથે સાથે બ્રાહ્મી વટી બે-બે ગોળી અને સારિવાદીવટી બે-બે ગોળી દૂધ સાથે લેવાથી જલ્દી ફાયદો થાય છે.

* આ સિવાય નગોડનાં રસના પાંચ-પાંચ ટીપાં કાનમાં નિયમિત મૂકવાથી જૂની બહેરાશમાં પણ ઘણો જ ફાયદો થાય છે. આ પ્રયોગ ૪૦ દિવસ તો અવશ્ય કરવો જ.

* ઉપરાંત અપામાર્ગનાં ક્ષારોદકમાં અપામાર્ગનો કલ્પ મેળવી તલનું તેલ પકવી કર્ણપુરણ કરવાથી કર્ણપાક અને બાધિર્ય બંનેમાં લાભ થાય છે. આ સિવાય કાનમાંથી રસી નીકળતી હોય, તેમાં દુર્ગંધ આવતી હોય, કાનમાં સોજો આવ્યો હોય, માથાનો દુ:ખાવો થતો હોય, કાનમાં ટરપેન્ટાઇનનાં તેલના બે-બે ટીપાં સવાર-સાંજ મૂકવાથી બહુ જલ્દી આરામ થઈ જાય છે.

નાના અને બોલી ન શકતા બાળકોમાં થતી કર્ણ વેદના જાણવા માટે આયુર્વેદમાં કહ્યું છે કે, કાનમાં વેદના થતી હોય તે બાળક હાથથી વારંવાર કાનને સ્પર્શ કર્યા કરે છે. વારંવાર માથું હલાવે છે, બેચેન થઈ જાય છે, ઊંઘતું નથી તથા ધાવતું પણ નથી. આ લક્ષણો પરથી તેને કાનમાં વેદના છે તેવું અનુમાન કરી તેની સારવાર કરી શકાય છે.

કર્ણ રોગમાં દર્દીઓ માટે ઘઉં, ચોખા, મગ, જવ, જૂનું ઘી, પરવળ, રીંગણ, કારેલાં વગેરે હિતકારક છે. જ્યારે વ્યાયામ, શિર:સ્નાન વધારે બોલવું તથા કફકારક અને ગુરૂ પદાર્થોનું સેવન અહિતકારક બતાવેલ છે.

- જ્હાનવીબેન ભટ્ટ