Get The App

હનીમૂન ડ્રેસની વેરાયટી .

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
હનીમૂન ડ્રેસની વેરાયટી                                   . 1 - image

લગ્ન થઈ ગયાં. બધાં સગાંસંબંધીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે સમય આવ્યો નવાં પરણેલાંનો... નજીક આવીને એકબીજાને જાણવા સમજવાનો. તો કરવું શું? પિકનિક કે ફિલ્મ જઈ શકાય. ના માત્ર હબ્બી એન્ડ હની ઈન મૂન. અમે તમારી નહીં પણ હબ્બીહની એટલે કે પતિપત્નીના નવાં જોડાંને ચંદ્ર પર નહીં, પરંતુ હનીમૂન પર મોકલવાની વાત કરી રહ્યાં છીએ.

હા, તો નવવધૂએ શું શું પેકિંગ કર્યું? અરે બાબા, સાધારણ ચીજવસ્તુની વાત  નથી કરવી, હનીમૂન ડ્રેસિસની વાત કરવી છે. મતલબ તમે તમારી સાથે કેવા પોશાક લઈ જવા ઈચ્છો છો. સાડી?, લહેંગા? અરે, છોડો આ બનારસી, કાંજીવરમ. થોડું ઉત્તેજક, મતલબ સેક્સી હોવું જોઈએ. સેક્સી ડ્રેસિસ ચાલશે. શરમાવ છો કેમ વળી? અરે ત્યાં તો તમે અને તમારા 'એ' હશે. તો છોડો શરમ અને થોડા મોડર્ન બની જાવ.

-  કમ્ફર્ટેબલ ડ્રેસ

આપણે શરૂઆત કરીએ જીન્સ અને ટ્રાઉઝર્સથી. હનીમૂન પર તમે થોડાં ફ્રી રહેવાની ઈચ્છા કરશો તો ઓછામાં ઓછા બે જીન્સ જરૂર લઈ જાઓ. આજકાલ મંકીવોશ, બૂટફિટ અથવા લોએસ્ટ જીન્સનો જમાનો છે. બે જીન્સ લઈ જવાનું એટલા માટે કહ્યું કે એ સ્થળ એવું હશે જ્યાં તમે બે હશો. સાથે બે ટ્રાઉઝર સનસિલ્ક ક્વોલિટીના લઈ લેશો. કોઈપણ યુનિવર્સલ કલર એટલે કે કાળો અથવા ક્રીમ રંગમાં ચાલશે.

જીન્સ અને ટ્રાઉઝરની સાથે પહેરવા માટે જો તમે ઈચ્છો તો પ્રિન્ટેડ સ્પેગેટી સ્લીવલેસ ટોપ લઈ જઈ શકો છો. બસ, એ વાતનું ખાસ ધ્યાન રાખશો કે તમે જે સ્થળે જઈ રહ્યાં છો ત્યાંનું હવામાન કેવું છે.

જોકે શોર્ટ કુરતીનો ટ્રેન્ડ છે. કોટનની પ્લેન કુરતી જીન્સ અને ટ્રાઉઝર પર ઘણી સરસ લાગે છે અને તેમાં જો ભરતકામ કર્યું હોય તો વાત જ શી કરવી.

જ્યાં હબીનો સવાલ છે તો જનાબ તેમની હનીના પોશાક સાથે  મેચિંગ હોય તેવું જીન્સ લઈ લો. ઉપરથી સ્કિન ફિટ ટીશર્ટ અને જો તમે સ્લિમટ્રિમ હો તો હાફ અથવા ફુલસ્લીવ પ્લેન અથવા ચેક્સ શર્ટ લઈ લેશો. હનીમૂનમાં કલરફુલ વસ્જ્ઞાો પહેરશો તો મિજાજ પણ રોમેન્ટિક બની રહેશે અને ફોટા પણ સારા આવશે. હનીમૂનમાં બંને જીન્સ પહેરશો તો મોકળાશ અનુભવશો.

- જમાનો સ્કર્ટનો છે

હવે વાત કરીએ સ્કર્ટની. ના, મિની સ્કર્ટની નહીં, લોંગ સ્કર્ટની વાત કરીએ. એવી કટ અને કલરવાળું સ્કર્ટ લેશો જે તમારા ફિગર અને સ્કિનટોન સાથે મેળખાતું હોય. જો તમારું શરીર બેડોળ છે તો તમને 'એ' લાઈનનું સ્કર્ટ સારું લાગશે.  આમ પણ કાળા પોશાકમાં શરીર સ્લિમ દેખાય છે, પરંતુ હનીમૂનમાં માત્ર કાળા પોશાક ન લઈ જશો.

ઝેબ્રા પ્રિન્ટ સ્કર્ટની પણ ફેશન છે. આ સ્કર્ટની સાથે તમે સ્ટ્રાઈપ ટોપ અથવા તો પછી જયપુરી કુરતી ચિકન ભરતકામ સાથેની ફુલસ્લીવ અથવા સ્લીવલેસ કોઈપણ કુરતી પહેરી શકો છો. આજકાલ જીન્સ સ્કર્ટ અને ફિશકટ સ્કર્ટ પણ બજારમાં મળે છે. સ્કર્ટ આરામ તો આપે છે વળી કિંમત પણ ઓછી હોય છે.

હા, સાથે સ્ટોલ લેવાનું ભૂલશો નહીં. એ ઉપરાંત તમે ઈચ્છો તો કેપરી પણ લઈ જઈ શકો છો. પતિ માટે કેપરી અથવા તો થ્રીફોર્થ લોઅર પેક કરી લેશો. સાથે સફેદ, કાળા, લાલ કે ભૂરા રંગના બે-ત્રણ ટીશર્ટ લઈ લેશો.

- ઈવનિંગ ગાઉનમાં સ્વપ્નસુંદરી

સંધ્યાનો સમય છે. હોટલ અથવા રેસ્ટોરન્ટમાં ધીમી રોમેન્ટિક ધૂન વાગે છે. કેન્ડલ લાઈટ ડિનરનો સમય છે. મેડમ, જો તમે આ મધુર વાતાવરણમાં સેક્સી ઈવનિંગ ગાઉન પહેરશો તો સોનામાં સુગંધ ભળશે.

સફેદ વર્ક પર લાલ, ભૂરો અથવા કાળો ગાઉન, જો તમે તમારા 'એ'ને મદહોશ કરવા ઈચ્છતા હો તો સ્ટ્રેપલેસ અથવા ઝીણા સ્ટ્રેપ અથવા ટયૂબ સ્ટ્રેપવાળો ગાઉન પહેરશો. આજકાલ હોલ્ટરનેક, બોટનેકના ગાઉનની ફેશન ચાલે છે.

હા શ્રીમાન, જો તમારી હની સ્વપ્નસુંદરી બની. સાંજને રંગીન બનાવીને આંખનાં મારકણાં તીર ચલાવે છે તો તમે પણ તેને ઘાયલ કરનારા  રાજકુમાર બની જાઓ. તમે આવા વાતાવરણમાં સૂટબૂટમાં લોભામણાં લાગશો. સફેદ ડ્રેસને ભૂલી જાઓ.

જો તમને સલવારશૂટ પહેરવાનું પસંદ હોય તો જૂની ડિઝાઈન કરતાં નવી ડિઝાઈનનું શોર્ટ સૂટ વિથ પેરેલલ પહેરશો. કુરતી પેરેલલ ફેશનમાં છે. તેમાં વળી જો આભલાં જડેલાં હોય તો પછી પૂછવું જ શું! તેની સાથે મેળ ખાય તેવો સ્ટોલ ઘણો સારો રહેશે. જો તમે સાથે સાડી લઈ જવાની ઈચ્છા રાખતા હો તો ક્રેપ જોર્જેટ અથવા ટિશૂની સાડીઓ લઈ જાઓ. આમ તો ઓરગેંજી પણ સારી રહેશે, પણ તેના પર હોલ્ટરેક, બોટનેક, બેકલેસ, ચોળી સ્ટાઈલ દોરીવાળી, સ્લીવલેસ અથવા સ્ટ્રેપવાળું બ્લાઉઝ પહેરશો.

ચાંદની રાતનો પોશાક

ગરમ શ્વાસ, એની બાથમાં સમાઈ જવું એ જ તો હનીમૂનની અસલી રાત છે. તો મેડમ એ રાતને થોડી રમતિયાળ  અને રંગીન બનાવવી હોય તો સેક્સી નાઈટ ગાઉન સાથે લેવાનું ભૂલશો નહીં.

તમને જોઈ તમારા 'એ' બેચેન બને અને 'રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના...' ગાઈને તમારા પર પ્રેમ વરસાવે એવું નથી ઈચ્છતા? તેના હૈયાના ધબકારા માટે તમે નેટમાંથી બનાવેલો ગાઉન લઈ જઈ શકો છો. સી થૂ્ર ગાઉન... આ તેમના માટે ઉત્તેજક બની રહેશે. સફેદ, ગુલાબી, કાળો, ક્રીમ અથવા ભૂરા રંગની પસંદગી કરશો.

ગાઉન સિંગલ પીસ હોય કે ટૂ પીસ પરંતુ સિડક્ટિવ હોય, માદક હોય અને તમારા એને તમારા તરફ ખેંચી લે તેનો હોવો જોઈએ. આ દિવસો છે એકબીજામાં ખોવાઈ જવાના.

અન્ય વસ્ત્રો

સ્થળના હિસાબે નાનામોટા પોશાક જેવા કે સ્વિમસૂટ, શોર્ટ પેન્ટ, બાથિંગ ગાઉન તથા જો તમારા એ ઈચ્છે તો એક જોડી કુરતાપાયજામા પણ લઈ લો.

ઠંડીવાળા સ્થળે જતા હો તો પોશાક સાથે  મેચિંગ સ્વેટર ચટકીલા રંગના લઈ લેશો. ઈચ્છો તો શાલ પણ રાખી શકો છો. પછી તમને પ્રવાસ અને મોસમ તો સુંદર લાગશે જ અને હનીમૂનની મઝા બમણી થઈ જશે અને તમે બીજા-ત્રીજા હનીમૂન માટે તરસતા રહેશો.

થોડાં સૂચન

* જીન્સના વધુ પોશાક ન લેશો, કારણ કે  બેગ વજનદાર બનશે.

* થ્રી પીસ સૂટ ન લેશો. રાખવા અને પ્રેસ કરવાની ઝંઝટ રહેશે.

* ઘેરા રંગનાં કપડાં લેશો, બેવાર પહેરી શકશો.

* તંગ વસ્ત્રો ન લેશો, ફરવાની મજા બગડી જશે.

* કેટલા દિવસ જવાના છો તે મુજબ કપડાં લઈ જશો.

* સ્થળ અને મોસમ  અનુસાર કપડાં લઈ જશો.

* પતિને કુલી ન સમજશો. બને એટલાં કપડાં ઓછાં લેશો.