Get The App

નિદ્રા સંબંધિત સમસ્યા માટે દૂધની ઉપયોગિતા

Updated: Oct 9th, 2023

GS TEAM

Google News
Google News
નિદ્રા સંબંધિત સમસ્યા માટે દૂધની ઉપયોગિતા 1 - image


- ઊંઘતા પહેલાં દૂધ પીવું એ વાસ્તવમાં ઝડપી ઊંઘ લાવવા, ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવા અને ઊંઘની વિકૃતિઓ જેમ કે અનિદ્રા અને અશાંત લેગ સિન્ડ્રોમનો સામનો કરવામાં મદદરૂપ બને છે. દૂધ પીવું એ સૂવાના સમયનું આ એક ઉત્તમ રૂટિન છે.  

સામાન્યપણે લોકો સારી ઊંઘ મળે એના માટે રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે. દૂધમાં ટ્રાઈપ્ટોફેન અને મેલાટોનિન જેવા મહત્વના ઘટકોની હાજરીને કારણે તેનામાં ઊંઘ આવે આવે ગુણધર્મ હોય છે.

વૈજ્ઞાાનિક અહેવાલોના આધારે નેચર જરનલમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં ૧.૬ ટકાથી ૫૬ ટકા લોકોમાં નિદ્રા સંબંધિત સમસ્ય હોય છે. કેટલાક  દેશો અને કેટલીક વસતીઓમાં તો નિદ્રા સંબંધિત સમસ્યા સતત વધ્યા જ કરે છે. આપણે અહીં એક ગ્લાસ ગરમ દૂધથી રાત્રે સારી ઊંઘ કેવી રીતે આવી જાય છે તેના કારણો જાણી લઈએ.

ઊંઘની ગુણવત્તા સુધારે છે

દૂધ અને દૂગ્ધ ઉત્પાદનોમાં ટ્રાઈપ્ટોફેન નામનું એમિનો એસિડ વધુ પ્રમાણમાં છે. આ એમિનો એસિડ શરીરમાં રહેલા પ્રોટીનને વિભાજિત કરે  છે. આથી દૂધનું સેવન કરવાથી આપણું શરીર ટ્રાઈપ્ટોફેનનો ઉપયોગ કરીને સેરોટોનિન અને મેલાટોનિન જેવા એન્ઝાઈમ ઉત્પન્ન કરે છે. આ બંને એન્ઝાઈમ મૂડને અસર કરતા હોવાથી ઊંઘવાના અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે અને પ્રભાવિત કરે છે. આથી જ દૂધના સેવનથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. કેટલાક કિસ્સામાં તો અનિદ્રા સંબંધિત સમસ્યામાં પણ લાભ કરે છે.

ઊંઘ લાવવા માટે શરીરનું તાપમાન વધારે છે

એક અભ્યાસ મુજબ ગરમ દૂધ ઝડપથી ઊંઘ આવવા માટે કારણભૂત બની શકે છે. એનું કારણ છે ગરમ દૂધ સમગ્ર શરીરમાં લોહીના પૂરવઠામાં વધારો કરે છે. એના કારણે શરીરનું તાપમાન સહેજ વધી જાય છે જે ઉત્તમ ઊંઘ માટે જરૂરી છે.

તાણમાં ઘટાડો કરે છે

અભ્યાસમાં જણાયું છે કે દિવસે દૂધ સેવનની સરખામણીએ રાત્રે દૂધનું સેવન કરવાથી ઊંઘ અને તાણ સંબંધિત ઊંઘની સમસ્યા પર વધુ સકારાત્મક અસર પડે છે. અભ્યાસમાં એવું જણાવાયું છે કે રાત્રે દૂધ પીવાથી તેનામાં રહેલા શામક ગુણો મજ્જાતંત્રને શાંત કરીને તાણમાં ઘટાડો કરે છે. ઉપરાંત ટ્રાઈપ્ટોફેન મેલાટોનિન અને સેરોટોનિનનું ઉત્પાદન વધારીને શરીરમાં તાણ ઓછી કરે છે.

સ્નાયુઓને આરામ આપે છે

એક અભ્યાસમાં  સ્નાયુઓને આરામ આપવાના દૂધના ગુણ વિશે જણાવાયું છે. અભ્યાસ મુજબ રાત્રે દૂધ પીવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને ઊંઘ પ્રેરે છે. જ્યારે સ્નાયુઓ રિલેક્સ થયા હોય અને તાણ ઓછી થઈ હોય તો કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોરમોનમાં ઘટાડો થાય છે જે મગજ અને શરીરને શાંત કરે છે અને ઊંઘ પ્રેરે છે.

ઊંઘ આવવાની સમસ્યાનું નિરાકરણ કરે છે

એક સંશોધનમાં જણાયું છે કે વ્યાયામ અને દૂધનું સંયોજન પુખ્ત વયના લોકોમાં ઊંઘ આવવાની તકલીફ સંબંધિત સમસ્યા દૂર કરે છે. વધતી વય સાથે શરીરમાં મેલાટોનિન અને સેરોટોનિનના સ્તર ઘટે છે જેના કારણે ઊંઘ આવવામાં તકલીફ થાય છે. એનાથી અનિદ્રા જેવી બીમારી લાગુ પડી જાય છે. ટ્રાઈપ્ટોફેનની હાજરીને કારણે દૂધ આ સમસ્યા દૂર કરી શકે છે કારણ કે ટ્રાઈપ્ટોફેન મેલાટોનિન અને સોરોટોનિનનું ઉત્પાદન વધારે છે જે વહેલી ઊંઘ આવવામાં સહાય કરે છે.

ઊંઘવા-જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે

દૂધ અને દૂગ્ધ ઉત્પાદનો જેવા અમુક ખોરાક ઊંઘવા-જાગવાના ચક્ર અથવા શરીરના સર્કેડિયન ચક્રને નિયંત્રિત કરે છે અને બહેતર ઊંઘ પ્રેરે છે. દૂધમાં બ્યુટેનિક એસિડ છે જે ઊંઘ સંબંધિત સમસ્યા ઓછી કરે છે. ઉપરાંત દૂધમાં રહેલા સેલેનિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા એન્ટીઓક્સીડન્ટ્સ જેવા ખનિજ તત્વો પણ ઊંઘની ગુણવત્તા સારી કરવા માટે જાણીતા છે.

અનિદ્રાની જટિલ સમસ્યાથી રક્ષણ આપે છે

ઊંઘ સંબંધિત સામાન્ય સમસ્યા અનિદ્રા વિશ્વની ૧૦થી ૩૦ ટકા વસતીમાં પ્રચલિત છે. કેટલીક વસતીમાં તો ૫૦થી ૬૦ ટકા જેટલી પ્રચલિત છે. એક અભ્યાસમાં જણાયું છે કે ગાબા, કેલ્શિયમ, પોટેશિયમ અને મેલાટોનિનની હાજરીને કારણે દૂધ જેવા કેટલાક કાર્યાત્મક ખોરાક ઊંઘને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. આ સંયોજનો ઊંઘને પ્રોત્સાહન આપવા અને ક્રોનિક ઇન્સોમ્નિયા અથવા રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જેવા સ્લીપ ડિસઓર્ડરના જોખમને રોકવા માટે આદર્શ છે.

રાત્રે ગરમ દૂધનું સેવન ઊંઘ પ્રેરક હોવા છતાં કેટલાક લોકોમાં તેની આડઅસર થઈ શકે છે.

-લેક્ટોઝ અસહિષ્ણુતા અથવા દૂધ પ્રોટીનથી એલર્જી ધરાવતી વ્યક્તિઓને દૂધ લાભ કરી શકશે નહીં. તેમના માટે કેમોમિલ જેવી હર્બલ ચા લાભદાયક સાબિત થઈ શકે.

-રાત્રે નિયમિત ગરમ દૂધ પીવાથી વજન વધવાની શક્યતા તો નથી, પણ કેટલાક અભ્યાસ જણાવે છે રાત્રે ખાવાથી અમુક વ્યક્તિઓમાં વજન વધી શકે છે.

-ડાયાબીટીસ હોય તેવી વ્યક્તિઓએ દૂધમાં કોઈપણ દૂગ્ધ ઉત્પાદનો અથવા સાકર જેવા પદાર્થો નાખવાનું ટાળવું. એનાથી બ્લડ સુગરના સ્તર વધી જાય છે. દૂધને દૈનિક આહારમાં સામેલ કરવા અગાઉ આરોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

-ઊંઘ સંબંધિત વિકૃતિઓ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને આ સ્થિતિઓને રોકવા અથવા તેનું સંચાલન કરવા માટે એકલા દૂધને અસરકારક માનવામાં આવતું નથી. આથી બહેતર પરિણામો માટે રાત્રે દૂધના સેવન ઉપરાંત વ્યાયામ પણ કરવો જોઈએ. ઉપરાંત અનિદ્રાની સમસ્યાના નિવારણ માટે વધુ પ્રમાણમાં દૂધ પીવાનું ટાળવું કારણ કે એમ કરવાથી વિપરીત પરિણામ આવી શકે.

ઊંઘતા પહેલાં દૂધ પીવું એ વાસ્તવમાં ઝડપી ઊંઘને પ્રોત્સાહન આપવા, ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવા અને ઊંઘની વિકૃતિઓ જેમ કે અનિદ્રા અને અશાંત લેગ સિન્ડ્રોમનો સામનો કરવામાં મદદ કરવા માટે સૂવાના સમયની એક ઉત્તમ પ્રથા છે. આમ છતાં જેને લેક્ટોઝની એલર્જી હોય તેણે દૂધનું સેવન ટાળવું જોઈએ. ઉપરાંત દૂધમાં સાકર જેવા કોઈપણ પદાર્થ ઉમેરવાનું પણ ટાળવું જોઈએ.  દૂધમાં ટ્રાઈપ્ટોફેન નામનું મહત્વનું ઘટક છે જે શરીરમાં મેલાટોનિન અને સેરોટોનિનમાં પરિવર્તિત થાય છે. આ બંને એન્ઝાઈમ સ્નાયુઓને રિલેક્સ કરે છે, તાણમાં ઘટાડો કરે છે અને બહેતાર ઊંઘ પ્રેરે છે.

- ઉમેશ ઠક્કર

Tags :