- ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે...
ઘરડી ડોશી અને પરીઓ તો' દૂરની વાત, જ્યાં
'મામાનું ઘર' પણ ગુગલ મેપમાં યાદ છે બાને હવે...
હાલરડાં પણ હવે ઓનલાઈન મળી જાય છે,
સ્ટેટસ અને લાઈક્સને સાચવતી બાને હવે....
- ગમે તેવો મોંઘો ફોન લઈને, લાખો રૂપિયાના ખર્ચે વિદેશ જઈને ખેંચેલી તસવીરો પણ એક વર્ષ ટકે છે. ફોનની મેમરી ભરાવા લાગે એટલે જૂના ફોટો ડિલિટ થાય છે અથવા તો ક્યાંક કોઈક ડ્રાઈવમાં સ્ટોર થઈ જાય છે. સ્મૃતિઓ એવી છે જે જગ્યા રોકતી નથી પણ મનમાં રહેલી ખાલી જગ્યાઓને સંવેદનાથી ભરી દે છે. હવે નહીં બદલાઈએ ને તો, આપણી પાસે બાળપણની સ્મૃતિઓ હતી પણ આપણી આગામી પેઢી પાસે સ્મૃતિઓના નામે માત્ર સેલ્ફિઓ જ હશે
વેકેશન શરૂ થઈ ગયું છે. બાળકો કંઈક રાહત શોધવાની ફિરાકમાં હશે, તેમને પોતાના માટે સમય જોઈતો હશે, થોડાઘણા કહેવાતા મિત્રો સાથે સમય પસાર કરવો હશે અથવા તો પોતાના રૂમમાં પૂરાઈ રહેવું હશે. બીજી તરફ બાળકને પોતાના સ્ટેટસ માટેનું રમકડું બનાવી નાખનારા માતા-પિતાઓને અને બાળકને સુપરહીરો બનાવવાની ઈચ્છા રાખનારા મા-બાપ હવે તેને કંઈક નવી એક્ટિવિટી કરાવવાની ફિરાકમાં ફરતા હશે. એક મહિના સુધી આ બાળકની સાથે એવું તો શું કરી નાખીએ કે આપણો સમાજમાં વટ પડી જાય. બાળક પાસે એવી તો શું એક્ટિવિટી કરાવી લઈએ જેથી મિત્રવર્તુળમાં, પરિવારમાં, સમાજમાં, આસપાસના લોકોમાં આપણે અને આપણું બાળક ચર્ચાનો, ઈર્ષાનો કે પછી પોતાના માટે અભિમાનનો વિષય બની રહે. તમે અને હું આ વાત સ્વીકારીશું નહીં પણ વાસ્તવિકતા તો આવી જ છે. આપણી નિષ્ફળતાઓનો ભાર આપણે આપણા બાળકો ઉપર નાખીએ છીએ અને બાળક બિચારું મજબુરીમાં બોલી શકતું નથી.
ખેર, આજે તો વેકેશનની વાત કરવી છે. આધુનિક, એડવાન્સ અને પોતાના અભ્યાસકાળમાં પરાણે પાસ થનારા માતા પિતા હાલમાં તેમના સંતાનો માટે સમરકેમ્પની શોધમાં લાગી ગયા હશે અથવા તો બધું પહેલેથી નક્કી થઈ ગયું હશે. સ્વિમિંગ, સ્કેટિંગ, ક્રિકેટ, ટેનિસ, કરાટે, જુડો, પિકલ બોલ, બેડમિન્ટન કે પછી અન્ય કોઈ એક્ટિવિટી. હવે તો કોડિંગ અને એઆઈ લનગના નવા તૂત આવી ગયા છે. બાળકોને બિચારાને પરીક્ષા પૂરી થવા આવે ત્યારે ઉત્સાહ હોય, જિજ્ઞાાસા હોય, ઉન્માદ હોય કે વેકેશનમાં આમ કરીશું... તેમ કરીશું પણ જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે સ્થિતિ કંઈક અલગ જ સ્વરૂપે ઊભી હોય છે. માતા-પિતા મોટાભાગે નોકરીયાત હોય એટલે એમ વિચારે કે આ છોકરો કે છોકરી રખડી ખાશે તેના કરતા એક્ટિવિટીમાં મૂકી આવીએ. આ એક્ટિવિટીએ બાળપણના લીરેલીરાં ઉડાડી દીધા છે.
આપણે પોતાના સંતાનોની સાથે સાવ પારકાં જેવો વ્યવહાર કરતા થઈ ગયા છીએ. આપણી પાસે વેકેશનની સ્મૃતિઓ છે. મામાના ઘરે જવાની, ખેતરોમાં ફરવાની, આંબાની ડાળેથી કેરીઓ તોડવાની અને બીજી ઘણી બધી. આજના આ બાળકો પાસે તો બાળપણ જીવવાનો પણ સમય નથી. કદાચ કરુણતા એવી પણ છે કે, તેમનું બાળપણ જીવવાનો સમય આપણે જ આપતા નથી.
વેકેશન વ્યસ્ત રહેવાનો નહીં આનંદ કરવાનો સમય છે. આ એવો સમય છે જ્યારે બાળક પોતાની જાત સાથે સમય પસાર કરે છે. હકિકતે તો આપણે થોડો સમય આપણી વ્યસ્તતામાંથી કાઢીને તેની સાથે પસાર કરવો જોઈએ. આપણે વ્યસ્તતાને છોડીને મુક્તતા તરફ આગળ વધવાના બદલે બાળકોને વધારે વ્યસ્ત કરવામાં લાગી જઈએ છીએ. બાળકને નથી વાર્તાઓ કહેતા કે નથી હાલરડાં ગાતા. આજનું બાળક મોબાઈલ કે ટેબ્લેટ પર ગીતો સાંભળીને સૂઈ જાય છે, રડવાનું બંધ કરી દે છે, મનોરંજન મેળવી લે છે અથવા તો થોડું સમજણું હોય તો ગેમ્સ રમીને સમય પસાર કરે છે. ધીમે ધીમે તે દરેક નાની-મોટી બાબતમાં સેલ્ફિઓ લેવા માંડે છે. અહીંયા ક્યાં તેને નિજાનંદ મળવાનો છે કે, તેની પાસે કોઈ સ્મૃતિઓ ભેગી થવાની છે.
આજના બાળક પાસે ઘરની બહાર જઈને, દોડપકડ રમવું, ખો ખો રમવી, સાતોલીયું રમવું, ગીલ્લી દંડા રમાવા, ભમરડા, લખોટી વગેરે રમવાનો સમય નથી અને મહાવરો પણ નથી. આધુનિક માતાપિતાએ સંતાનોને રૂમમાં તમામ ભૌતિક સુવિધાઓ આપી દીધી છે. બાળક ભૌતિકતા સાથે તાલમેલ સાધીને જીવતું થઈ જાય છે અને સમયાંતરે તેનામાં કુટુંબભાવના વિકસતી નથી. બાળકો પાસે મિત્રો ઓછા અને ગેજેટ્સ વધારે હોય છે. સમય ઓછો અને એક્ટિવિટી વધારે હોય છે. એક્ટિવિટી વધારે અને કનેક્ટિવિટી ઓછી છે. આ કારણે જ બાળકના મનમાં જિજ્ઞાાસા નથી, વાતોમાં વિસ્મય નથી અને રમતમાં રસ નથી. બીજી તરફ જો માતા-પિતા અને સંતાનો વેકેશન એન્જોય કરવાનું નક્કી કરે તો કોઈ હિલસ્ટેશન અથવા તો વિદેશ પ્રવાસે નિકળી પડશે. અઠવાડિયું, દસ દિવસ કે પંદર દિવસની ટૂર કરીને આવશે તેમાં ગણતરીના સ્મૃતિઓ હશે બાકી તો દરેકના ફોનમાં અઢળક ફોટાની સેલ્ફિઓ હશે.
વેકેશન એન્જોય કરવું તે પણ સ્ટેટસ સિમ્બોલ બનવા લાગ્યું છે. તેના માટે પણ સમાજમાં એક અકથ્ય અને અદ્રશ્ય સ્પર્ધા ચાલે છે. આપણે બીજાની આગળ સાબિત કરવાનું હોય છે કે, અમે વધારે સારી જગ્યાએ ફરવા જઈએ છીએ. અમે દરેક વેકેશનમાં વિદેશ જ જઈએ છીએ. અમને તો ફોરેન ડેસ્ટિનેશન જ ફાવે છે. ધીમે ધીમે આપણે માત્ર દંભ, ભૌતિકતા અને દેખાડા તરફ આગળ વધતા જઈએ છીએ. વિયેતનામ, દુબઈ, આંદામાન, સિંગાપુર, મલેશિયા, તુર્કી કે કોઈપણ ફોરેન ડેસ્ટિનેશન ઉપર જવું. ત્યાં અઢળક ફોટા પડાવવા અને તરત જ સોશિયલ મીડિયા ઉપર મુકી દેવા. તેનાથી વધારે કશું જ કરવું હોતું નથી.
આ જ વેકેશન મિલેનિયલ પેરેન્ટ્સ અને જનરેશન એક્સ કે જનરેશન વાયમાં આવતા લોકોએ ક્યારેય પોતાના વેકેશનને યાદ કર્યું છે. તેમની પાસે અઢળક વાતો, અઢળક સ્મૃતિઓ, અઢળક સંવેદનાઓ છે. તેમાંથી પાંચ ટકા પણ તેઓ પોતાના સંતાનોને આપી શકતા નથી. આ વખતે બાળકની સાથે વેકેશનને કંઈક અલગ રીતે ઉજવવાનું આયોજન કરવું જોઈએ. પ્લેનમાં બેસવાની કે, ફરવા ગયા હોય તે સ્થળની સેલ્ફિઓ ઓછી પડશેને તો ચાલશે પણ બાળકો સાથેની સ્મૃતિઓ વધારે લઈને આવીશું તો તેનો ભાર નહીં લાગે. આ વેકેશનમાં બાળકને આપણે જીવેલું બાળપણ આપવાનો પ્રયાસ કરીએ. વેકેશનમાં ફરવા જવાની રજા નથી મળતી તો એકાદ દિવસની રજા તેની સાથે સ્પેન્ડ કરીએ. દિવસમાં ઓછામાં ઓછું એક વખત પરિવાર સાથે બેસીને, ટીવી બંધ કરીને અને મોબાઈલ સાઈડમાં મૂકીને ભોજન કરીએ. બાળક થોડું સમજણું હોય તો તેને ઘરકામમાં મદદ કરતા શીખવીએ અને થોડો આગ્રહ રાખીએ કે તે મદદ કરે. તેનાથી તેની મદદ કરવાની અને સાથે કામ કરવાની વૃત્તિ જાગશે.
આ પેઢીને અખબાર વાંચવાની આદત પાડીએ. તેને મુક્ત રીતે રખડપટ્ટી કરવા દઈએ. તેને મિત્રના ઘરે કે પાડોશીના ઘરે રમવા જવા દઈએ. દાદા-દાદી સાથે રહેતા હોય તો વાંધો નથી પણ જો દૂર રહેતા હોય તો તેમની પાસે રહેવા મોકલીએ. આજનું બાળક દાદા કે દાદી સાથે પસાર કરેલા સમયને તેમની સાથે લીધેલી સેલ્ફિઓ કરતા વધારે યાદ કરશે. બાળક કિશોરાવસ્થા સુધી પહોંચવા આવ્યું હોય ત્યારે તેને શ્રમ અને કરકસરનું પણ મહત્ત્વ શીખવવું જોઈએ. તમે જીવેલા બાળપણના કિસ્સા તેને સંભાળાવો, તમે જે રમત રમતા હતા તેના વિશે સમજાવો, તમે જે જિંદગી જીવીને આવ્યા છો તેની વાતો કરો કારણ કે તમે અને હું જ્યારે નાના હતા ત્યારે સેલ્ફિની વ્યવસ્થા નહોતી. આપણે તો સ્મૃતિઓ જ મનમાં કંડારીને આગળ વધતા આવ્યા છીએ.
આ બાળકોને ધૂળમાં રમવા દેજો, રગદોળાના દેજો, ડસ્ટ એલર્જીના નામે તેને માતૃભુમીથી અલગ ન પાડશો. તેને રમવા દેજો, દોડવા દેજો અને પડવા પણ દેજો. આવું થશે ત્યારે જ તે જાતે ઊભા થતા પણ શીખશે. તેને નવા મિત્રો બનાવતા અને જૂના મિત્રો સાચવતા શીખવજો. તેને શક્ય હોય તો એકાદ વખત હોસ્પિટલ, અનાથઆશ્રમ કે વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જજો. તેને સમાજની વાસ્તકવિતાઓથી વાકેફ કરાવજો. તેને આપણા ગુજરાતી સાહિત્ય કે માતૃભાષાના સાહિત્યથી વાકેફ કરાવજો. અંગ્રેજી માધ્યમોમાં ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ભણનારી આ પેઢીને સમજાવજો કે જ્યારે અંગ્રેજો આ દેશમાં આવ્યા પણ નહોતા ત્યારે અહીંયા જોડકણાનો જમાનો હતો.
એક પાટી અને ગણતરીની પેનમાં આખું વર્ષ જીવી જવાતું હતું. મામાના ઘરે રમતા હતા, માસીના ઘરે ફરવા જતા હતા કે સમગ્ર મોસાળના લોકો ભેગા થઈને એકાદ દિવસ ફરવા જતા હતા તેવી લાગણીઓ આજે પણ આપણા મનમાં અંકિત છે કારણ કે આપણે સેલ્ફીઓને સાચવતા નહીં સ્મૃતિઓને વાગોળતા આવ્યા છીએ. તેને ફોન, ટીવી અને ટેબ્લેટની દુનિયામાં વિહરવા દેજો પણ સાથે સાથે વાસ્તવિક દુનિયાથી પણ તેનો પરિચય કરાવજો. મોબાઈલમાં ટેમ્પલરન ગમે રમનારા બાળકને શક્ય હોય તો અઠવાડિયે એકાદ વખત મંદિરે લઈ જજો. તેને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા શીખવજો. તમારું બાળપણ જ્યાં વિત્યું હોય કે જેમની સાથે વિત્યું હોય ત્યાં તેમને એકાદ વખત લઈ જજો જેથી સ્મૃતિઓનું સર્જન, સાચવણી અને સંવર્ધન તેમને સમજાય.
આપણી પાસે બાળપણની સ્મૃતિઓ હતી પણ આપણી આગામી પેઢી પાસે સ્મૃતિઓના નામે માત્ર ગેજેટ્સ અને સેલ્ફિઓ જ હશે. સાહેબ સેલ્ફિઓ તો જગ્યા ભરાવાથી ડિલિટ કરવી પડશે પણ આ મન અને મગજમાં રહેલી સ્મૃતિઓ ક્યારેય ડિલિટ થતી નથી અને કરવી પણ પડતી નથી. સ્મૃતિઓ અને સંવેદનાઓ તો કરોડો જીબીની મેમરી ધરાવતા મન અને મગજમાં સચવાયેલી છે. તેને એક ક્લિકમાં પાછી લાવવાની કુદરતી વ્યવસ્થા છે. ગમે તેવો મોંઘો ફોન લઈને લાખો રૂપિયાના ખર્ચે વિદેશ જઈને ખેંચેલી તસવીરો પણ એક જ વર્ષ ટકે છે. ફોનની મેમરી ભરાવા લાગે એટલે જૂના ફોટો ડિલિટ થાય છે અથવા તો ક્યાંક કોઈક ડ્રાઈવમાં સ્ટોર થઈ જાય છે. સ્મૃતિઓ એવી છે જે જગ્યા રોકતી નથી પણ મનમાં રહેલી ખાલી જગ્યાઓને સંવેદનાથી ભરી દે છે.


